Showing posts with label Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર. Show all posts
Showing posts with label Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર. Show all posts

Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૬



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
થોડો સમય પૈઠણ માં રહ્યા પછી, જ્ઞાનેશ્વર પોતાના ભાઈ બહેનો અને શુદ્ધિપત્ર સાથે પૈઠણ થી નીકળ્યા,
અને નેવાસા મુકામે આવી પહોંચ્યા.

નેવાસા ગામ નગર જિલ્લામાં (મહારાષ્ટ્ર) પ્રવરા નદી ને કિનારે વસેલું છે.
નેવાસા બે ગામ મળીને થયેલું, (૧) ખંડોબાનું નેવાસા (૨) મોહનીરાજનું નેવાસા.
આ બે ગામ મળી ને નેવાસાક્ષેત્ર થયેલું. નેવાસાની પશ્ચિમ દિશાએ “જ્ઞાનેશ્વરી નો શિલાસ્તંભ” નામથી
પ્રસિદ્ધ થયેલ પથ્થર છે. આ નેવાસા ક્ષેત્ર માં જ જ્ઞાનેશ્વરી-ગીતા-ગ્રંથ ની રચના થઇ હતી.

જ્ઞાનેશ્વર જયારે નેવાસા પહોંચ્યા - ત્યારે તેમને એક સતી સ્ત્રીને પોતાના પતિના શબ ની આગળ
આક્રોશ કરતી જોઈ.જ્ઞાનેશ્વરે તપાસ કરતા જણાયું કે-મૃત પુરુષ નું નામ “સચ્ચિદાનંદ” હતું.
આ નામ સાંભળતાની સાથે જ તેઓ બોલી ઉઠયા કે-
“શું સત્-ચિત્-આનંદ ને મૃત્યુ આવેલું કોઈએ સાંભળ્યું છે ? સચ્ચિદાનંદ  સર્વ ઉપાધિ વગરનું છે,
તેને મૃત્યુ નો સ્પર્શ શી રીતે થઇ શકે ?”

પોતાના મુખે થી આવા શબ્દો ઉચ્ચારી તેમણે શબ પર હાથ ફેરવ્યો,
એટલે તરત જ મૃત પુરુષ જીવંત થઇ ને બેઠો થયો!!!!
અને જ્ઞાનેશ્વર ના ચરણ પર મસ્તક પર મુકીને તેમણે શરણે પડ્યો.

આ પુરુષ (સચ્ચિદાનંદ) તે નેવાસા ગામનો કુલકર્ણી હતો.અને પાછળથી-
જ્ઞાનેશ્વર મહારાજ જેમ જેમ “જ્ઞાનેશ્વરી-ગીતા” ને કહેતા ગયા-તેમ તેમ તેને તે લખતો ગયો.
અને તેના પછી એણે “જ્ઞાનેશ્વર વિજય” નામ નો ચરિત્રાત્મક ઓવીબદ્ધ ગ્રંથ પણ લખ્યો હતો.

ત્યાર પછી થોડો સમય જ્ઞાનેશ્વર મહારાજ તેમનાં ભાઈ બહેન સાથે આળંદી માં જઈને રહ્યા.
પૈઠણ માં જ્ઞાનેશ્વરે કરેલા ચમત્કાર થી તેમની ખ્યાતિ આળંદી સુધી પહોંચેલી હતી,
તેથી આ વખતે આળંદી ના લોકોએ તેમનો ઘણો સારો આદર-સત્કાર કર્યો.

પણ આળંદીમાં વિસોબા ચાટી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના મગજમાંથી હજુ પણ,
“એ સન્યાસી નાં બાળકો છે” એ વાત નીકળી ગઈ નહોતી. આબ્રહ્માન વિદ્વાન અને સદાચારી હતો પણ
તેનામાં કુલાભિમાન બહુ હતું, જ્યાં ત્યાં જ્ઞાનેશ્વર ની નિંદા કર્યા કરતો.

એક વખત દિવાળીના દિવસો માં નિવૃત્તિનાથે મુક્તાબાઈ ને કહ્યું કે –
“આજે તો સરસ માંડ (એક જાતની ખાવાની વસ્તુ) જમવાની અમારી ઈચ્છા છે.”
મુક્તાબાઈ માંડ બનાવવા માટે વાસણ લેવાને કુંભારવાડા માં જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં વિસોબા સામે મળ્યો.તેણે મુક્તાબાઈ ને પૂછ્યું કે –ક્યાં જાય છે ? મુક્તાબાઈ એ હકીકત જણાવી.
વિસોબા મુક્તાબાઈ ની સાથે જ કુંભારવાડામાં ગાયો અને કુંભારો ને કહેવા લાગ્યો કે-
“ખબરદાર,કોઈએ આ છોડીને વાસણ આપ્યું છે તો....”

મુક્તાબાઈ ને કોઈએ વાસણ નહિ આપવાથી ઉદાસ થઇ ને ઘેર પાછાં આવ્યા.
અને જ્ઞાનેશ્વર ને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું.
જ્ઞાનેશ્વરે તરત જ યોગ દ્વારા પંચાગ્નિનું આવાહન કરીને –
પોતાની પીઠ ને અત્યંત તપાવી,અને તે પર માંડ શેકવાનું મુક્તાબાઈ ને કહ્યું !!!!!

મુકતાબાઇ જ્ઞાનેશ્વરની પીઠ પર માંડ શેકે છે,તે વિસોબાએ જોયું,અને તેની આંખ ઉઘડી.
એક મહામૂલા રત્ન ને કાચ સમજવા માટે તેણે અત્યંત પશ્ચાતાપ થયો.અને દોડીને તેણે
જ્ઞાનેશ્વર ના ચરણે મસ્તક મુક્યું. અને જ્ઞાનેશ્વર ને ગુરૂ બનાવ્યા.

પાછળથી,એક વખતનો જ્ઞાનેશ્વર નો નિંદક વિસોબા “મહાવિષ્ણુચા અવતાર,શ્રીગુરૂ માઝા જ્ઞાનેશ્વર”
જેવા અભંગ બોલવા લાગ્યો.


Click Page number>>  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૭



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

વિસોબા ની ઘટના શકે-૧૨૦૯ અને શકે-૧૨૧૨ ની વચમાં બની.
આ ત્રણ વર્ષ દરમ્યાન જ્ઞાનેશ્વર પોતાનાં ભાઈબહેન સાથે,આળંદી,નેવાસા અને આપેગાંવ –
એ ત્રણ સ્થળે જતાં આવતાં રહેતાં.
લોકોએ તેમનો વિરોધ શકે-૧૨૧૨ ના પ્રારંભ માં સંપૂર્ણ પણે છોડી દીધો હતો.
આ વખતે જ્ઞાનેશ્વર ની ઉંમર માત્ર-૧૫ વર્ષની હતી.

અને માત્ર ૧૫ વર્ષની ઉંમરે નેવાસામાં –ગુરૂ નિવૃત્તિનાથ સમક્ષ –
ગીતા પર ભાષ્ય “જ્ઞાનેશ્વરી-ગીતા” રચવાનો પ્રારંભ કર્યો.(મરાઠી ભાષામાં -ઓવી-રૂપે)
જ્ઞાનેશ્વર ના ચરિત્ર માં આવી ગયેલા બધા ચમત્કારો ને બાજુ પર રાખીએ-તો પણ-
કોમળ વય (૧૫ વર્ષની ઉંમર) માં ગીતા પર કાવ્યમય ભાષામાં,સરળ રીતે અને દૃષ્ટાંતો થી ભરપૂર,તેમનું જે અદભૂત વક્તવ્ય “જ્ઞાનેશ્વરી” માં છે-તેના જેવો કોઈ બીજો ચમત્કાર નથી.

ગીતા પર આજ પર્યંત સંસ્કૃત,પ્રાકૃત કે પરદેશી ભાષામાં હજારો ટીકાઓ લખાણી છે,પણ
તેમાંનો એક પણ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” ની બરોબરી કરી શકે તેમ નથી.

એક કાવ્ય ગ્રંથ તરીકે, એક તત્વજ્ઞાન વિષયક ગ્રંથ તરીકે,ધર્મ રહસ્ય પ્રગટ કરનાર ગ્રંથ તરીકે,
ભાષા ગ્રંથ તરીકે કે સ્વાનુભવ યુક્ત ગ્રંથ તરીકે-કે કોઈ પણ પ્રકારના ગ્રંથ તરીકે –જો-
“જ્ઞાનેશ્વરી” નું નિરીક્ષણ કરવામાં આવે તો-તેની બરોબરી કરી શકે તેવો ગ્રંથ મળવાની સંભાવના ઓછી છે.

જ્ઞાનેશ્વરી પછી અમૃતાનુભવ,ચાંગદેવ પાસષ્ઠી,હરિપાઠ,યોગવશિષ્ઠ,સ્વાત્મપત્ર –વગેરે ગ્રંથો અને
સેંકડો અભંગો જ્ઞાનેશ્વરે રચ્યા છે.
શકે-૧૨૧૨ માં જ્ઞાનેશ્વરી ની સમાપ્તિ થયા પછી જ્ઞાનેશ્વર તીર્થયાત્રાએ નીકળ્યા.
યાત્રામાં ભાઈ બહેનો અને ભક્તો પણ સામેલ થયા.

યાત્રામાં પંઢરપુર આવ્યું. પંઢરપુર માં નામદેવ કરી ને એક અતિ પ્રેમાળુ ભક્ત છે,અને વિઠ્ઠલનાથ સાથે
તે પ્રત્યક્ષ વાતો કરે છે,એમ જ્ઞાનેશ્વર જાણતા હતા. તેથી નામદેવ ને જઈ તે મળ્યા અને પોતાની સાથે
તીર્થયાત્રામાં આવવાની વિનંતી કરી. નામદેવ પણ તેમની સાથે જોડાણા.

રસ્તામાં “તેરગાંવ” નામનું ગામ આવ્યું,ત્યાં ગોરોબા નામે કુંભાર જ્ઞાતિના ભક્ત રહેતા હતા.
તેમણે અત્યંત ભક્તિભાવ થી આ સંત મંડળી નું સ્વાગત કર્યું.
પ્રત્યેક મુકામે નામદેવજી કીર્તન કરતા.નામદેવજી ની અનુપમ ભક્તિ-અને પથ્થરને પણ પીગાળી નાખે
તેવો તેમનો પ્રેમ જોઈ સંત મંડળી ને આનંદ આવતો.

નામદેવ ને પંઢરીનાથ માં અત્યંત પ્રેમ હતો.તે સંપૂર્ણ ભક્ત હતા. પરંતુ-
સર્વાત્મભાવ (પ્રભુ સર્વ જગ્યાએ છે) નો ઉદય તેમના માં થયો નહોતો,હજી સદગુરુને પાત્ર થયા નહોતા,
અને પોતે વિઠ્ઠલનાથ જોડે પ્રત્યક્ષ વાત કરે છે-તેવું થોડું અભિમાન પણ હતું.
જ્ઞાનેશ્વરની ઈચ્છા હતી કે-નામદેવને –સગુણ,નિર્ગુણ –સર્વ ઈશ્વરનાં જ સ્વરૂપો છે-એવો બોધ થાય.

એકવખત સંત મંડળી બેઠી હતી.ત્યાં મુક્તાબાઈ ગોરોબા કુંભાર નો ઘડા ઘડવાનો ટપલો હાથમાં લઇ
આવ્યા અને ગોરોબા ને પૂછ્યું કે-કાકા આ શું છે ?
ગોરોબા એ જવાબ આપ્યો કે-ઘડો કાચો છે-કે-પાકો છે તે આનાથી સમજાય છે.

મુક્તાબાઈ બોલ્યાં-આ સર્વ માણસો પણ ઈશ્વરના બનાવેલા ઘડાઓ જ છે,તેમાંથી કાચા કોણ અને પાકા કોણ તે તમે કહી શકશો ?
ગોરોબા એ ટપલો હાથમાં લીધો અને પ્રત્યેક સંત ના મસ્તક પર જરા અવાજ થાય તેમ મારવા લાગ્યા.
કોઈ પણ સંતે જરા પણ બડબડાટ કર્યો નહિ પણ નામદેવનો વારો આવ્યો,એટલે તેઓ એકદમ બોલી ઉઠયા કે –ખબરદાર જો મારા માથા પર ટપલો માર્યો તો.....પરીક્ષાની આ તે કોઈ રીત છે ?
આ શબ્દો સાંભળી ગોરા કુંભારે નિર્ણય આપ્યો કે-સર્વ ઘડાઓ માં આ ઘડો કાચો છે.
નામદેવે સદગુરૂ ને પાત્ર થયા નથી,(એટલે અહમ દેખાય છે) અને તેમના માં સર્વાત્મભાવ થયો નથી.
પાછળથી વિસોબા એ તેમને પરમાત્મા સર્વત્ર છે-તેનું જ્ઞાન આપ્યું.અને ગુરૂ બન્યા.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Dec 31, 2012

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૮



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
જ્ઞાનેશ્વર અને સંત મંડળી એ પ્રભાસ,સોમનાથ,દ્વારકા,ગિરનાર,ડાકોર,બહુચરાજી,સિદ્ધપુર,પુષ્કરરાજ,
કુરુક્ષેત્ર,જ્વાલાદેવી,હરિદ્વાર,ગંગોત્રી,યમુનોત્રી,બદ્રીનાથ,કેદારનાથ,પ્રયાગ,વૃંદાવન –વગેરે
તીર્થો ની યાત્રા કરી ને પવિત્ર કાશી ધામ માં આવી પહોંચી.

ત્યાં વિશ્વનાથ દર્શન અને પ્રદિક્ષણા –વગેરે કરી શ્રીરામ ભક્ત મહાન સાધુ પુરુષ કબીર જોડે સત્સંગ કર્યો.

તે વખતે મણિકર્ણિકા ના ઘાટ પર મુદગલાચાર્ય મોટો યજ્ઞ કરતા હતા.
તેથી કાશીમાં વૈદિક,શાસ્ત્રી,પુરાણી-વગેરે વિદ્વાન બ્રાહ્મણો ની મોટી મંડળી જામી હતી. અને
આ મંડળી માં અગ્રપૂજાનું માન કોને આપવું? તે વિષે વાદ-વિવાદ ચાલતો હતો.

આ વિવાદ નો પાર નહિ આવવાથી મુદગુલાચાર્યે એક યુક્તિ શોધી અને તેમણે એક હાથણી લાવી,
તેની સૂંઢ માં એક પુષ્પમાળા આપી,અને જેના કંઠમાં તે હાથણી પુષ્પમાળા પહેરાવે તેની અગ્રપૂજા કરવી
તેવો ઠરાવ કર્યો. પ્રત્યેક જન આ માન મેળવવા તલપી રહ્યો હતો,
પરંતુ જ્ઞાનેશ્વર કે જેમને આ માળા પહેરવાની જરા પણ ઈચ્છા નહોતી તેમના કંઠ માં જ –
હાથણી એ માળા આરોપી. આ ઘટના બનતાં જ સંત મંડળે જયઘોષ કર્યો.

જે ખરેખર શ્રેષ્ઠ હોય છે,તે સર્વત્ર શ્રેષ્ઠ તરીકે પુજાય તેમાં આશ્ચર્ય નથી.
જ્ઞાનેશ્વર ની વય નાની હોવા છતાં જ્યાં જ્યાં જતા ત્યાં તે પૂજાતા.

આ રીતે કાશી-ક્ષેત્ર માં મહાન આદર ને પ્રાપ્ત થયા પછી-
ગયાજી,ચિત્રકૂટ,અનસૂયા,જગન્નાથ,બૈજનાથ,ઓમકારેશ્વર,ઉજ્જૈન,સપ્તશ્રુંગ,નાસિક-ત્ર્યંબક,પુણ્યસ્તંભ,
નાગનાથ-વગેરે તીર્થો ની યાત્રા કરીને મંડળી પાછી પંઢરપુરમાં આવી.
ત્યાંથી સર્વ પોતપોતાને સ્થાને ગયા અને જ્ઞાનેશ્વર ,ભાઈ બહેન ની સાથે આળંદી માં આવી પહોંચ્યા.

કેટલાક દિવસ પછી જ્ઞાનેશ્વર ની કીર્તિ –તાપી નદીના તટ પર રહેતા ચાંગદેવ સુધી પહોંચી.
ચાંગદેવ આ ચારે મૂર્તિ (ચાર ભાઈ બહેન) ના દર્શન કરવા માટેની ઈચ્છા થઇ.
ચાંગદેવ મહાન સિદ્ધ હતા,અનેક સિદ્ધિઓ તેમની દાસી હતી.
તેમણે જ્ઞાનેશ્વર પર એક પત્ર મોકલવાનો નિર્ણય કર્યો.પણ પત્ર લખવામાં તેમનો અહંભાવ –
આડો આવ્યો.પત્ર માં જ્ઞાનેશ્વર ને સંબોધવા શી રીતે ?એ મોટો પ્રશ્ન થયો.
“ચિરંજીવ” લખવામાં આવે તો માનવંત પુરુષ નું અપમાન કર્યા –જેવું થાય, અને “પૂજ્ય” લખે તો
પોતે એક વૃદ્ધ પુરુષ ,૧૫ વર્ષના બાળક ને ,બહુ મહત્વ આપે તે પોતાની પ્રતિષ્ઠાને હાનિકર્તા થાય.

આથી કાગળ માં કંઈ પણ ના લખતાં –કોરો કાગળ મોકલવાનો જ નિશ્ચય કર્યો.
શિષ્ય ને કોરો કાગળ –જ્ઞાનેશ્વર ને આપવાનું કહ્યું અને જ્ઞાનેશ્વર કેવી જાતની ઉપાસના કરે છે,
કેવું અધ્યયન કરે છે,તેમનો જીવનનિર્વાહ કેવી રીતે ચાલે છે? એ બાબતની તપાસ કરવાનું કહ્યું.

ચાંગદેવ નો શિષ્ય આળંદી માં આવ્યો ત્યારે ચારે ભાઈ બહેનો સત્સંગ કરતાં હતાં.
શિષ્ય ને જોતાં જ જ્ઞાનેશ્વર તેને ઉદ્દેશીને બોલ્યા-કેમ ?ચાંગદેવે કોરો જ કાગળ મોકલ્યો કે શું ?
દર્શન થતાની સાથે જ આ પ્રશ્ન થયેલો જોઈ –તે બ્રાહ્મણ ચકિત થયો,તેણે વંદન કરી ચાંગદેવ નો
કાગળ આપ્યો.મુક્તાબાઈએ કાગળ હાથમાં લઇ –જોઈ બોલ્યાં કે-
“શું આટઆટલાં વર્ષો પઠન પાઠન કર્યા છતાં પણ તે કોરો ને કોરો જ રહ્યો ?”

નિવૃત્તિનાથે ચાંગદેવ નું ચરિત્ર કહી સંભળાવ્યું અને જ્ઞાનેશ્વર ને કહ્યું કે-
સિદ્ધિના આડંબર થી ભરપૂર અને અહંકાર માં ડૂબેલો ચાંગદેવ બ્રહ્મજ્ઞાન ના સંબંધ માં સર્વથા કોરો જ છે,
માટે તેનું અંતર બોધ પામે તેવો સુંદર પત્ર લખો.

ગુરુની (નિવૃત્તિનાથની) આજ્ઞા સાંભળતાં જ જ્ઞાનેશ્વરે ,ચાંગદેવ પર ૬૫ “ઓવી” ઓનો એક પત્ર લખ્યો.
તે પત્ર “ચાંગદેવ પાસષ્ટિ” ના નામથી પ્રસિદ્ધ  છે.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૯


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


જ્ઞાનેશ્વર નો પત્ર લઈને ચાંગદેવનો  શિષ્ય આળંદી થી નીકળ્યો.અને
તાપી નદી ના કિનારે આવી- ચાંગદેવ ને તે પત્ર આપી ને આળંદી ની સર્વ હકીકત થી ચાંગદેવ ને વાકેફ કર્યા.અને જ્ઞાનેશ્વર ના ખૂબ વખાણ કર્યા.

ચાંગદેવે  પત્ર વાંચ્યો,અને પોતે યોગ ના સહારે- હદ ઉપરાંત વર્ષો સુધી દેહ ને ટકાવી રાખ્યો-
તે બદલ તેમને અફસોસ થયો.અને તરત જ આળંદી જવાનો નિર્ણય કર્યો.
શિષ્યો એ અનુરોધ કર્યો કે-મહારાજ તમારો આ સકળ વૈભવ સાથે લઈને જ જાઓ,એક વખત તે
જ્ઞાનેશ્વર આપનો વૈભવ જોશે-તો- તે જ આપના શરણે આવશે.

ચાંગદેવે કહ્યું કે-આ સર્વ વૈભવ તેમણે વિષ તુલ્ય લાગશે,કારણકે તે બ્રહ્મરૂપ થયા છે.
માત્ર તમારામાંથી જેની મરજી હોય તે સાથે આવે.ચાંગદેવ ના આવા કહેવાથી,રાજા થી રંક અને
વાઘ,સિંહ જેવા ક્રૂર પશુઓ સાથે તેમનું શિષ્યગણ તેમના વૈભવ સાથે જ આળંદી જવા તૈયાર થયા.
અને ચાંગદેવ ની સર્વ મંડળી ત્રીજે દિવસે આળંદી ના નજીક આવી પહોંચી.

કેટલાક શિષ્યોએ આગળ જઈ જ્ઞાનેશ્વર ને ચાંગદેવ મહારાજ આવી પહોંચ્યા છે-તેના સમાચાર આપ્યા.
તે વખતે જ્ઞાનેશ્વર ,પોતાના ભાઈ બહેનો સાથે ઓટલા  પર બેઠા હતા, ત્યારે સમાચાર સાંભળી
નિવૃત્તિનાથ બોલ્યા કે-ચાંગદેવ જેવા મહાન પુરુષ આપણને મળવા આવે તો આપણે તેમને લેવાને
સામે જવું જોઈએ.

એટલે જ્ઞાનેશ્વરે તરત જ જે ઓટલા પર બધા બેઠા હતા તે ઓટલા ને ચાલવાની આજ્ઞા કરી.
એટલે ઓટલો સજીવ પ્રાણી ની જેમ ચાલવા માંડ્યો.
ચાંગદેવ સામેથી વાઘ પર સવારી કરીને આવતા હતા.અને આળંદી ના આ બાળસંતો ઓટલા પર બેસી ને જતા હતા. બંને એ યોગ થી સિદ્ધિ મેળવી હતી -
પણ ચાંગદેવ માં અહંકાર હતો જયારે જ્ઞાનેશ્વર માં અહંકાર નું નામ નહોતું.

ચાંગદેવ ને પત્ર માં જ્ઞાનેશ્વરે આત્મબોધ કર્યો હતો.પણ અહંકાર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્મબોધ થતો નથી.અને સમર્થ સદગુરૂ ના ચરણે બેઠા સિવાય અહંકાર દૂર થતો નથી.
ચાંગદેવ કદી પણ કોઈ યોગી થી હાર્યા નહોતા,પણ કોઈ આત્મજ્ઞાની સમર્થ ગુરૂ ને શરણે પણ ગયા નહોતા.
તેમને આવા ગુરૂ ની આવશ્યકતા હતી,અને આવા ગુરૂ ને પાત્ર થયા ત્યારે પરમાત્મા એ તેમને
જ્ઞાનેશ્વર જેવા ગુરૂ પાસે મોકલી આપ્યા.

વાઘ પર બેસી અને હાથ માં સાપ નો ચાબુક કરી પુરા ઠાઠ થી ચાંગદેવ ,જ્ઞાનેશ્વર ની મુલાકાતે જતા હતા ,
પણ જડ ઓટલા પર બેસી ને આવતા જ્ઞાનેશ્વર ને જોઈ તેમનું અભિમાન પીગળી ગયું.
ચાંગદેવ ના અંતર નું રૂપાંતર થયું અને  તે જ્ઞાનેશ્વર ને શરણે ગયા.અને તેમના સંગ માં જ રહેવા લાગ્યા.
જ્ઞાનેશ્વરની નજીક રહેવાથી તેમને ઘણો લાભ થવા માંડ્યો પણ હજુ સુધી તે ગુરુકૃપા ને પાત્ર થયા નહોતા.
તેમનું શિષ્યગણ પણ ત્યાં જ હતું,તે સર્વ લૌકિક વિદ્યા(યોગ) ના અભ્યાસીઓ હતા,તેઓ ને ચાંગદેવ ,
જ્ઞાનેશ્વર પાસે રહે તે ગમતું નહોતું.અને ચાંગદેવને પણ તે શિષ્યો હવે ગમતા નહોતા.

ચાંગદેવ ના મન ની વાત જાણી,જ્ઞાનેશ્વરે તેમના શિષ્યો ને દૂર કરવાની એક યુક્તિ ખોળી કાઢી.

ચાંગદેવ ઘણા વખતથી કહ્યા કરતા હતા કે મને –પાશષ્ટિ –નો અર્થ બરાબર સમજાવો.પણ જ્ઞાનેશ્વર
વાત ટાળતા હતા.એક વખત ચાંગદેવે ઘણો જ આગ્રહ કર્યો,ત્યારે,જ્ઞાનેશ્વરે કહ્યું કે-
“એક જીવ નું બલિદાન આપો તો –તમને અર્થ સમજાવું.”

ચાંગદેવે પોતાના શિષ્યો ને ભેગા કરી કહ્યું કે –મારા માટે જે કોઈ પોતાના દેહ નું બલિદાન આપવા તૈયાર હોય તે મને કાલે સવારમાં આવી ને મળે” આ સાંભળતા જ શિષ્યો માં કોલાહલ થઇ ગયો.
ગુરૂ ને માટે પોતાના દેહ નું બલિદાન આપવા –મફતના લાડુ ખાઈ ને એશોઆરામ કરતા શિષ્યો માં થી
બીજા દિવસે કોઈ પણ રહ્યો નહિ.
“ભેખ ધર્યા માં ત્રણ ગુણ.નહિ વેરો નહિ વેઠ,બાવો બાવો સહુ કરે અને સુખે ભરે પેટ”

બધા લાડુ-ભગત શિષ્યો એ રાતોરાત વિદાઈ લીધી.(નાસી ગયા)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૧૦


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


બીજે દિવસે ચાંગદેવ  નો એક પણ ચેલો ત્યાં બાકી રહ્યો નહિ,તે જોઈ ને ચાંગદેવે જ્ઞાનેશ્વર ને કહ્યું કે-
“હવે તો -હું મારા જ શરીર નો બલિ આપીશ.”
ત્યારે જ્ઞાનેશ્વર કહે છે-મેં તો અન્ય કોઈ માણસ નો બલિ માગ્યો હતો,તારો નહિ,વળી તને ચેલાઓ ની
માયાજાળ માંથી મુક્ત કરવો હતો,અને ચેલાઓ ની કસોટી કરવી હતી.
તારો જીવભાવ (હું શરીર છું-હું પુરુષ છું)જયારે દૂર થશે ત્યારે જ તને પાશષ્ટિ નો અર્થ સમજાશે.
મુક્તાબાઈ તને તેનો અર્થ સમજાવશે,તે જ તારા ગુરૂ થવાને લાયક છે.

એક દિવસ મુક્તાબાઈ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરી રહ્યાં હતા તે વખતે અકસ્માત ચાંગદેવ ત્યાં આવી ચડ્યા.આ દૃશ્ય ચાંગદેવ ની નજરે ચડ્યું,ને તરત જ સંકોચ વૃત્તિ થી ત્યાંથી દૂર જવા લાગ્યા.
આ જોઈ ને મુક્તાબાઈ “આ મુઓ નુગરો (ગુરૂ વિનાનો) છે” એવા શબ્દો બોલ્યાં.

સ્નાન થઇ રહ્યા પછી ચાંગદેવે તેમને પૂછ્યું કે તમે મને નુગરો શાથી કહ્યો?
મુક્તાબાઈએ કહ્યું કે-તારા પર ગુરૂ ની કૃપા થયેલી નથી,તારામાં હજુ “હું પુરુષ છું”અને પુરુષ અને સ્ત્રી નો
ભેદ ભાવ  છે,તારા “હું” નું અભિમાન  હજુ ગયું નથી.
તારા પર ગુરૂ ની કૃપા હોત તો- તારામાં વિકાર આવત નહિ.

ચાંગદેવે આ મહાન સ્ત્રી ની યોગ્યતા થી અત્યંત પ્રભાવિત થયા અને પોતાની સંકોચવૃત્તિ બદલ માફી માગી.
ચાંગદેવ વિચારે છે-આ ચાર ભાઈબહેન કેટલી ઉચ્ચ્તાએ પહોંચ્યા છે અને હું કેટલો નીચી કક્ષામાં છું!!
તેમને ગુરુકૃપાની મહત્ત્તા સમજાઈ.

ત્યાર બાદ જ્ઞાનેશ્વર ના કહેવાથી,મુક્તાબાઈએ ,ચાંગદેવને મહાવાક્ય (તત્વમસિ) નો ઉપદેશ કરીને કૃતાર્થ કર્યો,અને તે પછી પાશષ્ટિ નો અર્થ સમજાવી “સ્વ-આનંદ” ના સામ્રાજ્ય પર બેસાડ્યો.
જે વટવૃક્ષ ની નીચે-ચાંગદેવને બોધ કરવામાં આવ્યો હતો ,તે વટવૃક્ષ ને “વિશ્રાંતિ વટ” કહેવામાં આવે છે.

ચાંગદેવ જેવા મહાન યોગી ને બોધ કરનાર મુક્તાબાઈ ની યોગ્યતા કેટલી બધી હશે તે આના પરથી સમજાય છે.તે વખતે તો તે તરુણી હતી,પણ તે વયમાં તેનો વિષય વૈરાગ્ય,સમચિત્તતા,સ્થિતપ્રજ્ઞતા.અને
અખંડ બ્રહ્મ સ્થિતિ નો પરિચય થાય છે.

જગતના ઉદ્ધાર નું કાર્ય ૨૨ વર્ષસુધી કર્યા પછી,જ્ઞાનેશ્વરે આળંદી માં શકે ૧૨૧૮ કાર્તિક વદ-૧૩ –ગુરુવાર ના મધ્યાહ્ન સમયે,જીવતા સમાધિ લીધી.(૨૫ ઓક્ટોબર.૧૨૯૬).
સમાધિ સમયે તેમની ઉંમર ૨૧ વર્ષ, ૩ માસ અને ૧૫ દિવસની હતી.

સોપાનદેવે, સાસવડ ગામ માં માગસર વદ ૧૩ ના દિવસે દેહ છોડ્યો.
ચાંગદેવે પુણતાંબા ગામમાં માઘ વદ ૧૩-ના દિવસે દેહ છોડ્યો.
મુક્તાબાઈ વિષે અનેક મતો પ્રચલિત છે.કેટલાક કહે છે-કે-ખાનદેશમાં એદલાબાદ માં તેમની સમાધિ છે.
નિવૃત્તિનાથે ત્ર્યંબકેશ્વર માં જેઠ વદ બારશે સમાધિ લીધી.

આ રીતે શકે-૧૨૧૮ ના કાર્તિક થી ૧૨૧૯ ના જેઠ માસ સુધી માં –આઠ માસમાં જ –
આ પાંચે સંતો દેહથી મુક્ત થઇ “સ્વ-રૂપ”સ્થ થયાં.

પુના નજીક આવેલા આળંદી માં જ્ઞાનેશ્વર નું સમાધિસ્થાન છે.

જ્ઞાનેશ્વર ના ચાર ગ્રંથો –પ્રસિદ્ધ છે.જ્ઞાનેશ્વરી ગીતા (ભાવાર્થ દીપિકા).અમૃતાનુભવ.હરિપાઠ ના અભંગ,
અને ચાંગદેવ પાશષ્ટિ.
એ સિવાય તેમના રચેલા સાતસો –આઠસો અભંગો મળી આવ્યા છે.
તેમને યોગવશિષ્ઠ પર ટીકા કરી હતી તેમ –નામદેવ મહારાજે તેમની સમાધિ પહેલાં કહેલું છે,

જ્ઞાનેશ્વરી અને અમૃતાનુભવ ના તો જેટલાં વખાણ થાય તેટલાં ઓછાં છે.
અધિકાર સંપન્ન ને જ તેની આંતરીક રચના પુરી સમજાય છે.
હરિપાઠ ના અભંગ માં છ પ્રકરણો છે.
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન

આં ઉપરાંત રમતગમત સાથે સુબોધ પ્રાપ્ત થાય તે માટે ની “જ્ઞાનપટ અને સોપાનપટ” ની રમત પણ
તેમણે કાઢી હતી.(બનાવી હતી)
.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો 
...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના -28-અભંગ”  છે.

જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” માં 
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................

અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય

જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે
....................................................................................................................................
રજૂઆત-અનિલ શુકલ www.sivohm.com

(સંદર્ભ ગ્રંથ-સસ્તું સાહિત્ય ની –જ્ઞાનેશ્વરી ગીતાની પહેલી આવૃત્તિ-ઈસ્વીસન -૧૯૧૨)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10