Apr 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1105

 

અધ્યાય-૧૦૯-રાક્ષસ અલંબુષનો વધ 


II संजय उवाच II अलंबुषं तथा युद्धे विचरंतमभीतवत I हैडीम्बिः प्रपयो तूर्ण विव्याध निशितैः शरैः II १ II

સંજય બોલ્યો-ફરી પાછો  આવીને રાક્ષસ અલંબુષ તે રીતે જ નિર્ભયની જેમ યુદ્ધમાં ઘુમવા લાગ્યો ત્યારે હિડિમ્બાપુત્ર ઘટોત્કચ તેની સામે ધસી ગયો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.તે વખતે બે રાક્ષસો વચ્ચે ઇન્દ્ર ને શમ્બરાસુર જેવું ભયંકર યુદ્ધ શરુ થયું હતું.ઘટોત્કચે,અલંબુષને વીસ નારાચ બાણોથી વિંધિંને સિંહની જેમ વારંવાર ગર્જના કરવા લાગ્યો.બંને રાક્ષસો માયા રચીને લગભગ સરખી રીતે જ યુદ્ધ કરતા હતા.બંને માયાયુદ્ધમાં કુશળ હતા.ઘટોત્કચ જે માયા ઉપજાવતો હતો તેનો અલંબુષ પોતાની માયાથી નાશ કરતો હતો.તે જોઈને ભીમસેન આદિ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.

પછી,તે અલંબુષ પર ચારે બાજુથી બાણોની વૃષ્ટિ થવા માંડી,પણ તેણે તે અસ્ત્રવેગનો પોતાની અસ્ત્રમાયાથી નાશ કરી દીધો.ને તેણે ભીમ,યુધિષ્ઠિર,સહદેવ,નકુલ અને દ્રૌપદીના પાંચ પુત્રોને અનેક બાણો છોડીને વીંધી નાખ્યા.તો સામે તે સર્વેએ અલંબુષને અનેક બાણોથી વીંધ્યો.ઘટોત્કચે પચાસ બાણોનો પ્રહાર કરીને તેને વીંધીને પોતે મહાગર્જના કરવા લાગ્યો.વિજયની ઈચ્છાવાળા તે સર્વ પાંડવોએ તે રાક્ષસ પર જોશભેર મારો ચલાવ્યો ત્યારે તે મરણતોલ થઇ ગયો ને 'હવે શું કરવું?'તેની તેને ગમ પડી નહિ.તેને આ દશામાં જોઈને ઘટોત્કચે તેનો વધ કરવાનો મનમાં વિચાર કર્યો ને તરતજ તેના રથ પાસે જઈને તે રાક્ષસને બરાબર પોતાના હાથમાં પકડ્યો ને તેને રથમાંથી ખેંચી કાઢ્યો.


પછી ઘટોત્કચે તે અલંબુષને બે હાથ વડે ઊંચો ઉછાળ્યો ને વારંવાર ગોળ ચક્કર ફેરવ્યો અને અત્યંત વેગથી પૃથ્વી પર પથ્થરમાં પછાડી તેના ટુકડે ટુકડા કરી દીધા.વીર ઘટોત્કચે તે અલંબુષને કાંટાવાળા સાલવૃક્ષની જેમ ભાંગી ભુક્કો કરી નાખ્યો કે જેથી તેનાં સર્વ અંગો છિન્નભિન્ન થઇ ગયાં હતાં ને તેના હાડકાંઓનો ચૂરો થઇ ગયો હતો,કે જેથી તે ભયંકર દેખાતો હતો.આમ તે રાક્ષસ મરણ પામ્યો ત્યારે પાંડવોનાં મન પ્રફુલ્લિત થઇ ગયાં ને તેઓ સિંહનાદો કરવા લાગ્યા.તો તમારા પક્ષના યોદ્ધાઓ હાહાકાર કરવા લાગ્યા ને તે રાક્ષસને કુતુહલતાથી જોવા લાગ્યા.ઘટોત્કચે જયારે તે દુષ્કર કર્મ કર્યું ત્યારે બાંધવો સહીત તેના પિતાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા.સર્વના સિંહનાદોનો ધ્વનિ છેક સ્વર્ગમાં અથડાયો (37)

અધ્યાય-109-સમાપ્ત