Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts
Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts

May 17, 2024

ઝૂમતો-By અનિલ શુક્લ

 

ચૂપચાપ આવી કાનમાં,મધુરી તાનને મીઠાશથી છેડી ગયું છે કોણ?
ઉઠ્યા તાર ઝણઝણી દિલના,ને સૂરાવલી સંગીત ની વહેતી લાગે !!

વ્હાણું તો હજી થયું નથી,ને વાંસળી ની ધૂન રેલાવી ગયું છે કોણ ?
નથી ફૂંક,નથી પવન, તો ક્યાંથી સૂરાવલી સંગીત ની વહેતી લાગે ?

આંખ તો હજી ખોલી નથી ને,આવીને ભભૂતિ લગાવી ગયું છે કોણ?
લેપાઈ ગયેલો એ પવન,આશ્ચર્યમાં કે સ્તબ્ધ બની ગયો લાગે !!

રહી નથી શિકાયત કોઈ,તકરાર પણ કેવી? આવી જ ગયા તો જશો નહિ,
ના છોડજો,રહી જાજો,જૂઓ,ને,આ અનિલ ઝૂમતો ને મગન થયેલો લાગે!!

અનિલ શુક્લ 
18 નવેમ્બર 2014

May 13, 2024

ભૂલી ગયા ?-By અનિલ શુક્લ


હવા છું,સંગ છું,ભૂલી ગયા કે શું? સુગંધ હવાની ,ભૂલી ગયા કે શું?
ફોરમ ના મળે તો ભલે તેમ,પણ વાંસળી ની ફૂંક ને ભૂલી ગયા શું?

હરદમ સાથ છે-તે પવન ,ભલે સ્થિર બને કે વહી જાય એ પાસથી,
ક્યાંથી કે કોનાથી એ છુપાઈ શકે? છૂપાવ્યો તમે એને અપને આપથી.

અનિલ 
ફેબ્રુઆરી-2015

May 12, 2024

સંબંધો સ્વાર્થના-By અનિલ શુક્લ

 

મલાજો શબ નો રાખી,રડે છે રાગ તાણી ને,આ દુનિયા,
એકના છૂટી ગયા તો,ભર્યા છે શ્વાસ,રડવાને,એ દુનિયાએ.

હતો શ્વાસ નો જ એ સંબંધ,જો,પાછી વળી ગઈ છે -એ દુનિયા,
પરોવાઈ દુનિયાઈ વ્યવહારોમાં,ભૂલી ગઈ છે એ શ્વાસ પોતાના

સમજાઈ તો ત્યારેજ ગઈ હતી,દુનિયા,લથડતા હતા,જયારે શ્વાસો,
છોડી દીધા 'તા,સાથ,અને પાંગળા બની ગયા હતા જ્યાં પ્રવાસો

આરામ છે,આનંદ છે,હવે,જ્યાં,રહ્યો નથી "હું" જ અહી દુનિયામાં,
મટકું જ હતું માર્યું,તો સમજાઈ ગયા,સંબંધો સ્વાર્થના દુનિયાના

અનિલ
માર્ચ-3-2015

May 11, 2024

નાદ અલખનો-By અનિલ શુક્લ

 
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખનો લાગી ગયો.

છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.

સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!

પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો

અનિલ
માર્ચ-12-2015

May 10, 2024

સમજાઈ ગયું-By અનિલ શુક્લ

 

નહોતું હાલતું કે નહોતું ચાલતું,એ આકાશ,તો પછી,
અચાનક જ આકાશમાં વીંઝણો કોણ નાખી ગયું?

શું ભરાયેલો એ વાયુ આકાશમાં બની ગયો પવન?
સ્તબ્ધ આ આકાશમાં સુરાવલી કોણ છેડી ગયું?

સમજીને ખુદ ને તાકતવર,ફુલાઈ,ફરે,ભલે અનિલ,
પણ,તાકાત -માત્ર "બ્રહ્મ"ની,આજ એ સમજાઈ ગયું

અનિલ
માર્ચ-17-2015

May 9, 2024

શું કહેવું?-By અનિલ શુક્લ


કહેવાનું બધું શું કહેવાઈ નથી ગયું? તો હવે શું કહેવું?
ખુદે જ ઉપજાવેલા દુઃખને સહેવું તો કેમ કરીને સહેવું?

પુરાણો છે એ હરિ મંદિરોમાં ને ઓળખાય છે એ ટીલાંથી,
જાણે નહિ માનવ, ક્યાં છે હરિ તે-તો તેને શું કહેવું?  

પૂજાય હરિ,પૂજાય ગુરુઓ,વિલાસિતા શું ધન ની નથી?
ઝાંપે મંદિરના હરિનો જ માનવી ભૂખે મરે,તે કોને કહેવું?

જોઈ મંદિરો લાગે છે પવન વધી ગયો છે ભક્તિનો,
સૂરાવલી દયાની જો છેડી ના શકે તો એને શું કહેવું?

અનિલ
માર્ચ-18-2015 

May 8, 2024

વસંતી વાયરો-By અનિલ શુક્લ


લાગ્યું હતું,કે શાલ ભભૂતિની ઓઢીને,શાંત બન્યો હતો પવન,પણ,
ખંખેરાઈ,રાખ,ને નાદ અનંતનો જગાવી ગયો,બની વસંતી વાયરો

અચાનક,શાંત આકાશમાં,ક્યાંથી સંભળાય છે,પંખીઓનો કલશોર?
લાગે,કે,કોઈ સૂરમય સંગીત ને નિપજાવી ગયો,એ વસંતી વાયરો

લહેરાઈ ને,મંદ મંદ વહેતો અનિલ બની ગયો છે "માઈ" નો વાયરો,
ફૂટું ફૂટું થતી એ કળીને સ્પર્શ અજબનો કરાવી ગયો વસંતી વાયરો

અનિલ
માર્ચ 19-2015 

May 7, 2024

મસ્તીની દશા-By અનિલ શુક્લ

 

વાયરો દખણ નો એવો તો વાઈ ગયો,
કે સ્થિર આકાશમાં અનહત જગાવી ગયો,

ઝૂમ્યું ચમન ને ઝૂમી ઉઠ્યા છે એ ફૂલો,
ચો તરફ,અનંત ની ફોરમ પ્રસરાવી ગયો.

હશે કૃપા "એ"ની કે તોફાન છે એ પવનનું?
જે હોય તે ભલે,મસ્ત ને મસ્તી કરાવી ગયો.

કહે કોને અનિલ,મસ્તી ની દશા નો પ્રસંગ?
આમતેમ શબ્દો ભેગા કરી,કૈંક લખાવી ગયો.

અનિલ
એપ્રિલ 16-2015

May 6, 2024

માયા-કાયા-By અનિલ શુક્લ

 

ના સમજાય હરિ,કે વળગી હતી માયા તને કે પછી વળગ્યો તું માયાને?
કે એકલો ગયો હતો અકળાઈ? બનાવી દીધી ન સમજાય તેવી કાયાને

ક્યાંથી લગાવું હું ભભૂતિ,તું તો પુરાઈ ગયો લગાવી ભભૂત એ કાયામાં,
મૂંઝાય છે તું?તે તો ખબર નથી,મૂંઝાઇ ગયા છે બધા તારી એ માયામાં

પતિ છે તું તો માયાનો,વશ હશે તને એ,અમારે વશ તો કેમે થાય માયા?
અખંડ એવા તેં બનાવ્યા ખંડો-બ્રહ્માંડો,ખોળું તને અદ્ભુત એવી કાયામાં  

કહે છે,સમાયો છે, તું ઘટઘટ માં,ખોળું તને,ઘડી ત્યાં તો કદી આ કાયામાં,
દયા,હોય થોડી તો,લગાવી દે ને ભભૂત થોડી,ના જાઉં લપટાઈ હું માયામાં

અનિલ
માર્ચ-30-2015 

May 5, 2024

ફુરસદ નથી-By અનિલ શુક્લ

 

અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ
30 એપ્રિલ,2015

May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫

May 3, 2024

અનકહી-By અનિલ શુક્લ

 

કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫

May 2, 2024

મહેંક-By અનિલ શુક્લ

 

ખોળ્યો હતો તને,કદીક આયનામાં  કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?

બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?

વચ્ચે  ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું

ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંક્યો છે અનિલ,સંગ થી તારા,તો સર્વ જગ થઇ ગયું ખારું !

અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016

May 1, 2024

ભભૂતિ-By અનિલ શુક્લ

 

બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
મળું કદીક એને તો કદી-એ મને મળી જાય છે.

બની,ફૂંક,બાંસુરીની,એ લાલ ની,વહેતો રહે પવન,
સુગંધિત બની,તે,અહીં-તહીં,પણ વહેતો જાય છે.

નિત્ય  નવા ચમકારા છે,વીજળીના હવે,કહું વધુ શું?
ઘડી-ઘડી આવે ને એ લાલ  ઘડીકમાં ચાલ્યો જાય છે.

લગાવેલી ભભૂતિ,ફળી હોય,એવું અનુભવાતું લાગે,
પરમાનંદની મસ્તીમાં જ બધો સમય વહ્યો જાય છે.

અનિલ શુક્લ 
માર્ચ-2016

Apr 30, 2024

બુઝાતો દીપક-By અનિલ શુક્લ

 

પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.

જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.

અનિલ શુક્લ
માર્ચ-2016

Apr 29, 2024

ફોરમ-By અનિલ શુક્લ


આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
ભીનાં ભીનાં ચરણ ની છાપ છોડીને સંતાયા ક્યાં તમે?

ખટખટાવીને કમાડ,ચાલી ગયો,લાગે છે,એ તોફાની પવન,
ગમે સંગ તેનો તમને તો,સંગ તેની શું ચાલ્યા ગયા તમે?

સુકાઈ રહ્યાં,ધીરે ધીરે ભીના ચરણોનો નિશાનો પવનથી,
ફૂટે છે કૂંપળો વ્હાલની કેટલી? આવીને તપાસી જજો તમે.

મુલાકાત,થવી અઘરી તમારી,રાહ જોવી એ તકદીર અમારી,
ફોરમ બની આવો અનિલ સંગ તો દિલમાં સમાઈ જશો તમે?

અનિલ શુક્લ 
March-2016

Apr 28, 2024

દોષ શું?-By અનિલ શુક્લ


ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?

ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?

મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?

વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?

લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?

કાગળ પર નહિ,પણ લખો છો  રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?

નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં અનિલનો દોષ શું ?

અનિલ શુક્લ 
માર્ચ-૨૦૧૬

Apr 27, 2024

દુઃખોના વખ-By અનિલ શુક્લ

 

દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
પ્રભુજી,આપને જયારે અમે હતા છોડ્યા

આમ તો ચીતર્યા કર્યું હતું એ ભીંત પર ધોળી,
ધોળીને જ ચોખ્ખી કરું હું એ ભીંત ને ધોળી

અવનવી દુર્ગંધ થી દુષિત કર્યો પવનને દુનિયાએ,
મહેકતો કરી એને,આપે દુઃખોના ડુંગરો છે તોડ્યા.

અનિલ શુક્લ
એપ્રિલ 2016

Apr 26, 2024

સ્પર્શ-By અનિલ શુક્લ


હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
હળવા એ તરંગ નો ઉમંગ,અવર્ણનીય જ હતો.

સમયના તે-આપું તો આપી શકું શું ખુલાસો?
ખુશ્બુ લઇ 'તે'ની,અનિલ મંદમંદ મલકતો હતો.

કોણ ખૂંપી ગયું,આવીને દૃષ્ટિની મધ્યમાં?
થંભી ગયો અનિલ,આદતથી જે,વહેતો હતો.

નથી ચિંતા,ના કોઇ દહેશત,ભય કે સંશય.
ખુદ ગયો વિસરાઈ,"હું" ને ભરી જે ફરતો હતો.

અનિલ શુક્લ
એપ્રિલ-૧૮-૨૦૧૬  

Apr 25, 2024

હાજરી-By અનિલ શુક્લ

 

ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,

ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.

સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.

દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને  તે હૃદયને ગદગદિત કરી જાતો.
અનિલ
૧૫ જુલાઈ,૨૦૧૬