May 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1157

મુનિ કહે છે કે- એ (બીજ) મુનિએ મને બોધ કર્યો એટલે મારા ચિત્તની શુદ્ધિ થઇ,અને મારા પોતાના શુદ્ધ સ્વ-રૂપને
ઓળખ્યું,એટલે એ સમયે તે (બીજા) મુનિ તે પણ હું જ હતો-એવું ચિત્તમાં મને સ્ફૂરી આવ્યું અને
મને અતિ-આશ્ચર્ય થયું ને હું જાણે હૃદયમાં આર્દ્ર થઇ ગયો.
મને સમજાઈ ગયું કે-એ મને ઉપદેશ આપનાર મુનિ પણ ભ્રાંતિ-માત્ર છે અને મારી જેમ જ બ્રહ્મ-રૂપ છે.
પહેલાં હું ભોગોમાં રાખેલી આસ્થા વડે છેતરાયો હતો પણ મારા જ આત્મબોધથી
હું મારા સ્વરૂપને ઓળખી ગયો.આ સર્વ જગત મિથ્યા છતાં જાણે સત્ય જેવું ભાસે છે-તે મોટું આશ્ચર્ય છે !!

May 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1156

(બીજા) મુનિ કહે છે કે-સ્વપ્નના સર્વ અનુભવો કાકતાલીય ન્યાયની જેમ ભાસ્યા કરે છે.
આ જગતનો અનુભવ પણ સ્વપ્નના જેવો જ છે,તેથી જ તે સ્વપ્નના જેવું જ છે ને બીજું કશું નથી.વસ્તુતઃ તો
માત્ર ચિદાકાશ જ જગતને આકારે પ્રસરી રહેલ છે.જે (જગત)ના 'કારણ' વિશેની રુઢતા ચિત્તમાં થઇ ગઈ હોય,
તે કારણવાળું જ ભાસ્યા કરે છે,પણ જો ચિત્તમાં 'કારણ' રૂઢ થયેલું ના હોય તો જ તે (જગત) કારણ-રહિત લાગે છે.
સ્વપ્નની અંદર કાર્ય-કારણ-આદિના ક્રમનો ઉદય થવાનો જે સ્વભાવ દેખાય છે તે ચિદાત્માનો એક વિવર્ત (વિલાસ) જ છે
તેમ સમજો.કેમ કે તત્વવેત્તાઓએ આવો નિર્ણય કરેલ છે.

May 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1155

મુનિ કહે છે કે-ત્યાં (સંસારમાં) રહેવાથી હું આત્માના ચમત્કારને ભૂલી ગયો હતો.હું આત્મજ્ઞાનથી રહિત હતો
અને પત્નીમાં આસક્ત ચિત્તવાળો થઇ ગયો હતો.મારાં સોળ વર્ષ આમ વીતી ગયાં.પછી એક દિવસ મારે ઘેર
એક મહાજ્ઞાનવાળા એક મુનિ આવ્યા.મેં તેમની સારી રીતે પૂજા કરી ભોજન કરાવ્યું.થોડોક આરામ કરી રહ્યા બાદ,
મનુષ્યોને પ્રાપ્ત થતાં સુખ-દુઃખના ક્રમનો વિચાર કરી,તે વિષે મેં તેમને પ્રશ્ન કર્યો.