અધ્યાય-૧૦૪-નવમો દિવસ (ચાલુ) ભીષ્મ અને સાત્યકિનું યુદ્ધ
॥ संजय उवाच ॥ अर्जुनस्तान्नरव्याघ्रः सुशर्मानुचरान्नृपान I अनयत्प्रेत राजस्य सदनं सायकैः शितैः ॥१॥
સંજયે કહ્યું-પુરુષવ્યાઘ્ર અર્જુને,સુશર્માના અનુચર રાજાઓને તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને યમરાજને ઘેર વિદાય કરવા માંડ્યા,ત્યારે સુશર્માએ નવ બાણોથી અર્જુનને અને સિત્તેર બાણોથી કૃષ્ણને વીંધ્યા.અર્જુને અનેક બાણો મૂકીને સુશર્માને આગળ વધતો અટકાવીને તેના અનુયાયી યોદ્ધાઓને યમદ્વારમાં મોકલી દીધા.સુશર્માના સૈનિકો પોતાના પરની ભયંકર સ્થિતિ થતાં,પોતાના રથો,ઘોડાઓ અને રથો,ત્યાં રણભૂમિમાં જ છોડીને નાસવા લાગ્યા.ત્રિગર્તરાજ સુશર્માએ તેઓને ઘણા વાર્યા પણ તેઓ ત્યાં ઉભા રહ્યા નહિ.સૈન્યને આમ નાસતું જોઈને દુર્યોધન સર્વ સૈન્ય સહીત ભીષ્મને આગળ કરીને સુશર્માનો જીવ બચાવવા અર્જુન સામે ધસ્યો.પેલી તરફ પાંડવો પણ અર્જુનનું રક્ષણ કરવા આવી પહોંચ્યા,ને તેને વીંટાઈ વળ્યા.



