Jun 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1161

 

અધ્યાય-૧૬૩-રાત્રિયુદ્ધ ચાલુ-દીવા પ્રગટાવ્યા 


II संजय उवाच II वर्तमाने तथा युद्धे घोररूपे भयावहे I तमसा संघृते लोके रजसा च महीपते II १ II

સંજય બોલ્યો-હે મહીપતે,જયારે ભયકારી અને ઘોર સ્વરૂપનું એ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સર્વ લોક અંધકાર અને રજથી ઢંકાઈ ગયો હતો.રણમાં પરસ્પર ગોઠવાયેલા યોદ્ધાઓ એકબીજાને જોઈ શકતા નહોતા,કેવળ અનુમાન અને નામોચ્ચારણ આદિ સંજ્ઞાઓને આધારે જ એ મહાન યુદ્ધ વૃદ્ધિ પામ્યે જતું હતું.અનેક મનુષ્યો,હાથીઓ અને ઘોડાઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ તરફથી દ્રોણાચાર્ય,કર્ણ અને કૃપાચાર્ય ને પેલી તરફથી ભીમ,ધૃષ્ટદ્યુમ્ન ને સાત્યકિ અન્યોન્યના સૈન્યને ખળભળાવી રહ્યા હતા,ને ચોતરફથી સૈન્યનો વિનાશ કરી રહ્યા હતા.અંધારા પ્રદેશમાં સૈનિકો નાસભાગ કરતા હતા અને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા.નાસતા નાસતા પણ તેઓ સંગ્રામમાં માર્યા જતા હતા.

ત્યારે દ્રોણાચાર્યે મરણ પામતાં બાકી રહેલાં સર્વ સૈન્યોને બરાબર ગોઠવાઈ જવાની આજ્ઞા કરી ને પુનઃ વ્યૂહરચના ગોઠવી.એ વ્યૂહમાં દ્રોણાચાર્ય સૌથી આગળ,મધ્ય ભાગમાં શલ્ય,અશ્વત્થામા,કૃતવર્મા તથા શકુનિ ઉભા હતા,દુર્યોધન પોતે બધા સૈન્યોનું રક્ષણ કરતો ચારે બાજુ ફરી રહ્યો હતો.દુર્યોધને સર્વ રાજાઓને શાંત થવાની સૂચના કરી પાયદળના યોદ્ધાઓને આજ્ઞા કરી કે-'તમે બધા આયુધોને છોડીને હાથમાં પ્રજ્વલિત દીવા ગ્રહણ કરો' વળી,તે વખતે આકાશમાં રહેલા દેવો,ઋષિઓ,ગંધર્વો-આદિ સર્વેએ પણ સુગંધી તેલથી ભરેલા દીવાઓ સળગાવ્યા,તે સેનાના પ્રત્યેક રથમાં પાંચપાંચ દીવાઓ,હાથી પાસે ત્રણત્રણ દીવાઓ ને ઘોડાઓ આગળ એક દીવો મુકવામાં આવ્યા.તેથી તે દીવાઓએ તમારી સેનાને ઝટ અજવાળી કરી દીધી.


હે રાજન,આપણા સૈન્યને એ પ્રમાણે પ્રકાશિત થયેલું જોઈને પાંડવોએ પણ પોતાના સર્વ સૈન્યોમાં દીવા પ્રગટાવવા આજ્ઞા આપી.તેમની સેનામાં હાથીએ હાથીએ સાત દીવાઓ,રથે રથે દશ દીવાઓ,ઘોડાઓની પીઠ પર બે બે,તેમજ ઉપર,પડખે,ધજાઓ પર તથા પાછળના ભાગમાં પણ કેટલાએક દીવાઓ ગોઠવી દીધા હતા.વળી,સર્વ સેનાના પડખાના,પાછળના,આગળના અને મધ્ય ભાગમાં-એમ ચારે બાજુ મસાલોને હાથમાં લઇ ઘૂમી રહેલા પદાતિઓએ તેમના સૈન્યને ઝગઝગાટ કરી મૂક્યું હતું.દીવાઓથી બંને સૈન્યો દીપી રહ્યા હતા.ને તે સૈન્યોના મધ્યમાં રહેલા દ્રોણાચાર્ય પ્રજ્વલિત થયેલા અગ્નિની જેમ પાંડવોને તપાવી રહ્યા હતા. (38)

અધ્યાય-163-સમાપ્ત