Dec 11, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-8-Akashar-Brahm-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-8-અક્ષર-બ્રહ્મ-યોગ



અર્જુન કહે : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ
એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?(૧)


હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે ,
એવો યોગી મરણ સમયે તમને કેવીરીતે જાણે છે ? (૨)


શ્રી ભગવાન કહે છે : બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે.
પ્રાણીની ઉત્પતિ ને લીધે જે વિસર્ગ, દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન, તેને  કર્મ કહે છે.(૩)


હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત  પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે.
આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.(૪)


વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે,
તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.(૫)


અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે,
તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.(૬)


માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર,
એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી. (૭)


હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી
ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે, તે તેજોમય પુરુષમાં મળી જાય છે. (૮)


સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને
તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરેછે.(૯)   


અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને
ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે ,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.(૧૦)


વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે 
એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત 
પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.(૧૧)


જે  ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના 
મધ્યભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.(૧૨)


બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે 
તે ઉત્તમ ગતિને પામેછે.(૧૩)


હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે ,
તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.(૧૪)


એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત 
એવા જન્મને પામતા નથી.(૧૫)
હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.
પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)


કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી  
તેટલા જ  સમય ની રાત્રિ આવે છે. આ વાત રાત્રિ-દિવસને  જાણનારા મનુષ્યો જ જાણે છે.(૧૭)


દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે.
અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લય પામે છે.(૧૮)


હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે
અને રાત્રિ આવતાં લય પામે છે. અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.(૧૯)


સર્વ ચરાચરનો  નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી ,
એ, તે અવ્યક્તથી પર , ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.(૨૦)


જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.
જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.(૨૧)


હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે,
તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૨)


હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી
અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, તે કાળ હું તને કહું છું.(૨૩)


અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર
બ્રહ્મવેત્તાઓ  બ્રહ્મ ને જઈ મળે છે.(૨૪)


ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ  તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી
ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન  જતાં પાછા વળે છે.(૨૫)


આ જગતની  શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર 
યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી  જનાર યોગીને પાછા ફરવું પડે છે.(૨૬)


હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી.
એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.(૨૭)


આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની  પ્રાપ્તિ કહી છે, તે 
સર્વ પુણ્ય પ્રાપ્તિનું  અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે.(૨૮)


અધ્યાય-૮-અક્ષર-બ્રહ્મ-યોગ સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 10, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-7-Gnan-Vignan-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-7-જ્ઞાન-વિજ્ઞાન-યોગ


ભગવાન કહે હે પાર્થ ! મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા
મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી,તો તે વિશે સાંભળ(૧)


હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ
જાણવાનું બાકી રહેતું નથી.(૨)


હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે.મારા માટે યત્ન કરવાવાળા
સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકેછે.(૩)


મારી પ્રકૃતિ ભૂમિ,જળ,વાયુ,તેજ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર
એમ આઠ ભાગ માં વિભાજીત થયેલી છે.(૪)


હે મહાબાહો ! એતો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે.એનાથી અલગ જે મારી
જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે.તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.(૫)


આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે.
એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વ ની ઉત્પતિ અને લય કરું છું.(૬)


હે ધનંજય ! મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી.દોરા માં જેમ મણકા
પરોવાયેલા હોય છે,તેમ આ સર્વ જગત મારા માં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)


હે કાંન્ત્તેય ! જળમાં રસ હું છું, સુર્ય-ચંદ્ર માં તેજ હું છું,સર્વ વેદો માં ઓમકાર પ્રણવ હું છું.
આકાશમાં શબ્દ અને પુરુષ નું પરાક્રમ હું છું.(૮)


તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું,અગ્નિમાં તેજ હું છું,સર્વ ભૂતોમાં જીવન હું છું અને
તપસ્વીઓનું  તપ પણ હું જ છું.(૯)


હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું,બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.(૧૦)


બળવાનો માં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું,હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ વિરુદ્ધ જાય નહિ
તેવો સર્વ પ્રાણીઓમાં “કામ" પણ હું છું.(૧૧)


જે સાત્વિક,રાજસ અને તામસવિકારો છે તે પણ મારાથી ઉત્પન થયેલા છે,પરંતુ હું તેમાં 
સમાયેલો  નથી , તેઓ મારામાં સમાયેલા છે.(૧૨)


આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે,તેથી ગુણાતીત અને અવિનાશી 
એવા મને એ જગત જાણતું નથી.(૧૩)


કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે.જે મનુષ્ય મારા 
શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે.(૧૪)


આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે 
તેવા પાપી,મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)


હે ભરતશ્રેષ્ઠ ! આર્ત ,જિજ્ઞાસુ,અથાર્થી અને જ્ઞાની, એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજેછે.(૧૬)


તેમાં જ્ઞાની જનો ,નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠા થી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.
આવા જ્ઞાની જનો ને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.(૧૭)


એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે.એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત 
પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮) 


“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે ” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે,
એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.(!(૧૯)


જે અજ્ઞાનીઓ નું  પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ 
થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)


જે ભક્ત , જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં 
હું જ સ્થિર કરું છું.(૨૧)


એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે
કામનાઓ પૂર્ણ થાય છે.(૨૨)


અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોયછે.
દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)


મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો ,હું અવ્યક્ત
હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)


હું યોગમાયાથી આવરાયલો છું,આથી સર્વ ને સ્પષ્ટ પણે દેખાતો નથી.આથી મૂઢ મનુષ્યો
અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)


હે અર્જુન ! પહેલાં થઇ ગયેલા , અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા
ભૂતોને (પ્રાણીઓને ) હું જાણું છું,પરંતુ મને કોઈ જાણતું નથી.(૨૬)


હે પરંતપ ! ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખ રૂપી મોહથી સર્વ ભૂતો
(પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘા માં પડી જાય છે.(૨૭)


પરંતુ સતકર્મો ના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે, તે દઢ નિશ્વયી મનુષ્યો સુખદુઃખની
મોહજાળ થી મુક્ત થઇ ને મને ભજે છે.(૨૮)


જેઓ મારો આશ્રય કરી જરા-મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે, તેઓજ બ્રહ્મને જાણી શકે છે.
યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને પણ જાણે છે.(૨૯)


જે યોગી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહીત મને જાણે છે,તે સ્વસ્થચિત્ત પુરુષો
મરણ સમયે પણ મને જ જાણે છે.(૩૦)


અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ -સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 9, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-6-Aatm-Sanyam-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-6-આત્મ-સંયમ-યોગ


શ્રી ભગવાન કહે: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરેછે તેજ સંન્યાસી
અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને
ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)


હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય
કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઇ શકતો નથી.(૨)


જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે.
પરંતુ યોગપ્રાપ્તિ થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન
બની જાય છે.પછી તે કર્મફળ માં લુબ્ધ થતો નથી.(૩)


જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને
છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)


આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ,
કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)


જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બંધુ છે.પરંતુ જેના આત્મા એ
ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)


જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યું છે ,
જે નિર્વિકાર રહેછે,તે સર્વ સ્થિતિ માં સમાન ભાવે રહે છે.(૭)


જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે તે
યોગી “યોગસિદ્ધ “કહેવાય છે.(૮)


સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં,સાધુઓમાં કે પાપીઓમાં
જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વ માં શ્રેષ્ઠ યોગી છે. (૯)


માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી,આશારહિત અને પરિગ્રહરહિત થઈને ,
એકાંત માં નિવાસ કરી અંત:કરણને સદા યોગાભ્યાસ માં જોડવું.(૧૦)


યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું.
એ આસન પર સ્થિરતાથી બેસવું,આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.(૧૧)


તૈયાર કરેલા તે આસન પર બેસી ,ચિત્તને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની
શુદ્ધિ માટે યોગ નો અભ્યાસ કરવો.(૧૨)


સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની  નાસિકાના
અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી,આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.(૧૩)


યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી
મનનો સંયમ કરી,મારું ચિંતન કરતાં,મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.(૧૪)  


આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના  સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી
મારામાં સ્થિતિરૂપ  પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)


હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી.
તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.(૧૬)


જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ
પ્રમાણસર ની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે.અને તેના દુઃખોનો નાશ કરી નાખે છે.(૧૭)


જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ
બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)


જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગી નું  મન
ચલિત થતું નથી.(૧૯)


યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ
થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે.(૨૦)  


જયારે સુક્ષ્મ બુદ્ધિ થી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર
થયેલો યોગી બ્રહ્મ-સ્વરૂપ માંથી ચલિત થતો નથી.(૨૧)


આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો
આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.(૨૨)


જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ
કહેવાય છે.આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ  નિશ્ચયથી સાધ્ય કરવો.(૨૩)  


સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી ,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે
જીતી ને (૨૪)


તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર
કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)  


આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)


જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની
નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.(૨૭)


આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી ,જેમાં બ્રહ્મનો અનુભવ
રહેલો છે,એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.


જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના
આત્મામાં સર્વ ભૂતોને જુવેછે.(૨૯)
     
જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ
જ હું રહું છું.(૩૦)


જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય
તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.(૩૧)  


હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ
થી જુવે છે,તે મને પરમ માન્ય છે.(૩૨)


અર્જુન કહે: હે મધુસુદન !તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની
ચંચળતા ને લીધે રહી શકે તેમ લાગતું નથી.


હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન
અને અભેદ્ય છે.તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠિન છે,એવું મને લાગે છે.(૩૪)


શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે,
એ વાત નિ:સંશય હું માનું છું,પરંતુ હે કાંન્ન્તેય ! વૈરાગ્ય અને અભ્યાસ ના યોગ થી
તેને પણ સ્વાધીન કરી શકાય છે.(૩૫)


જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણ
ને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરેછે,તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે.
એવો મારો મત છે.(૩૬)


અર્જુન કહે: હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મન અંતકાળે
યોગ માંથી ચ્યુત થયું છે,એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામેછે?(૩૭)


હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને
માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો? (૩૮)


હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ
સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯)


શ્રી ભગવાન કહે: હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી
વંચિત રહેતો નથી.હે તાત ! સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.(૪૦)


યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક
માં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.(૪૧)


અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે,
કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)


એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય
યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)


ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે
તે યોગ તરફ વળે છે.યોગના જીજ્ઞાસુઓ ને વેદાચરણ ના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)


કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ
અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.


તપસ્વી ,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં યોગી વધુ  શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)


સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને
પરમ માન્ય છે.(૪૭)


અધ્યાય-૬-આત્મ-સંયમ-યોગ-સમાપ્ત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE