અધ્યાય-૫૩-અર્જુન અને સંશપ્તકો
II संजय उवाच II वर्तमाने तथा युद्धे क्षत्रियाणां निमज्जने I गाण्डिवस्य महाघोषाः श्रूयते युधि मारिष II १ II
સંજય બોલ્યો-હે રાજા,ક્ષત્રિયોના વિનાશ કરનારું તે યુદ્ધ એ પ્રમાણે ચાલી રહ્યું હતું,તેમાં બીજી તરફથી ગાંડીવનો મહાન ટંકારવ સંભળાતો હતો.તે સ્થળે અર્જુન,સંશપ્તકોનો,કોસલોનો તથા નારાયણી સૈન્યનો ઘાણ વાળી રહ્યો હતો.સંશપ્તકોની બાણવૃષ્ટિનો નાશ કરતો તે અર્જુન મોટામોટા રથી યોદ્ધાઓનો સંહાર કરતો રથ સેનામાં દાખલ થઈને સુશર્મા પાસે જઈ પહોંચ્યો ને તેના પર બાણોનો મારો ચલાવવા લાગ્યો.ત્યારે સુશર્માએ દશ બાણોથી અર્જુનને વીંધ્યો,શ્રીકૃષ્ણની જમણી ભુજામાં પ્રહાર કર્યો ને એક ભલ્લ બાણથી અર્જુનના ધ્વજને વીંધી નાખ્યો,એટલે વિશ્વકર્માએ બનાવેલો મહાન વાનરરાજ અતિ મહાન શબ્દથી કિકિયારીઓ પાડવા લાગ્યો,જેના શબ્દથી તમારી સેનાએ અત્યંત ત્રાસી ગઈ અને ભયમાં આવી નિશ્ચેટ થઇ પડી.
તે સર્વ યોદ્ધાઓને પાછું ભાન આવ્યું ત્યારે તેઓ અર્જુનને ચારે બાજુથી ઘેરીને તેના પર બાણવૃષ્ટિ કરવા લાગ્યા.ઘણા યોદ્ધાઓ અર્જુનના રથની નજીક જઈને શ્રીકૃષ્ણની ભુજાઓને વળગી પડ્યા હતા ને કેટલાક અર્જુનને વળગીને મોટી બૂમો પાડવા લાગ્યા ત્યારે.શ્રીકૃષ્ણે પોતાના બંને હાથોને વીંઝીને તે યોદ્ધાઓને જમીન પર ફેંકી દીધા.પોતાને શત્રુઓના પંજામાં સપડાયેલો જોઈને અર્જુને પોતાના રથ પર ચઢી આવેલા યોદ્ધાઓને 'પાસે રહીને પ્રહાર કરવાનાં બાણો' વડે ઢાંકી દીધા ને તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે-
'હે માધવ,આ અનેક સંશપ્તક ટુકડીઓ હજારોની સંખ્યામાં નાશ પામે છે છતાં કેવું દારુણ કર્મ કરી રહી છે !ખરેખર,મારા સિવાય બીજો કોઈ પણ પુરુષ આવા ઘોર રથબંધનને સહન કરે' આમ કહી તેણે પોતાનો દેવદત્ત શંખ વગાડ્યો અને દ્યાવાભૂમિને જાણે પુરી દેતા હોય તેમ શ્રીકૃષ્ણે પણ પાંચજન્ય શંખ વગાડ્યો.
એ શંખોના અવાજથી સંશપ્તકોની સેનાએ ખળભળી ઉઠી અને અત્યંત ભયભીત થઈને રણમાંથી નાસવા લાગી.પછી,અર્જુને ત્યારે વારંવાર નાગાસ્ત્ર પ્રગટ કર્યું અને સર્વ યોધ્ધાઓના પગને જકડી લીધા.પગમાં વીંટાઈ ગયેલા ને નિશ્ચેટ થયેલા તે યોદ્ધાઓનો અર્જુન સંહાર કરવા લાગ્યો ત્યારે પોતાની સેનાને આમ જોઈને સુશર્માએ એકદમ ગરુડાસ્ત્ર પ્રગટ કર્યું.ત્યારે અનેક ગરુડ પક્ષીઓ આવી સર્પોને ખાઈ જવા લાગ્યા.હવે નાગપાશમાંથી મુક્ત થયેલું સૈન્ય ફરીથી અર્જુન સામે સંખ્યાબંધ શસ્ત્રો ફેંકવા લાગ્યું.પણ અર્જુને તે સર્વ શસ્ત્રોનો વિનાશ કરી નાખ્યો.હવે સુશર્માએ મજબૂત બાણોથી અર્જુનને સારી પેઠે વીંધી નાખ્યો.અત્યંત વીંધાયેલો અર્જુન મૂર્છિત થઈને રથની બેસણી પર બેસી ગયો ત્યારે સર્વ સંશપ્તક યોદ્ધાઓ 'અર્જુન મરાયો' એવી બૂમો મારવા લાગ્યા,તે સાંભળીને મોટા શંખનાદો ને સિંહનાદો થવા લાગ્યા.
થોડાક જ સમયમાં અર્જુન મૂર્છામાંથી સાવધ થયો અને તેણે તુરત જ ઇન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું.કે જેમાંથી હજારો બાણો ઉત્પન્ન થઇ ગયા અને સર્વ દિશાઓમાં સેંકડો રથો ને ઘોડાઓનો વિનાશ થઇ ગયો.એ વખતે તે સૈન્યનો આવો સંહાર થઇ ગયો ત્યારે સંશપ્તક તથા ગોપાલ યોદ્ધાઓની ટુકડીમાં તેવો એક પણ યોદ્ધો ત્યાં નહોતો કે અર્જુન સામે ઉભો રહીને તેની સાથે યુદ્ધ કરે.હે રાજન તે વખતે મારા જોવામાં આવ્યું હતું કે-સંહાર થતું તે સૈન્ય પરાક્રમ કરવામાં તદ્દન સ્તબ્ધ થઇ ગયું હતું.તે યુદ્ધમાં અર્જુન દશ હજાર યોદ્ધાઓનો સંહાર કરીને અગ્નિની જેમ પ્રકાશતો હતો.છતાં બાકી રહેલા ચૌદ હાજર રથીઓ,દશ હજાર ઘોડેસ્વારો ને ત્રણ હજાર હાથીસવારો 'મરવું કે વિજય મેળવવો,પાછા હટવું નહિ'એવો નિશ્ચય કરીને અર્જુનની આસપાસ વીંટાઈ વળ્યા ત્યારે અર્જુન અને તે યોદ્ધાઓનું પુનઃ મહાન યુદ્ધ થવા લાગ્યું (46)
અધ્યાય-53-સમાપ્ત
