Sep 5, 2020

ભાગવત રહસ્ય -૩૮૨

ગોવર્ધનલીલા એ રાસલીલા પહેલાં આવે છે.ગોવર્ધનલીલામાં પૂજ્ય (જેની પૂજા કરાય છે તે) અને પૂજક (જે પૂજા કરે છે તે) એક બને છે.પૂજા કરનાર શ્રીકૃષ્ણ અને જેની પૂજા થાય છે (ગિરિરાજ) તે પણ શ્રીકૃષ્ણ.(ભગવાને પોતે ગિરિરાજમાં પ્રવેશ કરેલો છે) 
પૂજ્ય અને પૂજક (આત્મા અને પરમાત્મા) એક ના બને ત્યાં સુધી આનંદ આવતો નથી. અદ્વૈત (એક) નું આ પહેલું પગથિયું છે.

ગોવર્ધનલીલા જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે.જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે. પણ જયારે જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે,ત્યારે ખૂબ સંભાળવાનું છે. વાસનાનો વરસાદ સહન કરવાની શક્તિ નામસેવા-સ્વરૂપસેવા કરી ભગવાનનું શરણ લેવાથી આવે છે.
ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરેલો.ટચલી આંગળી એ સત્વગુણનું સ્વરૂપ છે.
સત્વગુણ વધે તો વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે.
સાદું ભોજન,સદગ્રંથનું વાંચન,સત્સંગ-વગેરેથી સત્વગુણ વધે છે.
ભક્તો આ સત્વગુણના આધારે વાસનાનો વેગ સહન કરે છે.ગોવર્ધનપૂજામાં આવાં અનેક રહસ્યો છે.

શ્રીકૃષ્ણ સાત વર્ષના થયા,ત્યારે આ ગોવર્ધન લીલા થઇ છે.
દર વર્ષે નંદબાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા.આ વખતે ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી.ત્યારે કનૈયો પૂછે છે-કે-
બાબા,આ શાની તૈયારી થાય છે ?આ યજ્ઞ કરવાનું ફળ શું ?કયા દેવને ઉદ્દેશી ને આ યજ્ઞ કરો છો ?
ત્યારે નંદબાબા કનૈયાને સમજાવે છે કે-ઇન્દ્ર વરસાદ વરસાવે છે,ઇન્દ્ર વરસાદ વરસાવે તો ગાયો માટે ખડ થાય,આપણા મારે અનાજ થાય,ઇન્દ્ર એ આપણા ઈશ્વર છે,તેમને રાજી કરવા આ યજ્ઞ છે.

આ વખતે શ્રીકૃષ્ણ કહે છે કે-ઇન્દ્રનો યજ્ઞ કરો તે ઠીક છે,પણ તમે ઇન્દ્રને ઈશ્વર માનો તે ઠીક નથી.
ઇન્દ્ર એ ઈશ્વર નથી,કોઈ પણ મનુષ્ય સો અશ્વમેઘ યજ્ઞ કરે તો ઇન્દ્ર થઇ શકે છે.(ઇન્દ્ર એ એક "દેવ: છે)
બાબા ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે-તે તમે જાણતા નથી. ઇન્દ્રના પણ બીજા ઇન્દ્ર છે,ઇન્દ્રને ઇન્દ્ર બનાવનાર,
સ્વર્ગનું રાજય આપનાર કોઈ (બ્રહ્મ) જુદા છે.

નંદબાબા પૂછે છે કે -કનૈયા,ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે ?
ત્યારે કનૈયા કહે છે કે-આ મારો ગોવર્ધનનાથ,એ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે.
ચાર દિશાના ચાર દેવ છે,તે એક એક દિશાના માલિક એક એક ખૂણે બેઠા છે.
અને વચમાં મારો સર્વનો માલિક,સર્વથી શ્રેષ્ઠ ગોવર્ધનનાથ બેઠો છે.બાબા,તમે એની પૂજા કરો.
નંદબાબા કહે છે કે-ઇન્દ્રની પૂજા નહિ કરીએ તો ઇન્દ્ર નારાજ થઇ હેરાન કરશે તો ?

કનૈયો કહે છે-કે-આજ સુધી ગોવર્ધનનાથની પૂજા નથી કરી છતાં તે નારાજ થયા નથી,અને એક વર્ષ જો 
ઇન્દ્રની પૂજા નહિ કરીએ તો ઇન્દ્ર નારાજ થતો હોય તો ભલે થાય.ઇન્દ્ર કદાચ નારાજ થશે તો મારો 
ગોવર્ધનનાથ આપણી રક્ષણ કરશે.બાબા,તમને એક વાત પુછું ?તમે ઘણાં વર્ષથી ઇન્દ્રનું પૂજન કરો છો,પણ તમને એનાં દર્શન થયાં છે ? નંદબાબાએ ના પાડી,અને કહે છે-કે-મેં ઈન્દ્રદેવને જોયા નથી.

કનૈયો કહે છે કે-તમે ઘણાં વર્ષથી પૂજા કરો છો પણ ઇન્દ્ર દર્શન આપતો નથી.તેથી લાગે છે કે ઇન્દ્રમાં અભિમાન છે.જે દેવ ને તમે જોયા નથી તેની તમે પૂજા કરો છો,પણ પિતાજી આપણો આ ગોવર્ધન પર્વત છે તે આપણા પ્રત્યક્ષ દેવ છે.બાબા,તમને જે આ પહાડ દેખાય છે તે ગોવર્ધનનાથનું આધિભૌતિક સ્વરૂપ છે.
તેમનું આધિદૈવિક રૂપ જુદું છે.મારો ગોવર્ધનનાથ આમાં સૂક્ષ્મરૂપે વિરાજેલો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE