Jan 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1042



તે અતિ-વિશાળ આકૃતિનો આકાર ક્ષણમાત્રમાં એક હાથવાળી તો ક્ષણમાત્રમાં અનેક ભુજાઓ વાળી થઇ જઈ,
આ જગત-રૂપી નૃત્ય-મંડપને ધ્રુજાવતી હતી.તે ક્ષણમાત્રમાં તે એક-મુખી તો ક્ષણમાત્રમાં તે અનેક-મુખી
દેખાતી હતી તો ક્ષણમાત્રમાં તો તેનું એક પણ મુખ દેખાતું નહોતું.ક્ષણમાત્રમાં તે એક ચરણ-વાળી,
ક્ષણમાત્રમાં અનેક ચરણવાળી તો ક્ષણમાત્રમાં તેનું એક પણ ચરણ દેખાતું નહોતું.
આમ તેનો દેહ જોઈ મેં (વસિષ્ઠ) અનુમાન કર્યું કે આ કાળ-રાત્રિ (ભગવતી કે ચેતન શક્તિ કે કાળ) છે.

Jan 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1041

વસિષ્ઠ કહે છે કે-આ વિશાળ જગત (બ્રહ્માંડ) સ્વપ્નના નગરની જેમ,કોઈએ ધારણ નહિ કર્યા છતાં ધારણ કરાઈ રહ્યુ છે,
નાશ નહિ પામવા છતાં નાશ પામતું દેખાય છે અને નિરાકાર છતાં સાકાર અનુભવમાં આવે છે,.
એ કશું પણ નથી,માત્ર ચિદાત્માનો જેવોજેવો દૃઢ સંકલ્પ સ્ફુરે છે,તેવું તેવું તેના અનુભવમાં આવે છે.
જેમ,આકાશમાં શૂન્યપણું અને પવનમાં ચલન-શક્તિ દેખાય છે,તેમ ચિદાકાશની અંદર તેનાથી અભિન્ન એવું (શક્તિથી)
જગત જોવામાં આવે છે.બ્રહ્માંડ નામનું જગત-રૂપી ઘર અધિષ્ઠાન-ચૈતન્યની અંદર સંકલ્પનગરની જેમ ખડું થઇ દેખાય છે,
સ્થિર દેખાય છે અને ક્ષય થવાનો સંકલ્પ  સ્ફુરતાં તે ક્ષય પામતું પણ દેખાય છે.

Jan 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1040



ત્રીજો પદાર્થ,બ્રહ્માંડના ઉપરનો ભાગ હતો,કે જે છેટે હોવાથી બરાબર દૃષ્ટિમાં ના આવે તેવો 'સૂક્ષ્મ' હતો.
ચોથો પદાર્થ,તો અનંત બ્રહ્મની જેમ ચોતરફ પ્રસરી રહેલ 'નિર્મળ આકાશ' જ હતું.
તે નિર્મળ આકાશ,છેટેછેટે રહેલા બ્રહ્માંડના નીચેના અને ઉપરના ખંડના 'વચલા-ભાગ'માં રહેલું હતું.
આ ચારે પદાર્થો સિવાય બીજું કશું ત્યાં જોવામાં આવતું નહોતું.