Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts
Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts

Dec 21, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-18-Moksh-Sanayas Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-18-મોક્ષ-સંન્યાસ-યોગ




અર્જુન કહે : હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘ સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 
’ ત્યાગ ’ શબ્દ નો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)


શ્રી ભગવાન બોલ્યા : કેટલાક સુક્ષ્મદર્શી પંડિતો કામ્યકર્મો ના ત્યાગને ’સન્યાસ’કહે છે જયારે વિદ્ધાનો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે.(૨)    


કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે. આથી તેનો ત્યાગ કરવો.જયારે કેટલાક 
પંડિતો કહે છે કે યજ્ઞ,દાન.તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહિ .(૩)


હે ભરતશ્રેષ્ઠ ! એ ત્યાગ વિષે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું સાંભળ.
હે પુરુષવ્યાઘ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે.(૪) 


યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ  ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ.
યજ્ઞ, દાન અને તપ  ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)


હે પાર્થ !  એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ
એવો મારો નિશ્વિત અને ઉત્તમ અભિપ્રાય છે.(૬)


નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.(૭)


કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે.
એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.(૮)


હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને 
જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.(૯)


સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાન વાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય 
તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી.વળી તે વિહિત કર્મમાં આશક્ત થતો નથી.(૧૦)


દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી.માટે
જે કર્મફળ નો ત્યાગ કરનારો છે, તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે.(૧૧)


કર્મફળના ત્યાગ ન કરનાર ને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ 
પ્રાપ્ત થાય છે. પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી.(૧૨)


હે મહાબાહો ! કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વ કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા
છે તે મારી પાસેથી સમજી લે.(૧૩)


સુખદુઃખાદિનો આશ્રય કરનાર દેહ, જીવાત્મા, જુદી જુદી ઇન્દ્રિયો, પ્રાણપાનાદિ વાયુના નાના પ્રકારની
ક્રિયાઓ અને દૈવ (એટલેકે  વાયુ, સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ) આ પાંચ કારણો છે.(૧૪)


પુરુષ દેહ, મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મ રૂપ પણ કર્મનો પ્રારંભ કરેછે,
તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે.(૧૫)


તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કર્તા માને છે, સમજે છે તે - દુર્મતિ,
અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી.(૧૬) 


હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો 
વધ કરી  નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.(૧૭)  


જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ (મન અને બુદ્ધિ સહિત દશ ઇન્દ્રિયો )
કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે.(૧૮)


સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન,કર્મ તથા કર્તા સત્વાદિ ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે.
તે ભેદ ને યથાર્થ રીતે તું સાંભળ.(૧૯)


જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે 
તે જ્ઞાનને તું સાત્વિક જાણ.(૨૦) 


વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે 
તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.(૨૧)


વળી જે જ્ઞાન એક કર્મ માં પરિપૂર્ણ ની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થ થી રહિત 
તથા અલ્પ વિષય વાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨) 


ફળની ઈચ્છા ન રાખતાં જે નિત્ય નૈમિત્તિક કર્મો, કર્તુત્વ ના અભિમાનના ત્યાગ પૂર્વક રાગ-દ્વેષ 
રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે.(૨૩) 


વળી સ્વર્ગાદિ ફળની કામનાવાળા તથા અહંકાર વાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે,
તે રાજસ કહ્યું છે.(૨૪)


જે કર્મ પરિણામ નો, હાનિનો, હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી 
આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. (૨૫)


ફળની ઈચ્છા વગરનો. ‘ હું કર્તા છું.’ એમ નહિ કહેનારો, ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં 
વિકાર રહિત કર્મ કરનારો, સાત્વિક કહેવાય છે.(૨૬)



રાગી, કર્મફળની ઇચ્છાવાળો, લોભી,હિંસા કરવાવાળો,અપવિત્ર તથા હર્ષ-શોકવાળા કર્તાને રાજસ 
કહેવામાં આવે છે.(૨૭)   


અસ્થિર ચિત્તવાળો, અસંસ્કારી, ઉદ્ધત, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ,વિષાદ કરવાના 
સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કર્તા તામસ કહેવાય છે.(૨૮)  


હે ધનંજય ! બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણ પણે જુદાં જુદા 
કહેવાય છે, તે તું સાંભળ.(૨૯)


હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન 
તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.(૩૦) 


હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.(૩૧) 


હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે,
તે તામસી બુદ્ધિ છે.(૩૨)


હે પાર્થ ! ચિત્તવૃતિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહિ થનારી ધીરજથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની 
ક્રિયાને ધારણ કરે છે. તે ધૈર્ય સાત્વિક કહેવાય છે.(૩૩) 


હે પાર્થ ! વળી પ્રસંગાનુસાર ફળની કામનાવાળો થઇ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે 
ધૈર્ય રાજસી છે.(૩૪)


હે પાર્થ ! ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન, ભય, વિષાદ તથા મદ ને પણ ત્યજતો નથી તે 
ધૈર્ય તામસી છે.(૩૫) 


હે ભરત શ્રેષ્ઠ ! હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખને સાંભળ.જે સમાધિસુખમાં અભ્યાસથી રમણ 
કરે છે તથા દુઃખ ના અંત ને પામે છે.(૩૬) 


જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી 
ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે.(૩૭)


જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગ થી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી 
પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખ ને રાજસ કહ્યું છે.(૩૮)


જે સુખઆરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું, નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે 
તે સુખ તામસ કહ્યું છે. (૩૯) 


પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા 
પદાર્થ પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)  


હે પરંતપ ! બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે 
જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)


શમ, દમ, તપ,શૌચ, ક્ષમા, સરલતા તેમજ જ્ઞાન, વિજ્ઞાન,આસ્તિક્યપણું એ સ્વભાવ જન્ય બ્રાહ્મણોનાં 
કર્મ છે.(૪૨)  


શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન 
એ ક્ષત્રીયનાં સ્વાભાવિક કર્મો છે. (૪૩)


ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.અને આ ત્રણે વર્ણ ની સેવારૂપ કર્મ શુદ્રનું 
સ્વાભાવિક કર્મ છે.(૪૪)  


પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે.પોતાના કર્મમાં તત્પર રહેલો
મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)


જેનાથી ભૂતોની ઉત્પતિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ
કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે.(૪૬)


સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે.સ્વભાવજન્ય
શાસ્ત્રાનુસારકર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી.(૪૭)


હે કાન્તેય  !  વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્દભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું.
કારણકે સર્વકર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલો રહે છે તેમ દોષ
વડે ઢંકાયેલાં રહે છે.(૪૮)


સ્ત્રી-પુત્રાદિ સર્વ પદાર્થો વિષે આસક્તિ રહિત બુદ્ધિવાળો, અંત:કરણ ને વશ રાખનારો, વિષયો તરફ
સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે.(૪૯)  


હે કાન્તેય  ! નૈષ્કર્મ્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ
નિષ્ઠા  છે. તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ.(૫૦)


શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા
રાગદ્વેષનો ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.(૫૧)


એકાંત સેવનારો, અલ્પભોજન કરનારો, વાણી, દેહ તથા મનને વશમાં રાખનારો,દરરોજ ધ્યાન ધરનારો
એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે.(૫૨)


તથા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મસાક્ષાત્કાર
માટે યોગ્ય બને છે.(૫૩)


બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી. અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી.
સર્વ ભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે.(૫૪)


ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે જે મને તત્વથી જાણે છે, તે ભક્તિ વડે મને તત્વથી જાણીને
ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે.(૫૫)


સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને
પામે છે.(૫૬)


વિવેકબુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી - મારા પરાયણ થઇ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર
મારા વિષે મનવાળો થા.(૫૭)


મારા વિષે ચિત્ત રાખવાથી, મારી કૃપાથી,તું સર્વ દુઃખોને તરી જઈશ. પરંતુ જો તું કદાચિત્ અહંકારથી
મને સાંભળશે નહિ તો નાશ પામશે.(૫૮)


અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્વય મિથ્યા છે, કારણકે
તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે.(૫૯)


હે અર્જુન ! સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ
થઈને પણ તું કરીશ.(૬૦)


હે અર્જુન ! ઈશ્વર યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.(૬૧)


હે ભારત  ! સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)


એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું, એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી
ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)


ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ, કેમ કે તું મને અતિપ્રિય છે. તેથી તને આ હિત કારક
વચનો કહું છું.(૬૪)


મારામાં જ મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, એમ કરવાથી તું મને પામીશ
એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણકે તું મને પ્રિય છે.(૬૫)


સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ,હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.માટે તું શોક ન કર(૬૬)


આ ગીતાનો ક્યારે પણ તપરહીતને, ભક્તિરહીતને, શુશ્રુષારહીતને તથા જે મારી અસૂયા કરે છે
તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહિ.(૬૭)    


જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ
પામશે,એમાં સંશય નથી.(૬૮)  
.
વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના
કરતાં બીજો વધારે પ્રિય પણ નથી.(૬૯)


તથા જે આપણા બે ના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે, તેનાથી જ્ઞાનયજ્ઞ વડે હું પૂજાઈશ
એવો મારો મત છે.(૭૦)
જે પુરુષ શ્રદ્ધાવાન તથા  ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને
પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.(૭૧)


હે પાર્થ ! તેં આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે ? હે ધનંજય ! તારો અજ્ઞાન થી ઉત્પન્ન
થયેલો મોહ નાશ પામ્યો કે ? (૭૨)


અર્જુન કહે : હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે.
સંશયરહિત થઇ હું આપનું વચન પાળીશ.(૭૩)  


સંજય કહે : એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્દભુત અને રોમાંચિત કરે
તેવો સંવાદ મેં સાંભળ્યો.(૭૪)


વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને  યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો.(૭૫)


હે રાજન ! શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્દભુત સંવાદ ને સંભારી સંભારી ને  વારંવાર
હું હર્ષ પામું છું.(૭૬)


હે રાજન ! વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્દભુત વિશ્વરૂપને સંભારી સંભારીને મને વિસ્મય થાય છે ને
હું વારંવાર હર્ષ પામું છું.(૭૭)   


જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને
નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે.(૭૮)


અધ્યાય -૧૮-મોક્ષ-સંન્યાસ-યોગ-સમાપ્ત

ગીતા-ભગવદ ગીતા-સમાપ્ત

      PREVIOUS PAGE
       END
   INDEX PAGE

Dec 20, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-17-Shradhdhatray Vibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-17-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ




અર્જુન કહે : હે શ્રી કૃષ્ણ ! જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને, શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું 
યજન  કરેછે  તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)


શ્રી ભગવાન કહે : મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ, 
એમ ત્રણ પ્રકારની હોય છે તે સાંભળ.(૨)


હે ભારત ! સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ 
શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે,તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે.


જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે. જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું 
પૂજન કરે છે અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.(૪)


દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો 
શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે;(૫)


અને જે અવિવેકીજન દેહની ઈન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે, 
તે આસુરી નિષ્ઠાવાળા છે એમ તું માન.(૬)


પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે. તે રીતે યજ્ઞ,તપ અને દાન પણ 
ત્રણ પ્રકારનાં હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ સાંભળ.(૭)


આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા રસદાર તથા ચીકાશવાળા, 
દેહને પૃષ્ટિ આપનારા અને હદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.(૮)  


અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે
તેવા આહાર રાજસોને પ્રિય હોય છે.(૯)


કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા અપવિત્ર અન્ન 
તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.(૧૦)


ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી
જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.(૧૧)


હે ભરતશ્રેષ્ઠ ! ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ
કહેવામાં આવે છે, એમ તું સમજ.(૧૨)


શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત 
જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.  


દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા
એ શરીરસંબંધી તપ કહેવાય છે.(૧૪)

કોઈનું મન ન દુભાય તેવું, સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું 
તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.(૧૫)


મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન,આત્મસંયમ અને અંત:કરણની શુદ્ધિને 
માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬)


ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત 
ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે.(૧૭)


અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે 
તેને રાજસ તપ કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.(૧૮)


ઉન્મત્તતાથી  દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની 
કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.(૧૯)  


દાન કરવું એ આપણું કર્તવ્ય છે, એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર 
સત્પાત્રને, પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.(૨૦)  


વળી જે કંઈ દાન પ્રતિઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં 
આવે તેને રાજસ દાન કહેવાય છે.(૨૧)


જે દાન સત્કારરહિત, અપમાન પૂર્વક, અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે 
તે તામસ દાન કહેવાય છે.(૨૨)


ॐ, તત્ અને સત્ - એવા ત્રણપ્રકારના બ્રહ્મનાં નામો છે,તેમના યોગથી પૂર્વે આદિકાળમાં 
બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે.(૨૩)


એટલેજ વેદવેત્તIઓની યથાવિધિ યજ્ઞ, દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મનાં  ॐ  ઉચ્ચાર સહિત 
સતત ચાલતી હોય છે.(૨૪)


મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત્  નામનો ઉચ્ચાર કરી ને ફળની કામના ન રાખતાં યજ્ઞ અને 
તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે.(૨૫)


હે પાર્થ  ! સદ્દભાવમાં તથા સાધુભાવમાં સત્ એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા 
માંગલિક કર્મમાં સત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.(૨૬)


યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત્ એમ કહેવાય છે. તેમ જ તેને માટે કરવામાં 
આવતું કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે.(૨૭)


હે પાર્થ ! અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; 
કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.(૨૮)
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE