May 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1124

 

અધ્યાય-૧૨૮-ભીમનો કૌરવસૈન્યમાં પ્રવેશ અને યુધિષ્ઠિરનો હર્ષ 


II संजय उवाच II समुत्तीर्ण रथानीकं पांडवं विहसन् रणे I विवारयिपुराचार्यः शस्वर्पैरवाकिरत् II १ II

સંજય બોલ્યો-આમ પાંડુપુત્ર ભીમસેન રથસૈન્યને વટાવીને આગળ વધી રહ્યો હતો ત્યારે તેને અટકાવવાની ઈચ્છાથી,દ્રોણાચાર્ય બીજા રથમાં બેસીને બાણોની વૃષ્ટિ કરીને તેને ઢાંકી દેવા માંડ્યા.પણ પોતાની બળની માયાથી મોહ પમાડતો તે ભીમસેન દ્રોણાચાર્યના બાણોને જાણે પી જતો હોય એમ જણાતું હતું.તે સમયે કેટલાએક ધનુર્ધર રાજાઓ ઘણો વેગ કરીને તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.ત્યારે ભીમસેને સિંહ ગર્જના કરીને શત્રુપક્ષનો વિનાશ કરનારી પોતાની ગદા ઉઠાવીને વેગપૂર્વક ફેંકી.તે ગદા જાણે ઇન્દ્રે સર્વ શક્તિને એકત્ર કરીને વજ્ર ફેંક્યું હોય તેવી જણાતી હતી.

હે રાજન,તે ગદાએ તમારા ઘણા સૈનિકોને રણમાં છૂંદી નાખ્યા,ને તમારા પુત્રોને ત્રાસ વર્તાવી દીધો.તે ગદાને જોઈને સર્વ યોદ્ધાઓ ભયંકર શબ્દો કરતા રણમાંથી નાસાનાસ કરવા લાગ્યા.તે ગદાના અસહ્ય શબ્દને સાંભળતાં જ કેટલાક યોદ્ધાઓ ધરણી પર ઢળી પડ્યા.પછી,ભીમસેને હાથમાં ગદા લઈને તમારા યોદ્ધાઓનો અતિ સંહાર કરીને રણમાંથી સૈન્યને ભગાડવા માંડ્યું હતું.

ત્યારે દ્રોણાચાર્ય તેની સામે ધસી આવ્યા અને તેમની વચ્ચે અતિ મહાન ઘોર યુદ્ધ શરુ થયું.દ્રોણના ધનુષ્યમાંથી છૂટેલાં તીક્ષ્ણ બાણોએ હજારો વીર પુરુષોને સંહારવા માંડ્યા.એટલે ભીમસેન વેગપૂર્વક રથમાંથી કૂદી પડ્યો ને પગપાળો,ગરુડના જેવા વેગે દ્રોણની સામે જવા લાગ્યો.ને માતેલા આખલાની જેમ દ્રોણાચાર્યના બાણોની ઝડીને ઝીલતો દ્રોણના રથ પાસે પહોંચ્યો.


ત્યાં તુરત જ હાથ વડે તેમના રથને ઇષના ભાગમાંથી પકડીને તેને પૃથ્વી તરફ ઝીંક્યો.દ્રોણ રથમાંથી ઉછળી પડ્યા કે તરત જ બીજા રથમાં બેસીને આવી પહોંચ્યા.તેમને આવતા જોઈને ભીમસેન વેગપૂર્વક તેમની પાસે પહોંચ્યો ને તે રથને ધૂંસરીના ભાગમાંથી પકડીને પૃથ્વી પર પટકી પડ્યો ને દ્રોણાચાર્યને ઉછાળી નાખ્યા.એ પ્રમાણે ભીમસેને રમત માત્રમાં દ્રોણાચાર્યના આઠ રથોને રણમાં ઉછાળી નાખ્યા હતા.ને એક પલકારા માત્રમાં તે પોતાના રથમાં બેસી ગયેલો દેખાતો હતો.તમારા પક્ષના યોદ્ધાઓ તો આશ્ચર્યથી તેને જોતા જ રહ્યા.ભીમનો સારથિ પણ ઘોડાઓને એકદમ હંકારતો હતો તે અતિ અદભુત લાગતું હતું.


પછી,મહાબળવાન ભીમે તમારા પુત્રની સેના તરફ વેગપૂર્વક ધસારો કર્યો.ને માર્ગમાં આવતા શત્રુઓનું વારણ કરતો કરતો આગળ વધીને જોતજોતામાં કૃતવર્માના રક્ષણ તળેના ભૌજ સૈન્યનું મંથન કરીને આગળ વધી ગયો.માત્ર હથેળીના શબ્દથી સૈન્યોને ત્રાસ પમાડતા એ ભીમસેને,જેમ વાઘ ગાયો ને બળદોનો પરાજય કરે તેમ સર્વ સૈન્યનો પરાજય કરી નાખ્યો.

એ પ્રમાણે ભોજ સૈન્યને વટાવીને તેણે દરદોની અને કેટલીક મ્લેચ્છ ટુકડીઓનો પરાજય કરી તે જેવો આગળ ગયો કે ત્યાં તેણે યુદ્ધ કરતો સાત્યકિ નજરે ચડ્યો.અર્જુનને જોવાની ઇચ્છાવાળો એ ભીમસેન બરાબર સાવધ થઈને વેગપૂર્વક રથને દોડાવીને આગળ વધી ગયો ત્યાં તેણે સિંધુરાજનો વધ કરવા માટે પરાક્રમ કરતા અર્જુનને યુદ્ધ કરતો જોયો.


તેને જોતાં  જ ભીમસેન મોટી  ગર્જના કરીને ગાજવા લાગ્યો.તેના નિનાદને સાંભળીને અર્જુન અને શ્રીકૃષ્ણે પણ તેને જોવાની ઈચ્છાથી વારંવાર સામી ગર્જનાઓ કરી.અને સિંહનાદ કરતા તેઓ ભીમસેન પાસે આવી પહોંચ્યા.રાજા યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના શબ્દ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને શોકરહિત થઇ યુદ્ધમાં અર્જુનના વિજયની આશા બાંધવા માંડ્યા ને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે-'હે ભીમ,તેં મને શુભ સંદેશ આપ્યો છે ને તારું વચન તેં  પાળ્યું છે.તું જેમનો શત્રુ છે તેમનો યુદ્ધમાં કદી પણ જય થતો નથી.આ સંગ્રામમાં અર્જુન ને સાત્યકિ કુશળ છે તે એક સુદૈવ જ છે.વળી,વાસુદેવ અને અર્જુનને હું ગર્જનાઓ કરતા સાંભળું છું તે સુદૈવ જ છે.પુત્રના શોકથી સંતપ્ત થઈને અર્જુને દુષ્કર કર્મ કરવાની ઈચ્છાથી જયદ્રથનો વધ કરવાની મહાન પ્રતિજ્ઞા લીધી છે.વાસુદેવના રક્ષણ તળે રહેલા તે અર્જુનને હું સૂર્યાસ્ત સમયે મળીશ.યુદ્ધમાં અર્જુન સિંધુરાજને મારી નાખશે તે જોઈને મંદ બુદ્ધિનો દુર્યોધન શું અમારી સાથે સંધિ કરશે? આજના યુદ્ધમાં ભીમે મારી નાખેલા પોતાના ભાઈઓને જોઈને તે દુર્યોધન શું અમારી સાથે સલાહસંપ કરશે? ને અમારી આગળ પશ્ચાતાપ કરશે? શું અમારું વેર એક ભીષ્મના નાશથી જ શાંત થશે? અને બાકી રહેલાઓનું રક્ષણ કરવા શું દુર્યોધન અમારી સાથે સંધિ કરશે?' આમ દયાથી વ્યાપ્ત થયેલા યુધિષ્ઠિર મનમાં વિચાર કરી રહ્યાં હતા ત્યારે ત્યાં ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું (56)

અધ્યાય-128-સમાપ્ત