Sep 22, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-10

 

दुःसङ्गः सर्वथैव त्याज्यः ।। ४३ ।। 

દુઃસંગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (૪૩)


દુઃસંગનો નો જો સીધો સાદો અર્થ કરવામાં આવે તો તે છે-ખરાબ વ્યક્તિનો સંગ.

પણ જો નીચેના સૂત્રોને અનુસરીને જોવામાં આવે તો,મન કે જે-કામ-ક્રોધ-આદિના ઉત્પત્તિનું કારણ છે,

 તે મનનો સંગ જ દુઃસંગ છે એમ કહેવું વધારે બહેતર લાગે છે.

કેમ કે જો ખરાબ વ્યક્તિના સંગનો (બહારથી) ત્યાગ કરવામાં આવે પણ જો મનથી (અંદરથી)

તેનો ત્યાગ થયેલો ન હોય તો તે ત્યાગ રહેતો નથી.માટે મનનો સંગ જ દુઃસંગ છે,તેનો ત્યાગ જરૂરી છે.

Sep 21, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-09

 

अव्यावृतभजनात् ॥ ३६ ॥ 

અખંડ ભજનથી ભક્તિનું સાધન સંપન્ન થાય છે  (૩૬)


અખંડ ભજન તો તેને જ કહી શકાય કે જેમાં પરમાત્માનું સ્મરણ (પરમાત્માની સ્મૃતિ) સતત રહે.

જેમ પનિહારીઓ માથે ઘડો ચડાવીને તેને હાથ પણ લગાડ્યા વિના ચાલે છે ત્યારે અલક મલકની વાતો કરે છે 

પણ તેનું સ્મરણ સદા માથા પર મુકેલા ઘડા પર જ હોય છે.

જો કોઈ રામ-રામ ને અખંડ ભજન કહે તો તે અખંડ ભજન ન પણ હોઈ શકે.કેમ કે ગમે તેટલી ઝડપથી રામ-રામ બોલવામાં આવે તો પણ એક રામ અને બીજા રામની વચ્ચે ખાલી જગા તો રહી જ જશે.અને તેટલી જગાના સમયે પરમાત્માનું સ્મરણ તો છૂટી ગયેલું જ ગણાય.

Sep 20, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-08

 

ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद दैन्यप्रियत्वाच्च ।। २७ ।।

ઈશ્વરને પણ અભિમાન (વાળાઓ) પ્રત્યે દ્વેષભાવ છે અને દીનતા પ્રત્યે પ્રેમભાવ છે (૨૭)


વાસ્તવમાં તો ઈશ્વર પ્રેમથી પૂર્ણ છે,તે ઈશ્વરને દ્વેષભાવ  કે પ્રેમભાવ હોઈ શકે જ નહિ.

પણ જેમ,વરસાદનું પાણી પર્વત પરથી ઉતરીને ખાડામાં આવી સમાઈ જાય છે,ત્યારે એમ કહી શકાય નહિ કે 

પાણીને ખાડા પ્રત્યે પ્રેમભાવ છે ને પર્વત તરફ દ્વેષભાવ.તેમ,મનુષ્યમાં જો પોતાનો અહંભાવ ન હોય એટલે કે જો 'પોતે જ છે' એવો અહં ન હોય  કે પછી પોતે જો ખાલી છે એવો દીનતા ભાવ હોય તો ઈશ્વર આવી તેનામાં સમાઈ જાય છે,મનુષ્ય જો પોતે જ સિંહાસન પર બેઠો હોય તો ઈશ્વર આવી ક્યાં બેસી શકે?

Sep 19, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-07

 

तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः।। २२ ।।

એ (વ્યાકુળતાની) અવસ્થામાં પણ (ગોપીઓમાં) માહાત્મ્ય-જ્ઞાનની વિસ્મૃતિ નહોતી (૨૨)


ગોપીઓ પ્રભુના પ્રેમમાં પાગલ (દિવાની) બની હતી,પ્રેમમાં બેહોશ થતી હતી,પણ એક ક્ષણ પણ તે ભૂલી નહોતી કે શ્રીકૃષ્ણ એ ભગવાન છે.શ્રીકૃષ્ણ જોડે એ લડે છે,ઝગડે છે,તેમનાથી રૂઠી પણ જાય છે,છતાં પણ તેને,

સતત વ્યાકુળતામાં પણ,'શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે' એનું ભાન (જ્ઞાન) છે.એ વાત તે કદી ભૂલી નહોતી.

Sep 16, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-06

 

कथादिष्विति गर्गः ।। १७ ।।

શ્રી ગર્ગાચાર્યના મત પ્રમાણે-ભગવાનની કથા-વગેરેમાં અનુરાગ હોવો તે ભક્તિ છે (૧૭)


આગળ કહેલી,સેવા-પૂજામાં તો ક્રિયા છે,આરતી-આદિ ક્રિયાઓ કરવાની છે,પણ કથામાં તો કોઈ કહે ને આપણે તે સાંભળવાની છે.અહીં,પણ કથા માત્ર ઔપચારિકતાથી સાંભળવાની નથી,તેમાં રસ લેવાનો છે,તે કથામાં ડૂબવાનું છે-હૃદયથી તેને સમજવાનો ને અત્યંત પ્રેમથી તે કથાનો મર્મ સમજવાનો જરૂરી છે.

કથામાં જયારે કથા સાથે પ્રેમ થાય તો તે પણ એક ભક્તિ બને છે એમ ગર્ગાચાર્ય કહે છે.

જયારે ઈશ્વરની કથામાં અનુરાગ થાય ત્યારે સંસારની કથામાંથી અનુરાગ જતો રહે છે.