Aug 6, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-06

રાજયોગની શરૂઆત કરતાં પહેલાં તેની તૈયારી પેઠે આહારના અમુક નિયમો પાળવા આવશ્યક છે.
અને યોગી કહે છે કે-મન શુદ્ધમાં શુદ્ધ બને તેવો ખોરાક લેવો જોઈએ.

પ્રાણી-સંગ્રહસ્થાનમાં જાઓ અને જુઓ તો -હાથી એ ઘણું મોટું પ્રાણી છે,પણ તે શાંત અને નરમ છે,જયારે વાઘ-સિંહના પાંજરા પાસે જઈને જુઓ તો તે અશાંત લાગશે.હાથી શુદ્ધ શાકાહારી છે,અને શાંત છે તે બતાવે છે કે-આહારને લીધે કેટલો તફાવત પડે છે.

આ શરીરમાં જેટલાં બળો (શક્તિ) કાર્ય કરી રહ્યા છે તે બધાં આહારથી જ ઉત્પન્ન થયા છે.
જો કોઈ  ઉપવાસ કરવા માંડે -તો પ્રથમ શરીર નબળું પડશે,પછી શારીરિક બળો ઘટશે,અને પછી,
ધીરે ધીરે માનસિક શક્તિ ઓછી થાય છે.યાદ-શક્તિ ઓછી થઇ જાય છે અને એવો સમય આવે છે કે-
મનુષ્ય વિચાર કે તર્ક પણ કરી શકતો નથી.
એટલે શરૂઆતમાં કઈ જાતનો આહાર લેવો ? તે બાબતમાં સંભાળ રાખવાની જરૂર છે.

પણ જયારે સાધના સારી રીતે આગળ વધી ને શક્તિ આવી હોય-ત્યારે આહારની બાબતમાં બહુ
ચાપચીપિયા થવાની જરૂર રહેતી નથી.
નાનો છોડવો જયારે ઉગતો હોય ત્યારે તેને ફરતી વાડ કરવી જોઈએ,પણ તે વધીને મોટું વૃક્ષ થાય,
ત્યાર-પછી તેં વાડની જરૂર રહેતી નથી.પછી તો તે આઘાત ઝીલી શકે તેટલું મજબૂત થઇ જાય છે.

યોગીઓ કહે છે કે-યોગી થવા ઇચ્છનારે -વિલાસિતા અને ઘોર તપસ્યા-એ બે અતિશયતાઓથી દૂર રહેવું.
તેણે બિલકુલ નિરાહાર ના રહેવું તેમ વધુ ખાઈને શરીરને અતિશય કષ્ટ પણ ના આપવું.
ગીતા કહે છે કે-જે અતિશય ખાય કે જે બિલકુલ ના ખાય, જે ઉજાગરા કરે કે જે અતિશય ઊંઘ્યા કરે,
જે બહુ કામ કરે કે જે બિલકુલ કામ ના કરે-આમાંનો કોઈ યોગી થઇ શકતો નથી. (ગીતા-૬-૧૬)

રાજયોગનાં પહેલાં પગથિયાં

રાજયોગ ના આઠ અંગ છે. (એટલે રાજયોગ ને અષ્ટાંગ-યોગ પણ કહે છે)

(૧) યમ- કે જેમાં અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ  આવે છે.
(૨) નિયમ-કે જેમાં શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન આવે છે.
(૩) આસન-એટલે શરીરની બેઠક.
(૪) પ્રાણાયામ-એટલે પ્રાણ પર કાબૂ
(૫) પ્રત્યાહાર-એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પછી ખેંચવી.
(૬) ધારણા- એટલે મનને એક જ સ્થળે ચોંટાડી રાખવું.
(૭) ધ્યાન- એટલે કે એકધારું ચિંતન
(૮) સમાધિ-એટલે અતિન્દ્રિય ભાન થવું તે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE