અધ્યાય-૧૯૬-અર્જુનનાં વચનો
II संजय उवाच II प्रादुर्भूते ततस्तस्मिन्नस्त्रे नारायणे प्रभो I प्रावात्सपृषतो वायुरनभ्रे स्तनयित्नुमान II १ II
સંજય બોલ્યો- આમ,હે પ્રભુ જ્યારે તે નારાયણાસ્ત્ર પ્રગટ થયું ત્યારે મેઘવિહીન આકાશમાં જાણે મેઘ ગર્જના કરતો વાયુ જળબિન્દુઓ સહિત વાવા લાગ્યો.ત્યારે પૃથ્વી પણ કંપવા લાગી,મહાસાગર ખળભળી ઉઠ્યો અને સમુદ્ર તરફ વહેતી નદીઓ પણ ઉલટે પ્રવાહે વહેવા લાગી. ત્યાં પર્વતોના શિખરો છિન્નભિન્ન થઈ પડવા લાગ્યા અને મૃગલાંઓ પાંડવ સેનાની ડાબી બાજુ થઈને જવા લાગ્યા.ત્યારે જ્યાં ત્યાં અંધકાર છવાઈ ગયો સૂર્ય નિસ્તેજ થઈ ગયો અને માંસાહારી પ્રાણીવર્ગ હર્ષમાં આવી જઈ અને ઝડપિયાં નાખવા લાગ્યો.અશ્વત્થામાનું ઘોર અત્ર જોઈને સર્વ ગભરાટમાં પડી ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા.





