Apr 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-800

કર્તા,કર્મ અને કારણ વગરના એ પરબ્રહ્મમાં કારણપણું છે જ નહિ,
તેથી તેના કાર્ય-રૂપે જણાતું આ નામરૂપવાળું જગત થયું જ નથી.
માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ (કે જે તમારું સ્વરૂપ પણ છે તે જ) સત્તા-રૂપે સર્વત્ર રહેલ છે,
આથી તમે એવી જ (એ બ્રહ્મની જ) ભાવના રાખો.એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતના આકારે ફેલાઈ રહેલું દેખાય છે (તેને જગત જ દેખાય છે) અને જ્ઞાનીને જગત,નિર્વિકાર સત્ય-બ્રહ્મ,આકારે ભાસે છે.

Apr 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-799

જેમ  ગતિ વિનાનો વાયુ,પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
તેમ આ જગત,પોતાના નામ-રૂપ વિના,બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે.
જ્ઞાન થતાં બ્રહ્મ-રૂપ થયેલા,આ જગતના બાહ્ય (રૂપ-આદિ) વિષયો અને અંદરના (સંકલ્પ-આદિ) વિષયો,નિઃસાર છે,અને તે અસત્ય હોવા છતાં મિથ્યા-રૂપ જ ભાસી રહ્યા છે.
આમ,સૃષ્ટિનાં નામ-રૂપ બાદ કરતા,સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ-રૂપ છે.(એ જ "સર્વ ખલ્વિદમ બ્રહ્મ" વગેરે ઉપનિષદનાં વચનોનો ખરો અર્થ છે)