Nov 21, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૩

રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચને મૃગના વેશે રામજીની પાસે મોકલવાનું નક્કી કર્યું.તે વિચારે છે કે-“જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગને જોઈને તે તરત જ સમજી જશે અને મૃગની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે.અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-બજન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?” ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવીને.

Nov 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૨

રામજી એ જોઈ લીધું કે-હવે ભીષણ સંગ્રામ થશે.તેથી તેમણે લક્ષ્મણની સાથે સીતાજીને થોડે દૂર આવેલી ગુફામાં મોકલી દીધાં અને પોતે એકલા ચૌદ હજારની સેના સામે સજ્જ થઇને ઉભા.હાકોટા અને પડકારો પાડતું રાક્ષસોનું સૈન્ય આવી પહોંચ્યું.રામચંદ્રને આમ એકલા ઉભેલા જોઈને આકાશમાં યુદ્ધ જોવા આવેલા દેવો ફફડવા માંડ્યા.લડવાવાળો બીતો નથી પણ દેવો બીએ છે.દેવોને વિજય જોઈએ છે પણ એમને લડવું નથી,જોવું છે ને ફૂલો વરસાવવા છે.

Nov 19, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૧

સત્યમાં જોવા જાવ તો શૂર્પણખા વિધવા છે,છતાં કહે છે કે-હું કુંવારી છું.એના 
ધણીને રાવણે જ માર્યો હતો,અને પોતાની બહેનને વિધવા કરી હતી.રાવણને તો 
બહેન શું કે બનેવી શું? એના અહંકારની વચ્ચે જે આવે તેને તે ખતમ કરી નાખતો.
અહંકાર માત્ર સ્વાર્થને જ ઓળખે છે.
રામજી શૂર્પણખાને કહે છે કે-હું તો પરણેલો છું,બાઈ,જો આ રહી મારી પત્ની સીતા.આ સાંભળતાં જ શૂર્પણખા દંત કટકટાવીને ભયંકર અવાજ કરી બોલી-એ સીતા તો મહા વિરૂપ છે,તે તારી સ્ત્રી થવાને યોગ્ય નથી,પણ તું જરા પણ ગભરાતો નહિ,પરણ્યા પછી એને હું ખાઈ જઈશ.

Nov 18, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૦

ગોદાવરીમાં સ્નાન કરીને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,
ત્યારે એક રાક્ષસીની નજર તેમના પર પડી,તે રાક્ષસીનું નામ હતું શૂર્પણખા.
શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે.લંકાના રાજા રાવણની એ બહેન હતી.
દંડકારણ્યમાં રાવણના લશ્કરની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા.

Nov 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૯

માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાકને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાકને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ)ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પરબ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલીનાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલીને વધારે બગાડવાનો તરીકો છે.કેટલાક તો આખો વખત ભોજનમાં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાંનું શાક બનાવશું? કે પછી વિચારે કે- હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજનો યે વિચાર સવારથી કરી નાખે)