Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૩



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

વિઠ્ઠલપંત ની જેવી ઘટના (સંન્યાસમાં થી ગૃહસ્થાશ્રમ માં આવવું) પહેલાં બ્રાહ્મણો માં બનેલી નહિ,
એટલે આ પ્રસંગ ને શાસ્ત્ર નો આધાર મળવો મુશ્કેલ હતો.
વિઠ્ઠલપંત ને બાળકો ને યજ્ઞોપવિત આપવાની ચિંતા હતી.એટલે છેવટે તેમણે એવો નિર્ણય કર્યો કે-
ગમે તે પ્રાયશ્ચિત કરવું પડે પણ બાળકો ને જ જાતિ- કુળ થી જુદાં કરવાં નથી.

એટલે તેમણે બ્રાહ્મણો ની સામે સાષ્ટાંગ નમસ્કાર કરી ને પ્રાર્થના કરી કે-
મેં કેવળ ગુરુની આજ્ઞા અર્થે જ ગૃહસ્થાશ્રમ નો ફરીથી સ્વીકાર કર્યો છે,કામ વાસના ને આધીન થઈને નહિ,
આપ જે કહેશો તે દંડ ભોગવવા હું તૈયાર છું,તમે કહેશો તે પ્રાયશ્ચિત્ત કરીશ,પણ કૃપા કરી મારાં બાળકો
યજ્ઞોપવિત ધારણ કરી શકે-એવો ધર્મ-શાસ્ત્રાર્થ શોધી કાઢી અને યોગ્ય નિર્ણય આપો.

બ્રાહ્મણો એ ઉત્તર આપ્યો કે-તમારા અપરાધ માટે શાસ્ત્ર માં ક્યાંય પણ પ્રાયશ્ચિત જણાવવામાં આવ્યું નથી.
તમારાં બાળકો ને જનોઈ ધારણ કરવાની અનુજ્ઞા નથી, તમારો અપરાધ એવો ઘોરતમ છે-કે-
દેહાંત (દેહ નો અંત લાવવો ) સિવાય કોઈ પ્રાયશ્ચિત તેને લાગુ પડતું નથી.

વિઠ્ઠલપંતે સ્ત્રી-પુત્રોનો મોહ છોડી –બ્રાહ્મણો ને વંદન કરી-એકદમ પ્રયાગ-ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને
ગંગા-જમના ના ઓઘ માં પોતાના દેહનું વિસર્જન કર્યું.રુકિમણીબાઈ પણ સાથે જ હતાં –તેમણે પણ
પોતાના સ્વામી ની પાછળ નદીના પાણીમાં ભૂસકો મારી-દેહ નો ત્યાગ કર્યો.

ત્યારે નિવૃત્તિ નાથ ની ઉંમર ભાગ્યે જ દશ વર્ષ ની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ બાળકો થોડા દિવસ આપોગાંવ માં રહ્યા પરંતુ તેમના દુશ્મનોએ તેમને તેમના બાપદાદા ના ઘરમાં પ્રવેશવા દીધા નહિ,અને
તેમની મિલકત પણ પચાવી પાડી.બાળકો ઘરબાર વગરના થઇ ગયા.
બાળકો આકાશને છત અને ધરતી ને ઘર બનાવીને આપોગાંવ માં રહ્યા.
નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વર ભિક્ષા માગી લાવતા અને
સોપાનદેવ નાની મુક્તાબાઈ ની સંભાળ લેતો. આમ તેઓએ દિવસ વ્યતિત કર્યા હતા.

ભાઈઓ અને બહેન ને લઈને છેવટે નિવૃત્તિનાથ આળંદી ગયા,
નિવૃત્તિનાથ તો પોતે શિવ સ્વ-રૂપ થયા હતા,પોતાના દેહનું પણ તેમને ભાન નહોતું,
નિજ સ્વ-રૂપમાં મસ્ત હતા,તેમને તો પોતાને જનોઈ નો કોઈ આગ્રહ નહોતો.
પણ જ્ઞાનેશ્વરે એક વખત કહ્યું કે-આપણે યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ,
અને આ બાબત બ્રાહ્મણો પાસે ફરીથી નિર્ણય કરાવવો જોઈએ.

નિવૃત્તિનાથ હવે ભાઈ-બહેન ને લઇ ને પૈઠણ તરફ પ્રયાણ કર્યું.
ગોદાવરી ને કિનારે સ્નાન કરી,તેઓ ગામમાં ગયા.
વિઠ્ઠલપંત ના મામા કૃષ્ણાજી પંત પૈઠણ માં જ રહેતા હતા.તેમને ઘેર તેઓ ઉતર્યા.
ચાર દિવસ પછી બ્રાહ્મણ સભા એકત્રિત થઇ,તેમની સમક્ષ,નિવૃત્તિ નાથે -આળંદી ના બ્રાહ્મણો નો પત્ર
રજુ કર્યો-કે જેમાં લખ્યું હતું કે-“આ સન્યાસી ના બાળકો છે,ને તેમને પ્રાયશ્ચિત નો શાસ્ત્રાર્થ જોઈએ છે”

પછી નિવૃત્તિનાથે આદરથી પ્રાર્થના કરી કે –અમે અનાથ છીએ તેમને તમે સનાથ કરો.
બ્રાહ્મણો ની સભા માં મોટા મોટા વેદો ને જાણનારા,શાસ્ત્રજ્ઞ અને અધ્યયન થી વિદ્વાન બ્રાહ્મણો બેઠા હતા.
કેટલાક સાત્વિક,દયાળુ વૃત્તિ ના બ્રાહ્મણો ને દયા પેદા થઇ હતી તો- કેટલાક નિંદા કરતા હતા.

પુષ્કળ વાદ-વિવાદ ના અંતે-બ્રાહ્મણોએ નિર્ણય આપ્યો કે-
“સન્યાસી ના બાળકો ને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ શાસ્ત્ર માં ક્યાંય દ્રષ્ટિગોચર (દેખાતી) નથી.
માટે તેમને આજ્ઞા આપી શકાતી નથી.
વળી પ્રાયશ્ચિત થી પણ તમને પાવન કરી શકાય નહિ,
માટે હાલ છો,તેવી જ દશામાં હરિ ચિંતન કર્યા કરો.
સર્વ જગતને કૃષ્ણ-રૂપ જુઓ,જીતેન્દ્રિયપણે રહો,લગ્ન કરીને સંસાર ની વૃદ્ધિ કરશો નહિ,
દેહ રહે ત્યાં સુધી વૈરાગ્ય વૃત્તિ થી શ્રી હરિ ની અનન્ય ભક્તિ કરો.-
કે જેથી તમારાં સર્વ પાપો બળી ને તમે પવિત્ર થશો.”



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10




Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૪



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10



બ્રાહ્મણો ના મુખમાંથી આવો નિર્ણય સાંભળી,
જો કોઈ ને વિષય-લાલસા હોય તો –તો-તેનું હૃદય શોક થી ભરાઈ જાય-

પરંતુ અહીં તો જેમની સર્વ વિષય વાસનાઓ અનેક જન્મ ના પુણ્યકર્મ થી બળી ગઈ છે,
જેમના હૃદય મંદિર માં હરિ એ સ્થાયી નિવાસ કરેલો છે,અને જે પહેલાથી જ નિવૃત્ત થઈને બેઠા છે,
તેમને તો-બ્રાહ્મણો નો ઉપર નો નિર્ણય જોઈ ને ઉલટો આનંદ જ થાય.-એમાં કોઈ આશ્ચર્ય નથી!!!

જેમને વિષય નું ભાન નથી –તેમને વિષય-સેવન છોડી દેવાની આજ્ઞા એ કાંઇ શિક્ષા નથી.
બ્રાહ્મણો એ જે નિર્ણય આપ્યો તે –નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વરને તો ઉપદેશરૂપ જ લાગ્યો.
તેમના મુખ પર શોક ની જરા પણ છાયા નહોતી.

ઘણા બ્રાહ્મણોને આ જોઈ ને તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો,પણ કેટલાક અસંતુષ્ટ બ્રાહ્મણો એ-
સભા ના વિસર્જન થવાના સમયે-“તમારાં નામનો અર્થ શું ?” એમ પૂછ્યું-
ત્યારે નિવૃત્તિનાથે –ચારે ભાઈ બહેન ના નામનો જ્ઞાન થી સભર અર્થ સમજાવ્યો.

નાનાં છોકરાંના મુખે થી “જ્ઞાન” ની મોટી વાતો સાંભળી-
ઘણા જ્ઞાન ના અભિમાન થી ભરપૂર બ્રાહ્મણો તથા કોઈ અજ્ઞાની લોકોથી  હસ્યા વગર રહેવાયું નહિ.
એકાદ ટીખળી બ્રાહ્મણે રસ્તા પરથી જતા પાડા તરફ આંગળી ચીંધી અને કહ્યું-કે-
“નામ માં શું છે ? લોકો ગમે તેને ગમે તેવું નામ આપે છે,આ રસ્તા પર જે પાડો જાય છે
તેનું નામ પણ જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) છે.”

આ સાંભળી ને જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) બોલી ઉઠયા કે-
“ખરેખર, આ પાડા માં અને મારામાં “આત્મ” ભાવે જરા પણ ભેદ (ફરક) નથી. તે પાડો મારો જ આત્મા છે.
સર્વ દેહો માં “એક” જ પરમાત્મા રહેલો છે. સર્વ વસ્તુઓ “એક”જ તત્વ થી બનેલી છે.

પાણી થી ભરેલા જુદા જુદા અસંખ્ય ઘડાઓમાં જેમ “એક” જ સૂર્ય પ્રતિબિંબિત થાય છે,તો તેનાથી
“એક” સૂર્ય કંઈ અસંખ્ય સૂર્ય બની જતો નથી, સૂર્ય તો “એક” જ હોય છે,
એમ જ્ઞાની પુરુષો તે “એકત્વ” પ્રતિ જ લક્ષ્ય રાખે છે.
સોનાના વિવિધ અલંકારો માં જેમ એક જ સોનું રહેલું છે,
તેમ જુદા જુદા નામો વાળું- (“નામ-રૂપ” વાળું) જગત પણ “એક” પરમાત્મા નું જ બનેલું છે.”

જ્ઞાનેશ્વર ના અંતરમાં આવી જે અભેદ-દૃષ્ટિ (આત્મા-પરમાત્મા જુદા નથી તે) ઉત્પન્ન થયેલી હતી,
તેની પ્રતીતિ ત્યાં રહેલા સર્વ મનુષ્યો ને થોડીક વારમાં  જ થઇ ગઈ.
પેલા ટીખળી બ્રાહ્મણે પાડા ની પીઠ પર સોટીથી ત્રણ ફટકા માર્યા,
કે તરત જ જ્ઞાનેશ્વર ની પીઠ પર તે સોટીના સોળ ઉઠયા અને તેમાંથી લોહી વહેવા માંડ્યું.!!!!!

આ જોઈ સર્વ સભાસદો (બ્રાહ્મણો) આશ્ચર્ય માં પડી ગયા !!!
પણ આટલે થી સંતોષ ના થયો હોય –તેમ –હજુ પણ પેલો ટીખળી-અસંતોષી  બ્રાહ્મણ કહે છે કે-
“તારે જો તારું કુળ પાવન કરવું હોય તો-અને આ પાડો પણ જો તારો જ આત્મા હોય-
તો - આ પાડા ના મુખે થી વેદ બોલાવ”

આ શબ્દો સાંભળતાજ જ્ઞાનેશ્વર ઉભા થયા અને બ્રાહ્મણ ને સાદર વંદન કરી બોલ્યા કે-
“આપ ભૂદેવ (બ્રાહ્મણ-દેવ) છો,આપણા મુખમાંથી જે શબ્દ નીકળે તે નિષ્ફળ થાય નહિ”
એમ બોલી ને તે પાડા ની નજીક જઈ તેના માથા પર જમણો હાથ મુક્યો......

અને બધાના આશ્ચર્ય વચ્ચે-પાડા ના મુખે થી વેદ ની ઋચાઓ બોલાવા માંડી.!!!!!!!

પછી તો પૂછવું શું ? આખા ગામ માં કોલાહલ મચી ગયો,ગામના સર્વ માણસો એકઠા થઇ ગયા
અને આ આશ્ચર્યજનક –ચમત્કારિક ઘટના જોવા લાગ્યા.

આ બનાવ શકે ૧૨૦૯ (ઈસ્વીસન- ૧૨૮૭) માઘ સુદ પંચમી ના દિવસે પૈઠણ માં બનેલો.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10



Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૫



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
જ્ઞાનેશ્વર નો જમણો હાથ પાડા ના માથા પર છે અને પાડા ના મુખે થી,
પુરા એક પ્રહર (ત્રણ કલાક) સુધી વેદ ની રુચા ઓ બોલાતી રહી.

આ જોઈ ને (સાંભળીને) બ્રાહ્મણો ને નિશ્ચય થયો કે-જ્ઞાનેશ્વર એ સાક્ષાત વિષ્ણુ નો અવતાર છે.
શુદ્ધિપત્ર માંગવા આવેલાં બાળકો કેટલી ઉચ્ચ કોટિનાં છે,અને
તેમની આગળ પોતાની યોગ્યતા કેટલી તુચ્છ છે,તે બ્રાહ્મણો ને હવે સમજાયું.
અને તેથી પોતાની વિદ્વતા નો ગર્વ છોડી ને –જ્ઞાનેશ્વર ની સ્તુતિ કરવા લાગ્યા.

પણ કેટલાક કુટિલ અને કુતર્કી લોકો આ ચમત્કાર પ્રત્યક્ષ જોયા છતાં પણ બોલવા લાગ્યા કે-
“કોઈ મેલી સાધના કે જાદુબળ થી આ દેખાવ દેખાડવામાં આવ્યો છે,સન્યાસી નાં છોકરાંઓનું મોઢું પણ
ના જોવું જોઈએ, જે ભટ્ટજી ને ત્યાં તે છોકરાંઓ ઉતર્યા છે,તેમને પણ નાત બહાર મુકવા જોઈએ.
તેમના ત્યાં કોઈએ કોઈ જાતનો વ્યવહાર રાખવો નહિ”

બન્યું એવું કે –બીજે દિવસે ભટ્ટજી –(જેના ત્યાં જ્ઞાનેશ્વર ઉતર્યા હતા તે)
શ્રાદ્ધ નિમિત્તે તે બ્રાહ્મણો ને જમવાનું આમંત્રણ આપવા ગયા ત્યારે સહુએ આમંત્રણ નો અસ્વીકાર કર્યો.
બ્રાહ્મણો ના ના પડવાથી ભટ્ટજી ઝંખવાણા પડી અને ઉદ્વેગ કરતા ઘરમાં બેઠા હતા.
ત્યારે જ્ઞાનેશ્વરે તેમને તેમના ઉદ્વેગ નું કારણ પૂછ્યું,એટલે ભટ્ટજી એ સર્વ હકીકત કહી.

જ્ઞાનેશ્વરે કહ્યું કે-ભલે તે બ્રાહ્મણો ના આવે,પણ તમે રસોઈ ની તૈયારી કરો અને –
એ બ્રાહ્મણો ને ભોજન જમાડી-સંતુષ્ટ કરીને તમે જે (મરી ગયેલા) પિતૃઓને સંતુષ્ટ કરવા માગો છે-એ
(મારી ગયેલા) પિતૃઓ પોતે જ ઈશ્વરની ઈચ્છા થી ભોજન કરવા પધારશે.
ભટ્ટજી એ પોતાની સ્ત્રી ને રસોઈ બનાવવાની આજ્ઞા આપી.

પત્રાવળીઓ પીરસાઈ,ત્યારે જ્ઞાનેશ્વરે ભટ્ટજી પાસેથી થોડા ચોખા લઇ અને સર્વ આસનો પર છાંટી,
પોતાના અસાધારણ યોગ સામર્થ્ય વડે,પિતૃઓ નું આવાહન કર્યું, અને સર્વ ના આશ્ચર્ય ની વચ્ચે,
સર્વ પિતૃઓ આસન પર વિરાજમાન થયેલા જણાયા.જ્ઞાનેશ્વર અને ઘરનાં સર્વે પણ સાથે જમવા બેઠા,
અને હર હર મહાદેવ ના ઘોષ સાથે સહુએ ભોજન આરોગવા માંડ્યું.

ભટ્ટજી ની ફજેતી કરવા ઇચ્છનાર જેઓ આજુબાજુ રહેતા હતા તેઓ ના સાંભળવામાં આ જયઘોષ આવતા,
આશ્ચર્ય ચકિત થઇ ગયા,અને વિચારવા લાગ્યા કે –આખા ગામમાંથી કોઈ નાના બાળક ને પણ ભટ્ટજી ને ત્યાં જવા દીધું નથી તો –આટલા માણસો નો અવાજ અંદર થી કેવી રીતે આવે છે ?
બારણું બંધ હતું એટલે લોકોએ બારણાની તિરાડ માંથી દ્રશ્ય જોયું-ને આભા થઇ ગયા.

બીજી બાજુ-ભટ્ટજી એ સર્વ પિતૃઓ ને તૃપ્ત કરી,મુખવાસ આપ્યા.અને પિતૃઓ વિદાય થયા.

આ બનાવ જોનાર સર્વ બ્રાહ્મણો ને –આમંત્રણ નો અસ્વીકાર કરવાનો પસ્તાવો થવા લાગ્યો.
અને પોતાના વર્તણુંક નો પશ્ચાતાપ થયો.અને તે સર્વે બ્રાહ્મણો એ ભટ્ટજી ને બારણાં ખોલવાની વિનંતી કરી.તેથી ભટ્ટજી એ બારણાં ખોલી સર્વ ને ઘરની અંદર આવવા દીધા.
સર્વ બ્રાહ્મણો એ ઘણા પ્રેમભાવ થી અને ખરા અંતઃકરણ થી,
નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ ના ચરણ માં સાષ્ટાંગ વંદન કરી સ્તુતિ કરી.ક્ષમા માગી.

આ પ્રમાણે જ્ઞાનેશ્વર મહારાજે કરેલા ચમત્કાર અને તેમની સર્વ પ્રકારની યોગ્યતા જોઈ,
પૈઠણ ના બ્રાહ્મણો એ એવો નિર્ણય કર્યો કે-આ તો મૂર્તિમંત “દેવ” છે,એમને પ્રાયશ્ચિત ની કોઈ આવશ્યકતા નથી. અને તે બ્રાહ્મણોની વતી બોપદેવે -શુદ્ધિપત્રક લખી આપી નિવૃત્તિદેવ ને અર્પણ કર્યું.
(શકે ૧૨૦૯-માઘ-સુદ-પાંચમ-ઈસ્વીસન-૧૨૮૭)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૬



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
થોડો સમય પૈઠણ માં રહ્યા પછી, જ્ઞાનેશ્વર પોતાના ભાઈ બહેનો અને શુદ્ધિપત્ર સાથે પૈઠણ થી નીકળ્યા,
અને નેવાસા મુકામે આવી પહોંચ્યા.

નેવાસા ગામ નગર જિલ્લામાં (મહારાષ્ટ્ર) પ્રવરા નદી ને કિનારે વસેલું છે.
નેવાસા બે ગામ મળીને થયેલું, (૧) ખંડોબાનું નેવાસા (૨) મોહનીરાજનું નેવાસા.
આ બે ગામ મળી ને નેવાસાક્ષેત્ર થયેલું. નેવાસાની પશ્ચિમ દિશાએ “જ્ઞાનેશ્વરી નો શિલાસ્તંભ” નામથી
પ્રસિદ્ધ થયેલ પથ્થર છે. આ નેવાસા ક્ષેત્ર માં જ જ્ઞાનેશ્વરી-ગીતા-ગ્રંથ ની રચના થઇ હતી.

જ્ઞાનેશ્વર જયારે નેવાસા પહોંચ્યા - ત્યારે તેમને એક સતી સ્ત્રીને પોતાના પતિના શબ ની આગળ
આક્રોશ કરતી જોઈ.જ્ઞાનેશ્વરે તપાસ કરતા જણાયું કે-મૃત પુરુષ નું નામ “સચ્ચિદાનંદ” હતું.
આ નામ સાંભળતાની સાથે જ તેઓ બોલી ઉઠયા કે-
“શું સત્-ચિત્-આનંદ ને મૃત્યુ આવેલું કોઈએ સાંભળ્યું છે ? સચ્ચિદાનંદ  સર્વ ઉપાધિ વગરનું છે,
તેને મૃત્યુ નો સ્પર્શ શી રીતે થઇ શકે ?”

પોતાના મુખે થી આવા શબ્દો ઉચ્ચારી તેમણે શબ પર હાથ ફેરવ્યો,
એટલે તરત જ મૃત પુરુષ જીવંત થઇ ને બેઠો થયો!!!!
અને જ્ઞાનેશ્વર ના ચરણ પર મસ્તક પર મુકીને તેમણે શરણે પડ્યો.

આ પુરુષ (સચ્ચિદાનંદ) તે નેવાસા ગામનો કુલકર્ણી હતો.અને પાછળથી-
જ્ઞાનેશ્વર મહારાજ જેમ જેમ “જ્ઞાનેશ્વરી-ગીતા” ને કહેતા ગયા-તેમ તેમ તેને તે લખતો ગયો.
અને તેના પછી એણે “જ્ઞાનેશ્વર વિજય” નામ નો ચરિત્રાત્મક ઓવીબદ્ધ ગ્રંથ પણ લખ્યો હતો.

ત્યાર પછી થોડો સમય જ્ઞાનેશ્વર મહારાજ તેમનાં ભાઈ બહેન સાથે આળંદી માં જઈને રહ્યા.
પૈઠણ માં જ્ઞાનેશ્વરે કરેલા ચમત્કાર થી તેમની ખ્યાતિ આળંદી સુધી પહોંચેલી હતી,
તેથી આ વખતે આળંદી ના લોકોએ તેમનો ઘણો સારો આદર-સત્કાર કર્યો.

પણ આળંદીમાં વિસોબા ચાટી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના મગજમાંથી હજુ પણ,
“એ સન્યાસી નાં બાળકો છે” એ વાત નીકળી ગઈ નહોતી. આબ્રહ્માન વિદ્વાન અને સદાચારી હતો પણ
તેનામાં કુલાભિમાન બહુ હતું, જ્યાં ત્યાં જ્ઞાનેશ્વર ની નિંદા કર્યા કરતો.

એક વખત દિવાળીના દિવસો માં નિવૃત્તિનાથે મુક્તાબાઈ ને કહ્યું કે –
“આજે તો સરસ માંડ (એક જાતની ખાવાની વસ્તુ) જમવાની અમારી ઈચ્છા છે.”
મુક્તાબાઈ માંડ બનાવવા માટે વાસણ લેવાને કુંભારવાડા માં જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં વિસોબા સામે મળ્યો.તેણે મુક્તાબાઈ ને પૂછ્યું કે –ક્યાં જાય છે ? મુક્તાબાઈ એ હકીકત જણાવી.
વિસોબા મુક્તાબાઈ ની સાથે જ કુંભારવાડામાં ગાયો અને કુંભારો ને કહેવા લાગ્યો કે-
“ખબરદાર,કોઈએ આ છોડીને વાસણ આપ્યું છે તો....”

મુક્તાબાઈ ને કોઈએ વાસણ નહિ આપવાથી ઉદાસ થઇ ને ઘેર પાછાં આવ્યા.
અને જ્ઞાનેશ્વર ને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું.
જ્ઞાનેશ્વરે તરત જ યોગ દ્વારા પંચાગ્નિનું આવાહન કરીને –
પોતાની પીઠ ને અત્યંત તપાવી,અને તે પર માંડ શેકવાનું મુક્તાબાઈ ને કહ્યું !!!!!

મુકતાબાઇ જ્ઞાનેશ્વરની પીઠ પર માંડ શેકે છે,તે વિસોબાએ જોયું,અને તેની આંખ ઉઘડી.
એક મહામૂલા રત્ન ને કાચ સમજવા માટે તેણે અત્યંત પશ્ચાતાપ થયો.અને દોડીને તેણે
જ્ઞાનેશ્વર ના ચરણે મસ્તક મુક્યું. અને જ્ઞાનેશ્વર ને ગુરૂ બનાવ્યા.

પાછળથી,એક વખતનો જ્ઞાનેશ્વર નો નિંદક વિસોબા “મહાવિષ્ણુચા અવતાર,શ્રીગુરૂ માઝા જ્ઞાનેશ્વર”
જેવા અભંગ બોલવા લાગ્યો.


Click Page number>>  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૭



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

વિસોબા ની ઘટના શકે-૧૨૦૯ અને શકે-૧૨૧૨ ની વચમાં બની.
આ ત્રણ વર્ષ દરમ્યાન જ્ઞાનેશ્વર પોતાનાં ભાઈબહેન સાથે,આળંદી,નેવાસા અને આપેગાંવ –
એ ત્રણ સ્થળે જતાં આવતાં રહેતાં.
લોકોએ તેમનો વિરોધ શકે-૧૨૧૨ ના પ્રારંભ માં સંપૂર્ણ પણે છોડી દીધો હતો.
આ વખતે જ્ઞાનેશ્વર ની ઉંમર માત્ર-૧૫ વર્ષની હતી.

અને માત્ર ૧૫ વર્ષની ઉંમરે નેવાસામાં –ગુરૂ નિવૃત્તિનાથ સમક્ષ –
ગીતા પર ભાષ્ય “જ્ઞાનેશ્વરી-ગીતા” રચવાનો પ્રારંભ કર્યો.(મરાઠી ભાષામાં -ઓવી-રૂપે)
જ્ઞાનેશ્વર ના ચરિત્ર માં આવી ગયેલા બધા ચમત્કારો ને બાજુ પર રાખીએ-તો પણ-
કોમળ વય (૧૫ વર્ષની ઉંમર) માં ગીતા પર કાવ્યમય ભાષામાં,સરળ રીતે અને દૃષ્ટાંતો થી ભરપૂર,તેમનું જે અદભૂત વક્તવ્ય “જ્ઞાનેશ્વરી” માં છે-તેના જેવો કોઈ બીજો ચમત્કાર નથી.

ગીતા પર આજ પર્યંત સંસ્કૃત,પ્રાકૃત કે પરદેશી ભાષામાં હજારો ટીકાઓ લખાણી છે,પણ
તેમાંનો એક પણ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” ની બરોબરી કરી શકે તેમ નથી.

એક કાવ્ય ગ્રંથ તરીકે, એક તત્વજ્ઞાન વિષયક ગ્રંથ તરીકે,ધર્મ રહસ્ય પ્રગટ કરનાર ગ્રંથ તરીકે,
ભાષા ગ્રંથ તરીકે કે સ્વાનુભવ યુક્ત ગ્રંથ તરીકે-કે કોઈ પણ પ્રકારના ગ્રંથ તરીકે –જો-
“જ્ઞાનેશ્વરી” નું નિરીક્ષણ કરવામાં આવે તો-તેની બરોબરી કરી શકે તેવો ગ્રંથ મળવાની સંભાવના ઓછી છે.

જ્ઞાનેશ્વરી પછી અમૃતાનુભવ,ચાંગદેવ પાસષ્ઠી,હરિપાઠ,યોગવશિષ્ઠ,સ્વાત્મપત્ર –વગેરે ગ્રંથો અને
સેંકડો અભંગો જ્ઞાનેશ્વરે રચ્યા છે.
શકે-૧૨૧૨ માં જ્ઞાનેશ્વરી ની સમાપ્તિ થયા પછી જ્ઞાનેશ્વર તીર્થયાત્રાએ નીકળ્યા.
યાત્રામાં ભાઈ બહેનો અને ભક્તો પણ સામેલ થયા.

યાત્રામાં પંઢરપુર આવ્યું. પંઢરપુર માં નામદેવ કરી ને એક અતિ પ્રેમાળુ ભક્ત છે,અને વિઠ્ઠલનાથ સાથે
તે પ્રત્યક્ષ વાતો કરે છે,એમ જ્ઞાનેશ્વર જાણતા હતા. તેથી નામદેવ ને જઈ તે મળ્યા અને પોતાની સાથે
તીર્થયાત્રામાં આવવાની વિનંતી કરી. નામદેવ પણ તેમની સાથે જોડાણા.

રસ્તામાં “તેરગાંવ” નામનું ગામ આવ્યું,ત્યાં ગોરોબા નામે કુંભાર જ્ઞાતિના ભક્ત રહેતા હતા.
તેમણે અત્યંત ભક્તિભાવ થી આ સંત મંડળી નું સ્વાગત કર્યું.
પ્રત્યેક મુકામે નામદેવજી કીર્તન કરતા.નામદેવજી ની અનુપમ ભક્તિ-અને પથ્થરને પણ પીગાળી નાખે
તેવો તેમનો પ્રેમ જોઈ સંત મંડળી ને આનંદ આવતો.

નામદેવ ને પંઢરીનાથ માં અત્યંત પ્રેમ હતો.તે સંપૂર્ણ ભક્ત હતા. પરંતુ-
સર્વાત્મભાવ (પ્રભુ સર્વ જગ્યાએ છે) નો ઉદય તેમના માં થયો નહોતો,હજી સદગુરુને પાત્ર થયા નહોતા,
અને પોતે વિઠ્ઠલનાથ જોડે પ્રત્યક્ષ વાત કરે છે-તેવું થોડું અભિમાન પણ હતું.
જ્ઞાનેશ્વરની ઈચ્છા હતી કે-નામદેવને –સગુણ,નિર્ગુણ –સર્વ ઈશ્વરનાં જ સ્વરૂપો છે-એવો બોધ થાય.

એકવખત સંત મંડળી બેઠી હતી.ત્યાં મુક્તાબાઈ ગોરોબા કુંભાર નો ઘડા ઘડવાનો ટપલો હાથમાં લઇ
આવ્યા અને ગોરોબા ને પૂછ્યું કે-કાકા આ શું છે ?
ગોરોબા એ જવાબ આપ્યો કે-ઘડો કાચો છે-કે-પાકો છે તે આનાથી સમજાય છે.

મુક્તાબાઈ બોલ્યાં-આ સર્વ માણસો પણ ઈશ્વરના બનાવેલા ઘડાઓ જ છે,તેમાંથી કાચા કોણ અને પાકા કોણ તે તમે કહી શકશો ?
ગોરોબા એ ટપલો હાથમાં લીધો અને પ્રત્યેક સંત ના મસ્તક પર જરા અવાજ થાય તેમ મારવા લાગ્યા.
કોઈ પણ સંતે જરા પણ બડબડાટ કર્યો નહિ પણ નામદેવનો વારો આવ્યો,એટલે તેઓ એકદમ બોલી ઉઠયા કે –ખબરદાર જો મારા માથા પર ટપલો માર્યો તો.....પરીક્ષાની આ તે કોઈ રીત છે ?
આ શબ્દો સાંભળી ગોરા કુંભારે નિર્ણય આપ્યો કે-સર્વ ઘડાઓ માં આ ઘડો કાચો છે.
નામદેવે સદગુરૂ ને પાત્ર થયા નથી,(એટલે અહમ દેખાય છે) અને તેમના માં સર્વાત્મભાવ થયો નથી.
પાછળથી વિસોબા એ તેમને પરમાત્મા સર્વત્ર છે-તેનું જ્ઞાન આપ્યું.અને ગુરૂ બન્યા.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10