Nov 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-013

પૌષ્ય-પર્વ 

અધ્યાય-૩-જન્મેજયને સરમાનો શાપ-ધૌમ્યના શિષ્યોની કથા-ઉત્તંક તથા પૌષ્યનું ચરિત્ર 

II सौतिरुवाच II जनमेजयः पारिक्षितः सहभ्रात्रुभि: कुरुक्षेत्रे दीर्घसत्रमुपास्ते II 

तस्य भ्रातरस्त्रः श्रुतसेन उग्र्सेनो भीमसेन इति II तेषु तत्सत्रमुपासीनेष्वागच्छ्त्सारमेयः II १ II 

સૂતજી (સૌતિ કે સૂતપુત્ર) બોલ્યા-પરીક્ષિતપુત્ર જન્મેજયે પોતાના ભાઈઓની સાથે,

કુરુક્ષેત્રમાં દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કર્યું.તેમાં શ્રુતસેન,ઉગ્રસેન અને ભીમસેન એ ત્રણ ભાઈઓ બેઠા હતા,

ત્યારે એક કૂતરો ત્યાં આવી પહોંચ્યો,જન્મેજયના ભાઈઓએ તેને મારીને ત્યાંથી હટાવ્યો,

એટલે તે કૂતરો રડતો રડતો તેની માતા (સરમા) પાસે ગયો.માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું,

તો તેણે કહ્યું કે-'જન્મેજયના ભાઈઓએ તેને માર્યો છે' માતાએ કહ્યું કે-'તેં કંઈ અપરાધ કર્યો હશે' 

ત્યારે કૂતરાએ કહ્યું કે-મેં કશો દોષ કર્યો નથી,યજ્ઞના પદાર્થોને મેં જોયા સરખોયે નથી કે તેને ચાટ્યા પણ નથી'

તે સાંભળીને પુત્રદુઃખથી દુઃખી થયેલી,તેની માતા સરમા,તે સત્રમાં ગઈ,અને તેણે,જન્મેજયને ક્રોધથી કહ્યું કે-

'મારા પુત્ર કશો અપરાધ કર્યો નથી,યજ્ઞના દ્રવ્યોને તેણે  ચાટ્યા નથી,તો તેને માર્યો કેમ?' તેમણે કોઈ ઉત્તર 

આપ્યો નહિ,એટલે સરમાએ કહ્યું કે-'આ નિર્દોષને તમે માર્યો છે,તેથી તમને અણચિંતવ્યો ભય આવી પડશે'

દેવની કૂતરી સરમાએ આમ કહ્યું એટલે જન્મેજય ગભરાયો ને ખિન્ન થયો (1-10)


તે સત્રની સમાપ્ત થતાં,જન્મેજયે હસ્તિનાપુર આવીને,એવા યોગ્ય પુરોહિતની શોધ કરવાનો પ્રયત્ન કર્યો,

કે જે પોતાને મળેલા શાપને શાંત કરી શકે.એક વખતે,તે મૃગયા (શિકાર) કરવા નીકળ્યો હતો ત્યારે,

પોતાના રાજ્યના પ્રદેશમાં શ્રુતશ્રવા ઋષિના આશ્રમે જઈ ચડ્યો,ને તે ઋષિના પુત્ર સોમશ્રવાને,

પોતાના પુરોહિત પદે  લેવાની ઈચ્છા દર્શાવી.ત્યારે શ્રુતશ્રવા ઋષિએ ઉત્તર આપ્યો કે-


'હે જન્મેજય,મારો આ પુત્ર,મારુ વીર્ય પી જનારી,એક સર્પિણીના કુખે જન્મ્યો છે,ને મહાતપસ્વી એવો આ મારો પુત્ર,એક મહાદેવના શાપ સિવાય સર્વ સાપોને શાંત કરવાને સમર્થ છે,પણ,અને એક ગૂઢ વ્રત છે કે-કોઈ બ્રાહ્મણ એની પાસે કંઈ માગે,તે તારે તેને આપવું પડશે,આ વ્રત પૂરું કરવાની તારી હિંમત હોય તો તું એને લઇ જા'

જન્મેજયે કહ્યું-'કે હે ભગવન,તે એમ જ થશે'


તે પુરોહિત (સોમશ્રવા)ને લઈને જન્મેજય પોતાના રાજ્યમાં પાછો આવ્યો અને તેને ભાઈઓને કહ્યું-

'મેં આમને ઉપાધ્યાય તરીકે છે,તે જે કંઈ કહે તે તમારે વગર વિચાર્યે પૂરું કરવું'

એટલે તેના ભાઈઓ તે પ્રમાણે જ વર્તવા લાગ્યા,પછી,તે જન્મેજય તક્ષશિલા તરફ ગયો અને તે દેશને જીત્યો.


તે વખતે,આપોદ ધૌમ્ય નામે એક ઋષિ હતા,તેમને ત્રણ શિષ્યો હતા,ઉપમન્યુ,આરુણિ અને વેદ.

આ ત્રણમાંથી,પંચાલદેશના આરુણિને તેમણે આજ્ઞા કરી કે-'ખેતરમાં જા  અને ક્યારડીની પાળ બાંધ'

આરુણિ તે ક્યારડીએ ગયો પણ પાળ બાંધી ન શક્યો,એટલેતે તૂટેલી પાળ આગળ પોતે સુઈ ગયો,

અને તે રીતે તેણે પોતાની જાતને,આડી કરીને,પાણીને રોકી પાળ બાંધી (11-24)


બહુ સમય વીતી ગયો,એટલે ગુરુ આપોદ ધૌમ્ય,શિષ્યની  કરવા તપાસનીકળ્યા.ક્યારડીએ આવી તેમણે સર્વ 

વાત  જાણી,ત્યારે તે ખુશ થયા અને કહ્યું કે-'તું ક્યારડાને ભેદીને આવ્યો,એટલે હવે તારું નામ ઉદ્દાલક રહેશે,

તેં મારુ વચન પૂર્ણ રીતે પાળ્યું છે,એટલે તારું કલ્યાણ થશે અને તને સર્વ વેદોનો અને ધર્મશાસ્ત્રોનો પ્રકાશ મળશે'

તે પછી તે શિષ્ય આરુણિ (ઉદ્દાલક) પોતાના દેશ તરફ પાછો ગયો.(25-33)


બીજા શિષ્ય,ઉપમન્યુને ધૌમ્યે આજ્ઞા કરી કે-'બેટા,ગાયોનું રખવાળું કર'

ઉપમન્યુ તે પ્રમાણે કરતો ને સાંજે આવીને ધૌમ્યને નમસ્કાર કરતો,તેને રુષ્ટપુષ્ટ થયેલો જોઈ,ધૌમ્યે પૂછ્યું કે-

'તું શું ખાય છે? કે તું આવો રુષ્ટપુષ્ટ થયો છે?' ત્યારે ઉપમન્યુએ કહ્યું કે 'હું ભિક્ષાથી ગુજારો કરું છું'

ધૌમ્યે કહ્યું કે-'મને (ગુરુને) અર્પણ કાર્ય વિના તારાથી ભિક્ષા ન જમાય' 

ગુરુએ આમ કહ્યું એટલે ઉપમન્યુ,ભિક્ષા લાવીને ગુરુને અર્પણ કરતો,ત્યારે ગુરુ બધી જ ભિક્ષા લઇ લેતા.

'ભલે તેમ' કહીને ઉપમન્યુ દિવસે ગાયોનું રખોપુ કરતો,અને સાંજે ગુરુને નમસ્કાર કરતો.

તેમ છતાંયે ગુરુએ તેને પહેલાં જેવો જ રુષ્ટપુષ્ટ જોયો,એટલે તેમણે શિષ્યને પૂછ્યું કે-

'હું સર્વ ભિક્ષા લઇ લઉં છું,તો પછી તું શું ખાય છે?' ત્યારે ઉપમન્યુએ કહ્યું કે-

'આપને ભિક્ષા અર્પણ કર્યા પછી ફરી ભિક્ષા માંગીને જીવન ગુજારો કરું છું'


ધૌમ્યે કહ્યું કે-'ગુરુકુળમાં રહેનારને આ ન છાજે,ભિક્ષા પર જીવનારા બીજાઓના ભરણપોષણમાં,

તું આમ આડ કરે છે તેથી તું લોભિયો ઠરે છે,એટલે હવેથી એમ કરીશ નહિ' ઉપમન્યુએ કહ્યું કે 'ભલે તેમ'

કેટલાક દિવસ પછી,ગુરુએ તેને હજી રૂષ્ટ-પુષ્ટ જોયો,એટલે તેને તેનું કારણ પૂછ્યું.(33-44)

તો ઉપમન્યુએ કહ્યું કે-'હું ગાયોનું દૂધ પીને આજીવિકા ચાલવું છું' ગુરુએ કહ્યું કે-મારી આજ્ઞા વિના તું દૂધનો ઉપયોગ કરે તે તારા માટે ઉચિત નથી'  ઉપમન્યુએ કહ્યું કે -'ભલે તેમ' 


ફરી,કેટલાક દિવસ પછી,ગુરુએ તેને હજી રૂષ્ટ-પુષ્ટ જોયો,એટલે તેને તેનું કારણ પૂછ્યું.

ઉપમન્યુએ કહ્યું કે-'વાછરડાં આંચળને ધાવતાં ધાવતાં,જે ફીણ બહાર કાઢે છે તે ફીણ હું પીઉં છું'

ત્યારે ગુરુએ તે ફીણ પીવાની પણ મનાઈ કરી.પછી,ગાયોને ચરાવતાં,તે કશું પણ ખાધાપીધા વિના 

ભૂખની પીડાને પામ્યો,એટલે તેને આકડાનાં પાનાં ખાધાં,કે જેથી તે આંધળો થયો અને કુવામાં પડી ગયો.


બહુ સમયે તે પાછો આવ્યો નહીં,ત્યારે ધૌમ્ય તેની શોધમાં નીકળ્યા,હકીકત જાણી ત્યારે તેમણે,

ઉપમન્યુને કહ્યું કે-'દેવોના વૈદ્ય,અશ્વિનીકુમારની તું સ્તુતિ કર,તેઓ તને આંખે દેખતો કરશે'

એટલે તે ઉપમન્યુ,ઋગ્વેદનાં  વચનો વડે અશ્વિનીકુમારની સ્તુતિ કરવા લાગ્યો.


'હે અશ્વિનીકુમારો,તમે સૃષ્ટિની પહેલાંયે હતા અને હિરણ્યગર્ભ-રૂપથી પ્રથમ ઉત્પન્ન થાઓ છો,

તમેજ વિચિત્ર પ્રપંચાકારે પ્રકાશી રહ્યા છો,તમે અનંત છો,તો હું વાણી અને તપ દ્વારા,તમને આત્મ-સ્વરૂપમાં પામવા ઈચ્છું છું.તમે વૃત્તિ અને ચૈતન્યનું રૂપ ધરીને પ્રકાશી રહ્યા છો,તમે પ્રકૃતિગત વિક્ષેપ શક્તિથી આ વિશ્વને સર્જો છો,ત્રણ ગુણોથી અતીત,અને વાણી તથા મનને અગોચર છો,તમે અમાપ છો,જ્યોતિર્મય ને સંગરહિત છો,

લય પામતા જગતના અધિષ્ઠાન-રૂપ છો,તમે સૂર્યને ઉત્પન્ન કરી,દિવસ-રાત-રૂપી,શુક્લ-કૃષ્ણ તંતુઓથી,

વર્ષ-રૂપી વસ્ત્ર વણી રહ્યા છો,ને એ વર્ષ-રૂપ-વસ્ત્ર વડે,વેગપૂર્વક દેવમાર્ગ અને પિતૃમાર્ગ સ્થાપિત કરો છે.


હે અશ્વિનો,પરમાત્માની કાળ-શક્તિથી ગળાયેલા,જીવ-રૂપ-પક્ષીને,મોક્ષ-રૂપી-મહાભાગ્ય દેવા,તેને મુક્ત કરો છો,

રાગાદિ-વિષયોમાં જકડાઈ રહેલામુર્ખો,જ્યાં સુધી ઇન્દ્રિયોને આધીન થઇ ફસાઈ રહે છે,ત્યાં સુધી તેઓ,તમને શરીર-રૂપે સમજે છે.વર્ષ-રૂપી-વાછરડાને ઉત્પન્ન કરનાર આપ જ છો અને તે વર્ષ-રૂપી-વાછરડાની સહાયથી,તત્વ જિજ્ઞાસુઓ,વિવિધ ક્રિયાઓમાં તત્વજ્ઞાન-રૂપી દૂધ દોહી લે છે.

હે અશ્વિનીકુમારો,મૂઢ બનેલો ને આંખ વિનાનો એવો હું,તમારા ગુણોની સ્તુતિ કરવા અસમર્થ છું,

હું આ ભયંકર કુવામાં પડ્યો છું અને આપણે શરણે આવ્યો છું (45-68)


ઉપમન્યુએ આ પ્રકારની સ્તુતિ કરી,તેથી બંને અશ્વિનીકુમારો તે સ્થાને આવ્યા અને બોલ્યા-

'અમે તારી સ્તુતિથી પ્રસન્ન થયા છીએ,તારે માટે આ માલપુડો લાવ્યા છીએ તે તું ખા'

ઉપમન્યુ કહે છે કે-હે ભગવન,આપ અસત્ય તો ન જ બોલો,પણ ગુરુજીને અર્પણ કર્યા વિના હું 

આ માલપુડો નહિ ખાઉં' અશ્વિનીકુમારોએ તેની પરીક્ષા કરવા તેને લલચાવ્યો,પણ તે જયારે અડગ રહ્યો,

ત્યારે તે બોલ્યા કે-'તારી ગુરુભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ,તું નેત્રવાન થશે ને તારું મંગળ થશે (69-73)


ઉપમન્યુ સુંદર નેત્રો પામ્યો અનેતે ગુરુ પાસે ગયો,તેમને પ્રણામ કરી આખો વૃત્તાન્ત કહી સંભળાવ્યો,

ગુરુ એ સાંભળી પ્રસન્ન થઇ બોલ્યા કે-સર્વ વેદો અને ધર્મશાસ્ત્રોનો તને પ્રકાશ મળશે,

આ પ્રમાણે,ગુરુભક્ત આરુણિ ની જેમ જ ગુરુભક્ત ઉપમન્યુની કસોટી થઇ.


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE