More Labels

Jun 12, 2012

ભાગવત રહસ્ય-૫૦

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE            

સ્કંધ પહેલો-૨૧ (ચાલુ)

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણ ની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલા એ કૃપા કરી ખરી!!
એક દિવસ ધ્યાન માં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશ ને નિહાળી ને હું જપ કરતો હતો.
ત્યાં જ –પ્રકાશમાં થી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.
મને બાલ કૃષ્ણ લાલ ના સ્વરૂપ ની ઝાંખી થઇ

પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી  છે.કાન માં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.
મારા કૃષ્ણે કસ્તુરી નુ તિલક કર્યું છે. વક્ષસ્થળ માં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાક માં મોતી, હાથ માં વાંસળી છે.
અને આંખો-પ્રેમ થી ભરેલી છે.

મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતી માં પણ નથી.

હું દોડ્યો-કૃષ્ણ ચરણ માં વંદન કરવા-પણ-
હું જ્યાં વંદન કરવા ગયો-ત્યાં લાલાજી –અંતર્ધ્યાન થયા.
મને અચરબ અને ખેદ થયો  કે –મારા લાલાજી મને છોડીને કેમ ચાલ્યા ગયા ?
ત્યાં આકાશવાણી એ મને આજ્ઞા કરી-કે-“તારા મન માં સૂક્ષ્મ વાસના હજુ રહેલી છે. જેના મન માં સૂક્ષ્મ વાસના રહેલી છે-
તેવા યોગી ને હું દર્શન આપતો નથી. આ જન્મ માં તો તને મારા દર્શન થશે નહિ. આમ તો તારી ભક્તિ થી હું પ્રસન્ન
થયેલો છું-તારા પ્રેમ ને પુષ્ટ કરવા-તારી ભક્તિ ને દ્રઢ કરવા-મેં તને દર્શન આપ્યા છે. પણ તારે હજુ એક જનમ વધારે
લેવો પડશે. તું આ જન્મ માં સાધના કર-બીજા જન્મ માં તને મારા દર્શન થશે.
સતત ભક્તિ કરજે-દ્રષ્ટિ અને મન ને –સુધારી-સતત –વિચાર કે-હું તારી સાથે છુ. જીવન ના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો.”

ભજન વિનાનું ભોજન –એ પાપ છે. સત્કર્મ ની સમાપ્તિ  હોય નહિ. જે દિવસે જીવન ની સમાપ્તિ-તે દિવસે સત્કર્મની સમાપ્તિ.
જપ ની પૂર્ણાહુતિ ના હોય.

મને એક ભાઈ મળેલા-મને કહે-મારા સવા લક્ષ જપ પુરા થયા છે-મારે હવે પૂર્ણાહુતિ કરવી છે.મને વિધિ બતાવો.
મેં કહ્યું કે-દાળભાત ની પૂર્ણાહુતિ કરીને આવજે પછી તને પૂર્ણાહુતિ ની વિધિ કહીશ.
અરે..ભોજન ની પૂર્ણાહુતિ  નહિ તો ભજન ની પૂર્ણાહુતિ કેમ થાય ?

“પછી હું ગંગા કિનારે રહ્યો.મરતા પહેલાં –મને અનુભવ થવા લાગ્યો. આ શરીર થી હું જુદો છું.જડ ચેતન ની ગ્રંથી છૂટી ગઈ.”

જડ અને ચેતન ની-શરીર અને આત્મા ની જે ગાંઠ પડી છે-તે ગાંઠ-ભક્તિ વગર છૂટતી નથી.
જડ શરીર થી ચેતન આત્મા જુદો છે-એ સર્વ જાણે છે-પણ અનુભવે કોણ ? જ્ઞાન નો અનુભવ ભક્તિ થી થાય છે.

તુકારામ મહારાજે કહ્યું છે કે-મેં મારી આંખે મારું મરણ જોયું.મારા આત્મ સ્વરૂપ ને નિહાળ્યું.

મન ઈશ્વર માં હોય-અને ઈશ્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય-તો મુક્તિ મળે છે.

મન ને ઈશ્વર નુ સ્મરણ સતત કરાવવા-જપ-વગર અન્ય કોઈ સાધન નથી.
જીભ થી જપ કરો-ત્યારે મન થી સ્મરણ કરવું જોઈએ.
આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંત કાળે મોટે ભાગે જીવ-હાય હાય કરતો જાય છે.

“અંત કાળ સુધી મારો જપ ચાલુ હતો. અંત કાળ માં રાધા-કૃષ્ણ નુ ચિંતન કરતાં-મેં શરીર નો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં
પ્રત્યક્ષ જોયું. મને-મૃત્યુ નુ જરા પણ કષ્ટ થયું નહિ “

માખણ માંથી વાળ કાઢતા બિલકુલ ત્રાસ થતો નથી. સંતો ને શરીર છોડતા બિલકુલ દુઃખ થતું નથી.
પણ સુકાયેલા માટીના ગોળામાં વાળ ફસાયેલો હોય-તો તેને કાઢતાં –જેવી દુર્દશા થાય- તેવી –દુર્દશા –સંસારી જીવ
જયારે  શરીર છોડે ત્યારે થાય છે. યમરાજા –તેને ત્રાસ આપતા નથી-ઘરની મમતા તેને ત્રાસ આપે છે.
શરીર છોડવું તેને ગમતું નથી.

“તે પછી હું બ્રહ્માજી ને ત્યાં જન્મ્યો. પૂર્વ જન્મ ના કર્મો નુ ફળ-આ જન્મ માં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું.
પૂર્વ જન્મ માં કરેલા ભજન થી મારું મન સ્થિર થયું છે. પૂર્વ જન્મ માં મારે મન સાથે બહુ ઝગડો કરવો પડ્યો હતો.
મન ને સમજાવું પણ તે માને નહિ.
ભક્તિ કરવી પણ સહેલી નથી.મન ને વિષયો માંથી હટાવીને-તેને પ્રભુ માં લગાડવાનું હોય છે.
હવે મન ને સમજાવવાની જરૂર પડતી નથી. હવે મારું મન સંસાર તરફ જતું નથી. હવે તો આંખ બંધ  કરું છું ત્યાં- અનાયાસે
શ્રીકૃષ્ણ ના દર્શન થાય છે. હવે હું સતત પરમાત્મા ના દર્શન કરું છુ.
એકવાર ફરતો ફરતો –હું ગોલોક ધામ માં ગયો.ત્યાં રાધા-કૃષ્ણ ના દર્શન થયા. હું કિર્તન માં તન્મય હતો.
પ્રસન્ન થઈને રાધાજી એ મારા માટે-પ્રભુ ને ભલામણ કરી-કે –નારદ ને પ્રસાદ આપો. “

વ્યાસજી એ પૂછ્યું-ભગવાને તમને પ્રસાદ માં શું આપ્યું ?
નારદજી કહે છે કે-
શ્રી કૃષ્ણે મને પ્રસાદ માં –આ તંબુરો(વીણા) આપ્યો.
અને મને કહ્યું-“કૃષ્ણ કિર્તન કરતો કરતો જગત માં ભ્રમણ કરજે-અને મારા થી વિખુટા પડેલા અધિકારી જીવ ને
મારી પાસે લાવજે. સંસાર પ્રવાહ માં તણાતા જીવો ને મારી તરફ લઇ આવજે.”

      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE