અધ્યાય-૧૬૧-કાપાકાપી
II संजय उवाच II ततो युधिष्ठिरश्वैव भीमसेनश्च पांडवः I द्रोणपुत्रं महाराज समंतात पर्यवारयन् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી યુધિષ્ઠિર અને ભીમસેન,આગળ ધસીને અશ્વત્થામાને વીંટાઈ વળ્યા હતા.આ તરફથી દુર્યોધન પણ દ્રોણાચાર્યથી વીંટાઇને પાંડવો સામે ધસી આવ્યો.ને ત્યાં તુમુલ યુદ્ધ શરુ થયું હતું કે જે ઘોર સ્વરૂપવાળું હતું.કોપેલ ભીમસેને અમ્બષ્ઠો,માલવો,વંગો,ત્રિગર્તો,શિબીઓ,અભિશાહો,શૂરસેનો ને બીજા કેટલાક યોદ્ધાઓની ટુકડીને યમલોકમાં મોકલી દીધી હતી.ત્યારે પૃથ્વીમાં લોહીનો કીચડ થઇ ગયો હતો.અર્જુને પણ,ભીલ યોદ્ધાઓ,મદ્રકો ને માલવોને મારી નાખ્યા હતા.




