----
ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ
હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.
હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,
પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ,
અનિલ
8-15-2022
-----
ઉધાર લીધો પંખીનો કંઠ,સાંભળાવવા તેં તારા મધુર સંગીતને,
ફૂલમાં વસી રહ્યો તું,દર્શાવ્યું તારું રૂપ,ને આકર્ષણ કર્યું રૂપથી,
નયન બનીને,નયનોથી જ તો કર્યું હતું,તેં તારા સંગનું નિમંત્રણ,
પણ,અસંગ બની,સમાધિમાં બંધ કર્યા નયનો,તો ભૂલ કોની?
તારી જ બનાવેલી માયામાં તો તું વસી રહ્યો જ હતો ને પ્રભુ ?
પીઠ ફેરવી લીધી ને ના સાંભળી તારી પુકારને,તો ભૂલ કોની?
અનિલ
ઓગસ્ટ,12,2022
-----
એક લહેર ઉઠી આનંદની,સંગીતની સુરાવલી વહી રહી ક્યાંથી?
અસંગ થઇ બેઠો હતો,અગમ્ય ફૂલોની સુગંધ વહી રહી ક્યાંથી?
શું એકલા પર્વતના પથ્થરને ચીરીને ઝરણું તો નથી વહી રહ્યું?
કે પછી,વિરાન રણમાં ફૂલોની ચમક ઉઠી ને સુગંધ વહી રહી?
વરસોની તન્હાઈ તૂટી,કોઈ નવો રંગ ખીલી રહ્યો અંધારી રાતમાં,
હું-પણું ભુલાઈ ગયું,ને અસ્તિત્વ મારુ,તારામાં સમાઈ ગયું લાગે.
અનિલ
જુલાઈ,18,2022
===
ખોળવાનો ક્યાં હતો 'તે'ને? માત્ર ઓળખવાની જ જરૂર હતી,
છતાં એ સફર લાંબી કરી દીધી,ને વરસો જિંદગીના વહી ગયા !
અશક્ય તો ક્યાં કશુંય છે? નાસમજ થઇ ખોટી જ મહેનત કરી,
પણ,જે શક્ય જ હતું,તેને પામવામાં વરસો જિંદગીના વહી ગયા.
લાખ ચાહ્યું હતું કે દોડીને પહોંચી જઈશ,ને પામી લઈશ 'તે'ને,
પણ,પ્રારબ્ધમાં ચાલવાનું જ હતું? ને વરસો જિંદગીના વહી ગયા.
દૂર તો 'તે' ક્યાં હતો? ને તેથી જ તો મંજિલ ક્યાં દૂર હતી?
મને જ પામવામાં,જિંદગીના મારા જ અનુપમ વરસો વહી ગયા.
ખોળતા હતા મારા નયનો,અધીર બની જે અનંતને,'તે'તો,આવી,
નયનોમાં જ બેઠો હતો,ઓળખવામાં વરસો જિંદગીના વહી ગયા.
અનિલ મે,23,2022
ફર્ક બહુ લાગતો નથી શબ્દોમાં અનિલ,
ભલે કહો મદિરા કે ભલે કહો મદિર (મંદિર)
બંને,જો,નશો જ આપે છે ને થોડી ઘડી,
તો મનુષ્ય થઇ રહયો છે શાને માટે અધીર?
અનિલ-10-23-2021
----
આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,
પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,
તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?
અનિલ-ઓગસ્ટ-1-2021
----
એક દુઃખી જનને..
વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,
વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?
વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,
હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?
દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,
ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?
સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ સુખી બની,
દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?
અનિલ
ઑગસ્ટ-1-2021
હરી જતો જે સર્વનાં મન,તે જ મનહરનું મન,
----
અટકચાળો બાંકે આ માનવી,કામ કરે નહિ કોઈ સીધું,
----
વસી ગયો 'એ' જ્યાં,દિલમાં મારા,તો હું ય વસ્યો 'તે'ના દિલમાં,
પતો થયો બંનેનો એક,હવે મુશ્કેલ નથી,યાદ રાખવો તેને મનમાં
અનિલ -જુલાઈ-6-2021
-----
નથી રહેવું જેઓને એકલા,જુઓ,એકલા એકલા જ બનાવી દીધા તેને,
પગ જેનો ટકતો નહોતો ઘરમાં,ઘરમાં ને ઘરમાં જ ફસાવી દીધા છે તેને,
ઓ કોરોના,વાત શું કરવી તારી? બધું અજબ અજબ જ સાંભળવા મળે,
કેમ છો? એમ જો ખાલી જ પૂછો- તો આખી જ કહાણીઓ સાંભળવા મળે.
જાવા દો ને,આની એ વાત તો શું કરવા કરું છું ? તમારી આગળ તમને?
નથી કશું પૂછ્યું ને કશું વાંચવું એ નહોતું,તમારે તોયે આ વંચાવી દીધું તમને.
અનિલ
જૂન-8-2021
------
પીતાંબર પહેરી,કર્યાં ટપકાં-ટીલાં,લીધી હાથમાં માળા ને વગાડી ઘંટડી,
--------
લખાવ્યું 'એ'ને જે,લખી દીધું છે,પ્રેમસભર હૈયે,
હવે આંગળીઓ વશમાં નથી અને થોડી કંપે.
મૌન-રૂપે આવી ગઈ છે,વાણીની સરહદ,નજદીક,
ધીમી ગતિના પડતા પગલે,પગ પણ થોડા લથડે.
લાગે છે કે કાળની દોસ્તી બહુ ચાલશે નહિ અનિલ,
ગણતરીના શ્વાસ પુરા થઇ,મારી લોચા,થોડા લથડે.
જાતને જોઈ છે,મેં નાડાછડીથી બંધાયેલી સફેદ કપડે,
બંધાયેલ પણ મુક્ત થયેલ મને જોઈ,હૈયું ન હવે ફફડે.
અનિલ-મે-26-2021
ભોગવી લો,જોઈ લો આ માયાવી જગતને ત્યાં સુધી,પણ,
જ્યાં એ જગત,ગગનમાં સમાયું,તો પછી એ દેખાશે નહિ.
સંભળાય છે એ નાદ?સાંભળીને ભલે બની જાઓ ઉન્મત્ત,
શૂન્યતા બ્રહ્મની જ્યાં પ્રસરી કે પછી તે સંભળાશે નહિ.
સુગંધ અનિલની સુંઘી લો કે સુરાવલી તેની સાંભળી લો,
જ્યાં સ્થિર થયો અનિલ,એ ગગનમાં,તો પછી દેખાશે નહિ.
અનિલ -મેં-25,2021
------
પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?
બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?
ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?
તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.
--અનિલ મે,21,2021
------
વલોવો ભલે વેદ ને શાસ્ત્રો,ને મથો ઘણું,અંતે તો છે હરિ-નામ,
જીવન ટૂંકું,કલિમાં,ન થઇ શકે તપ-સાધન,હરિ-કીર્તન જ ઉપાય.
મુશ્કેલ છે ઘણો,તરી જવો,આ સંસાર-રૂપી સાગરને,આ કલિમાં,
હરિનામની હોડી બનાવી,હરિ-કીર્તનથી તરી જવું,એ જ ઉપાય.
મુક્તિ કે ભુક્તિની આશા રહેવા દે જીવ,ઘોર છે આ કલિયુગ,
કેવળ હરિ નામ,કેવળ હરિ-કીર્તન કરી,યાચું માત્ર તને ભગવાન.
અનિલ
એપ્રિલ-7-2021
----
મનને હરનાર મનહર,હરિએ હરી જ લીધું છે જ્યાં મનને,
ના ચિતા,ના ચાહના,મન જ નથી તો નાથવું કયા મનને?
ન રહ્યું કોઈ ભાન દેશ-કાળ કે શરીરનું,હરિમાં જ્યાં સમાણાં,
અનંગ ઉન્માદ,પ્રેમ-મસ્ત આનંદમાં,નયનમાં નીર ના સમાણાં.
વ્હાલાને કર્યું વ્હાલ,ચિત્તચોરે ચોર્યું ચિત્તને,પ્રેમ-વહાણાં વાયાં,
સમાઈ હરિમાં ગયા,બેસી ગોદમાં તેની,બન્યા હરિના જાયાં.
અનિલ-એપ્રિલ-3-2021
------
આવવું હોય તો આવજો તમે,
ગુલાબજળથી નવડાવી,ચંદનનો લેપ કરશું,
કંકુનો ચાંદલો કરી,રેશમી વસ્ત્રમાં લપેટશું,
ગંગાજળ મુખે મૂકી,સોનાની પતરી મુક્શું,
ને ઘણા જ 'ઠાઠથી' મારી 'ઠાઠડી' બાંધશું,
'ઠાઠડી'નો 'ઠાઠ' જોવો હોય,તો આવજો તમે.
અનિલ-માર્ચ-4-2021
----
યાદોને કરી વિદાય,'યાદ' શબ્દ પણ નથી રહ્યો,
શ્વાસ હવે તો તારા શ્વાસથી અલગ નથી રહ્યો.
ભૂસકો માર્યો તારા પ્રવાહમાં,પ્રવાહ સંગ વહું,
ભલે અસંગ તું,પણ તુજ સંગે જ હું નાચી રહ્યો.
નથી નામ કોઈ એવા એના રંગમાં રંગાઈ ગયો,
નથી કોઈ વળાંક રહ્યા,રસ્તે સીધા ચાલી રહ્યો
ધડકનનું બંધન ધડકનને,નાદ અનહત ગાજી રહ્યો,
શરણાગત થયો,બન્યો એક,તો કાનમાં ગુંજી રહ્યો.
અનિલ
23,જાન્યુઆરી-2021
----
નર કપડાની ચિંતા કરે નરક પડવાની નહિ
દુઃખ આવી મળવાની ચિંતા કરે મરવાની નહિ.
કોઈ મરે તો ચિંતા કરે- પોતાના મરવાની નહિ
સ્મસાનમાં વૈરાગ્યની વાતો,પણ સંસારમાં નહિ
ટીલાં-ટપકાં કરી,ભક્તિની વાતો કરે આ સંસારમાં,
ભક્તિ શું વધી ગઈ છે કે શું ? એની ખબર પડે નહિ.
માગ્યા વગર દીધી છે,તો મને ય મન થાય છે,આપું,
સસ્તી એ સલાહને કોઈ માંગે ત્યાં સુધી દેશો નહિ.
અનિલ
૧૯,ઓક્ટોબર-૨૦૨૦
---
ઝણકી ઉઠ્યા તાર વીણાના,ને સૂર-તાન પણ સૂરમય થયા,
દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.
વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,
નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !
દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,
તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.
અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૨૦
રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
જે રાખતો જગની ખબર,કોણ જાણે બન્યો છે કેમ એ બેખબર?
ખબર રાખી નહિ,કે ભૂલ્યા તને,કે બીજું કારણ? ઓ બેખબર?
થયું હતું બેહોશ ને હોશમાં આવે તે પહેલાં બેહોશ કર્યું જગતને,
હોશમાં હોય કોઈ,તો ખબર જગની બેહાલીના દેશો એ બેખબરને?
અનિલ
એપ્રિલ,૧૮,૨૦૨૦-Corona Virus Pandemic
-----
હૃદયમાં બંધ થઇ,સુકાઈ ગયા હતા શું આંસુ?
થયું શું આજ એવું કે?આંખ ભીની થઇ ગઈ !
દુર તો ક્યાં હતા તમે? પણ નજરનો જ હતો દોષ,
તન્મયતા થઇ જ્યાં -તો આંખ ભીની થઇ ગઈ.
આવ્યાં જ છો જો તમે હૃદયથી નજર સુધી,
સ્વાગત છે તમારું દિલથી,આમ જ વહેતાં રહો.
ભલે,સમજે નહિ કોઈ,કે હું કેમ -શું લખી રહ્યો !
વહ્યો અનિલ,તુજ સંગ તો સુગંધ વહેતી રહી !
અનિલ
માર્ચ-૨૫-૨૦૨૦
------
સળગી રહી ધૂણી,રાખના ઢગલે ઢગલા થયા,
તન પર થયા થર ભભૂતિના,વરસો વીતી ગયા.
વૈરાગી થયો મનવો,ને ભજનમાં જ લાગી ગયો,
સંસારમાં લોકને મળ્યે.જાણે,વરસો વીતી ગયા.
ગમે નહિ કશું કરવું,નાદ અનંતનો લાગી ગયો,
વહેવાનું બંધ થયે અનિલને,વરસો વીતી ગયા.
છંછેડો નહિ,રહેમ કરો,હલાવો કાં અનિલને?
સ્થિર થયે તેને તો જાણે,વરસો જ વીતી ગયા.
અનિલ
માર્ચ-૨૨-૨૦૨૦
-------
વળગી રહ્યો પ્રેમથી તને,ને ધારાઓ પ્રેમની વહી રહી,
ત્યારે સતાવો કેમ? બહુ સારું નથી !જુલ્મી ન બનો પ્રભુ !!
તમારે તો ઠીક,પણ અઘરું ઘણું છે,સંસારમાં રહેવાનું,
ત્યજી સંસારને આવ્યો,તો પાછો ફેંકી,જુલ્મી ન બનો પ્રભુ !!
સળગી રહી દુનિયા,તેમાં બળી હરવું-ફરવું મુશ્કેલ છે,
થોડાક તો પાસે રહેવા દો,ઠંડક છે,જુલ્મી ન બનો પ્રભુ !!
આપ્યું,તન,આપ્યું મન ને ધન પણ આપ્યું,ઉપકાર ઘણો,
શુદ્ધ કરી સર્વ,પાસ આવ્યો તો છટકી જુલ્મી ન બનો પ્રભુ !!
ડાળીએ ડાળીએ ઝુલતા અનિલને સ્થિરતા બક્ષી દીધી,
પરમાનંદમાં આંગળી ઘોંચી,બહુ જુલ્મી ન બનશો પ્રભુ!!
અડગ-ખડકની જેમ ઉભો છું,તો ઘોંચ-પરોણા કેમ?
થાય તે કરી લેજો,પણ રહેમ તો રાખજો,જુલ્મી ન બનો પ્રભુ!!
અનિલ
માર્ચ-૨૧,૨૦૨૦
ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
-------
સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
અચાનક જ આવી,નજરમાં વસી ગયા,તમે જ્યારથી,
ધરતીમાએ,આજ બરફની શ્વેત ચાદર ઓઢી,
ને જાણે,જ્ઞાનની ચાદર આજ,ભક્તિએ ઓઢી.
નથી કમાવું પુણ્ય કે નથી કરવું કોઈ પાપ પણ હવે,
ને નથી માગવી ભુક્તિ કે નથી માગવી કોઈ મુક્તિ,
ઓઢી લીધી છે,ચાદર જયારે ભક્તિની,તો હવે,
માગું,હરપળ તને ને તને જ,બીજું કંઈ નહિ ખપે.
અનિલ
ડીસેમ્બર-૧૧-૨૦૧૯
----------------------------
નથી પ્રયત્નથી મેળવી,કે નથી કદી ભેગી કરી,
એ જ હૃદય ને એ જ લાગણીઓના પૂર છે,
ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
-----------
'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
રણમાં ઘર બનાવવાની ઈચ્છા નથી રહી હવે,
હવા વિના જ સુગંધ વહી રહી છે હવે,
નથી રહી મંઝીલ,ખુદથી ખુદ જ બની ગઈ મંઝીલ,
-----------------
---------------------
-----------------
વ્યાપી રહ્યો સર્વ સ્થાને,તો એ પવનને કરવો પ્રવાસ શું?
ક્યાં પહોંચવું રહ્યું તેને? કે કરવો રહ્યો પાંગળો પ્રયાસ શું?
ક્યાંથી આવે ને ક્યાં જાય છે,તેનો વિચાર માત્ર શું કરવો?
છોડાવી સ્થિરતા,કદી,આંખનો પલકારો કરી જાતો એ શું?
ઘડી અંદર તો ઘડી બહાર,આવ જ કરે છે,એ શ્વાસ બની,
તો ઘડી નાદ અનહતનો બની,રાસ-રચૈયો તો નથી એ શું?
અટકી ગયો જો પૂર્ણતાથી,તો મરણ કહેશે એને જગત,
થનગનાટ કે નાદને છોડી,બને સ્થિર તો ધ્યાન નથી શું?
અનિલ શુક્લ
માર્ચ-૧૯-૨૦૧૭
------------------------------
છે પવન તો સુગંધ છે,ને પવન આકાશ મહીં સમાણો,
નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
-----------------------------------------
અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
ખબર નહોતી કે તે જવાબ દિલનો નહોતો,
હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?
ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?
મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?
વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?
લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?
કાગળ પર નહિ,પણ લખો છો રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?
નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં હવાનો દોષ શું ?
અનિલ શુક્લ -માર્ચ-૨૦૧૬
-----------------------------------------------------------
આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
----------------------------------------------------
અનિલ શુક્લ -માર્ચ-2016
---------------------------------------------------------------------------------
બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
ખોળ્યો હતો તને,કદીક આયનામાં કે કદીક પડછાયામાં,
----------------------------------------------------------------------------------------
કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
અનિલ-માર્ચ-30-2015
કહેવાનું બધું શું કહેવાઈ નથી ગયું? તો હવે શું કહેવું?
હતો શ્વાસ નો જ એ સંબંધ,જો,પાછી વળી ગઈ છે -એ દુનિયા,
પરોવાઈ દુનિયાઈ વ્યવહારોમાં,ભૂલી ગઈ છે એ શ્વાસ પોતાના
સમજાઈ તો ત્યારેજ ગઈ હતી,દુનિયા,લથડતા હતા,જયારે શ્વાસો,
છોડી દીધા 'તા,સાથ,અને પન્ગુલ બની ગયા હતા જ્યાં પ્રવાસો
આરામ છે,આનંદ છે,હવે,જ્યાં,રહ્યો નથી "હું" જ અહી દુનિયામાં,
મટકું જ હતું માર્યું,તો સમજાઈ ગયા,સંબંધો સ્વાર્થ ના દુનિયાના
અનિલ
માર્ચ-3-2015
હવા છું,સંગ છું,ભૂલી ગયા કે શું? સુગંધ હવાની ,ભૂલી ગયા કે શું?
ચૂપચાપ આવી કાનમાં,મધુરી તાનને મીઠાશથી છેડી ગયું છે કોણ?
ઉઠ્યા તાર ઝણઝણી દિલના,ને સૂરાવલી સંગીત ની વહેતી લાગે !!
વ્હાણું તો હજી થયું નથી,ને વાંસળી ની ધૂન રેલાવી ગયું છે કોણ ?
નથી ફૂંક,નથી પવન, તો ક્યાંથી સૂરાવલી સંગીત ની વહેતી લાગે ?
આંખ તો હજી ખોલી નથી ને,આવીને ભભૂતિ લગાવી ગયું છે કોણ?
લેપાઈ ગયેલો એ પવન,આશ્ચર્યમાં કે સ્તબ્ધ બની ગયો લાગે !!
રહી નથી શિકાયત કોઈ,તકરાર પણ કેવી? આવી જ ગયા તો જશો નહિ,
ના છોડજો,રહી જાજો,જૂઓ,ને,આ પવન ઝૂમતો ને મગન થયેલો લાગે!!
અનિલ 18 નવેમ્બર 2014
ભરી લીધું છે આકાશ,એ પવને,આમ તો જુદો જ હતો ક્યાં?
નજર ભલે ઝીણી કરો ઘણી,પણ કદી એ,જોવા ના મળે ત્યાં,
સર્જ્યું હતું સંગીત એને હવા બની ,ને ડાળીએ ડાળીએ ચઢી ,
ફડફડાવી એ પર્ણોને ખુદ પણ સંગીતમય બન્યો હતો ત્યાં,
વ્હાલો લાગે છે એ ફૂલ ને ને ફૂલ પણ તેને વ્હાલાં લાગે,
એટલે જ ભરી સુગંધી એ ફૂલ ની સુગંધમય બન્યો હતો ત્યાં,
સુગંધ ને સંગીત ની ભભૂતિ લગાવી ને વિચરતો હતો,પણ,
"નાદ" બની "બ્રહ્મ" માં સમાઈ ગયો,દેખાઈ શકે હવે એ ક્યાં?
મથે ભલે માનવ,પણ પોટલામાં બાંધી ક્યાંથી શકે એ પવન?
કામ પણ શું છે? સંગીત ને સુગંધે એ સદા પાસમાં જ છે જ્યાં,
અનિલ 11 નવેમ્બર-2014
----------------------------------------------------------------------
કૃપા અનંતની
શરમાઈ શરમાઈ માગ્યું હતું,ત્યારે તો ક્યાં દીધું હતું તમે,
ને હવે ના માંગે,કરી કૃપા,વરસો અનરાધાર,ખરા છો તમે.
રોકાઈ ગયો છે પવન,ના હાલી શકે,કે ખસી શકે,અહીં કે તહીં ,
લાગે છે કે -તમને ગમે છે તો ભલે ને રોકાઈને રહો અહીં તમે.
તોબા કરાવી દીધી હતી,બહુ,ન હલાય,ન ચલાય,કે ના ચઢાય,
થયો પવન સ્થિર ને, તો,ખરું બેઠે બેઠે જ બધું કરાવી દીધું તમે.
આવ્યા નહોતા ગોકુળમાં અને અકળામણ તો વધી હતી ઘણી,
પણ,સંગીતમય સુરાવલીમાં મંદ-મંદ પવન સંગ વહો છો તમે.
ના માંગુ હવે,કે માગીશ નહિ,એ પ્રણ ફરીથી કરીને, ન હું માંગુ કશું,
પણ,કૃપા કરી ભલે રોકાઈ રહો કે મંદ-મંદ પવન ની સંગ વહો તમે.
અનિલ શુક્લ
૭-નવેમ્બર-૨૦૧૪
-------------------------------------------------------

આ લાલ કળીમાંથી એક ફુલ બનતાં,વહી ગયો સમય,
સમયને આવવા દો-કહી કહી,એમ વહી જાય છે સમય.
આયનો તો હજુ ત્યાં ને ત્યાંજ પડી રહ્યો,જોયું નજર કરી જરા,
પણ યુવાની માંથી દેહને ઘડપણ ભણી લઇ જાય છે સમય.
રોફ એ જોબન નો ક્યાં ગયો તેની ખબર પણ રહી નહિ,ને,
વરસો વીત્યા ભજન વગર,પાછો ક્યાંથી આવશે તે સમય?
પેટે બાંધીને પાટા,મહેનત કરી કમાયા સિક્કા ચાર ચાંદીના,
હવે નથી ખવાતું ખાવાનું,વિચારવાનો આ હતો ક્યાં સમય?
તૂટે છે કમર ને પગ ના વળી શકે,થયું કઠિન આસને બેસવાનું,
ક્યાંથી થાય ભજન,ભલે રહ્યો પાસમાં હવે છે,સમય જ સમય.
અનિલ શુક્લ
મે,૯,૨૦૧૪
---------------------------------------------
સ્વભાવ થી કે આદતથી,સ્થિરતા નથી એની,
કોક દિ ક્ષણો સ્થિરતાની માણી રહ્યો પવન.
નથી કંઈ કહેવું ,નથી હવે વહેવું,વિચારીને તેમ,
અનંતતા ને બાથમાં ભરી ને બેસી ગયો પવન
હટવુ હવે ગમતું નથી,ભમવું હવે ગમતું નથી,
નવી આદત સ્થિરતા ની ગમી ગઈ તને પવન.
અનિલ શુક્લ
મે,૫,૨૦૧૪
---------------------------------------------------------
નજર ના નજારા કંઈક ઓછા પડ્યા.
ને તસ્વીર ના ખજાના ઓછા પડ્યા,
બાગ તો કળીઓ ને ફૂલો થી ભરાઈ પડ્યા,
લાગે છે,વસંત ના વધામણાં ઓછા પડ્યા.
હટતી નથી ફૂલોથી નજર,બની ગઈ માયા અજર,
લાગે છે,ભણેલા પાઠ એ વિરાગ ના ઓછા પડ્યા.
અનિલ શુક્લ
મે,૪,૨૦૧૪
---------------------------------------------------------
થઇ ગઈ છે સર્વ ની ફૂલો પર નજર,
ફૂલોએ પણ ઉઠાવી સર્વ ને આપી દીધી નજર,
કોઈ સુંદર ફુલ ને શું લાગી ગઈ નજર?
લાલ કળી હસી રહી,નથી ખોલી તેણે હજુ નજર,
તસ્વીર તો પહેલાં અને આજે લીધી
ને હસતી કળી પર જઈશ ફરી કરવા એક વધુ નજર.
અનિલ શુક્લ
મે,૪,૨૦૧૪
---------------------------------------------------------------------
વીતી ગઈ,છે,અને આવી રહી છે,વિવિધ મસ્તી ની જે ક્ષણો,
જુદી હતી કાલ,જુદી છે આજ,મસ્ત,માણી રહ્યો મસ્તી ની ક્ષણો.
શું હવા બની,રહી સંગે તેના,મસ્તી માં બને મસ્ત એ ક્ષણો?
કે હવાને ય રંગીન બનાવી,ઘુમાવે તેને અહીં તહીં એ ક્ષણો?
મસ્તી "એ"જામ ની થતી હતી ખાલી ને જામ પણ હતો ખાલી,
નશો કંઇક અલગ છે આ,સદા અખંડ રહે છે મસ્તી ની એ ક્ષણો.
નથી પડવાનું,આખડવાનું કે નથી અભાન થવાતું અહી કદી,
અડગ,ઉભા કરી,જગાડી ને સભાન બનાવે મસ્તી ની આ ક્ષણો.
ભૂલાય કેમ? ભૂલું કેમ?લગાવી હતી ભભૂતિ જે દિન અને જે ક્ષણે,
લાગી ગયો છે સંગ મસ્ત નો,ને હવા સંગ વહી રહી,મસ્તી ની ક્ષણો.
અનિલ શુક્લ
એપ્રિલ,૨૪,૨૦૧૪
-----------------------------------------------------------
વસંત ખિલી છે,જુઓ જરા,નજાકત ખિલી છે એ ફૂલોની,
નજીક જઈ નજર મિલાવી,તો નજર ઉંચી થઇ છે ફૂલોની.
હિમવર્ષાથી બનેલી,રંગવિહીન, ધરતી પર રંગ ભર્યા ફૂલોએ,
ગમગીન કરુણામય બનેલ પવન માં સુગંધ ભરી એ ફૂલોએ.
થોડા આછા,તો થોડા ઘાટા,ને વિવિધ રંગ આવતા હશે, ક્યાંથી?
પણ અહીં રૂપ ને રંગ ની મસ્તી,કરી ને બન્યાં છે મસ્ત ફૂલો-"એ".
અનિલ શુક્લ
એપ્રિલ-૧૨-૨૦૧૪
-----------------------------------------------------------
વલ્કલ ને જટાધારી,બની ત્રણ ભુવન નો નાથ વનમાં વિચરે,
આપવાનું નથી કશું પાસમાં, કેવટ ને વાત એ માલિક ને ખૂંચે.
જગત પર ઉપકાર કરનારા,પર ઉપકાર થયો છે જયારે આજે,
તો પ્રતિ ઉપકાર હું શું કરું? એ ઊંડા વિચારમાં માલિક ખૂંચે.
ઈશ્વર ના ઉપકાર તળે તો સદા રહી છે માનવી ની નજર નીચે,
ધન્ય,કેવટ ના ઉપકાર ને કે માલિક ની નજર થઇ છે આજ નીચે.
અનિલ શુક્લ
એપ્રિલ-૨-૨૦૧૪
-----------------------------------------------------
સ્થિર બનીગયો પવન વાયુ બની,પુરાઈ ને ગુફામાં,
ના ઘૂમી શકે એ અહીં તહીં,એ હવે કેમેય હાલશે નહિ.
રસ્તા પુરા થઇ ગયા, પવન ના,વતન ની તલાશ માં,
શૂન્યતામાં જાણે વતન મળ્યું,રસ્તે હવે કદી ચાલશે નહિ.
રસ્તો જ નથી રહ્યો હવે મંઝીલે જ્યાં પહોંચી ગયો પવન,
જરૂર નથી રહી જ્યાં રસ્તાની, રસ્તા પર ફરી ચાલશે નહિ
હતું નામ પવન,એટલે જ કદાચ બની ગયો હતો પવન,
બન્યો છે જો હવે વાયુ જ તો તે હવે કદી ફાલશે નહિ
જીદ ના કર ઓ,પ્રવાસી,રસ્તો અલગ થયો છે, આપણો,
ભલે ખેંચી ને મરી જઈશ પણ પવન કદી આવશે નહિ
અનિલ
માર્ચ,૧૮,૨૦૧૪
----------------------------------------------------------------
રહસ્યો ના શૂન્યાવકાશ ની ગુફા ભણી દોડી ગયો પવન,
ને પહેલાં હતો તેવો ને તેવો પાછો વાયુ બની ગયો પવન.
વાયુ થી પવન બનવાના,કોઈ રસ્તે સંગ હતો,ઘડીક,નસીબ થી,
નથી રસ્તો જ હવે જો રહ્યો,તો નથી બદલાઈ ગયો એ પવન.
ધસવું આગળ શૂન્ય ભણી,અને બનાવવો રસ્તો,આદત પડી હતી તેને,
પણ,ગુફાના બંધ બારણા ની પાછળ વાયુ બની સંતાઈ ગયો પવન,
ધસમસતો કે લથડતો હતો,કદીક,પણ હવે નથી એવું કઈ થતું પવન,
સ્વરપેટી,સુધી આવી ને વાયુ,અટકી ગયો,ને મૌન બની ગયો પવન.
અનિલ
૧૪,માર્ચ,૨૦૧૪
---------------------------------------------
'વા છે,વહી જવું,રખડવું કે ના થવું સ્થિર,આદત છે એની,
બની સ્થિર રહી ના શકે જગા કોઈ,તો સંગ તો રહે એ કેની?
વતન જ એનું નથી તો ફરે,જ ને? સ્થળ ની હૂંફ એને શેની?
કરે ભેગાં વાદળોને ને વાદળ જાય જો ભલે ને વરસી.પણ
કોક 'દિ સંગ ના છોડે,ફૂંકી વરસાદ ને બનાવે છે હિમ,દેખો ની!!
અનિલ શુક્લ
ફેબ્રુઆરી.૩,૨૦૧૪
------------------------------------------------
મળવાનું ક્યાં બાકી હવે,જે મળવાનું છે તે મારી જ કને
ખોજ નથી રહી,હવે ને સંગ માં સુગંધી મલયાનિલ વહે..
ખોળી હતી શૂન્યતા ,નહોતી ત્યારે જ મળી
બની શૂન્ય હવે ફરું ક્યાં? સદા જે શૂન્ય હતું મારી કને.
અનિલફેબ્રુઆરી-૨-૨૦૧૪
-----------------------------------
તને બહુ હેરાનગી કરવાની મારી દિવાનગી,
ને,લાગે નહિ હેરાનગી એ તારી છે દિવાનગી.
અનિલ શુક્લ
------------------------------------------------
હાર માન્યા વગર વાર સહુ સહી લીધા,
ભભૂતિ નો ભાર એને ક્યાંથી લાગે?
ધાર અનંત ની સહી લીધી છે જેને,
એને જગતના વાર માં શું સાર લાગે?
મૌન નો સાર જાણી લીધો જગતમાં જેને
એને વાણી ની વિલાસિતા ક્યાં સારી લાગે?
મંદ મલયાનિલ ની સુગંધિતા શ્વાસે રહી,
ઘૂઘવતો વાયરો હવે ક્યાંથી સારો લાગે.
અનિલ-જાન્યુઆરી-૭-2014
--------------------------------------------------
ભાર આભાર નો હવે ક્યાં સુધી?
ભાર બરફ નો ઝાડ ને ક્યાં સુધી?
વૈશ્વાનર વ્યાપી રહ્યો ક્યાં નથી?
ઉતારે એ ભાર સર્વ નો,તે બહુ દુર નથી.
નિમિત્ત હું બન્યો હોઈશ કે પછી?
અંગુલી નિર્દેશ હશે એ અનંત નો?
બાકી આમ તો મારામાં માનો આભાર
એવું છે એમ મને લાગતું નથી.
પણ માન્યો....તો કહી દઉં ...ધન્યવાદ....
અનિલ-જાનુઆરી-૨૦૧૪
-----------------------------------------
કરુણાનિધિ ની કરુણા નું શું કહેવું?
છોડો એ-ને- તો છોડી ને ક્યાં રહેવું?
એવા લાલા વગર શાને હવે જીવવું ?
પરમાનંદ ની વાત સહેવાય તો સહેવું!!
Anil Shukla
-------------------------
નરસૈયા ની ઓલી ભોળી ભરવાડણ ને કહેવું તો શું કહેવું ?
મારા હરિને વેચવા નીકળી છે,એનું દુઃખ કેમ કરી સહેવું?
એ આહિર ની છોકરીઓ લાલા ની પાસે સઘળું કામ કરાવે,
વાટકી છાસ ને થોડા માખણ માટે મારા લાલાને નાચ નચાવે
કદી ગુસ્સો આવે તો કદી થોડી થોડી ઈર્ષા પણ આવે,કે,
નસીબ કેવાં કે એ ભરવાડણનાં,માટે ભલું ચુપ થઇ રહેવું
અનિલ શુક્લ
-------------------
કહેવાઈ ગયું અનેકવાર ને વારંવાર કહેવાતું પણ નથી શું?
કે,ના આવ્યું સાથમાં જીવ ના કંઈ કે ના સાથમાં કંઈ જાય છે.
રમત માં વાંચી આવું બધું ક્ષણમાં જીવ ભૂલી નથી જતો શું?
વ્યવહારો નું પોટલું ઉપાડી માથે,અને જગતમાં ફર્યે જાય છે.
મસ્તાન બની,નથી,ખુદ થી જ ભૂલી ગયો એ માનવી ખુદાને શું?
ને કારણ કે વિચાર્યા વગર એ રામ ને જગતમાં ખોળ્યે જાય છે.
બહાર ક્યાં?ઘરમાં જ બેઠેલો રામ છે,હશે ખોળવો પડતો એને શું?
નથી આવવું ઘેરે,ને દેશ વિદેશ માં,આ જીવ ભટકે જાય છે.
અનિલ શુક્લ
--------------
લખ લખ કરતી આંગળી અટકી જતી લાગે,
દોડ દોડ કરતો પગ કદી છટકી જતો લાગે,
બડ બડ કરતી આ જીભ ને કહેવું તો શું કહેવું?
બેઅદબી વાણી ની પણ કદી અટકી જતી લાગે
બન્યો પવન પ્રવાસી ભૂલાવી ખુદ ને,અનંતતા માટે,
ધબ ધબ કરતુ હૃદય પણ હવે અટકી જતું લાગે
અનિલ
----------------------
તસ્વીર પવન ની મળે ક્યાંથી?
ચીતરી શકો કાગળ પર એને ક્યાંથી ?
યત્ન કરું કે ભરું હાથમાં,પણ ભરાય તે ક્યાંથી ?
રહે છે શૂન્યાવકાશમાં ,તે કદી સમજાય ક્યાંથી ?
આવે વંટોળ થઇ ને ચક્રવાત બની કદી.
પણ પકડાતો નથી તો હાથ માં આવે ક્યાંથી ?
સમાઈ આકાશમાં,બની શક્તિ એની ફરે એ અહીં તહીં,
રહે સંતાઈ દેહમાં,પ્રગટે કદી અનાહત -ઘંટારવ બની.
કદી શ્વાસ,કદી ફૂંક,તો કદી આવે છે એ સુગંધ બની,
લાવે અને લઇ જાયે,બની સુગંધ એક બીજા ના દેહની.
ખોળ્યો હતો જયારે ત્યારે જ તે મળ્યો નહોતો પવન,
બન્યો પવન તો હવે અણસાર પણ એનો મળે ક્યાંથી?
અનિલ શુક્લ
નવેમ્બર,૧૧.૨૦૧૩
.....................................................................................
ઉદ્ધવ નું આગમન ગોકુલ માં થવાનું છે,
યશોદાજી રોજ ની જેમ લાલ ની રાહ જોતાં આંગણ માં બેઠાં છે,
ત્યાં આવી ને કાગડો બોલે છે,યશોદાજી માને છે આજ કદાચ લાલો આવે....
...............................................................................
આજ મારો લાલો આવે તો,સોને મઢાવું તારી ચાંચ.
જાતે ખાવાનું ભાન નહિ,લાલ ને ને હતો જરા શરમાળ.
કોળિયો લઈને મોં મોં મુકું ત્યારે જમતો હતો લગાર,
લાલ ની મારા વાટ જોઉં રોજ ને બનાવું હું રસથાળ.....આજ મારો..
આંખમાં આંસુ મારા આવે તો એને ગમતું નહિ લગાર,
પીતાંબરથી આંસુ લુછી ને,લાલો,કરતો હતો મને વ્હાલ,
ગયો છે ત્યારથી ખૂટ્યા નથી આંસુ,શું,જાણે છે એ લગાર?...આજ મારો.
પડી આદત ચોરી કરવાની,તેથી બાંધ્યો હતો થોડીવાર,
ગમ્યું તો મને ય ક્યાં હતું ? પણ પ્રેમે બાંધ્યો,હતો,લગાર,
માફી એ માગી,મા,ક્યાં હું એની? વિનવ્યો લાલને વારંવાર...આજ મારો
અનિલ---૩,ઓક્ટોબર,૨૦૧૩
-----------------------------------
આકાશ માં રહેલા,ઓલા પવન ને,
આકાશ ને આંબવાની,નેમ હશે ક્યાંથી?
વૈભવતા ત્યાગી,મળેલી છે નિર્ધનતા,
તો,નિર્ધનતા ને ત્યાગવાની નેમ હશે ક્યાંથી?
વાંસળીની ફૂંક બની છેડાયું છે મસ્ત સંગીત,
તો,બેસૂરાપનમાંથી નીકળવાની નેમ હશે ક્યાંથી?
નિહાળી લીધી જેણે સુંદરતા અંતર ની,
આયના સામે ખુદ નિહાળવાની નેમ હશે ક્યાંથી?
જરાય કમી નથી,માખણની ખુદ ના ઘરમાં,
પણ આદત ચોરવાની કાન્હા ને પડી હશે ક્યાંથી?
અનિલ
ઓક્ટોબર-૨,૨૦૧૩
ચાલતી હતી જ્યાં ગણત્રી શ્વાસની,
શ્વાસ ને શક્તિ આપનાર,યાદ આવ્યા.
કદી ક અહીં તો કદી તહીં,ભટકી ને,
શ્વાસે ભુલાયેલા તમે યાદ આવ્યા.
મલયાનિલ ને શાંત વાયુ બનાવીને,
પરમાનંદ નું દાન દેનાર,યાદ આવ્યા.
ભૂલું કદી પણ મને ના ભૂલનાર,અને,એ,
સૂતેલા ને જગાડનાર,મને યાદ આવ્યા.
અનિલ
---------------------------------------------------------------------
ચાંદી ના ચાર સિક્કા માટે મહામુલી આ જિંદગી વેડફી નાખું છું,
લગાવી ભભૂતિ પણ કદી લાગે છે કે આ ભભૂતિ વેડફી નાખું છું.
ચાલુ છું કદાચ રસ્તે સાચા પણ ચાલવાનું જ વેડફાઈ જાય છે,
જાણે અહેસાન કરું છું સમય પર પણ સમય વેડફાઈ જાય છે.
કરમ ની કે નસીબ ની આ ગતિ માં વહ્યા વગર કરું પણ શું ?
સુગંધિત થયેલો આ પવન જાણે વગડામાં થી વહી જાય છે.
અનિલ
જુલાઈ-૨૦૧૩
-------------------------------------------------------------
હમણાં તો સંગે હતો,ને એ ક્યાં વહી ગયો ?
દિશા જુદી હતી,એ પવનની,રહી હું ગયો.
મનમાં ભરી રાખી છે સુંગંધ પવન તારી,
થોડી સુગંધ મારી યે લઇને તું વહી ગયો.
હવા ની સંગે તો રહે સહુ અને હું એ રહું,
નથી વતન ક્યાંયે,તો ક્યાં વહી ગયો ?
અસર સુગંધની.તારી, છુટે નહિ કદી અનિલ,
ભભૂતિ થોડી લગાવી ને ક્યાં વહી ગયો ?
અનિલ .માર્ચ-૨૦૧૩
-------------------------------------------------------------------------
બનાવી છે, રમત પવને બરફની,ને બરફ ને ઉડાડે અહીં તહીં,
કદાચ બરફ હેરાન થતો હશે,તો પવન ને તેની ખબર નથી.
છીનવવી સુંદરતા શા માટે ? સ્વર્ગ ના જેવું દેખાય છે,વાતાવરણ,
રહેવા દે,બરફ ને એ પાઈન ના વૃક્ષ પર,વિચારી શાંત થયો પવન.
ઘરમાં જ બેઠા છીએ તો બરફ ના તોફાન ની કોઈ અસર નથી,
હેરાન પવન શાથી ? ઠંડો થયો,બીજી તો કશી ખબર તેને નથી.
તોફાનો નું કારણ તો તે ખુદ જ છે,ભૂલી ગયો હતો તે મલયાનિલ,
તરંગો ને છોડી હલતો નથી હવે,ને બન્યો સમાધિ માં મસ્તાનિલ.
અનિલ.
ફેબ્રુઆરી,૯,૨૦૧૩.
..............................................................
બેઠો છે પવન સંઘરી રહસ્યો યુગોના ,
ઉત્સુક બની ખટ ખટાવે એ દ્વાર ઘરોના.
કદાચ મળી જાય એ વિના દ્વારની ગુફાઓ માં,
દોષ એનો ક્યાંથી?રહે સહુ બંધ બારણા માં.
બને કે કદાચ બીક હોય એ સહુને,પવન ની
કદાચ ઘેર ઘેર જઈ કહી દે એ રહસ્યો પોતાના.
ફુરસદ મળે કદી તો રહી સંગ એના સાથે,
સામસામું હૈયું ઠાલવીને તો દેખો ના?
હાટડી માંડી બેઠા સર્વે,વેચવાને રહસ્યો પોતાના, ખરીદે એ શાથી?
ભંડાર છે,કને એની,એવાજ રહસ્યોના.
અનિલ શુક્લ ૧૪,મેં ૨૦૧૨
------------------------
ખોળ્યો ‘એ’ને બહુ આ,લોક ને ગોલોક માં
કદી,આયનામાં જરા નજર કરી ને તો જો .
અહમથી,ઝાંખો લાગે જો એ આયનો ,તો,
અજ્ઞાન ની ધૂળ ને જરા હટાવી તો જો.
ભટકવાની અહીં-તહીં આદત બનાવી છે,
બેસીને જરા જે શ્વાસ ચાલે છે,એને, તો જો.
ઝૂરવું જ છે,પણ ,જ્યાં છે,’એ’,ત્યાં નથી ખોળવું,
ભભૂતિ ‘એ’ની જરા,તન પર લગાવી તો જો
અનિલ શુક્લ
૪,મે,૨૦૧૨
-----------------------------------------------------------
જરાક જ કઠિન હતો માર્ગ મજા સુધીનો.....
મળી મજા ,લુટી મજા,પહોચી ગયા આનંદ સુધી....
ઘણું યે ન સમજાતું સમજાઈ ગયું જયારે ...
આનંદ થી પહોચી ગયા આનંદ સુધી......
લાગે છે કે સરળ માર્ગ છે આ , હવે આનંદ નો.
થાય કૃપા તો પહોચી જવાય પરમાનંદ સુધી....
ગમતો પવન આનંદ નો સાથ સાથ થઇ ગયો,
છોડું હવે ક્યાંથી?વહીશ સંગ સંગ,અંત સુધી........
અનિલ
૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨
--------------------------------
મજા ય લુંટાય છે અહી ,અને મજા લુટી ને બનેલો,
કોઈ મજાનો માનવી એ લુંટાય છે અહી,
રહે છે બાકી કોઈ?
જો મળે કોઈ મજાનો માનવી,તો મજા લુંટવા,
મેળાવસો મને ?
એને ખોળવામાં જ મજા લુંટાઈ ગઈ છે મારી .......
અનિલ
૧૪ માર્ચ ૨૦૧૨
-----------------------------------------------------
હવા છું,શ્વાસ પણ બનું,ને સંગે પણ રહું,
કદીક અંદર તો કદીક બહાર,સંતાકુકડી રમું.
બની બાંસરી ની ફૂંક,કદી સુરમાં ય રહું,
તો વાયરો બની કદી સંતાકુકડી ય રમું.
ખેંચે છે ખુશ્બુ આપની તેથી જ સંગે રહું,
સુગંધિત બની,ચાલ હવે સંતાકુકડી રમું.
અનિલ
---------------------------------------------------------
અડપલું સહેજે પણ 'એ' ખુશ્બુ ને ન કરો પવન
થકી એમના તો ચોતરફ સુગંધમય બન્યો ચમન
ખેર નથી જો બધી ખુશ્બુ ભરી લીધી જો 'તે'મની,
કલ્પના જ કર ,એ ભાર થી 'સ્થિર'થવું પડશે પવન.
અનિલ૨૫,ફેબ્રુઆરી,૨૦૧૨
-----------------------------------------------
ધીમે ધીમે અહીની ચક્કી માં આવી જઈશ.
કદીક અહી તો કદીક તહી ,વચ્ચે આવી જઈશ.
સમય પર આપણે અહેસાન નથી કરતા શું ?
કસોટીઓ કરતા રહો કાન્હા તમે,ટેવ છે તમારી,
ધીરે ધીરે ભલે,પણ બધું ય પાર પાડી દઈશ.
અનિલ
ફેબ્રુઆરી-૨૦૧૨
-------------------------------------------------------------------
પોટલું કેમ કરી બાંધુ પવન નું? હજુ મારું એક ગાંઠ,
એ પહેલા તો 'એ' છટકી જાય છે.......
કદીક નાકે,કદીક આંખે તો કદીક કાને ,આ રહ્યો 'તે',
છટકતા પહેલા તો 'એ' અટકી જાય છે......
રમત આને ગણો તો દોષ તો 'એ' નો નથી,જુઓ જરા
રમત તો ક્યારનીયે અટકી જાય છે........
નથી ફાટતો કે નથી સંધાતો પોટલા નો આ છેડો,
ખોટાં વિચારે સમય સરકી જાય છે.........
અજબ ગજબ ,માયાભરી રીતભાત આ પવન તણી,
શાણા 'એ' શાન માં સમજી જાય છે..........
શિકાયત હવે ક્યાંથી? સંગ સદા રહું છું પવનની,
પણકદીક આ મન પોટલું બાંધવા લાગી જાય છે.........
અનિલ
ફેબ્રુઆરી ૨૦૧૨
-----------------------------------------------------------------------
ભભૂતિ લગાવી તો દીધી પણ નથી કરવી મારે આ શરીર ની ભભૂતિ,
એક એક ને છુટા પાડી મીરાની જેમ જ સમાઈ જઈશ ,કાન્હા મહી.
યત્ન કરીશ ને પ્રયત્ન પણ કરીશ ,સદા સંગે ચાલી,રહી ,તારા મહી,
જિંદગીની સરહદે લાવી ના કરાવશો,દુશ્મની તમે જ તમારા થકી.
ચાલશે નહી કોઈ ચાલાકી હવે,ના કોઈ બાંધ છોડ કરીશ હું હવે અહી,
ઝૂરવાના જમાના ગયા કાન્હા હવે, થોડી 'સમાવા'ની જ વાત કરો અહી ......
અનિલ
ફેબ્રુઆરી ૨૦૧૨
----------------------------------------------------------
માની હાર ,બની સુદામો ,ગયો તો મળ્યો ફૂલદસ્તો,ફૂલો હતા અનેક,
પાછો આવી ખોળું છું,ક્યાં ગયું? વળતા મળેલું એ ગુલાબ નું ફૂલ એક.
હેસિયત- એટલી જ -મારી અને તમારી, લો કે વહેચો પ્રેમના ફૂલો એક કે અનેક
અનિલ ફેબ્રુઆરી ૨૦૧૨
-------------------------------------------------------------------
આમ પણ ક્યાંથી જીતી શકાય તમને હરિ?
જીદ છૂટી ,હાર્યા ,તમારી તો જીત જ ખરી.
ખોટો ભીડાવી દીધો તમે,હસો નહિ ,હરિ,
'મદ' માં મસ્ત હતો જ્ઞાન ની મટકી ભરી.
કરું ભક્તિ ફરીફરી ,ના ભૂલીશ તમને હરિ.
અનિલ
ફેબ્રુઆરી ૩,2012
--------------------------------------------------------
ક્ષણે આવે ,ક્ષણે ભાગે,વિધ વિધ કળા વાળો,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
ઈશારા ની ક્ષણે સમજી,બીજી ક્ષણે નાસમજ ,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
ક્ષણે બનું અનાડી અને ક્ષણે ચાલુ સીધોદોર ,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
સુખની યે ક્ષણો હતી,દુઃખની ય ક્ષણો અનેક
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
લગાવી તો ભભૂતિ યે કોઈ ક્ષણે ,કાઢી યે ક્ષણે,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
વિતી જીવન ની ક્ષણો ,ક્ષણ મય આ જિંદગી,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
ક્ષણે વિચારી જિંદગી વિષે ,ભૂલી ગયાની ક્ષણો,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.
સરહદે પહોચી ગયા ની ક્ષણો હવે પવન તમારી,
બાદબાકી જ બાદબાકી હવે,ક્યાંથી કરો સરવાળો ??
અનિલ
૨, ફેબ્રુઆરી ,૨૦૧૨
----------------------------------------------------------------------
તુટ્યો તો ક્યારનો ય હતો રાફડો પટારા પરથી,
નજર કરો,તળિયું દેખાય છે,ના જાઓ તમે થાકી.
વરસો ના વરસ લાગી ગયા હતા જેમાં
ક્ષણો માં ખુલી ગયા,કશું રહ્યું નથી બાકી.
છૂપો ક્યાં 'સંગ્રહ' હવે?જાહેર થઇ ગયો હવે જગમાં,
નથી કશું એ છુપાવ્યું કે નથી કશું રહ્યું હવે બાકી.
ખાલી થયો છે જામ અને નશો ય છે અમલ માં,
ખમૈયા કરો તો સારું ,વધુ ભરો નહિ તમે સાકી.
અનિલ
જાન્યુઆરી ૨૫,૨૦૧૨
----------------------------------------------------------------------------------
હવે તો જેમ જેમ જિંદગીસામે આવે તેમ જીવે જવાનું.......
અને પ્રવા-હ ને સાથે વહેતા જવાનું...
સામે તો કેમ થાઉં હું અનિલ ની??
'એટલે જ વહુ છું સાથ અનિલ ની.....
કદી વાયરો બને અને ગુમરે એ દિલ મહી,
સરહદે છું હવે અને હવે હામે ય નથી કે,
દુશ્મની કરું એ અનિલ ની.....
અનિલ
જાન્યુઆરી -૨૦૧૨
--------------------------------------------
જિંદગી માં શું કરું શિકવા?
અને વહી જવાનું તો છે જ ને?
આવો વહીએ એ પવન ની સંગે....
કે પછી ખળ ખળ થઇ ને વહેતા
એ ઝરણા ની સંગે....
કદી ઘુમરે એ પવન કે ઝરણું....
તો આદત પડી લઈએ
એ પવન ની......
જો કવિતા નીકળે ત્યાં તો
લખી લઈએ એ પવન ની.....
અનિલ
----------------------------------------------------
ખુશ્બુ તો લીધી ,અને ભાર થયો પવન ને
વહેતો હતો,પણ સ્થિર થવું પડ્યું પવન ને,
હજુ ઓસરી એ નથી ચમન માં એ સુગંધ
કદી ક વહી જાય પવન મહી તે પહેલા ,
આવતા પવન સાથે આવી વધારો એ સુગંધ.
બેડી ભલે રહે,તરી હવામાં,આવો, વધારો એ સુગંધ.
અનિલ
--------------------------------------------------------------------
આ કાનો આંગણે આવે તો જ હવે ઝગડો મટે...
આ રોજ રોજ ની વાતો,આ રોજ રોજ મળવાનું,
યાદો ને વાગોળવાનું,અને રાતો માં ય ઝૂરવાનું,
થતો નથી ફરિયાદો નો અંત,થાય પણ ક્યાંથી?
મથું છું,અને હુંએ 'એ' ને છોડી શકીશ ક્યાંથી?
છટક બારી આ તારી તો રોજ ની થઇ છે,ને હવે
પણ કાન્હા,તમે આંગણે આવો તો ઝગડો મટે .
અડધા આવો કે અડધા થી ઓછા આવો ,પણ,
કાન્હા,હવે આંગણે આવો તો ઝગડો -તો- મટે?
દિલમાં તો તમને સમાવ્યા છે પૂરે પુરા ,પણ
તમારા- દિલમાં સમાવો તો ઝઘડો તો મટે ,
બાકી છે ઝગડવાનું તારા સાથે,રોજ ઝગડું જાત સાથે,
મારા ઘરની માખણ ની મટકી હજુ તૂટી નહિ ,શા માટે?
મેણા લોકોના ક્યાં સુધી સાંભળવાના મારે? હજુ?
માટે,કાન્હા,હવે આંગણે આવો તો ઝગડો -તો- મટે?
અનિલ
ડીસેમ્બર-૨૦૧૧---------------------------------------------------------
કેમે કરું ફરિયાદ,યશોદાને હું કેમ કરું ફરિયાદ,
પથ્થર મુકીને દિલ પર આપ્યો હતો ,એ લાલ
‘દિલ’ માં સંઘરેલા ‘એ’ ને કૃપા કરી ને આવી,
રૂમ ઝુમ ચાલે ‘એ' મારી પકડીને આંગળી,
જગત નો ધણી ‘એ' જયારે આંગળીએ હોય ત્યારે
ભાન રહે ક્યાંથી ,ને ગર્વ થયો મન માંય .
આંગળી બીજાની ‘એ’ને ભળાવી દીધી ,
મને,ભૂલી જરા જ્યાં શાન ભાન,
દૂર તો ગયા ‘એ’ નથી ને દિલ માં રહો છો સાથે,
ચડાવી આપ્યું હતું કાલે બેડલું ય મારે માથે,
દિલ માંથી ક્યાંથી છટકો ,છટકો તો તો જાણું ખરા ,
અનિલ
ડિસેમ્બર,૮,૨૦૧૧
-------------------------------------------------------------------------------------
કોઈ તો મને જડે
દશા કોને કહું?લખું છું,ભલે કોઈ દિવાનો કહે,
ખબર ક્યાં હતી ?કૃપા આવી અનરાધાર પડે.
લાગે છે એવું કે અશ્રુ ઓ દુઃખના ઓછા હતા .
ભીજાઈ ગયો પૂરો,સુખના તો અનરાધાર પડે.
જીરવી લઈશ હું ,આદત પડી જાય ત્યાં સુધી,
ભાગી ના શકો હવે (તમે) ,જશો તો જશો ક્યાં સુધી?
વહેચ્યું તો દુઃખ ને ય ક્યાં હતું?મળ્યું એ કોણ હતું?
વિચારું,ખોળું,સુખ ને વહેંચવા,કોઈ તો મને જડે??!!
અનિલ
------------------------------------------------------------------------
ભૂલી ગયો સરનામું
થયા આછા ટકોરા ,આથમતે સમયે,આથમતે બારણે,
ડર્યો,થયું કે અત્યારે,અહી વળી કોણ હશે આ બારણે ?
'એ' તો ક્યાંથી હોય? પણ લાવ જોવા તો દે જરાક,
રોજ બોલાવું,કરગરું તો આવ્યા પણ'એ' હોય કદાચ ,
દોડ્યો,રાહ તેમને કેમ જોવડાવાય?મેં તો ઘણી જોઈ,
સાચે,'તે' જ છે,પધારો,પરમાનંદ થયો ,આપને જોઈ,
ભૂલી ગયો છું હું બધું,થયો અભાન,આપને જોઈ,
રહેતો હતો ખોળતો,હવે ઠેકાણું યાદ કયો રહે સાઈ,
બદ કિસ્મતી હતીને ! બારણું અને સરનામું તો હતું- મારું,
યાદ કરું,મથું ઘણું , પણ,હવે ભૂલી ગયો સરનામું જ- મારું.
અનિલ
૧૪ નવેમ્બર ,૨૦૧૧
------------------------------------------
કોણ?
ઝાલીને હાથ મારો -લખાવે છે કોણ?
આવડતે ય નહોતી કે નહોતો ય વિચાર,
પેન પણ નહોતી કે મળ્યો ય નહિ કાગળ ,
આંગળીને 'કી-બોર્ડ' પર ધક્કા મારે છે કોણ?
ખોળ્યું-મળ્યું જ્યાં ઠેકાણું આ 'કોણ' નુંહવે
મારું જ ઠેકાણું -બોલો ,ખોળશે કોણ?
અનિલ
નવેમ્બર ૧૪-૨૦૧૧
--------------------------------------------------------------------
આ જુલમ ઓછો કેમ ? થોડી મીઠાસ હજી બાકી છે ......
ઉફ.. પણ નાં કરશું અમે
થોડી જિંદગી તો હજી બાકી છે ......
અનિલ
-------------------------------------------------------------------------------
હોય કોઈ સરહદ જીવન ની તો
આ જીર્ણતા તેની નજીક છે ......
પાછું તો વળવું જ રહ્યું
પ્રવાસ ની પૂર્ણતા હવે નજીક છે .....
અટવાતા જમીને પવન ની સંગે
નથી દૂર મિલન જમીન ની સંગે ...
ઘણું થયું , લથડાશો હવે ક્યાં સુધી ?
ઝંઝાવાત ની રાહ હવે ક્યાં સુધી ?
અનિલ શુક્લ
-------------------------------------------------
ભોગવવી-ત્યાગવી કે ત્યાગીને ભોગવવી
સરળ હશે એ તમને વૈભવતાની સાથે ......
કહો કેમ કરું આવું હું મારી નિર્ધનતા સાથે ?
ઘર નજીક છે તમારું -છો પ્રવાસ ની અંતે ,
સરળ છે -લેવી exit તમને રાજમાર્ગ ની
સામે જુઓ મેં entry લીધી રાજમાર્ગની
"નહી માગવાનું "એમ આસાની થી કહો તમે
સરળ છે -સાકી- ભંડાર પાસે છે-તેથી તમે
હજી નશો ય થયો નથી-અને ખાલી જામ છે .
ના માંગી શકુ-ના પામી શકુ એ નશાને -
ખાલી જામ ફેકું છું -ભૂલું છું એ નશા ને
શોધું રસ્તો-પામવાના "એ તમારા" નશાને.......
અનિલ શુક્લ
જુલાઈ ૨૮, ૨૦૧૧
ડર લાગે છે મને- સ્પર્શ ફૂલો નો કરતાં
રહી દૂર-નજીક નજાકત ની તસ્વીર લેતા
ડરું-રુઝાયેલા ઝખ્મો હજુ મને યાદ છે .
આમ જ ગયો હતો સુંદરતા ની નજીક
ભીતરની એ ક્ષણો આનંદ ની યાદ છે
આમ જ હાસ્ય ને મીઠી નજર દેજો મને
તસ્વીર જ દૂર થી લઈશ-નાં ડરશો તમે
ચાલ્યા ગયા હતા તમે -મને હજુ યાદ છે
અનિલ શુક્લ
૧૬ ઓગસ્ટ ૨૦૧૧
----------------------------------------------------------------------------------------
હવે એવુ તો શુ લખુ કે એવુ તો શુ કહુ
વિચારો ને વ્યક્ત કરવા કે ના કરુ
રઝળ્તા અને ઘસાયેલા શબ્દો ને
કોમ્પ્યુટર ની કલમે લખુ કે ના લખુ
વરસો પહેલા તો લખતા પહેલા કાગળ્
પર મારુ નામ છૅક ભુસ કર્યા કરતો ને
ક્યાંક ટપ દઇને ખબર પડ્યા વિના
શબ્દો જાણે ઉગતા કાગળ્ મહી
અનિલ શુક્લ----
-----------------------------------------------------------------------
થયું અંતર નું અજવાળું ,
કે બંધ આંખે નિહાળું
મોહ થયો તો દુનિયા સાથે ,,,
સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,
કે બંધ આંખે નિહાળું ........
અનિલ જુલાઈ ૨૦૧૧