Nov 16, 2020

ભાગવત રહસ્ય -૪૪૮

ત્યારે ગોપી કહે છે કે-હું જેમ જેમ કનૈયાને ભૂલવાનો પ્રયત્ન કરું છું,તેમ તેમ તે વધારે યાદ આવે છે.ગઈ કાલે હું કૂવા પર જળ ભરવા ગઈ હતી,ત્યાં એકાએક મને કનૈયાની વાંસળી નો અવાજ સંભળાણો.મે જ્યાં નજર કરી તો લાલાને પાસેના બોરસલીના ઝાડ પર બેઠેલો જોયો,લાલાને જોઈ ને હું એવી પાગલ થઇ કે,દેહનું ભાન રહ્યું નહિ,મે ઘડાને દોરી બાંધવા ના બદલે મારા બાળકને દોરી બાંધી કુવામાં નાખવા જતી હતી ,ત્યાં જ લાલાએ ઝાડ પરથી કૂદકો મારી અને મને રોકીને કહે છે કે-અરી,બાવરી ,તું આ શું કરે છે ? પછી તો,કનૈયો આવી મને ઘેર સુધી મૂકી ગયો.

Nov 15, 2020

ભાગવત રહસ્ય -૪૪૭

યશોદાજી પૂછે છે કે-ઉદ્ધવ કનૈયો,અહીં ગોકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો,વહેલી સવારે તેને ભૂખ લાગતી ત્યારે તેને હું મનાવી મનાવી જમાડું ત્યારે તે જમતો,પણ ત્યાં તેને કોણ જમાડે છે ? ઉદ્ધવ,સાચું કહેજે,કે મારો લાલો,દુબળો તો થયો નથી ને?તે આનંદમાં તો છે ને?
મારો લાલો,મને કોઈ દિવસ યાદ કરે છે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તે તેનાથી સહન થતું નહિ.