Dec 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-996

 

અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥

સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.

ચંદ્ર-સૂર્યની આસપાસ ઘોર કુંડાળું થયેલું છે અને તે સૂચવે છે કે ક્ષત્રિયોનો ઘોર નાશ ઉપસ્થિત થયો છે.પ્રચંડ લક્ષણવાળા સૂર્યને ડાબી બાજુ રાખીને ગ્રહો ભ્રમણ કરે છે,ચંદ્રની બંને તરફની અણીઓ નીચા મુખવાળી જણાય છે ને તે જ પ્રમાણે તેનો ઉદય થાય છે.કૌરવ સૈન્યમાં રહેલા રાજાઓનાં શરીરો કાંતિ વિનાનાં દેખાય છે.જ્યાંત્યાં કૃષ્ણના પાંચજન્ય શંખનો શબ્દ અને અર્જુનના ગાંડીવનો ટંકારવ શ્રવણગોચર થાય છે.અવશ્ય આજે અર્જુન ઉત્તમ અસ્ત્રોનો પ્રયોગ કરીને બીજા સર્વ યોદ્ધાઓને હટાવીને ભીષ્મ સામે પહોંચશે.તેમના સમાગમનો વિચાર કરવાથી મારાં રૂવાં ઊભાં થઇ જાય છે ને મારુ મન ગભરાય છે.આજે તે શિખંડીને આગળ કરીને ભીષ્મ સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો છે.ભીષ્મ તે સ્ત્રી તરીકે ઉત્પન્ન થયેલા ને અમાંગલિક ધ્વજાવાળા તે શિખંડી પર  પ્રહાર નહિ કરે તેનો લાભ તે શિખંડી અને અર્જુન લેશે.


અર્જુન યુદ્ધ કરવામાં શ્રેષ્ઠ છે,રણમાં વિજય મેળવનારો છે ને ભયંકર અસ્ત્રોને જાણનારો છે.માટે હે પુત્ર,તું એ અર્જુનના માર્ગને રોકવા શીઘ્ર જા.આપણા જેવા અનુયાયીઓએ પોતાના પ્રાણનું રક્ષણ કરવાનો આજે સમય નથી,માટે તું સ્વર્ગની ઈચ્છા રાખીને કીર્તિ કે વિજય મેળવવા માટે અર્જુન સામે જા.વાસુદેવના આશ્રય તળે રહેલો અર્જુન ચારે બાજુથી કૌરવોના સૈન્યનો ઘાણ વાળતો દેખાય છે.સેનાના અગ્ર ભાગમાં રહેલા યુધિષ્ઠિર,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,ભીમસેન ને અભિમન્યુના રક્ષણ તળે ઉભેલા છે,તો હું તેમની સામે જઈને તેમને રોકી રાખું છું.હે પુત્ર તું પણ ઉત્તમ અસ્ત્રો ધારણ કર અને યુદ્ધ કર.કયો પુરુષ પોતાના વહાલા પુત્રને ઘણાં વર્ષો સુધી જીવતો રાખવાને ન ઈચ્છે? પણ ક્ષત્રિય ધર્મને અનુસરીને હું તને આ પ્રમાણે આજ્ઞા કરું છું.(41)

અધ્યાય-112-સમાપ્ત