Apr 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1106

 

અધ્યાય-૧૧૦-યુધિષ્ઠિરનો ગભરાટ 


II धृतराष्ट्र उवाच II भारद्वाजं कथं युद्धे युयुधानो न्यवारयत् I संजयाचक्ष्य तत्वेन परं कौतूहलं हि मे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં સાત્યકિએ,દ્રોણાચાર્યને કેવી રીતે અટકાવ્યા,તે સાંભળવાનું મને ઘણું કુતુહલ છે.'

સંજય બોલ્યો-હે રાજન,સાત્યકિ આદિ પાંડવ યોદ્ધાઓ સાથે દ્રોણાચાર્યનો રુંવાં ખડાં થઇ જાય તેવો મહાન સંગ્રામ થયો હતો.

સાત્યકિ પોતાની સેનાનો સંહાર કરી રહ્યો હતો તે જોઈને દ્રોણાચાર્ય એકદમ સાત્યકિ સામે ધસી ગયા ને પાંચ તીક્ષ્ણ બાણો વડે તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ પચાસ નારાચ બાણોનો પ્રહાર કર્યો ને તેમને વીંધ્યા.કોપાયમાન થયેલા દ્રોણાચાર્ય સાત્યકિ પર એટલા બધા પ્રહાર કર્યા કે સાત્યકિને 'હવે શું કરવું?'તેની સૂઝ રહી નહોતી.તેનું મોં ઉતરી ગયું હતું.

સાત્યકિને સંકટમાં આવેલો જોઈને યુધિષ્ઠિર સર્વ સૈન્યોને કહેવા લાગ્યા કે-'હે યોદ્ધાઓ,જેમ,રાહુ સૂર્યને ગળી જાય છે તેમ આ દ્રોણાચાર્ય સાત્યકિને ગળી રહ્યા છે માટે તમે બધા તે સ્થળે ધસી જાઓ.' વળી,તેમણે ધૃષ્ટદ્યુમ્ન અને ભીમને પણ ત્યાં ધસી જવાની આજ્ઞા કરીને પોતે પણ ત્યાં ધસી ગયા.તુમુલ યુદ્ધ શરુ થયું.દ્રોણાચાર્ય સર્વ ધનુર્ધરોને બાણોથી એવા પીડવા માંડ્યા હતા કે તે સર્વને માટે કોઈ રક્ષક ત્યાં હતો નહિ.તેમણે ધૃષ્ટદ્યુમ્નના પચીસ માનીતા પાંચાલ મહારથીઓને મારી નાખ્યા.બીજા એકસો વીર કેકય યોદ્ધાઓનો સંહાર કરીને તે દ્રોણાચાર્ય કાળની જેમ રણમાં ઉભા રહ્યા હતા.તે દ્રોણાચાર્યે તે વખતે સેંકડો તથા હજારો પાંચાલોનો,સૃન્જયોનો,મત્સ્યો ને કેકયોનો પરાજય કર્યો હતો.ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો.


તે વખતે,યુધિષ્ઠિરે ત્યાં એકાએક શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખનો નાદ સાંભળ્યો.જે સ્થળે જયદ્રથના રક્ષક યોદ્ધાઓ યુદ્ધ કરી રહ્યા હતા,તે સ્થળે શ્રીકૃષ્ણે અત્યંત જોરથી તે શંખ વગાડ્યો હતો.ત્યાં જોતજોતામાં અર્જુનના રથ આગળ કૌરવોના નાદ સંભળાવા લાગ્યા ને ગાંડીવનો ઘોષ સંભળાતો બંધ થયો.એટલે યુધિષ્ઠિર શોક્ગ્રસ્ત થઈને વિચારવા લાગ્યા કે-'અવશ્ય આ સમયે અર્જુન ક્ષેમકુશળ નથી,કારણકે પાંચજન્ય શંખનો ઘોષ સંભળાય છે ને કૌરવો વારંવાર હર્ષમાં આવી ગર્જનાઓ કરે છે.'

એ પ્રમાણે વિચાર કરીને તે શિનિશ્રેષ્ઠ સાત્યકિને કહેવા લાગ્યા કે-


'હે સાત્યકિ,સત્પુરુષોએ આપત્તિકાળે મિત્રને સહાય કરવા સંબંધનો જે મૈત્રીધર્મ દર્શાવ્યો છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.અત્યારે તારાથી ઉત્તમ ને નિકટ સુહૃદ મને કોઈ દેખાતો નથી,તું પાંડવોનું હિત કરવામાં હંમેશાં તત્પર રહે છે,આ સમયે હું તારા પર જે ભાર મુકવા માગું છું તેને ઉઠાવી લેવા તું યોગ્ય છે,તારા મિત્ર,ભાઈ,અથવા ગુરુ એવા અર્જુનને આ સંકટ સમયે તું સહાય કર.હે શૂરવીર,તું શૂરવીર,સત્યવ્રતવાળો ને મિત્રોને અભય આપનારો છે.આવી ભયંકર ધમાધમીમાં ઘૂમી રહેલા એ અર્જુનનું રક્ષણ કરનાર તારા સિવાય બીજો કોઈ આપણા સૈન્યમાં નથી.અર્જુન પણ તારાં સેંકડો કર્મોનાં વખાણ કરીને મને હર્ષ ઉપજાવતો રહ્યો છે.તે કહેતો હતો કે-'મોટો પરાક્રમી સાત્યકિ,મારો શિષ્ય ને પ્રિય મિત્ર છે.હું પણ તેને પ્રિય છું આ રણમાં મને સહાય કરીને તે કૌરવોનો નાશ કરશે.જોકે આપણે માટે કેશવ,બલરામ,અનિરુદ્ધ,પ્રદ્યુમ્ન આદિ સર્વ યાદવો આ સંગ્રામમાં સહાય કરવા માટે સજ્જ થાય તેમ છે તો પણ વીર સાત્યકિને હું સહાય માટે યોજીશ'


હે સાત્યકિ,આ વખતે,દુર્યોધન,દ્રોણાચાર્યે બાંધેલું કવચ ધારણ કરીને એકાએક અર્જુન સામે ચઢી ગયો છે,વળી અર્જુનના રથ આગળ અતિ મોટો નાદ સંભળાય છે,માટે તું શીઘ્ર અર્જુન પાસે જવાને યોગ્ય છે.સર્વ મહારથી યોદ્ધાઓ પોતાના સૈન્યો સાથે અર્જુનને ઘેરી વળ્યા છે,અવશ્ય આ સૈન્યનું વારણ થઇ શકે તેમ નથી.અને તેથીજ જયદ્રથને જીતી શકાય તેમ નથી.

સિંધુરાજ અને દ્રોણાચાર્યનું સૈન્ય એટલું બધું છે કે ઇન્દ્ર પણ એકવાર પીડા પામી જાય.એ અપાર સૈન્યમાં અર્જુન દાખલ થયો છે,ત્યાં તે પોતાના જીવિતનો પણ ત્યાગ કરે.હાય,રણમાં જો તે માર્યો જાય તો મારા જેવો કેમ જીવી શકે? અર્જુન સૂર્યોદય થતાં જ તે સેનામાં પેઠો છે ને અત્યારે આ દિવસ નમવાની પણ તૈયારીમાં છે.


આથી,હે યાદવવંશી સાત્યકિ,હવે મને ખબર પડતી નથી કે અર્જુન જીવે છે કે મરણ પામ્યો છે.કૌરવોનું સૈન્ય સમુદ્ર સમાન છે ને અર્જુન એકલો જ એ સેનામાં યુદ્ધ કરવા પેઠો છે,આથી મને આજે યુદ્ધ કરવાની જરા પણ વૃત્તિ થતી નથી.આ તરફ દ્રોણાચાર્ય મારા સૈન્યને પીડી રહ્યા છે તે તું જુએ છે.આમ,એકી સાથે આવી પડેલાં અનેક કાર્યોમાં પહેલું કયું કરવું?તેનો વિચાર કરવામાં તું કુશળ છે.જોકે હું તો અર્જુનના રક્ષણરુપ કાર્યને જ હાલ મોટું માનું છું.શ્રીકૃષ્ણ તો એકીસાથે આવેલા ત્રણે લોકોને જીતવાને સમર્થ છે,પણ જો અનેક યોદ્ધાઓ એકત્ર થઈને અર્જુનને પીડી નાખે તો કદાચ તે પ્રાણોનો ત્યાગ કરે.આથી હું તેનો શોક કરું છું,માટે તું મારી પ્રેરણાથી તારા મિત્ર અર્જુનને સહાય કરવા માટે જા.


હે સાત્યકિ,તું અસ્ત્રો મુકવામાં શ્રીકૃષ્ણ સમાન છે,બળમાં બળરામ સરખો છે ને સર્વ યુદ્ધોમાં કુશળ છે.તારા માટે આ લોકમાં કંઈ પણ અશક્ય નથી.યાદવો રણમાં કદી પોતાના જીવિતની રક્ષા કરતા નથી.યુદ્ધ ન કરવું,રણમાં ઉભા ન રહેવું તથા રણમાંથી પલાયન થવું-એ ભીરુ પુરુષોના દુષ્ટ માર્ગને યાદવો કદી સેવતા નથી.હે તાત,અર્જુન તારો ગુરુ છે ને શ્રીકૃષ્ણ અર્જુનના ગુરુ છે.આ બંને કારણો તરફ લક્ષ્ય કરીને જ હું તને આ બાબતમાં કહી રહ્યો છું.તારે મારા આ વચનોની અવગણના ન કરી જોઈએ કેમ કે હું તારા ગુરુનો પણ ગુરુ છું,વળી,હું જે કહું છું તે વાસુદેવ અને અર્જુનને પણ માન્ય છે.આ બધું મેં સત્ય જ કહ્યું છે માટે હે સાત્યકિ,તું જ્યાં અર્જુન છે ત્યાં જા અને દુર્યોધનના સૈન્યમાં પ્રવેશ કર ને તારું પરાક્રમ દેખાડ (103)

અધ્યાય-110-સમાપ્ત