અધ્યાય-૧૫૫-દુર્યોધનના સૈન્યના વિભાગ
II वैशंपायन उवाच II व्युष्टायां वै रजन्यां हि राजा दुर्योधनस्तत: I व्यभजतान्यनिकानि दश चैकं च भारत II १ II
વૈશંપાયને કહ્યું-હે ભરતવંશી જન્મેજય,રાત્રિ પુરી થતાં જ દુર્યોધને પોતાની સૈન્યના અગિયાર વિભાગ કર્યા.એ સર્વ સેનાઓના મનુષ્યો,હાથીઓ,રથો અને ઘોડાઓમાંથી ઉત્તમ,માધ્યમ અને કનિષ્ઠ-એવા વિભાગ કરવાની આજ્ઞા આપી.તે સૈન્યની સાથે તોમર (હાથ વડે ફેંકાય તેવા કાંટાવાળો દંડો),શક્તિ (લોહદંડ),રૂષ્ટિ (ભારે ડાંગ),ધનુષો,તોમરો (ધનુષથી ફેંકાય તેવાં મોટાં બાણો)
અને યુદ્ધમાં અત્યંત જરૂરી એવી સર્વ વસ્તુઓ લેવામાં આવી હતી.કુલીન અને અશ્વશાસ્ત્રને જાણનારા શૂરા પુરુષોને સારથિના કામ માટે નીમ્યા હતા.અશુભ દૂર કરવા રથોને યંત્રો તથા ઔષધિઓ બાંધી હતી,ને ઉત્તમ ઘોડાઓ જોડીને સજાવવામાં આવ્યા હતા.તે જ પ્રમાણે હાથીઓને પણ શણગાર્યા હતા.