Dec 26, 2020

ભાગવત રહસ્ય -૪૮૭-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને 
ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા.ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ? બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્માના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેકને સદભાવ 
અને સમભાવથી જોવા તે મોટામાં મોટું દાન છે.

Dec 25, 2020

ભાગવત રહસ્ય -૪૮૬-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષનો સત્સંગ કર.સંતોના સત્સંગથી મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ સુધરે છે.વૈષ્ણવના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગથી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજમાં 
રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

Dec 24, 2020

ભાગવત રહસ્ય -૪૮૫-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

(૧૮) ટીટોડા (કુરર) પક્ષી-પાસેથી-કોઈ વસ્તુનો સંગ્રહ ના કરવાનો બોધ લીધો.
અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે.સંગ્રહનો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતાનો બોધ લીધો.
(૨૦) કુમારી કન્યા-પાસેથી- એકાંતવાસનો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે  એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓનો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય તેમ વસ્તીમાં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.