Dec 1, 2012

રામાયણ-૨૮

      PREVIOUS PAGE
     NEXT PAGE

રઘુનાથજી મંદાકિની ના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિની ના કિનારે પર્ણકુટી માં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.

રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકો ને ખબર પડી છે. લોકો દોડતા
રામ- સીતા ના દર્શન કરવા આવ્યા છે. રામજી ના દર્શન થી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,
જીવન સુધરી ગયું. રામજી ની નજર માં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું  મદિરાપાન અને માંસાહાર છૂટી
ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

રામજી ચિત્રકૂટ માં વિરાજ્યા છે ત્યારથી,ચિત્રકૂટ ના ઝાડો ફળફૂલ થી નમી ગયાં છે. ઋષિ-મુનિઓ
ભગવાન ના દર્શન કરવા આવે છે.રામજી નો નિયમ છે કે તે મંદાકિનીમાં સ્નાન કરે છે, સૂર્ય ને અર્ધ્યદાન
આપે છે.ભગવાન શંકર ની નિયમ થી પૂજા કરે છે. લક્ષ્મણ કંદમૂળ લઇ આવે તે ખાય છે.
ગુહક ને વિદાય આપી છે.

આ તરફ રામજીએ મંત્રી સુમંત ને અયોધ્યા જવા આજ્ઞા આપેલી પણ ગુહક ચિત્રકૂટ થી પાછો આવ્યો –
ત્યાં સુધી તે ગંગાકિનારે જ હતા. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે,
ઘોડાઓ ખડ(ઘાસ) ખાતા નથી,પાણી પણ છોડ્યું છે, માલિક ના વિયોગ માં વ્યાકુળ થયા છે.

મંત્રી સુમંત વિચારે છે-કે-જે રામજી ના વિયોગ માં પશુઓ ને આટલું દુઃખ થાય છે-તો-
રામજી ના માત-પિતાની શું હાલત થઇ હશે ? તેમના પ્રાણ હવે ટકશે નહિ.
હવે અયોધ્યા પાછો જાઉં તો અયોધ્યાની પ્રજા અને રાજા મને પૂછશે કે રામ ને ક્યાં છોડી આવ્યા ?
હું શું જવાબ આપીશ ?ધિક્કાર છે- મને કે રામજી ને છોડી ને હું જીવતો ઘેર જાઉં છું!!

ગુહકે આવીને મંત્રી સુમંત ને કહ્યું કે-તમે તો જ્ઞાની છો,ધીરજ ધારણ કરો.
ગુહકે ચાર ભીલો ને આજ્ઞા કરી છે કે મંત્રી ને અયોધ્યા પહોંચાડી આવો.

મંત્રીએ અડધી રાત્રે નગર માં પ્રવેશ કર્યો. વિચારે છે મારે કોઈ ને મોઢું બતાવવું નથી.
બીજે દિવસે સવારે કૈકેયી ના મહેલ માં રાજા દશરથને મળવા ગયા પણ મહારાજ ત્યાં નહોતા.
એવું બનેલું કે-રામજી એ વન પ્રતિ પ્રયાણ કર્યું –તે પછી દશરથ રાજાએ કહ્યું –કે મારે કૈકેયી ના મહેલ માં
રહેવું નથી મને કૌશલ્યા ના મહેલ માં લઇ જાઓ. –એટલે તે ત્યાં કૈકેયી ના મહેલ માં નહોતા.
સુમંતને તે વાતની ખબર નહોતી. ખબર જાણી - સુમંત કૌશલ્યા ના મહેલ માં આવ્યા.

મહારાજ દશરથ ધરતી પર પડ્યા છે.રામવિયોગ ના પાંચ દિવસ પુરા થયા છે, મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે, મંત્રી એ આવી પ્રણામ કર્યા, દશરથે આંખો ઉઘાડી અને પૂછ્યું કે-
મારો રામ ક્યાં છે ?તમે રામજી ને ના લાવ્યા?મારો રામ ક્યાં?મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા ?
કોઈ તો મારા રામને બતાવો ?સીતાજી પાછાં આવ્યાં કે નહિ?મને રામ પાસે લઇ જાવ.
સુમંત  ની આંખ માં આંસુ ભરાણાં છે.

સુમંત કહે છે-કે મહારાજ ધીરજ રાખો, આપ તો જ્ઞાની છો, હું રામજી નો સંદેશો લઈને આવ્યો છું.
હું કેવો નિર્દય કે રામજી ના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું?? મેં રામજી ને અયોધ્યા આવવા ઘણો આગ્રહ કર્યો –ત્યારે રામજી એ કહ્યું-કે-પિતાની આજ્ઞા નું પાલન કરવું એ મારો ધર્મ છે.મારા પિતાજી ને મારા
પ્રણામ કહેજો,પિતાજી ને માટે હું જે કરું તે ઓછું છે.તેમના પ્રતાપ થી અમે કુશળ છીએ.
સીતાજીએ મને કહેલું કે-મંત્રીજી આપ તો મારા પિતા સમાન છો,હું અયોધ્યા નહિ આવી શકું,મારા પતિ વગર હું જીવીશ નહિ,મારા સસરાજી ના ચરણ માં મારા પ્રણામ કહેજો.

દશરથ મહારાજ અતિ વ્યાકુળ થયા છે,કહે છે-કે-મારા પ્રાણ અકળાય છે,મારી છાતી માં દુખે છે, મને
શ્રવણ નાં આંધળાં માત પિતાએ શાપ આપ્યો છે-કે –મારું પુત્ર-વિયોગ માં મરણ થશે. તે સમય હવે આવ્યો
હોય તેમ લાગે છે, રામના વિયોગ માં હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?

મધ્યરાત્રિ ના સમયે દશરથ રાજાએ-રામ.રામ.રામ –એમ પાંચ વાર કહી દેહ નો ત્યાગ કર્યો.
(પાંચ પ્રાણ ને સિદ્ધ કરવા પાંચ વાર રામનામ નો ઉચ્ચાર કર્યો છે.)
દશરથ રાજાનો રામ-પ્રેમ સાચો,દશરથ નો રામ-વિયોગ સાચો--કે રામના વિયોગ માં તે જીવ્યા નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

વાલ્મીકિ રામજી ને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગ થી બગડેલો,
લૂંટફાટ નો ધંધો કરતો.અનેક જીવો ની હિંસા કરતો,પણ નારદજી ના સત્સંગ થી મારું જીવન સુધર્યું.

એક વખત સપ્તર્ષિઓ વનમાં થી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકો ને આજ્ઞા કરી કે-
પકડો તેમને અને લુંટો તેમને. સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.
ત્યાં નારદજી એ આવી મને પૂછ્યું-કે –તું કોના માટે આ પાપ કરે છે ?
મેં જવાબ આપ્યો-મારા કુટુંબ માટે,પાપ ન કરું તો ઘરનાં લોકો ને શું ખવડાવું ?
નારદજી એ પૂછ્યું-તારા આ પાપ માં તારા કુટુંબ ના સભ્યો ભાગીદાર થશે ?
મેં જવાબ આપ્યો –કે -કેમ નહિ ?  નારદજી કહે કે-જા.ઘેર જઈ ને પૂછી આવ.

હું ઘેર ગયો અને મારી પત્ની અને પુત્રોને પૂછ્યું-કે-હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને ?
એક પછી એકે જવાબ આપ્યો કે-પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના ?
મને ધિક્કાર છૂટ્યો,મારો મોહ નષ્ટ થયો,હું ફરીથી નારદજી પાસે આવ્યો.
નારદજી એ મને રામનામ નો મંત્ર આપ્યો, અને મને રામનામ નો જપ કરવાનું કહ્યું.
મેં તેમને પૂછ્યું કે -જપ ક્યાં સુધી કરવાનો ? તેમને કહ્યું-કે શરીર પર રાફડા થાય ત્યાં સુધી.
આરંભ માં મારા પાપી મુખમાંથી રામ-રામ ને બદલે મરા-મરા શબ્દ નીકળવા લાગ્યો.
રામ નામ નો જપ હું બરાબર કરી શક્યો નહિ.હું ઉલટો જ જપ મરા-મરા કરતો હતો -છતાં –પ્રભુ એ મારા પર કૃપા કરી,અને મારો ઉદ્ધાર થયો.
જપ કરતાં કરતાં મારા શરીર પર રાફડા થયા.
ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા છે અને કહ્યું-કે “હવે તું શુદ્ધ થયો છે,હવે બહાર આવ”

સંસ્કૃત માં રાફડા ને “વાલ્મિક” કહે છે, વાલ્મિક ઉપરથી વાલ્મીકિ નામ પડ્યું છે.
રામજી ના ઉલ્ટા નામ “મરા-મરા” સ્મરણે પણ વાલ્મીકિ ને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા.

પ્રભુએ વાલ્મીકિ ને પૂછ્યું--કે અમારે વન માં નિવાસ કરવો છે,અમને કોઈ સ્થાન બતાવો.
વાલ્મીકિ કહે છે-કે આપ ક્યાં નથી ?નાથ તમે તો આ લીલા કરો છો, તેમ છતાં હું આપણે સ્થાન બતાવું છું,
આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો.
ભાગવતની જેમ જ વાલ્મીકિ રામાયણ માં પણ સમાધિ ભાષા છે.

શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે.

અંતઃકરણ જયારે પરમાત્મા નું સતત ધ્યાન કરે –સતત ચિંતન કરે ત્યારે તેને “ચિત્ત”  કહેવાય છે

એક જ અંતઃકરણ જયારે
(૧) ચિંતન કરે- ત્યારે –ચિંતન એ “ચિત્ત” નો ધર્મ છે.
(૨) સંકલ્પ-વિકલ્પ કરે-ત્યારે સંકલ્પ-વિકલ્પ એ “મન” નો ધર્મ છે.
(૩) નિશ્ચય કરે –ત્યારે- નિશ્ચય એ “બુદ્ધિ” નો ધર્મ છે.
(૪) અભિમાન કરે-ત્યારે-અભિમાન એ “અહંકાર” નો ધર્મ છે.

ચિત્ત,મન,બુદ્ધિ અને અહંકાર –એ-એક જ અંતઃકરણ ના – ભેદ છે.
પાપ થાય છે-અજ્ઞાન થી.
અજ્ઞાન ચિત્ત માં છે.અને ચિત્ત માં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે.
પરમાત્મા નાં દર્શન થાય ત્યારે “ચિત્ત” ચિત્રકૂટ બની જાય છે.

જયારે અંતઃકરણ - ચિત્ત બને છે-(ચિંતન કરતાં-કરતાં) –
ત્યારે તે “ચિત્ત” ચિત્રકૂટ માં –સીતારામજી (પરમાત્મા) વિરાજે છે.

લક્ષ્મણ વૈરાગ્ય છે,સીતાજી પરાભક્તિ નું સ્વરૂપ છે,રામ એ પરમાત્મા છે.
જયારે “ધારણા” કરવામાં આવે છે-ત્યારે-ચિત્ત માં પરમાત્મા બિરાજે છે.  

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૬

      PREVIOUS PAGE
     NEXT PAGE

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.
રામજી ને એ જોતાની સાથે ઓળખી ગયો છે, રામજી ને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.
કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકાર નો બદલો લેવા ગયો નથી.

પરંતુ રામજી એ યાદ રાખી ગુહક ના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે. અતિસંપત્તિ માં પણ રામજી –
કેવટ ના પ્રેમને ,કેવટ ના ઉપકાર ને ભૂલ્યા નથી. ગુહક ને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,
તેણે મારી બહુ સેવા કરી છે.” વસ્ત્ર-આભુષણ આપી-યાદ રાખી- રામજી એ કેવટનું સન્માન કર્યું છે.

દુઃખ માં કોઈએ પ્યાલો ભરી ને પાણી આપ્યું હોય તો પણ તેણે ભૂલવું ન જોઈએ. ભગવાન જયારે
સુખ નો દહાડો આપે ત્યારે તેને યાદ રાખવું –અને બને તો તેમનું સન્માન કરવું જોઈએ.

ગંગાજી  પાર કરી ને આગળ ચાલ્યા છે.
આગળ રામ,વચ્ચે સીતા અને પાછળ લક્ષ્મણ. લક્ષ્મણજી સીતા-રામ ના ચરણો માં દૃષ્ટિ રાખી ને ચાલે છે.
રામ-લક્ષ્મણ ની વચ્ચે સીતાજી કેવાં શોભે છે ? જાણે કે બ્રહ્મ અને જીવ ની વચ્ચે માયા.

લક્ષ્મણજી રામ-સીતાના ચરણ (ચરણ ની પડેલી છાપ) ને બચાવી ને ચાલે છે. પગદંડી પર બહુ  જગ્યા
રહેતી નથી એટલે લક્ષ્મણ પગદંડી ની બહાર કાંટા પર ચાલે છે.
રામજી થી આ જોવાતું નથી. એટલે ક્રમ ફેરવ્યો છે.પહેલાં લક્ષ્મણ પછી સીતા અને પાછળ રામ.

રસ્તામાં મુકામ કર્યો છે.ગામના લોકો રામ-સીતાના દર્શન કરવા આવે છે.
ગામની સ્ત્રીઓ સીતાજી ને પૂછે છે-આ બે છે-એમાં “તમારા” કોણ છે ?
સીતાજી એ કહ્યું-કે ગોરા છે તે મારા દિયર છે,રામજી નો પરિચય આપ્યો નથી માત્ર આંખ થી ઈશારો કરે છે.

શ્રુતિ પણ પરમાત્મા નું વિધિ થી નહિ પણ નિષેધપૂર્વક વર્ણન  કરે છે-“ન ઇતિ ન ઇતિ”

ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે.પ્રયાગરાજ માં પધાર્યા છે.ત્રિવેણી સંગમ માં સ્નાન કર્યું.
પ્રયાગ રાજ ના મહાન સંત ભરદ્વાજ મુનિ નો ત્યાં આશ્રમ છે.પ્રભુ આશ્રમ માં પધાર્યા છે.
ભરદ્વાજ મુનિ ને અતિ આનંદ થયો છે-કહે છે-કે-આજ સુધી જે સાધન કર્યું તેનું ફળ આજે મળી ગયું.
આપનાં દર્શન થી મારી તપશ્ચર્યા સફળ થઇ છે.”

સર્વ સાધન નું ફળ છે ભગવાન ના દર્શન.
ભગવદ દર્શન વગર શાંતિ મળતી નથી કે જીવન સફળ થતું નથી.

એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો –બીજે દિવસે સવારે રામચંદ્રજીએ ભરદ્વાજમુનિ ને કહ્યું-તમારા શિષ્યો
અમને વાલ્મીકિઋષિ નો આશ્રમ નો રસ્તો બતાવવા સાથે આવે તેવો પ્રબંધ થઇ શકે તો કરો.
ચાર ઋષિકુમારો સાથે આવે છે અને રામજી વાલ્મીકિ ઋષિ ના આશ્રમ માં પધાર્યા છે.

વાલ્મીકિ એ રામકથા સમાધિ-ભાષા માં લખેલી છે.રામજી ના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ લખ્યું છે.
વાલ્મીકિ આદિ કવિ છે.કહે છે-કે વાલ્મીકિ ના મુખમાંથી પહેલો શ્લોક નીકળેલો.
વાલ્મીકિ ને અતિશય આનંદ થયો છે,કહે છે-કે-તમારા નામનો આશ્રય કર્યો,તેથી આપે કૃપા કરી.અને
આજે મારે ત્યાં પધાર્યા છો.

રામજી કહે છે-કે-આપ તો ત્રિકાળદર્શી છો.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૫

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજી ને સામે કિનારે જવાનું હતું.

ગંગાજી માં હોડી માં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?”
કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું”
લક્ષ્મણ કહે છે- ભાઈ તું શું મર્મ જાણે છે ?

કેવટ કહે છે-રામજી ના ચરણરજ માં એવી શક્તિ છે-કે-“પથ્થર”- ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય છે-
ત્યારે મારી નાવ તો “લાકડાની”  છે. રામજી ની ચરણરજ થી મારી નાવ જો ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય-
તો પછી મારી રોજી-રોટી નું શું થાય ? પછી મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરી શકું ?
તમને નાવડી માં બેસવાની જરૂર હોય તો –(નાવડીમાં બેસવું હોય તો) –
રામચંદ્રજી પોતે મને –ચરણ પખાળવાની- આજ્ઞા કરે કે -હું પોતે તેમનાં બંને ચરણ ધોઈ –તેમના પગ ની બધી ચરણરજ  જતી રહી છે-એ નક્કી કરી અને તમને નાવ માં બેસવા દઈશ.

કેવટ ના પ્રેમભર્યા વચનો સાંભળી –રઘુનાથજી પ્રસન્ન થયા છે. કેવટ ને બોલાવ્યો છે.
રામજી મનોમન વિચારે છે-બે ચરણો ના માલિક (સીતા અને લક્ષ્મણ)-બે ચરણો ની સેવા કરનાર અહીં ઉભા છે-પણ આ તો ત્રીજો જાગ્યો-અને વળી પાછો વધુમાં તો-તે  બંને ચરણ ની સેવા કરવા માગે છે.
કેવટ નો ભાવ જોઈ સીતાજી એ કહ્યું-કે-એની ઈચ્છા છે-એનો પ્રેમ છે-એને શંકા છે- તો સેવા કરવા દો.

માલિક ની ચરણ સેવા -માલિક જેના પર કૃપા કરે તેને જ કરવા દે છે. રામજી એ મંજૂરી આપી છે.

કેવટ લાકડાની કથરોટ લઇ આવ્યો છે. ચૌદ વર્ષ માં રામજી એ ધાતુ ના પાત્ર ને સ્પર્શ કર્યો નથી-કે-
ચૌદ વર્ષ અનાજ ખાધું નથી. પૂરે પુરો તપસ્વી-સાધુ નો ધર્મ –સન્યાસી નો ધર્મ પાળ્યો છે.
કેવટ માલિકના પગ લાકડાની કથરોટ માં મૂકી -ગંગાજળ થી ધીરે ધીરે ચરણ પખાળે છે.
કેવટ આજે મહા ભાગ્યશાળી છે-કે-તેને આજે પરમાત્મા ના ચરણો ની સેવા કરવાનો મોકો મળ્યો છે.
કેવટ તન્મય થયો છે-“આજે મારી જન્મો જન્મ ની ઈચ્છા પુરી થઇ.”

આ કેવટ પૂર્વ જન્મ માં ક્ષીર-સમુદ્ર માં કાચબો હતો.તેને નારાયણ ની ચરણ સેવા કરવી હતી,પણ
લક્ષ્મી જી અને શેષજી ના પાડે છે.પોતાની ઈચ્છા પોતાના મન માં જ રહી ગયેલી.
આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ. આજે પણ બંને પગની સેવા તેમને માથે જ છે.
સામાન્ય સંજોગો માં તો કેવટ ને ચરણસેવા કોઈ પણ સંજોગો માં મળી શકે તેમ નહોતી.
પણ આજે એવા સંજોગ ઉભા થયા છે-એવો ઘાટ થયો છે-કે-કેવટ ને માલિક સામે ચડીને ચરણ સેવા
કરવા દે છે. કેવટ મનમાં મલકાય છે-તે વખતે તમે બંને મને ચરણ સેવા કરવા દેતા નહોતા-
આજે તમે બંને ઉભાં છો અને હું ચરણ સેવા કરું છું. કેવટ નું હૃદય ભરાણું છે.આંખ માં અશ્રુ આવ્યા છે.

ગંગાજી ને સામે-કિનારે રામજી ને ઉતારી –કેવટે રામજી ને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.
સામાન્ય રીતે હોડી ના નાવિક ને ઉતરાઈ (ભાડું) આપવી પડે છે. રામજી જોડે આજે કશું નથી કે –જે-
કેવટ ને ઉતરાઈ તરીકે આપી શકે.કેવટ ને ખાલી હાથે વિદાય કરતાં રામજી ને ખુબ સંકોચ થયો છે.
આખી દુનિયા ના માલિક પાસે –આજે હાથમાં કશું ય નથી કે જે કેવટ ને આપી શકે.
કેવટની સામે તે જોઈ શક્યા નથી, માલિક ની નજર આજે ધરતી ઉપર છે !!!!!!

“મારી બહુ સેવા કરી-મારી બહુ ઈચ્છા છે-કે કેવટ ને કંઈક આપું,પણ પાસે કંઈ નથી”
માલિક ને સંકોચ થયો છે. કેવટની સામે નજર મિલાવી શકતા નથી.!!!!

સીતાજી સમજી ગયાં,માતાજીએ હાથમાંથી અંગુઠી ઉતારી રામજી ને આપી છે. રામજી કેવટ ને અંગુઠી
આપવા જાય છે-“કેવટ,આ અંગુઠી તું લે”
કેવટે અંગુઠી લેવા નો ઇનકાર કરતાં જવાબ આપ્યો છે-કે-
મારા પિતાજી એ મને કહ્યું છે-કે-કોઈ ગરીબ,બ્રાહ્મણ,સાધુ તપસ્વી આવે તો તેની ઉતરાઈ લેવી નહિ.
આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી,પણ તપસ્વી થઈને આવ્યા છો,તમારી ઉતરાઈ લેવાય નહિ.

પ્રભુ કહે છે-કે-હું તને આ મજુરી આપતો નથી,પણ પ્રસાદ આપું છું,પ્રસાદ તરીકે લે.
કેવટ હાથ જોડી ને કહે છે-કે-પ્રસાદ લેવાનો આજે દિવસ નથી,મારા માલિક આજે વનમાં જાય છે,કંદમૂળ
ખાય છે,ઉઘાડા પગે ફરે છે. ચૌદ વર્ષનો વનવાસ પુરો થાય અને આપ સિંહાસન પર વિરાજો ત્યારે આ સેવકને જે પ્રસાદી આપવી હોય તે આપજો.

વળી આમ જોવા જાઓ તો જાત-ભાઈ ની(એક જાતિનાની ) ઉતરાઈ ન લેવાય.ભલે તમે ક્ષત્રિય અને હું ભીલ –પણ આપણા બંને નું કામ એક જ છે-ગંગાજી નો કેવટ હું અને સંસાર સાગર ના કેવટ આપ!!!
આપ કૃપા કરો તો જીવ સંસારસાગર ની પાર ઉતરે છે, નાથ સમય આવે આ જીવ ને સંસાર સાગરની પાર ઉતારજો.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૪

      PREVIOUS PAGE
     NEXT PAGE

શ્રુંગવેરપુર માં ગંગાજી ને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજ ને ખબર પડી-કે સીતારામ પધાર્યા છે.
તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,
ગામમાં પધારો. રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમ ના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

રામચંદ્રજી મંત્રી ને કહે છે-કે હવે આપ અયોધ્યા પધારો.વિપત્તિ ના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી.
મંત્રીજી, મારા પિતાને પ્રણામ કહેજો.
મંત્રી સુમંત કહે છે-કે-સીતાજી ને મોકલો,સીતાજી આવશે તો દશરથજી ને કંઈક અવલંબન મળશે.
સીતાજી કહે છે-કે-‘મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું છે.’  સુમંત ત્યાંથી વિદાય થાય છે.

રાત્રિ નો સમય થયો છે.રામ-સીતા દર્ભ ની પથારી માં સૂતાં છે.લક્ષ્મણ ચોકી કરે છે.
લક્ષ્મણજી એ નિશ્ચય કર્યો છે-કે-ચૌદ વર્ષ મારે નિંદ્રા કરવી નથી.
દર્ભ ની પથારી માં રામસીતા ને જોઈ ને ગુહક ને દુઃખ થાય છે.ગુહક કૈકેયી નો તિરસ્કાર કરે છે.
તે વખતે લક્ષ્મણ ગુહક રાજા ને ઉપદેશ કરે છે-તેને “લક્ષ્મણ-ગીતા” કહે છે.

મનુષ્ય ને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મ ના આધારે આ સૃષ્ટિ છે.
તેથી જ્ઞાની-મહાત્માઓ કોઈ ને દોષ આપતા નથી.  રામ સ્વ-ઇચ્છાથી વન માં આવ્યા છે.
સુખ-દુઃખ નું કારણ અંદર શોધે તે સંત.જ્ઞાની પુરુષો સુખ-દુઃખ નું કારણ બહાર શોધતા નથી.
મનુષ્ય ને જગતમાં સુખ-દુઃખ આપનાર જગત માં કોઈ જ નથી. સુખ-દુઃખ એ મન ની કલ્પના છે.
સદા-સર્વદા મન ને સમજાવો-કે તને જે સુખ દુઃખ થાય છે-તે તારા કર્મ નું ફળ છે.

રામજી ને સુખ નથી કે દુઃખ પણ નથી. રામ તો પરમાનંદસ્વરૂપ છે.
રામજી નું તો જે સ્મરણ કરે તેને પણ દુઃખ થાય નહિ,ઉલટું સ્મરણ થી સુખ થાય છે.
કૈકેયી ના પ્રત્યે રામજી ને ક્રોધ આવ્યો નથી, રામજી ને કર્મ નું બંધન નથી. તેઓ કર્મ થી પર છે.
રામજી પોતાની ઈચ્છા થી પ્રગટ થયા છે. ત્યારે જીવ ને જે અવતાર મળે છે-તે તેના કર્મથી મળે છે.
પરમાત્મા જયારે લીલા કરવા આવે છે-ત્યારે કર્મ ની મર્યાદા માં રહે છે, જગતને તે આદર્શ બતાવે છે-
કે “હું ઈશ્વર છું છતાં કર્મ ની મર્યાદા પાળું છું”
રામકથા અનેક ગ્રંથો માં વર્ણવવામાં આવી છે....
કૈકેયીએ રામ ને વનવાસ આપ્યો,કૌશલ્યા ને અતિદુખ થયું ત્યારે રામજી –કૌશલ્યાને કહે છે-
“આ મારા કર્મ નું ફળ છે,પૂર્વજન્મ માં મેં જે કૈકેયી ને દુઃખ આપ્યું હતું,તેનું આ ફળ છે.
પરશુરામ અવતાર માં જે કર્યું હતું તે રામાવતાર માં ભોગવવાનો સમય આવ્યો છે.”

પૂર્વજન્મ માં કૈકેયી રેણુકા હતી,જમદગ્નિ ઋષિ ની પત્ની અને પરશુરામ ની મા.
એક વખત ચિત્રસેન ગંધર્વ-અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો,રેણુકા એ આ દૃશ્ય જોયું.
તેના મન માં થોડો વિકાર આવ્યો,કે- આ ગંધર્વ કન્યાઓ ના જેવું સુખ મને મળ્યું નહિ.
રેણુકા ને ઘેર આવતા વિલંબ થયો એટલે જમદગ્નિ જાણી ગયા કે –રેણુકા એ મનથી વ્યભિચાર કર્યો છે-
તેથી તેમણે પોતાના દીકરા –પરશુરામ ને કહ્યું- કે તારી મા પાપી છે-તેને મારી નાખ.
અને પરશુરામે તરત પિતાની આજ્ઞા નો અમલ કર્યો –અને રેણુકા નું માથું કાપી નાખ્યું.

રામજી કૌશલ્યા ને સમજાવે છે કે-
પૂર્વ જન્મ માં મેં મા ને દુઃખ આપ્યું, તેથી આ જન્મ માં કૈકેયી મા એ મને દુઃખ આપ્યું”
મહાત્માઓ કહે છે-કે-રામાવતાર માં વાલી ને માર્યો-તે જ-વાલી કૃષ્ણાવતાર માં પારધી થઇ આવ્યો,અને
ભગવાન ને બાણ મારેલું. કરેલા કર્મ નું ફળ ભોગવવું જ પડે છે.

આખી રાત લક્ષ્મણજી અને ગુહક સાથે વાતો થઇ છે.
સવારે બ્રાહ્મમુહૂર્ત માં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે.
રઘુનાથ જી આદર્શ બતાવે છે-કે-હું ઈશ્વર છું છતાં શિવપૂજન કરું છું.
ગુહક ને ઘેર જવા કહ્યું-પણ ગુહક ના પાડે છે.રામજી કહે –સારું હું  ચિત્રકૂટ માં નિવાસ કરું પછી જજો.
રઘુનાથજી એ વડના દૂધ થી વાળ ની જટા બનાવી છે. હવે તપસ્વી રૂપ થયા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૨૩

      PREVIOUS PAGE
     NEXT PAGE

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથ ને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.

કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજી એ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

પછી સીતાજી ને વલ્કલ-વસ્ત્ર આપ્યાં.પણ તે જ વખતે વશિષ્ઠજી આવ્યા છે,તેમણે વલ્કલ વસ્ત્રો ખેંચી લીધાં
અને કૈકેયી ને ઉદ્દેશી ને બોલ્યા-તે અયોધ્યાની રાજલક્ષ્મી છે.વનવાસ રામ ને આપ્યો છે,સીતાને નહિ.
પતિવ્રતાધર્મ ને અનુસરી ને તે વનમાં જાય છે-તે વસ્ત્ર અને આભૂષણો સાથે જ વન માં જાય.

અયોધ્યા ની પ્રજા વ્યાકુળ થઇ છે.પ્રજા કહે છે-કે અમારે પણ અયોધ્યામાં રહેવું નથી,અમે પણ
રામજી ની સાથે વન માં જઈશું.
રામજી કહે છે-કે-તમે બધા મારા પિતાજી ની સેવા કરો.જે મારા પિતાજી ની સેવા કરશે તે મને વહાલો લાગશે. વશિષ્ઠ જી તમારા સહુનું રક્ષણ કરશે. –છતાં પ્રજાજનો કહે છે-જ્યાં રામ જશે ત્યાં અમે સર્વ જઈશું.

રામ,લક્ષ્મણ સીતા સાથે સર્વ પ્રજાજનોએ પણ વન પ્રતિ પ્રયાણ કર્યું.
કૈકેયી કહે છે-રામ ગયો પણ અયોધ્યા ને ઉજ્જડ કરતો ગયો.
જ્યાં “મારું-તારું” એવી “ભેદ-બુદ્ધિ” છે ત્યાં ભગવાન વિરાજતા નથી.
કૈકેયી ની ભેદ બુદ્ધિ થી પરમાત્મા એ તેનો ત્યાગ કર્યો છે.

દશરથજી તે પાછી જયારે મૂર્છા માંથી જાગ્યા ત્યારે જાણ્યું-કે રામ વનમાં ગયા. તે વિચારે છે-કે-
“મારો રામ વન માં ગયો,હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?” તેમણે મંત્રી સુમંત ને બોલાવ્યા અને કહ્યું-
મારો સોનાનો રથ લઇ જાવ અને રામને કહેજો-ચાલતા વન માં જશો નહિ,રથમાં બેસી ને જાય.
આ મારી આજ્ઞા છે.બેચાર દિવસ વન માં ફેરવજો અને પછી બધાને અયોધ્યા પાછાં લઇ આવજો.
રામ કદાચ પાછો ન આવે તો મારી બહુ ઈચ્છા છે –કે સીતાજી ને સમજાવી ને જરૂર પાછા લઇ આવજો.
સીતાજી ને જોઈ હું થોડા દિવસ જીવી શકીશ.

દશરથ ની આજ્ઞા પ્રમાણે સુમંત રથ લઇ ને રામજી પાસે આવ્યા ને કહ્યું- કે તમારા પિતાજી ની આજ્ઞા છે-કે તમે ચાલતા વનમાં ન જાવ.આપ રથ માં વિરાજો. રામ,લક્ષ્મણ, જાનકી –રથમાં બેઠા છે.
અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે છે.કોઈ ને અયોધ્યા માં રહેવું નથી.રામજી સમજાવે છે-પણ કોઈ માનતા નથી. ઇતિહાસ માં કોઈ એવો દાખલો નથી કે –રાજકુમાર ઘર છોડી ને વન માં જાય તેની પાછળ
આખું ગામ જાય.

રામજી જેવી લોકપ્રિયતા –જગત માં કોઈની નથી. આજે અયોધ્યા નગરી ઉજ્જડ થઇ છે.
તમસા નદીને કિનારે સર્વ આવ્યા છે.ત્યાં મુકામ કર્યો છે,અયોધ્યા ની પ્રજા સુતેલી છે.

લોકો એ રામજી માટે ઘર છોડ્યું પણ નિંદ્રા છોડી નહિ.
પરમાત્મા માટે ઘર છોડવા કરતાં નિંદ્રા છોડવાની જરૂર છે.જે જાગે તેને પરમાત્મા મળે છે.

મધ્યરાત્રિ નો સમય થયો છે,રામે મંત્રી ને કહ્યું-કે-“મારા લીધે આ પ્રજાજનો દુઃખી થાય તે યોગ્ય નથી,
બધા ગાઢ નિંદ્રા માં સૂતેલાં છે,એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહિ,સવાર પડશે તો કોઈ મને છોડશે નહિ.” રામચંદ્રજી એ રાત્રિના સમયે ત્યાંથી પ્રયાણ કર્યું છે.

પ્રાતઃકાળ માં શ્રુંગવેરપુર પાસે રથ આવ્યો છે.
બીજી તરફ પ્રજાજનો જાગ્યા અને રામજી ને ન જોતાં વિલાપ કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE