Sep 6, 2020

ભાગવત રહસ્ય -૩૮૩

કનૈયો કહે છે-કે-બાબા,ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે.ગોવર્ધનનાથે મને ઘણી વાર દર્શન આપ્યા છે.નંદબાબા પૂછે છે કે-લાલા,તને ગોવર્ધનનાથનાં દર્શન ક્યારે થયેલાં? શ્રીકૃષ્ણે કહ્યું કે-બાબા, એક વખત વનમાં મને બે વાઘ મળ્યા.હું તો ગભરાયો.
ત્યારે ગિરિરાજમાંથી ચાર ભુજા વાળા દેવ બહાર આવ્યા,અને બંને વાઘને મારી નાંખ્યા.અને મારે માથે હાથ મૂકી કહ્યું કે-“તું ગભરાતો નહિ,હું તારું રક્ષણ કરું છું.” 
બાબા,મારો ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત છે,તેમની તમે પૂજા કરો,તે બધાને દર્શન આપશે.

નંદબાબા ને આનંદ થયો છે,લાલાને ગોવર્ધનનાથનાં દર્શન થયાં છે.માટે લાલો આટલા ચમત્કારો કરે છે.
શ્રીકૃષ્ણે આજે ઇન્દ્રનો ગર્વ ઉતારવાનો નિર્ણય કરેલો.તેથી શ્રીકૃષ્ણ બધાને સમજાવે છે કે-આ વર્ષે ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરીએ.
નંદબાબાએ કહ્યું-કે-લાલા,અમે કોઈ ગોવર્ધનનાથનો પૂજાવિધિ જાણતા નથી.તો પૂજા શી રીતે કરીશું ?
ત્યારે લાલો જવાબ આપે છે કે-બાબા,હું પૂજાવિધિ જાણું છું.તમે ચિંતા ના કરો.
બધા ગોવર્ધનનાથની પૂજા કરવા તૈયાર થયા છે.

કનૈયો કહે છે કે-બાબા,ઇન્દ્રના યજ્ઞમાં માત્ર બ્રાહ્મણોનું જ સન્માન થાય છે,પણ ગરીબોનું સન્માન થતું નથી,મારે તો ગરીબો ને ખવડાવવું છે.બાબા,મારા ગુરુએ કહ્યું છે કે-ગરીબો ને અન્નદાન થાય,ગાયોની સેવા થાય અને સાધુઓનું સન્માન થાય એટલે પરમાત્મા પ્રસન્ન થાય છે.મારે ગાયોનો વરઘોડો કાઢવો છે.
(ગોવર્ધનલીલા માં ગાયોનો વરઘોડો થાય છે) બેસતા વર્ષે અન્નકૂટ કરીશું,ઠાકોરજી આરોગવાના છે,માટે તમે સુંદર વાનગીઓ લઇ આવજો.શ્રીકૃષ્ણ દરેકને પોતપોતાના ઘરેથી ભાતભાતની વાનગીઓ લાવવાનું કહે છે.અને કહે છે કે-જેના ઘરથી સામગ્રી નહિ આવે તેને ઘેર અન્નપૂર્ણા પધારશે નહિ.

નંદબાબા પૂછે છે કે-લાલા,તારો ઠાકોરજી આરોગશે તે અમને દેખાશે ? 
લાલો કહે છે-કે- હા,બાબા,ઠાકોરજી આરોગશે તે સર્વને દેખાશે. વ્રજવાસીઓને અતિશય આનંદ થયો છે.
બેસતા વર્ષે વ્રજવાસીઓ બધા ગોવર્ધનનાથ પાસે આવ્યા છે.
મથુરાથી સત્તર અઢાર માઈલ દૂર જતીપુરા કરીને ગામ આવેલું છે,ત્યાં આ સ્થળ આવેલું છે.
જતીપુરામાં ગોવર્ધનનાથનું મુખારવિંદ છે.

જુદા જુદા પ્રકારની સર્વ સામગ્રીઓ ગાડાં ભરીને સામગ્રીઓ પોતાની સાથે વ્રજવાસીઓ લાવ્યા છે.
સર્વ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે.પ્રથમ ગણપતિની પૂજા કરી છે.
મહાન તે છે કે-જે ધર્મ-મર્યાદાને માન આપે છે.ભગવાન પણ ધર્મની મર્યાદા તોડતા નથી.
શ્રીકૃષ્ણે ગણપતિદાદાની પૂજા કરી છે.વેદભગવાન પણ ગણપતિદાદાનો મહિમા બહુ વર્ણવે છે.
પછી કનૈયો કહે છે કે-મહારાજ તમે વેદમંત્રો બોલો,હું મારા ગોવર્ધનનાથને નવડાવીશ.અભિષેક કરીશ.

અભિષેક માટે ગોપબાળકો યમુનાનું જળ લાવે છે.શ્રીકૃષ્ણ ગોવર્ધનનાથનો અભિષેક કરે છે.
ગિરિરાજથી યમુનાજી દૂર છે,ગોપબાળકો જળ લાવતાં લાવતાં થાકી જાય છે.તેથી તેઓ કનૈયાને કહે છે-કે-કનૈયા યમુનાજી દૂર છે તારો દેવ તો મોટો છે,એણે નવડાવવા ઘણું પાણી જોઈએ.અમે તો થાકી ગયા છીએ.
કનૈયો ગોવર્ધનનાથને પ્રાર્થના કરે છે.-હે ગોવર્ધનનાથ,તમારા ચરણમાં સર્વ દેવોનો વાસ છે.
અમે સર્વ છોડી આપનાં ચરણમાં આવ્યા છીએ.તમારા ચરણમાં ગંગા-જમના સર્વ તીર્થો રહેલાં છે.
કૃપા કરીને કોઈ ને પ્રગટ કરો.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE