May 2, 2012

ભાગવત રહસ્ય-૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  
      PREVIOUS PAGE
       NEXT PAGE               
        INDEX PAGE                 
ભાગવત માહાત્મ્ય (ચાલુ)

સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II
(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ ને અમે વંદન કરીએ છીએ)

પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ .
સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે.
જડ વસ્તુ ઓ માં સત્ છે પણ આનંદ નથી,
જીવ માં સત્ પ્રગટ છે,પણઆનંદ અપ્રગટ (અવ્યક્ત) છે.

આમ આનંદ પોતાના માં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધન માં કે જડ પદાર્થો માં આનંદ નથી.
જીવ માં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્મા નો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે.
દૂધ માં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ જીવ માં આનંદ ગુપ્ત રૂપે છે.
દૂધ માં માખણ રહેલું છે પણ દેખાતું નથી,પણ દહીં બનાવી ,છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે,તેવી રીતે,
માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે.

દૂધ માં જેમ માખણ નો અનુભવ થતો નથી,તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી.
જીવ ઈશ્વર નો છે,પણ તે ઈશ્વર ને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી,તેથી તેને આનંદ મળતો નથી.

આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે,આનંદ એ તમારું પણ સ્વરૂપ છે. આનંદ અંદર જ છે.

એ આનંદ ને જીવન માં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે.

આનંદ નાં ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદ માં બતાવ્યા છે.પરંતુ તેમાં બે મુખ્ય છે.—સાધન જન્ય આનંદ –સ્વયં સિદ્ધ આનંદ.
સાધનજન્ય—વિષયજન્ય આનંદ –એ સાધન અને વિષય નો નાશ થતા તે આનંદ નો પણ નાશ થશે.
સ્વયં સિદ્ધ આનંદ અંદર નો ખોળેલો(પ્રગટ થયેલો) આનંદ છે.
યોગીઓ પાસે કશું કઈ હોતું નથી તેમ  છતાં તેઓ ને આનંદ છે.યોગીઓ નો આનંદ- કોઈ- વસ્તુ પર આધારિત નથી.

પરમાત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે.ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે.ઈશ્વરનો અંશ –જીવાત્મા –અપૂર્ણ છે.
જીવ માં ચિત્ –અંશ છે પણ પરિપૂર્ણ નથી.મનુષ્ય માં જ્ઞાન આવે છે-પરંતુ તે જ્ઞાન ટકતું નથી.
પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે.શ્રી કૃષ્ણ ને સોળ હાજર રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ જ્ઞાન અને દ્વારિકા નો વિનાશ થાય છે—
ત્યારે પણ એ જ જ્ઞાન.--શ્રી કૃષ્ણ નો આનંદ રાણી માં કે દ્વારિકા માં નથી.સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણ નાં આનંદ નો વિનાશ થતો નથી.

સત્-નિત્ય છે,ચિત્ એ જ્ઞાન છે,ચિત્ શક્તિ એટલે જ્ઞાન શક્તિ.
(નોધ-આ ચિત્ત -શબ્દ ને ઊંડાણ થી સમજવા જેવો છે.યોગની વ્યાખ્યા-છે-કે -ચિત્ત વૃત્તિ નિરોધ)

મનુષ્ય પોતાના સ્વ-રૂપ માં સ્થિત નથી-એટલે તેને આનંદ મળતો નથી.મનુષ્ય બહાર વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી.
મનુષ્ય એકાંત માં પોતાના સ્વ-રૂપ માં સ્થિત રહેતો નથી.

ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર ની લીલા માં ઠાકોરજી નાં સ્વરૂપ માં ફેરફાર થતો નથી.
પરમાત્મા ત્રણે માં આનંદ માને છે અને પોતાના સ્વરૂપ માં સ્થિત રહે છે.

જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે,તે આનંદ રૂપ થાય.
જીવ ને આનંદરૂપ થવું હોય, તો તે સચ્ચિદાનંદ નો આશ્રય લે.
આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી,ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી,આનંદ મળતો નથી.
મનુષ્ય રાજા થાય,સ્વર્ગ નો દેવ થાય,તો પણ તે અપૂર્ણ છે.જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે.

સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામ માં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતો નથી.
પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે.આ નારાયણ ને જે ઓળખે,અને તેની સાથે મન ને જે તદાકાર બનાવે  
તેનું મન નારાયણ સાથે એક બને છે.તે જીવાત્મા- નારાયણ રૂપ- બની પરિપૂર્ણ થાય છે.
ત્યારે જીવનું  જીવન સફળ થાય છે.
જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી  તેને શાંતિ મળતી થતી નથી.
જીવ જયારે ઈશ્વરને મળે છે-અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે તે પૂર્ણ થાય છે.

જ્ઞાનીઓ –જ્ઞાન-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે ભક્તો(વૈષ્ણવો) –પ્રેમ-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.

ઈશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે,ત્યારે જીવ પૂર્ણ થાય છે.
ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે,નારાયણ એ પરિપૂર્ણ છે.સાચી શાંતિ નારાયણ માં છે.
નર એ નારાયણ નો અંશ છે,એટલે નર તે નારાયણ માં શમી જવા માગે છે.

નારાયણ ને ઓળખવાનું અને નારાયણ માં લીન થવાનું સાધન તે-- ભાગવત શાસ્ત્ર. 


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE