અધ્યાય-૧૬૩-રાત્રિયુદ્ધ ચાલુ-દીવા પ્રગટાવ્યા
II संजय उवाच II वर्तमाने तथा युद्धे घोररूपे भयावहे I तमसा संघृते लोके रजसा च महीपते II १ II
સંજય બોલ્યો-હે મહીપતે,જયારે ભયકારી અને ઘોર સ્વરૂપનું એ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સર્વ લોક અંધકાર અને રજથી ઢંકાઈ ગયો હતો.રણમાં પરસ્પર ગોઠવાયેલા યોદ્ધાઓ એકબીજાને જોઈ શકતા નહોતા,કેવળ અનુમાન અને નામોચ્ચારણ આદિ સંજ્ઞાઓને આધારે જ એ મહાન યુદ્ધ વૃદ્ધિ પામ્યે જતું હતું.અનેક મનુષ્યો,હાથીઓ અને ઘોડાઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ તરફથી દ્રોણાચાર્ય,કર્ણ અને કૃપાચાર્ય ને પેલી તરફથી ભીમ,ધૃષ્ટદ્યુમ્ન ને સાત્યકિ અન્યોન્યના સૈન્યને ખળભળાવી રહ્યા હતા,ને ચોતરફથી સૈન્યનો વિનાશ કરી રહ્યા હતા.અંધારા પ્રદેશમાં સૈનિકો નાસભાગ કરતા હતા અને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા.નાસતા નાસતા પણ તેઓ સંગ્રામમાં માર્યા જતા હતા.


