Sep 21, 2021

Gujarati-Ramayan-Rahasya-80-ગુજરાતી-રામાયણ-રહસ્ય-80

તુલસીદાસજી કહે છે કે-કૈકેયી મંથરાના સ્વભાવને ઓળખતી હતી.સાચું-જુઠું કરવું,પારકાની બદબોઈ કરવી, કોઈની પીઠ પાછળ વાંકુ બોલવાની મંથરાને આદત હતી.એટલે તેનું નામ તેણે ”ઘરફોડી” રાખ્યું હતું.આવું જાણવા છતાં કૈકેયીએ,તે મંથરાને પોતાના ઘરમાંથી રવાના ના કરતાં,ઘરમાં રહેવા દીધી,અને એ “ઘરફોડી” એ તેનું જ ઘર ફોડ્યું.અને કૈકેયીને દુનિયામાં પારાવાર અપજશ મળ્યો.કૈકેયી સાધારણ સ્ત્રી નહોતી.દશરથ તેના રૂપ પર જ મુગ્ધ હતા તેવું નહોતું,યુદ્ધવિદ્યામાં તે પ્રવીણ હતી.પતિની સાથે યુદ્ધ-મોરચે પણ તે જતી. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી.પણ કુસંગ કોનું નામ? પાણીમાં આગ લગાડે તે કુસંગ.

Sep 20, 2021

Gujarati-Ramayan-Rahasya-79-ગુજરાતી-રામાયણ-રહસ્ય-79

જગતમાં સત્સંગની ઘણી તકો છે,પણ તેને છોડીને જે કુસંગમાં પડે છે તે આંબો કાપીને એની જગ્યાએ લીમડો રોપે છે,ને પછી કેરીની આશા રાખે છે.લીમડાના મૂળમાં દૂધ સિંચવામાં આવે તો પણ તે મીઠો થવાનો નથી.એક વાર જીવ કુસંગમાં ફસાયો પછી એ લીમડા જેવો કડવો બની જાય છે.બાળક જન્મે છે ત્યારે આમ્રવૃક્ષ (આંબા) જેવો હોય છે.એને પહેલો સંગ માતાનો અને પછી પિતાનો થાય છે.માતા બાળકને ઉછેરે છે ત્યારે તે જગત-જનની જગદંબા સ્વરૂપ હોય છે.પણ બાળક જયારે માતાનો ખોળો છોડીને શેરીમાં મિત્રો સાથે રમવા જાય ત્યારે,પિતા અને ગુરુજનોની જવાબદારી વધે છે.તેમણે બાળક કોના અને કેવાં સંગમાં ફરે છે તે ધ્યાન રાખવાનું હોય છે.બાળકના નિર્મળ સંસ્કારોના આંબાની જગ્યાએ કુસંગનો લીમડો તો રોપાતો નથી ને?તે જોવાનું છે.