Dec 1, 2012

રામાયણ-૧૬

      PREVIOUS PAGE
     NEXT PAGE

જનક મહાજ્ઞાની છે.સંસાર માં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસાર માં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મન માં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજા ના વખાણ કર્યા છે-
લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિ ને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની  સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

રામ-લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરી ની બહાર આંબાવાડી માં રહ્યા છે.
સાયંકાળે સંધ્યા કરે છે,વિશ્વામિત્ર જોડે સત્સંગ કરે છે-અને રાત્રે બંને ભાઈ ગુરુના (વિશ્વામિત્રના) ચરણ ની
સેવા કરે છે.રામ-લક્ષ્મણ ની સેવા જોતાં –વિશ્વામિત્ર નુ હૃદય પીગળ્યું છે-હૃદય થી આશીર્વાદ આપ્યો છે-
કે- તમારું કલ્યાણ થાઓ.

આશીર્વાદ માગવાથી મળતાં નથી.આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે. સેવા જોતાં –પ્રેમ થી હૃદય પીગળે-
ત્યારે હૈયા માંથી જે શબ્દ નીકળે –તેનું નામ આશીર્વાદ છે.

ગુરુજી ની આંખ મળી છે-એટલે રામજી હવે સૂતા છે,હવે લક્ષ્મણ રામજી ના ચરણ ની સેવા કરે છે.
લક્ષ્મણ વિચારે છે-કે હવે તો મોટાભાઈ ના લગ્ન થશે –એટલે તે ભાભી ના થશે-ચરણ ની સેવા કરવાનો
આજે છેલ્લો દિવસ છે.કાલથી મારી સેવા જશે,મને રામજી ની સેવા ના કરું ત્યાં સુધી ચેન પડતું નથી.
લક્ષ્મણ વ્યાકુળ થયા છે-આંખમાંથી આંસુ નીકળ્યા છે.
રામજી તો અંતર્યામી છે-લક્ષ્મણ ને કહે છે-લક્ષ્મણ,લગ્ન થયા પછી પણ તું અંતઃપુરમાં આવજે-
મારા જમણા ચરણની સેવા તું કરજે અને ડાબા ચરણ ની સેવા સીતાજી કરશે.
લક્ષ્મણ,તને જોયા વગર મને પણ નિંદ્રા આવતી નથી,ભલે મારું લગ્ન થાય પણ હું તને છોડવાનો નથી.
રામજી નો આવો બંધુ-પ્રેમ હતો.

બીજા દિવસનું સવાર થયું છે-લક્ષ્મણ સહુથી પહેલાં ઉઠયા છે.
લક્ષ્મણજી સૂવે છે-સહુથી છેલ્લા અને ઉઠે છે-સહુ થી પહેલા. સાચા સેવક નો તે -ધર્મ બજાવે છે.
વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા-પૂજા માટે ફૂલ-તુલસી લેવા રામ-લક્ષ્મણ ને બગીચામાં મોકલ્યા.

બગીચામાં આવી રામજી વિચારે છે-કે- માળી ને પૂછ્યા વગર ફૂલ લઉં તો ચોરી કરવાનું પાપ લાગે,એટલે-
બગીચાના માળીને પૂછે છે-કાકા,પૂજા માટે ફૂલ લઉં ? માળી કહે છે-કે હું તો રાજાનો અધમ નોકર છું.
રામજી કહે છે-ભલે તમે રાજાના નોકર હો,પણ ઉંમર માં તો તમે મારા પિતા જેવડા છો,પિતા સમાન છો.
માળી ની આંખ માંથી આંસુ આવ્યા છે.રામજી નો વિનય જોઈ માળી વારંવાર વંદન કરે છે.

રામજી ની પ્રત્યેક લીલા માં મર્યાદા દેખાય છે,રામ સર્વ ને માન આપે છે.
તુલસી ને પ્રણામ કર્યા સિવાય તુલસી તોડી શકાતી નથી-એવો નિયમ છે.
રામ-લક્ષ્મણ તુલસી ને વંદન કરે છે-અને તુલસી તથા ફૂલ –પૂજાને માટે તોડી ને ભેગાં કરે છે.

બગીચામાં અંબાજી નુ મંદિર છે-સીતાજી તે વખતે અંબાજી ના દર્શન કરવા આવ્યા છે.
સીતા-રામજી ની દૃષ્ટિ નુ મિલન થયું છે.

આ કથા તુલસી દાસજી, તુલસી-રામાયણ માં લઇ આવ્યા છે. બીજી કોઈ રામાયણ માં આ કથા નથી.

સીતાજીએ જગદંબા ને વંદન કર્યું-માગ્યું-કે-મને રામજી –પતિ તરીકે મળે.
અંબાજી પ્રસન્ન થયાં છે-અને આશીર્વાદ આપ્યા છે.

રામ-લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા છે-વિશ્વામિત્ર ને રામે કહ્યું-કે-
“જેનો સ્વયંવર થવાનો છે-તે રાજ-કન્યા બગીચામાં આવી હતી, તે અમને જોતી હતી.”
રામજી નો સ્વભાવ સરળ છે-તેમના માં છળકપટ નામ માત્ર નથી.

વિશ્વામિત્ર કહે છે-કે બેટા હું બધું જાણું છું,કે સીતાજી ત્યાં રોજ આવે છે,અને એટલે જ મેં તને ત્યાં મોકલ્યો હતો.કારણ -સીતાજી ને ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૫

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરી માં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.

જનકપુરી ના રાજા જનક ને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –
આવ્યા છે.ઋષિ ની સાથે કુમારો ને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?

જનકરાજા મહાજ્ઞાની છે. શુકદેવજી જેવા પણ રાજા ને ત્યાં સત્સંગ કરવા આવે છે.
જનક નુ બીજું નામ પડ્યું છે –વિદેહી.
દેહ માં હોવાં છતાં દેહનો ધર્મો જેને સ્પર્શી શકતા નથી-તે વિદેહી. તે જીવતે જીવ મુક્ત છે.
શરીર અને ઇન્દ્રિયોની હયાતી માં જે મુક્તિનો આનંદ અનુભવી શકે તે વિદેહ મુક્તિ છે.

ધર્મરાજાએ જ્ઞાની ની વ્યાખ્યા આપેલી છે-કે- બ્રહ્માનુભવ માં જેને વિષયરસ નુ ભાન ન રહે તે જ્ઞાની.
આસક્તિ અને અભિમાન –એ બંને જીવ ને બંધન કરનાર છે-જ્ઞાની આ બંને ને ત્યજે છે.

ગીતાજી માં કહ્યું છે-
સઘળી ઇન્દ્રિયો પોતપોતાના અર્થો માં વર્તી રહી છે,એમ માની ને જ્ઞાનીઓ કોઈ વિષય માં આસક્ત થતા નથી. તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં –પોતે કંઈ કરતા નથી-
એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે.

જનકરાજાએ ત્રાટક કર્યું,ક્ષણ માં તો રામજી ને ઓળખી લીધા છે. બોલ્યા છે-કે-
આ ઋષિકુમાર પણ નથી અને રાજકુમાર પણ નથી,રામ કોઈ માનવ નથી,રામ કોઈ દેવ નથી,પણ-
વેદો-નેતિ નેતિ- કહી જે “બ્રહ્મ” નુ વર્ણન કરે છે-અને શંકરજી જેનું સદાસર્વદા ચિંતન કરે છે-તે-
આ સાક્ષાત પરબ્રહ્મ –પરમાત્મા છે.
વિશ્વામિત્ર પૂછે છે-કે તમને  આ કોણે કહ્યું ?કેવી રીતે તમે આમ કહી શકો છો ?
જનક રાજા કહે છે-કે- મને કોઈએ કહ્યું નથી,મારું મન સતત બ્રહ્મ નુ ચિંતન કરે છે,સંસાર નો કોઈ વિષય
મારા મન ને ખેંચી શકે જ નહિ, આ રામ મારા મન ને ખેંચે છે-તેથી લાગે છે-કે તે ઈશ્વર હોવા જોઈએ.
રામ ઈશ્વર ન હોય તો તે મારા મન નુ આકર્ષણ કરી શકે જ  નહિ.

પોતાનો કેવો વિશ્વાસ ? પોતાના મન પર કેવો વિશ્વાસ !!!

દુષ્યંત –શકુંતલા નુ પ્રથમ મિલન થાય છે-ત્યારે દુષ્યંત શકુંતલા ને પૂછે છે-કે તમે કોણ છો ?
શકુંતલા જવાબ આપે છે-કે-હું ઋષિ-કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે-કે- બ્રાહ્મણ ની કન્યા મારી મા છે,
મારું મન પવિત્ર છે- પણ તને જોયા પછી મારું મન ચંચળ થાય છે,તેથી તું મારી જાત ની કન્યા છે.
તું જો મારી જાતની કન્યા ન હોય તો મારું મન ચંચળ થાય જ નહિ. મારું પવિત્ર મન જ પ્રમાણ છે.  
મેં મનથી કદી પાપ કર્યું નથી!!! (મન પર કેવો વિશ્વાસ ?!!!)
શકુંતલા કહે છે-તમે મહાન પવિત્ર લાગો છો, તમારી વાત સાચી છે.મારા સાચા પિતા ક્ષત્રિય છે.
ઋષિ મારા પાલક પિતા છે. એટલે હું સાચે-ઋષિ કન્યા નહિ પણ ક્ષત્રિય કન્યા છું.

જનકરાજા વિશ્વામિત્ર ને કહે છે-કે-
આજ સુધી હું નિરાકાર બ્રહ્મ નુ ચિંતન કરતો હતો.મને હવે થાય છે-કે-
નિરાકાર નહિ પણ નરાકાર(નર-આકાર) રામનું ધ્યાન કરું.
રામજી ને જોયાં પછી મારું મન રામજી નુ ચિંતન કરે છે-એટલે જ કહું છું કે રામજી ઈશ્વર છે.
નિરાકાર બ્રહ્મ જ આજ સાકાર રામ થયા છે.

વિશ્વામિત્ર કહે છે-રાજા આ તમારી દૃષ્ટિ નો ગુણ  છે.જ્ઞાનીઓ અભેદ ભાવ થી ચિંતન કરે છે.
તમારી દૃષ્ટિ –બ્રહ્મમય છે.તેથી તમને એવું લાગે છે, બાકી આ તો દશરથ ના કુમારો છે.
મારા યજ્ઞ નુ રક્ષણ કરવા તેઓ આવ્યા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામાયણ-૧૪

      PREVIOUS PAGE
     NEXT PAGE

મારીચ આવ્યો હતો યજ્ઞ માં વિઘ્ન કરવા પણ રામજી ના દર્શન માત્ર થી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-
તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી. તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણ ને
પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથા ના એ સર્વ દ્વાર પર રામજી  જ દેખાય છે.મારીચ ને આશ્ચર્ય થાય છે.

યજ્ઞ કે કોઈ પણ સત્કર્મ માં –ઇન્દ્રિયો ના પ્રત્યેક દ્વાર ઉપર રામ ને પધરાવવાથી તે સત્કર્મ  પૂર્ણ બને છે.
નામ-જપ કરવો,કથા સાંભળવી,મન થી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.
ગરીબ માં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.
બીજા બધા યજ્ઞો માં ખુબ ધન જોઈએ,અધિકાર જોઈએ,પ્રાયશ્ચિત કરવું પડે,અમુક યજ્ઞ માત્ર
અગ્નિહોત્રી જ કરી શકે,અમુક યજ્ઞ માં દેશ-કાળ ની મર્યાદાઓ છે...વગેરે...વગેરે..
પરંતુ ઉપનિષદ માં એક એવો યજ્ઞ બતાવ્યો છે-કે-જે કોઈ પણ કરી શકે છે,કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે,
કોઈ પણ જાતિ નો મનુષ્ય આ યજ્ઞ કરી શકે છે- અને તે યજ્ઞ છે-જપ-યજ્ઞ.

સર્વ યજ્ઞો માં જપ-યજ્ઞ શ્રેષ્ઠ છે.આંખ થી દર્શન કરતાં,કાનથી સાંભળતા,મન થી સ્મરણ કરતાં-
જપ કરવામાં આવે તો –આપોઆપ સમાધિ લાગી જાય છે.

આ યજ્ઞ માં -”આત્મા” એ યજમાન (યજ્ઞ કરનાર) છે. “શ્રદ્ધા” એ યજમાન ની પત્ની છે. અને
“શરીર” એ યજ્ઞ ભૂમિ છે. અને આ જપ-યજ્ઞ થી ચિત્ત-શુદ્ધિ કરી-પરમાત્માનો મન માં લય કરી ને-
તેમને પ્રાપ્ત કરવાના છે.

પ્રત્યેક ઇન્દ્રિય (આંખ,મુખ,કાન વગેરે) ના દ્વાર ઉપર રામ (પરબ્રહ્મ) અને લક્ષ્મણ (શબ્દબ્રહ્મ) ને
પધરાવવામાં આવે તો તે યજ્ઞ માં મારીચ (વિષયો) વિઘ્ન કરી શકતો નથી.

રામ-લક્ષ્મણ ની સહાયતા થી વિશ્વામિત્ર નો યજ્ઞ પુરો થયો છે.તે વખતે જનક્પુરીથી કુમ-કુમ પત્રિકા
આવી છે કે સીતાજી નો સ્વયંવર છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ ને લઇ ને જનકપુરી તરફ જવા નીકળ્યા છે.
ગૌતમઋષિનો આશ્રમ વચ્ચે આવ્યો, ત્યાં શિલા જોઈ,વિશ્વામિત્રે રઘુનાથજી ને આજ્ઞા કરી કે-
આ શિલા ને તમારા ચરણથી  સ્પર્શ કરો, અને શિલા રૂપ બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરો.

રામજી વિચારમાં પડ્યા છે
રામજી કહે છે-કે-પરસ્ત્રી ને હું સ્પર્શ કરતો નથી,હું ચરણ થી સ્પર્શ કરું તો તેને સદગતિ મળશે પણ પરસ્ત્રી ને અડકવાથી, મને પાપ લાગશે તેનું શું ? પરસ્ત્રી ને હું વંદન કરું છું.

રામજી કોઈ પરસ્ત્રી ને સ્પર્શ કરતાં નથી,લખ્યું છે-કે- વિના કારણ સગા ભાઈ ને પણ સ્પર્શ ન કરવો.
સ્પર્શ કરવાથી સ્પર્શ કરનારનાં પરમાણુઓ આપણા માં આવે છે.

મહાપુરુષોએ –કવિઓએ કલ્પના કરી છે- રામજી એ અહલ્યાનો ચરણ થી સ્પર્શ કર્યો નથી પણ –
તે વખતે પવન ને કારણે,રામજી ના ચરણ ની રજ (ધૂળ) ઉડીને શિલા પર જઈ ને પડી અને
ચરણ રજ નો સ્પર્શ થતાં શિલા માંથી અહલ્યા બેઠી થઇ છે.અહલ્યા નો ઉદ્ધાર થયો છે.

અહલ્યા ચરિત્ર નુ રહસ્ય એ છે-કે-
અહલ્યા એ “બુદ્ધિ” છે. જે બુદ્ધિ કામસુખ નો વિચાર કરે તે –પથ્થર જેવી જડ બને છે. જડ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકતી નથી. આવી જડ બુદ્ધિ જયારે સત્સંગ-સંતસમાગમ  થી પવિત્ર બને ત્યારે જ તે ઈશ્વર પાસે
જઈ શકે છે-ભગવાન ના ચરણ ની રજ જયારે મળે ત્યારે તે –બુદ્ધિ પવિત્ર બની જાય છે.

શિલા  પણ રામ ચરણ રજ થી અહલ્યા બની તેમ રામ-નામ ના સ્પર્શથી,માનવીનું મેલું મન પવિત્ર બને છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૩

      PREVIOUS PAGE
     NEXT PAGE

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિ માં આહુતિ આપે છે,પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.
બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્મા ના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખ થી પરમાત્મા આરોગે છે.
અગ્નિ ની જ્વાળા એ પરમાત્મા ની જીભ છે.

પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડ માં અગ્નિ ને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.
આ આપણને બોધ આપે છે-કે-કોઈ પણ સત્કર્મ કરો-ત્યારે પરમાત્મા નાં દર્શન કરતાં કરતાં કરો.
નહિ તો સત્કર્મ માં ભગવાન ભુલાય છે-અને સત્કર્મ સફળ થતું નથી.

ઘણા ભિખારી ને ખવડાવે-છે ત્યારે વિચારે છે-કે “આને બિચારાને કોણ ખવડાવે ?એને ”હું” ખવડાવું છું”
સત્કર્મ માં “હું” આવે તો તે સત્કર્મ નથી.આપણે શું ખવડાવી શકવાના હતા ?
આપણને અને તેને તથા સર્વ ને ખવડાવનાર કોઈ જુદો જ છે...........
મન નો મેલ દૂર કરવા –મન ને શુદ્ધ કરવા -માટે સત્કર્મ  (યજ્ઞ-સ્વાધ્યાય-તપ-ધ્યાન વગેરે) છે.
સર્વ સત્કર્મ નુ ફળ છે-પરમાત્મા નાં દર્શન.

વિશ્વામિત્ર વિચારે છે-કે-યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે,પરમાત્મા દ્વારે ઉભા છે,અને હું અહીં ધુમાડો ખાઉં છું.

વિશ્વામિત્રે યજ્ઞ ન પ્રારંભ કર્યો છે.મારીચ,સુબાહુ –વગેરે રાક્ષસો ને ખબર પડી,એટલે તે વિઘ્ન કરવા
આવ્યા છે. રામજી ના દર્શન માત્ર થી તે મારીચનો સ્વભાવ બદલાય છે-મારીચ વિચારે છે-કે-
સમાજ સુખી થાય તે માટે ઋષિઓ યજ્ઞ કરે છે- હું અહીં વિઘ્ન કરું તે યોગ્ય નથી.
મારીચ ને આશ્ચર્ય થાય છે-કે આજે મારા મનમાં દયા કેમ આવે છે ?આ બાળકો ને જોઈ ને મારી બુદ્ધિ બદલાય છે.આજે મારું મન હાથ માં રહેતું નથી,બાળકો ને મારવાની નહિ પણ મળવાની ઈચ્છા થાય છે.

મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરે છે,પણ આજકાલ લોકો રામના દર્શન કરે છે-પણ તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યા પછી –જો બુદ્ધિ ન સુધરે,સ્વભાવ ન સુધરે તો –
માનવું કે તે રાક્ષસ કરતાં પણ અધમ છે.
લોકો રામાયણ વાંચે,રોજ મંદિરમાં દેવ-દર્શને જાય તેમ છતાં જો –જીવન માં સદાચાર,સંયમ,સરળતા ન
આવે તો-તે રાક્ષસ કરતાં પણ અધમ છે.
રામજી ને જોવાથી તો શું,રામજી નુ ચિંતન કરવાથી પણ બુદ્ધિ સુધરે છે.

એકનાથ મહારાજે ભાવ-રામાયણ માં લખ્યું છે-કે-
રામ-રાવણ નુ યુદ્ધ થતું હતું-ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો.મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો,
ત્યારે તેણે પૂછ્યું કે-મને કેમ જગાડ્યો ?
રાવણ : સીતા માટે યુદ્ધ થાય છે-એટલે તરી મદદ માટે તને જગાડ્યો છે.
કુંભકર્ણ : તું સીતાજી ને કેમ લઇ આવ્યો?....રાવણ : તે બહુ સુંદર છે-તેથી લઇ આવ્યો છું.
કુંભકર્ણ : તારી ઈચ્છા પૂરી થઇ ? રાવણ : તે પતિવ્રતા છે,મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.
કુંભકર્ણ : તું માયાવી રામનું રૂપ-ધરી તેમની પાસે જા,તે છેતરાઈ જશે,અને તને વશ થશે.
રાવણ : મેં તે પ્રયત્ન કર્યો હતો,પણ રામ માં કાંઇ જાદુ હોય તેમ લાગે છે,હું રામનું સ્વ-રૂપ ધરવા –જ્યાં તેમના સ્વરૂપ નુ ચિંતન કરું છું-ત્યારે મારું મન બદલાઈ જાય છે.મારાં મન બુદ્ધિ શુદ્ધ થાય છે.
સીતા મને માતા રૂપે દેખાય છે.
(રાક્ષસો એ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય-તે સ્વરૂપ નુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે.
અને ત્યારે જ તે – જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)

રામજી નુ સ્મરણ-ચિંતન માત્ર થી રાવણ નિષ્કામ થતો હતો –
તો પછી અહીં મારીચ ને તો રામજી નાં પ્રત્યક્ષ દર્શન થયા હતાં.તેથી તેનો સ્વભાવ સુધરે તેમાં શું આશ્ચર્ય ?

કુંભકર્ણ કહે છે-જેનું માત્ર ચિંતન કરવાથી કામ નો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે.
ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે-હું તને મદદ નહિ કરું,વિભીષણ ની જેમ હું પણ રામ નો આશ્રય લઈશ.
ત્યારે રાવણે કહ્યું-કે-રામ સાથે મારી “વિરોધ-ભક્તિ”  છે.મેં વિચાર કર્યો કે-એકલો હું રામની ભક્તિ કરું તો મારા એકલાનું જ કલ્યાણ થશે,આ રાક્ષસો તામસી છે,તે કોઈ દિવસ રામજી નુ નામ લેવાના નથી,
રામજી સાથે યુદ્ધ થશે –તો તેઓને પણ રામજી ના દર્શન થશે-અને સર્વ નો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે. આપણા વંશ નુ કલ્યાણ કરવા-મેં રામ સાથે વેર કર્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૨

      PREVIOUS PAGE
     NEXT PAGE

વિશ્વામિત્ર ની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે. જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.
વિશ્વામિત્રે કહ્યું કે આ ભયંકર રાક્ષસી બાળકો ની હિંસા કરે છે-માટે તેને તમે મારો.

કૃષ્ણલીલા નો આરંભ પૂતના રાક્ષસી ના વધ થી થયો છે-રામલીલા નો તાડકા રાક્ષસીના વધ થી થયો છે.

તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકા ને વિવેકરૂપી બાણ મારે છે-તાડકા નો ઉદ્ધાર કર્યો.
વિશ્વામિત્રે રામ-લક્ષ્મણ ને “બલા-અતિબલા” વિદ્યા આપી છે-જેથી ભૂખ-તરસ ન લાગે.
આશ્રમ માં આવ્યા છે-રામજી વિશ્વામિત્ર ને કહે છે-ગુરુજી હવે તમે યજ્ઞ કરો,હું યજ્ઞ નુ રક્ષણ કરીશ.

જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિ નો સિદ્ધાશ્રમ છે. એ સિદ્ધાશ્રમ માં  વિશ્વામિત્ર યજ્ઞ કરે છે.
વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે-યજ્ઞ મંડપ ના દ્વાર પર રામ-લક્ષ્મણ ઉભા છે-પહેરો ભરે છે.
હાથમાં ધનુષ્ય-બાણ લઇ યજ્ઞ નુ રક્ષણ કરે છે. રામજી આજે પણ ત્યાં ઉભા છે.

દ્વારકા માં દ્વારકાનાથજી ”ઉભા” છે, ડાકોર માં રણછોડરાય “ઉભા” છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ “ઉભા” છે,
પંઢરપુર માં વિઠ્ઠલનાથ “ઉભા” છે.
ભગવાન કહે છે-કે-જીવ જયારે મારાં દર્શન કરવા આવે-ત્યારે ઉભો થઇ હું દર્શન આપું છું.
જે જીવ મને મળવા પ્રેમથી આવે તેને મળવા હું આતુર છું, મારા ભક્તો ની પ્રતીક્ષા કરતો હું ઉભો છું.
કે-મારાથી વિખુટો પડેલો જીવ મને મળવા ક્યારે આવે.

ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે-પણ જીવ ઈશ્વર ની સામે જોતો નથી.
રામ તો જીવ ને અપનાવવા તૈયાર છે-પણ આ અભાગિયો જીવ તેને મળવા ક્યાં આતુર થાય છે ?
જગતના કોઈ સ્ત્રી-પુરુષો ને મળવાની ઈચ્છા રાખવાથી,કે તેમને મળવાથી કદાચ થોડીવાર સુખ મળે-
પણ મળ્યા પછી વિયોગ નુ દુઃખ છે.
પણ પરમાત્મા ને મળ્યા પછી –વિયોગ નુ દુઃખ સહન કરવાનું રહેતું નથી.
જગતનો સંયોગ અનિત્ય છે-જયારે ઈશ્વર નો સંયોગ નિત્ય છે. ઈશ્વર ને મળવાની આતુરતા મહત્વની છે.
સોળ વર્ષ ના રામ –બહુ સુંદર લાગે છે-વિશાળ છાતી અને હાથ –ઘૂંટણ ને સ્પર્શ કરે છે.
આજાનબાહુ-એ-  યોગી નું-મહાભાગ્યશાળી નું લક્ષણ છે. શ્રી રામ આજાનબાહુ છે.
કોઈએ પૂછ્યું-કે પ્રભુ આપે હાથ આટલા લાંબા કેમ રાખ્યા છે ? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો-કે-
મારા ભક્તો મને મળવા આવે તેમાં કોઈ રૂષ્ઠ-પુષ્ઠ હોય તોય તેને પણ બાથ માં સમાવી લેવાય તેટલાં માટે-મેં હાથ લાંબા રાખ્યા છે.
મારા વૈષ્ણવ ભક્તો મને મળવા આવે –તેમને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે.

રામ રીંછ ને ભેટે છે,રામ વાનરો ને ભેટે છે,રામજી સર્વ પર એવા પ્રેમાળ છે જગતના સર્વ જીવો ને પ્રેમ કરે છે. રામજી ધનુષ્ય બાણ હંમેશા –સાથે રાખે છે. ધનુષ્ય-બાણ ને સજ્જ રાખે છે.
ધનુષ્ય બાણ વગરના રામ નાં દર્શન કોઈ ઠેકાણે નથી. રાજ્યાસન પર બેઠેલા હોય ત્યારે કે મહેલ માં
સીતાજી ની પાસે બેઠા હોય-ત્યારે પણ ધનુષ્ય-બાણ હંમેશા જોડે જ હોય છે.

ઉપનિષદ માં કહ્યું છે-કે-“પ્રણવો હિ ધનુ” ધનુષ્ય ને પ્રણવ (કાર) ની ઉપમા આપી છે.
કાર એટલે જ્ઞાન-“જ્ઞાન” એ જ ધનુષ્ય છે. બાણ “વિવેક” નુ સ્વરૂપ છે.

જ્ઞાન-ધનુષ્ય ને,વિવેક-બાણ થી હંમેશા સજ્જ રહેવાથી –કામ-રાક્ષસ વિઘ્ન કરવા આવી શકતો નથી.

રાક્ષસો જીવ માત્ર ની પાછળ પડેલા છે-કામ,લોભ,મોહ-વગેરે રાક્ષસો છે-તે જીવ માત્ર ને મારે છે.
પ્રતિક્ષણે સાવધાન રહે તેને રાક્ષસો મારી શકે નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૧૧

      PREVIOUS PAGE
     NEXT PAGE

ત્યારે વશિષ્ઠજી દશરથ ને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.
તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામ ની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજી ના લગ્ન નો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજી ના લગ્ન થશે.
માટે તેઓ ને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”

દશરથ જી રામ ના લગ્ન ની વાત સાંભળી ખુશ થયા છે. વશિષ્ઠ માં તેમને પૂર્ણ વિશ્વાસ હતો.
રામ-લક્ષ્મણ ને સભામાં બોલાવ્યા અને દશરથે તેમને કહ્યું કે –વિશ્વામિત્ર ના યજ્ઞ નુ રક્ષણ કરવાનુ છે.
રામજીએ કહ્યું-કે આપ આજ્ઞા આપો તે કરીશું. અને રામજી જવા તૈયાર થયા.
અને માતા કૌશલ્યા ની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે-બેટા,તમારાં પિતા કહે તેમ કરવાનું.
તેમની આજ્ઞા તે જ મારી આજ્ઞા.તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો.

કૌશલ્યા એ વિચાર્યું-મારો રામ યૌવન માં પ્રવેશ કરે છે,વિશ્વામિત્ર જેવા સંયમી-તપસ્વી પુરુષ ની સેવા
કરશે –સત્સંગ થશે-તો સુખી થશે.વળી નારદજી એ કહેલું કે રામજી ના લગ્ન આ વર્ષ માં થવાના છે-એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યા એ આશીર્વાદ આપ્યા છે.

યૌવન માં જ સત્સંગ ની જરૂર છે, પંદર વર્ષ ની ઉંમર પછી યૌવન ની શરૂઆત થાય છે, પંદર થી ચાલીશ વર્ષના ગાળા ને ગદ્ધા-પચીસી કહે છે,તે સમય માં મનુષ્ય પશુ જેવો થાય છે,તે વખતે-સત્સંગ ની બહુ જરૂર છે. ડોસાને ડહાપણ આવે –શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે તો તે વખતે તે કંઈ કરી શકતો નથી.

કૌશલ્યા એ વિશ્વામિત્ર ને કહ્યું-મારો રામ બહુ શરમાળ છે-તે તો મા ની પણ મર્યાદા રાખે છે, ભૂખ લાગે તો પણ તે મને કંઈ કહેતો નથી. મારી પાસે પણ માગતો નથી તો તમારી પાસે કેવી રીતે માગશે ?
મારો રામ દુબળો ન થાય,તેને માખણ મિસરી ખવડાવજો.

વિશ્વામિત્ર કહે ચ-મા તમે ચિંતા ના કરો,મારા આશ્રમ માં ઘણી ગાયો છે, યાદ રાખી ને હું રોજ –
રામ-લક્ષ્મણ ને માખણ ખવડાવીશ.

શ્રીરામ ને –શ્રીકૃષ્ણ ને માખણ-મિસરી બહુ ભાવે છે.
જીવન ને મિસરી ની જેમ મધુર (મીઠું-ગળ્યું) બનાવવાનું છે.
જીવન માં મીઠાશ આવે છે-સંયમથી-સદગુણો થી.
જીવન માં મીઠાશ લાવવી હોય તો-જગતના સર્વ જીવો ને માન આપવું જોઈએ.
બીજા ને માન આપવાથી જીવન મીઠું-મધુર થાય છે.
જેના જીવન માં મીઠાશ નથી તે પ્રભુ ને ગમતો નથી.
જેનું હૃદય માખણ જેવું કોમળ છે-જેના જીવનમાં ચારિત્ર્ય ની મીઠાશ છે-તે પ્રભુ ને ગમે છે.
પણ જેના જીવન માં કપટ અને કડવાશ છે-તે વ્યક્તિ ભક્તિ કરે તો પણ તેની ભક્તિ ભગવાન ને ગમતી નથી. જ્ઞાનદાન,વિદ્યાદાન,અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.
સર્વ ને માન આપવાનું-એક પૈસા નો પણ ખર્ચો નહિ.
જે કોઈ કર્કશ વાણી બોલતો નથી-કોઈનું અપમાન કરતો નથી અને સર્વ ને માન આપે છે-તેના જીવન માં
મિસરી જેવી મીઠાશ આવે છે.

માતપિતાના આશીર્વાદ લઇ ને રામ-લક્ષ્મણ –વિશ્વામિત્ર ની સાથે નીકળ્યા છે.
વિશ્વામિત્ર સહુથી આગળ ચાલે છે-તેમની પાછળ લક્ષ્મણ અને લક્ષ્મણ ની પાછળ ચાલે છે શ્રીરામજી.

વિશ્વામિત્ર-એટલે વિશ્વ ના મિત્ર. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે-વિશ્વામિત્ર.
જગત નો મિત્ર છે-જીવ- મનુષ્ય એટલે કે-જીવ –જયારે જગતનો મિત્ર થાય છે-એટલે –
“શબ્દ-બ્રહ્મ” તેની પાછળ પાછળ આવે છે-(લક્ષ્મણ –શબ્દ બ્રહ્મ છે)
અને તેની પાછળ “પર-બ્રહ્મ” (રામજી) પણ આવે છે.

જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ-પણ કોઈ ના વેરી –ના થવાય તો પણ ઘણું.

      PREVIOUS PAGE
     NEXT PAGE