Sep 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1261

વસિષ્ઠ : હે રામચંદ્રજી,તમે પરમાર્થને મેળવી લઇ,રાગ-દ્વેષ-આદિ દોષોને છોડી દઈ,ઉદય પામેલા આત્મજ્ઞાનથી
સુશોભિત બની અને અને બુદ્ધિને સમાન રાખી નિઃશંકપણાથી શોકરહિત થઈને રહો,કેમ કે જન્મ-મરણથી રહિત
એવા પરમ-પદ-રૂપ તમે પોતે જ છો.નિર્મળ બ્રહ્મ-રૂપ એવા જગતની અંદર પ્રકૃત્તિ-રૂપ,મળ-રૂપ,વિકાર-રૂપ,
ઉપાધિ-રૂપ,બોધ-રૂપ-આદિ કશું કોઈ જગ્યાએ છે જ નહિ,પણ અનાદિ-સિદ્ધ-સ્ફુટ-ચિદ-રૂપ બ્રહ્મ જ છે,
અને 'તે બ્રહ્મ હું પોતે જ છું' એમ માની તમે સુખેથી નિઃશંક થઈને રહો.
તમને જ્ઞાનનો બોધ કરવા માટે આથી વિશેષ બીજું કંઈ ઉપદેશ-રૂપ કહેવાનું (બાકી રહ્યું)નથી.
મેં તમને સમગ્રપણે જ્ઞાનો સાર કહી બતાવ્યો છે,અને હવે તમે જે જાણવાનું છે તે જાણી પણ લીધું છે.

Sep 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1260

સિદ્ધિ-અસિદ્ધિમાં તુલ્ય (સમાન) રહેનાર,નિરંતર સ્વચ્છ અને નિર્વિકાર એવી બુદ્ધિ વડે જે કર્મ જે પ્રકારે
કરવામાં આવે છે તે સર્વદા નિર્દોષ જ છે.આ પૃથ્વીની અંદર દીર્ઘ-દૃષ્ટિથી જોનારા વિચક્ષણ પુરુષો
બહુ દોષવાળા અનેક વ્યવહારોમાં પણ(સમદૃષ્ટિથી) અનેક પ્રકારે વિહાર કરે છે.કેટલાક ગૃહસ્થાશ્રમમાં
રહ્યા છતાં નિઃસંગ (અનાસકત) બુદ્ધિ વડે યથાપ્રાપ્ત વ્યવહાર કરતા રહે છે,કેટલાક તમારા જેવા રાજર્ષિઓ
કશામાં બુદ્ધિને આસક્ત નહિ થવા દેતાં તાપરહિત દશામાં રહી રાજ્ય કરે છે,
કેટલાક વેદમાં બતાવેલ વ્યવહારને અનુસરી અગ્નિહોત્રપરાયણ થઈને રહે છે.

Sep 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1259

હે રામચંદ્રજી,મહાત્મા પુરુષો ગ્રહણ કરવા યોગ્ય એવા અનિંદ્ય વિષયોને પણ છોડી દઈને,
દુઃખથી રહિત એવી ઉત્તમ 'સમાનતા'માં જ પોતાની ઉત્તમ વૃત્તિને ધારણ કરી રાખે છે.
સમતા વડે પ્રસન્ન ચિત્તવાળા પુરુષો જગતના સમૂહને તુચ્છ બુદ્ધિ વડે (વૈરાગ્યથી) હસે છે.
તેઓ પોતે નિર્વિકાર રહે છે અને બીજાઓને વિવેકના ઉપદેશથી જિવાડે છે.
સર્વ દેવો અને ડાહ્યા મનુષ્યો પણ તેમની પૂજા કરે છે.સમાન ચિત્તવાળો પુરુષ ચાલતા(પ્રાકૃત) વ્યવહારથી
પ્રાપ્ત થયેલા કોપ (ક્રોધ)ને કદાચિત ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ના થતાં અમૃતના જેવો જ થઇ પડે છે.