More Labels

May 6, 2012

ભાગવત રહસ્ય-૧૧      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE                ભાગવત માહાત્મ્ય (ચાલુ)

શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.
જન્મ થતાવેત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજી ની પત્ની નું નામ વાટીકાજી છે.
વાટીકાજીને  તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે.
વાટીકાજી એ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.
વ્યાસજી સમજાવે છે કે-જે આપણને ખુબ ગમે તે પરમાત્મા ને અર્પણ કરવું.  તો જ આપણે પ્રભુને ગમીએ.

ઘણાં એવા હોય છે કે જે કાપડ ગમતું ના હોય તે ગોર મહારાજ ને આપે છે. ગોર મહારાજ માં ભગવાનની ભાવના રાખી અર્પણ કરવાનું હોય છે. તમને જે પ્રિય હોય તે પ્રભુને અર્પણ કરો. મનુષ્ય સારી વસ્તુ પોતા માટે રાખે છે,અને ખરાબ માં ખરાબ હોય તે-ઠાકોરજી  માટે રાખે છે. આ ભક્તિ નથી –આસક્તિ છે.

વ્યાસજી –વાટીકાજીને સમજાવે છે—એ તારો હવે રહ્યો નથી,સર્વેશ્વર નો થયો છે.એ સર્વેશ્વર નું કામ કરવા જાય છે,
તે જગતનું  કલ્યાણ કરવા જાય છે.—
પણ તે પછી વ્યાસજી પણ પોતે વિહ્વળ થયા છે.”હે પુત્ર-હે પુત્ર ,પાછો વળ, મને છોડી જઈશ નહિ,હું તને લગ્ન કરવા આગ્રહ કરીશ નહિ”
પણ શ્રીકૃષ્ણ નું ધ્યાન કરતાં કરતાં શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે.ત્યાં હવે કોણ પિતા ? કોણ માતા ?
લૌકિક સંબંધ નું વિસ્મરણ થાય છે,ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી.

સર્વવ્યાપક થયેલા શુકદેવજી એ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો છે. હે મુનિરાજ !! તમને પુત્ર વિયોગ થી દુઃખ થાય છે,પણ
અમને કોઈ પથ્થર મારે તો પણ અમે તેમને (અમારા પુત્ર જેવા) ફળ આપીએ છીએ.(વૃક્ષનો પુત્ર છે - ફળ.
પથ્થર મારનાર ને ફળ આપે તેજ વૈષ્ણવ) .  તમે પુત્ર વિયોગ થી શું કામ રડો છો ? આપ તો જ્ઞાની છો, તમારો પુત્ર
જગતનું કલ્યાણ કરવા જાય છે.
વ્યાસજી હજી વ્યગ્ર છે.  ત્યારે શુકદેવજી એ કહ્યું-“આ જીવ અનેક વાર પુત્ર બન્યો છે,અનેક વાર પિતા બન્યો છે.”

વાસના માં બંધાયેલો જીવ અનેકવાર પુત્ર,પિતા,સ્ત્રી બને છે, અનેકવાર પૂર્વજન્મ ના શત્રુ પણ ઘરમાં આવે છે.
ડોસાને કોઈ વાસના રહી જાય તો –દાદો જ પૌત્ર રૂપે ઘરમાં આવે છે. કેટલાક કહે છે –આ બાબો તેના  દાદા જેવો
લાગે છે. અરે—દાદા જેવો જ નહિ,દાદો જ પૌત્ર તરીકે આવ્યો છે, વાસના રહી જવાથી –દાદો જ પૌત્ર રૂપે રમવા આવ્યો છે.વાસના જ પુનર્જન્મ નું કારણ બને છે.

“પિતાજી ,તમારા અનેક જન્મો થયા છે,પુનર્જન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. વાસ્તવિક રીતે,જીવ નો સાચો સંબંધ ઈશ્વર સાથે છે.
પિતાજી, મારી પાછળ ના પાડો,પણ પરમાત્મા પાછળ પડો.
યાદ રાખો,જગતમાં જેની પાછળ તમે બહુ પડો, તે જ તમને બહુ રડાવશે.
પિતાજી,તમારું જીવન પરમાત્મા માટે બનાવો.મને જે આનંદ મળ્યો છે,તે હું જગતને આપવા જાઉં છુ.”
શુકદેવજી નું ચરિત્ર અતિ દિવ્ય છે, 


બદ્રીનારાયણ માં શુકદેવજી નું પ્રાગટ્ય થયું છે. ત્યાંથી તેઓ ગંગા કિનારે આવ્યા.ત્યાં ઋષિ મુનિઓ એકઠા થયેલા,.પરીક્ષિત ને ભાગવત સંભળાવ્યું. શુકદેવજી એ જે કથા સંભળાવી , તેમાં
શ્રોતા તરીકે વ્યાસજી પણ હતા.કથા પૂર્ણ કરી.
ત્યાંથી શુકદેવજી નર્મદા કિનારે આવ્યા. વ્યાસજી પણ તેમની પાછળ પાછળ આવ્યા છે. શુકદેવજી એ વ્યાસજી ને કહ્યું—આ કાંઠે હું બેસું છું,તમે સામે કાંઠે વિરાજો. દુરથી ભલે તમે મને નિહાળો પણ ધ્યાન તો પરમાત્મા નું જ કરો.

જે પરમાત્મા ની પાછળ પડે છે તે જ્ઞાની છે.પૈસા પાછળ ના પડો. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્મા ની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશે. આ નર—જે  નારાયણ ની પાછળ પડે તે કૃતાર્થ થાય છે.

વ્યાસજી આજે પણ ત્યાં વિરાજે છે.સાત ચિરંજીવીઓ માં વ્યાસજી નું પણ નામ છે.
..................................................................................................................................................................
સુતજી એ શુકદેવજી ને પ્રણામ કરી-આ કથાનો પ્રારંભ કર્યો છે.

એકવાર નૈમિષારણ્ય ક્ષેત્ર માં અઠ્યાસી હાજર ઋષિમુનિઓ નું સત્ર થયું છે.
(અયોધ્યા પાસે આ નૈમિષારણ્ય છે. જ્યાં દેવકી ગંગા બિરાજે છે.નૈમિષારણ્ય માં ચક્ર પુષ્કીરીણી તીર્થ છે.
સુતજી ની ત્યાં ગાદી છે.) આ સત્ર માં શૌનક્જીએ સુતજી ને પ્રશ્ન કર્યો છે –કે-
સર્વ કથાઓનો સાર શું છે ? તે અમને સંભળાવો. આજ સુધી કથાઓ બહુ સાંભળી, હવે કથાનું સારતત્વ સાંભળવાની ઈચ્છા છે.  એવી કથા સંભળાવો કે જેથી અમારી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ દ્રઢ થાય.અમને શ્રીકૃષ્ણ ની પ્રાપ્તિ થાય.

બશેર દૂધ પીવા કરતાં થોડું માખણ ખાવું સારું છે.વધારે દૂધ પીવાથી કફ થાય છે. ઠાકોરજી ને માખણ બહુ ભાવે.
માખણ એ સર્વ નું સાર છે.
આ બધાં ઋષિઓ, બાલકૃષ્ણ ના ઉપાસક છે,સેવકો છે.
જીવ જેની સેવા કરે છે તેના ગુણ તેનામાં આવે છે.મહાકાળી નો ઉપાસક ઉગ્ર હોય છે. કનૈયાની ઉપાસના કરનાર પ્રેમાળ હોય છે.
શ્રીકૃષ્ણ સારભોગી  છે,તેમ વૈષ્ણવો પણ સારભોગી થયા છે. તેથી સર્વ કથાઓ નો સાર તત્વ સાંભળવાની ઈચ્છા કરી છે. ભાગવત એ માખણ છે,બીજા બધાં શાસ્ત્રો –દૂધ દહીં –જેવા છે. સર્વ શાસ્ત્રોમાં સાર રૂપ આ કૃષ્ણ કથા છે.

અત્યાર સુધી બહુ પુસ્તકો વાંચ્યાં. જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે,તેવા સાધક માટે આજ્ઞા છે કે –તે બહુ ગ્રંથ ના વાંચે. અનેક ગ્રંથ વાંચવાથી બુદ્ધિ માં વિક્ષેપ ઉભો થાય છે. બહુ પુસ્તક વાંચવાથી –બુદ્ધિ,મન –ચંચળ થાય છે.
પ્રત્યેક પુસ્તક માં મતભેદ હોય છે. મતભેદ –મનોભેદ ઉત્પન્ન કરે છે.  ભાગવત,રામાયણ,ગીતા –એવા ગ્રંથો જ વારંવાર વાંચો.  એક જન્મ શું-અનેક જન્મ લો પણ જ્ઞાન ની સમાપ્તિ થતી. જ્ઞાન ની સમાપ્તિ પ્રેમ માં-શ્રીકૃષ્ણ માં થાય છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
       INDEX PAGE