Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts
Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts

Dec 19, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-16-Daivasur Sampdvibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-16-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ




શ્રી ભગવાન કહે : અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, 
વેદોનું પઠન-મનન, તપ , સરળતા;(૧)


અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી તે, સર્વ પ્રાણી માત્ર પર દયા, 
ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા;(૨)


તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા --
દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)


હે પાર્થ ! દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો
આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલાં હોય છે.(૪)


દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જયારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે.
હે પાંડવ ! તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે.(૫)


હે પાર્થ ! આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ,
એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તાર પૂર્વક કહેલો છે. એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ.(૬)


આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃતિને સમજતા નથી. અને તેમનામાં પ્રવિત્રતા હોતી નથી.
તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે.(૭)


તે આસુરી મનુષ્યો જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એક બીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું,
કામ ના હેતુ વાળું કહે છે. તેઓ માને છે કે આ જગતનું કામ ના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે?(૮)


આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલાં, અલ્પબુદ્ધિ વાળા, 
હિંસાદિ ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે.(૯)


તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ,માન તથા મદથી યુક્ત થયેલા,
અપવિત્ર વ્રતવાળા, અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે.(૧૦)


તથા મૃત્યુ પ્રયન્ત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષયભોગને પરમ પુરુષાર્થ માનનારા –
એ પ્રમાણે નિશ્વય કરનારા હોય છે.(૧૧)    


આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા 
અને અન્યાય થી ધનનો સંચય ઇચ્છનારા હોય છે.(૧૨)


આમે આજે મેળવ્યું, કાલે હું આ સાધ્ય કરીશ,આટલું ધન હાલ મારી પાસે છે.
અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે.(૧૩)


આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ.હું અતિ સમર્થ છું,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધિ છું.
હું બળવાન અને સુખી છું.(૧૪)


હું ધનાઢ્ય છું, કુલીન છું, આ જગત માં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ.
નટાદિ લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ.આમ તેઓ અતિ મૂઢ થઇ બક્યા કરે છે.(૧૫)


હું ધનવાન છું,હું કુળવાન  છું, મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ, આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.(૧૬) 


પોતેજ પોતાની પ્રશંસા કરનાર, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા 
આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ દંભથી જ યજ્ઞકાર્યો  કરે છે.(૧૭) 


અહંતા, બળ,ગર્વ, કામ તથાં ક્રોધનો આશ્રય લઇ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો 
(ઈશ્વરનો ) દ્વેષ કરે છે.વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી.(૧૮)


તે સાધુઓનો દ્વેષ કરનારા, પાપી નરાધમો ને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું.(૧૯)


હે કાન્તેય ! આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં થતાં મને ન પામતા 
ઉતરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે.(૨૦)


કામ,  ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તી ન થવા દેનારા નરક નાં
ત્રણ દ્વારો છે.માટે એ  ત્રણેનો ત્યાગ કરવો.(૨૧)


હે કાન્તેય ! નરક નાં આ ત્રણે દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઇ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે 
અને ઉતમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૨૨)


જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, 
તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩) 


માટે કાર્ય અને અકાર્ય નો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી
લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.


અધ્યાય-૧૬-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 18, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-15-Purushottam Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-15-પુરુષોત્તમ-યોગ




શ્રી ભગવાન કહે : આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો
કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે. જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવત્તા છે.(૧)


તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે. શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.
નીચે મનુષ્યલોકમાં  આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)


એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે, તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી.એનો અંત, આદિ તથા સ્થિતિ
પણ નથી.આવા બળવાન મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને;(૩)  


ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ.જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી.જેમાંથી આ
સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે એવા તે આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું.(૪)


અહંકાર (અમાની) તથા મોહ વિનાના સંગદોષને જીતનારા પરમાત્મસ્વરૂપનો વિચાર કરવામાં 
તત્પર,જેમની કામનાઓ શાંત પામી છે તેવા સુખદુઃખરૂપી દ્વંદોથી  
મુક્ત થયેલા વિદ્વાનો એ અવિનાશી પદને પામે છે.(૫)


તે પદને પ્રકાશિત કરવા માટે સુર્ય, ચંદ્ર કે અગ્નિ  સમર્થ નથી અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો
પુનઃ પાછા આવતા નથી તે મારું પરમ પદ છે.(૬)


આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવરૂપે રહેલો છે.પ્રકૃતિમાં રહેલી મન સહિત છ શ્રોતાદિક
ઈન્દ્રિયોને તે આકર્ષે છે.(૭)


વાયુ જેવી રીતે પુષ્પમાંથી સુવાસ લઇ જાય છે તેમ શરીર નો સ્વામી જીવાત્મા જે પૂર્ણ દેહ ત્યાગ
કરે છે,તેમાંથી મન સહિત ઈન્દ્રિયોને ગ્રહણકરી જે બીજો દેહ ધારણ કરે છે
તેમાં તેમને પોતાની સાથે લઇ જાય છે.(૮)


તે જીવ કાન, આંખ, ત્વચા,જીભ,નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો
ઉપભોગ કરે છે.(૯)


બીજા દેહમાં જનારો કે દેહમાં નિવાસ કરનારો, શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખદુખાદિ
યુક્ત રહેનારો જે જીવ છે તેનું સત્સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી પણ જેમને જ્ઞાનચક્ષુ હોય છે તેમને જ
દેખાય છે.(૧૦)


યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્મા ને જુવેછે અને જેઓ અશુદ્ધ અંત:કરણવાળા અને
અવિવેકી છે તેને એ જીવ નું સ્વરૂપ દેખાતું નથી.(૧૧)


સૂર્યમાં રહેલું તેજ સર્વ જગતને પ્રકાશિત કરેછે અને જે અગ્નિ તથા ચંદ્ર માં પણ રહેલું છે
તે તેજ મારું છે એમ તું સમજ (૧૨)


હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને
સર્વ ઔષધિઓને પોષું છું.(૧૩)  


હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ, અપાન ઈત્યાદિ વાયુમાં મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના
અન્ન નું પાચન કરું છું.(૧૪)


વળી હું સર્વના હદયમાં રહેલો છું. મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે.
સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું છું.(૧૫)


આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે. સર્વ ભૂતોને ક્ષર કહેવામાં આવે છે
અને કુટસ્થ-સર્વ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપ ને અક્ષર કહેવામાં આવે છે.(૧૬)  


ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે. તેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ઈશ્વરરૂપ
બની આ જગતત્રયમાં પ્રવેશી ને તેનું ધારણ-પોષણ કરે છે.(૧૭)


હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું.
તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.(૧૮)


હે ભારત ! જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે, તે સર્વજ્ઞ છે. અને તે
સર્વ ભક્તિયોગથી મને ભજે છે.(૧૯)  


હે નિષ્પાપ  ! હે ભારત  ! મેં આ પ્રમાણે તને ગુહ્ય માં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. એને જાણીને આત્મા જ્ઞાનવાન
થાય છે અને કૃતાર્થ થાય છે.(૨૦)


અધ્યાય-૧૫-પુરુષોત્તમ-યોગ-સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 17, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-14-Gunatraya Vibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-14-ગુણયત્ર-વિભાગ-યોગ




શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.(૧)


આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે
પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)


હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું.
આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.(૩)


હે કાન્તેય  ! સર્વ યોનિમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા 
હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)


હે મહાબાહો  ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.
તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.(૫)


હે અનધ   ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત
સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે.  


હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે.
તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.(૭)  


હે ભારત  ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. 
તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮)


હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને
તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.(૯)


હે ભારત ! રજોગુણ,  સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે.
તમોગુણ,  સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦)


દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)


હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા
એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)  


વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ  એ  તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)


સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે
મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)


રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.
અને  તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનિમાં જન્મ થાય છે.(૧૫)


પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)


સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)


જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને
તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)


જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને 
અતીત સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.


જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી
જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)


અર્જુન કહે : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? 
તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)


શ્રી ભગવાન કહે : હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી
અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)
જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે,
પોતે કંઈ જ કરતો નથી.(૨૩)


જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે,
પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪)


જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને
જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.(૨૫)


જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી
બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.(૨૬)


કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)


અધ્યાય-૧૪-ગુણયત્ર-વિભાગ-યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 16, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-13-Kshetr-Kshetrgn-Vibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-13-ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ




અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું.
(નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો
ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી)


ભગવાન કહે: હે કોંતેય !
આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય “ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.(૧)


હે ભારત ! સર્વ ક્ષેત્રો માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ.
ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે.(૨)


ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું?તેના વિકારો કયા? અને તે ક્યાંથી આવે છે? અને ક્ષેત્રજ્ઞ કોણ છે?
તેની શક્તિ ઓ શી? તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના સ્વરૂપ ને મારી પાસેથી ટૂંક માં સાંભળ.(૩)


આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નીરૂપેલું છે ,વિવિધ વેદોએ વિભાગ પૂર્વક કરેલું છે.
અને યુક્તિ થી યુક્ત તથા નિશ્વિત અર્થ વાળા બ્રહ્મસુત્ર ના પદો દ્વારા પણ વર્ણવેલું છે.(૪)


પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મહતત્વ, દશ ઇન્દ્રિયો, મન અને
ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયો ના શબ્દાદિક પાંચ વિષયો.(૫)


વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ-દુખ, સંઘાત,ચેતના,ધૈર્ય- 
એ વિકારો થી યુક્ત આ ક્ષેત્ર (દેહ) છે તે મેં ટૂંક માં કહ્યું.(૬)


અમાનીપણું, અદંભીપણું ,અહિંસા, ક્ષમા,સરળતા, આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા,
અને આત્મ સંયમ; (૭)        


ઇન્દ્રિયાદી વિષયો માં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ
તથા દુઃખો પ્રત્યે ના દોષો જોવા; (૮)


પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ, અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની તથા 
અનિષ્ટની પ્રાપ્તિ માં સદા સમાનભાવ રાખવો; (૯)


મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી, એકાંતવાસ પર પ્રેમ અને
લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી. (૧૦)


અધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે.
આનાથી વિરુદ્ધ  છે તે અજ્ઞાન કહેવાય છે. (૧૧)


જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું,
તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.(૧૨)

તેને સર્વ તરફ હાથ,પગ,નેત્ર,શિર,મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે 
આ લોકમાં,ચરાચર જગતમાં,તે સર્વત્ર વ્યાપેલું છે.(૧૩)


તે સર્વ ઇન્દ્રિયો નું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.તે ક્યાંય આસક્તિ રાખતો નથી.
છતાં સર્વ ને ધારણ કરે છે.તે ગુણ રહિત હોવા છતાં ગુણ નો ઉપભોગ કરે છે.(૧૪)   
                        
તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાય રૂપ છે.તે સૂક્ષ્મ હોવાથી
જાણી શકાય તેવું નથી તથા દુર રહેલું છે અને અત્યંત સમીપ માં છે.(૧૫)


અને તે બ્રહ્મ સર્વ ભૂતો માં એક છે, છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે.તે સર્વ ભૂતોને ધારણ
કરનાર,પ્રલયકાળે સર્વ નો સંહાર કરનાર તથા સર્વ ને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું.(૧૬)


તે બ્રહ્મ ચંદ્ર-સુર્યાદિક ને પણ પ્રકાશ આપેછે.તે અજ્ઞાનરૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું.
તે જ્ઞાન સ્વરૂપ,જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ સર્વ ના હૃદય માં વિધમાન છે.(૧૭)


એ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય તને ટુંકાણમાં સંભળાવ્યાં.એમને જાણવાથી મારો ભક્ત 
મારા ભાવને (સ્વ-રૂપને) પ્રાપ્ત કરે છે.(૧૮)


ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ,
તથા વિકારો અને ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.(૧૯)


કાર્ય કરણ ના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે.
સુખ-દુઃખોના ભોક્તાપણમાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.(૨૦)


ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો,પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિક ગુણોને ભોગવે છે.
એ પુરુષના સારી નરસી યોનિમાં જન્મનું કારણ ગુણનો સંગ જ છે.(૨૨)


આ દેહ માં સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભર્તા અને ભોક્તા,મહેશ્વર અને 
પરમાત્મા એ નામ વડે પણ કહ્યો છે.(૨૩)


જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞ ને સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે,
તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ પામતો નથી. (૨૪)
        
કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને
બીજાઓ કર્મયોગ વડે પોતામાં આત્મા ને જુવે છે. (૨૫)


વળી બીજા એ પ્રમાણે આત્માને નહિ જાણતાં છતાં બીજાઓથી શ્રવણ કરી આત્માને ઉપાસે છે.
તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુ ને તરી જાય છે.


સ્થાવર અને જંગમ,કોઈ પણ પ્રાણી,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ના સંયોગ થી પેદા થાય છે.(૨૬)


વિનાશ પામનારાં સર્વ ભૂતોમાં સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વર ને જે જુવે છે 
તે યથાર્થ જુવેછે.અને તે જ ખરો જ્ઞાની છે. (૨૭)

સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્મા ને હણતો નથી.
તેથી પરમગતિ ને પામે છે.(૨૮)


તથા પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે,એમ જે જુવે છે,તેમજ આત્માને અકર્તા જુવે છે
તે યથાર્થ જુવે છે.(૨૯)


જયારે મનુષ્ય સર્વ ભૂતોના ભિન્નપણા ને એક આત્મામાં રહેલો જુવે છે તથા 
આત્માથી તે ભૂતોના વિસ્તારને જુવે છે, ત્યારે બ્રહ્મરૂપને પામે છે.(૩૦)


હે કાંન્તેય ! અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે,તે દેહ માં હોવા છતાં પણ કંઈ
કરતા નથી તથા કશાથી લેપાતા નથી.(૩૧)


જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણા ને લીધે લેપાતું નથી.
તેવી રીતે સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી.(૩૨)


હે ભારત ! જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત કરેછે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર ને પ્રકાશિત કરે છે.(૩૩)


જેવો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને 
કારણરૂપ જાણે છે,તેઓ બ્રહ્મને પામે છે.(૩૪)


અધ્યાય-૧૩-ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE