Feb 6, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-72



આ પ્રમાણે,જયારે -એક-પણું,બે-પણું,દૃશ્ય-પણું,અને દ્રષ્ટા-પણું--એ ચાર નો યે અભાવ થશે-
ત્યારે એક-પરમાર્થ વસ્તુ (સત્ય-બ્રહ્મ) જ બાકી રહે છે.

વશિષ્ઠ કહે છે કે-તમારા મન-રૂપી દર્પણ માં અહંપણા -વગેરે દૃશ્ય-જગત-રૂપ જે મેલ છે,તેનો,
અત્યંત અભાવ સમજાવીને તે મેલ ને હું લુછી નાખીશ.
જે પદાર્થ પોતાની સત્તા વિનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાર્થ પોતાની સત્તાવાળો હોય ,
તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સત્તા વિનાનું હોવાથી તે ભાવ વિનાનું જ છે,
તેથી તેને ટાળી દેવામાં તે શી મહેનત પડવાની?

જગત મૂળે ઉતપન્ન થયું જ નથી,છતાં તેની આ જે વિશાળતા દેખાય છે તે નિર્મળ પરમાત્મા માં જ દેખાય છે,
અને પરમાત્મા ની સત્તા થી તે સત્તા વાળું છે.
જેમ,સુવર્ણ નો હાર વગેરે આભુષણ -સુવર્ણથી જુદાં ઉત્પન્ન થયાં નથી,સુવર્ણ થી જુદાં નથી,
અને સુવર્ણ થી જુદાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ,
બ્રહ્મ થી જુદું ઉત્પન્ન થયું નથી,બ્રહ્મ થી જુદું નથી અને બ્રહ્મ થી જુદું જોવામાં આવતું નથી.
એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની?

આ વિષય હું તમને ઘણી ઘણી યુક્તિઓ થી કહીશ -એટલે અબાધિત એવું શુદ્ધ "તત્વ" (બ્રહ્મ-સત્ય)
પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે.

જેમ,રણ માં નદી જ ના હોય તો જળ કેવી રીતે હોય?
તેમ જગત મૂળ માં ઉત્પન્ન થયું જ ના હોય તો -તેનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય?
જેમ વાંઝણી નો પુત્ર હોતો નથી,ને જેમ આકાશમાં વૃક્ષ હોતું નથી,તેમ ભ્રાંતિ-રૂપ જગત મૂળમાં છે જ નહિ.

હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંડિત "બ્રહ્મ" જ છે.અને આ વિષય ને હું આગળ જતાં કેવળ વચનો થી જ નહિ પણ યુક્તિ થી કહીશ.હે,રામ,વિદ્વાન લોકો આ વિષયમાં યુક્તિઓથી જે કહે છે,તેનો અનાદર કરવો યોગ્ય નથી,જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય,યુક્તિઓથી ભરેલા આ વિષય નો અનાદર કરીને,
મહા-દુઃખ-દાયી -(ઉલ્ટી વાતનો) આગ્રહ લઇ બેસે છે,તેને વિદ્વાન લોકો મૂર્ખ જ સમજે છે.

(૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે.

રામ બોલ્યા-જે કાંઇ આ દેખાય છે તે સઘળું બ્રહ્મ-રૂપ જ છે-એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે?
અને તે કેવી રીતે સિદ્ધ થાય? અને તે  વાતને ન્યાય થી અનુભવવામાં આવે તો પછી,
બીજું કશું જાણવાનું બાકી રહે નહિ.

વશિષ્ઠ બોલ્યા-ઘણા કાળ થી જામેલી અને અવિચાર થી થયેલી, "જગત" નામની વિશુચિકા (કોલેરા)
જ્ઞાન વિના શાંત થતી નથી.હે,રામ,હું તમને સદ-બોધ થવા માટે,આ જે આખ્યાયિકાઓ (કથાઓ)
કહેવા ધરું છું તે તમે સાંભળો,તેથી તમે ઉત્તમ બુદ્ધિમાન થઇ ને તરત જ  મુક્તિને પામશો.
પણ તમે જો અકળાઈ જશો ને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો -
તો તમે પશુ સમાન થશો અનેતમારું કશું કાર્ય સિદ્ધ થશે નહિ.

મનુષ્ય જો થાકી જઈને પાછો ના ફરે -તો તે જે વસ્તુ માગે છે તથા જે વસ્તુ માટે યત્ન કરે છે-તે વસ્તુ અવશ્ય
મેળવે છે.હે,રામ, જો તમે મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સમાગમમાં તત્પર રહેશો,તો,
થોડા મહિનાઓમાં નહિ પણ થોડા દિવસોમાં જ તમે પરમ-પદ ને પ્રાપ્ત થશો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 5, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-71



જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય,જેમાં,"વાંઝણી ના પુત્ર" જેવું (મિથ્યા) આ જગત રહ્યું છે, અને,
જે પોતાનામાં અનંત  બ્રહ્માંડો હોવાં છતાં પણ તેમનાથી રહિત છે- તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.

જે મહા-જ્ઞાનમય છતાં પણ મોટા પાષાણ (પથ્થર) ની શિલા ની પેઠે રહેલું છે,અને
જેમાં જડ અને ચેતન રૂપ સઘળા જગતનો સમાવેશ થાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.

બહારના અને અંદરના સર્વ વિષયો સહિત આ જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જેમ,દેખાવ એ પ્રકાશ થી જુદો પડતો નથી,અને આકાશ થી શૂન્ય-પણું જુદું પડતું નથી-
તેમ, આ જગત કલ્પિત હોવાને લીધે, જેના સ્વ-રૂપ થી જુદું પડતું નથી તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.

રામ બોલ્યા-જે પરમાત્મા જોવામાં આવતા નથી,તે જ એક સત્ય છે એમ કેમ જાણી શકાય? ને-
આવડું બધું પ્રત્યક્ષ (નજર સામે) દેખાતું જગત સઘળું મિથ્યા (ખોટું) છે-એ શી રીતે મન માં ઉતરે? (૩-૭)

વશિષ્ઠ બોલ્યા-આ જગત-રૂપી "ભ્રમ" -જેમ આકાશમાં લીલા-કાળા રંગ (ભ્રમને લીધે) જોવામાં આવે છે-
તેમ-ઉત્પન્ન થયો છે.જો તેના અત્યંત "અભાવ" નું જ્ઞાન -દૃઢ રીતે થાય -તો જ -તેનું-
અધિષ્ઠાન (આધાર) "બ્રહ્મ" સ્પષ્ટ જાણવામાં આવે છે-બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી.

દૃશ્ય (જગત) ના અત્યંત "અભાવ" ને દૃઢ કર્યા વિના બ્રહ્મ ને જાણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી.
જેવી સ્થિતિ છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગત નો અત્યંત અભાવ સમજાય તો -
તેના અધિષ્ઠાન-રૂપ (આધાર-રૂપ) પરમાત્મા બાકી રહે છે,
જે આ વસ્તુ "જ્ઞાનથી" સમજે છે તે-પોતે જ "પરમાત્મા-રૂપ" થાય છે.

જ્યાં સુધી દર્પણ ની આજુબાજુ કોઈ પદાર્થ હોય -ત્યાં સુધી દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી,
તે જ પ્રમાણે,જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે,ત્યાં સુધી બુદ્ધિમાં તે જગતનું  પ્રતિબિંબ  પડ્યા
વિના રહેતું જ નથી.
આથી જગતનો અત્યંત અભાવ કરવાથી,બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી, અને આમ થાય છે ત્યારે જ,
બુદ્ધિમાં (જગત-દૃશ્ય ને બદલે) બ્રહ્મ (દ્રષ્ટા) નું  (સાચું) પ્રતિબિંબ પડે છે.
આમ,આ "જગત" નામનો "દૃશ્ય" પદાર્થ "મિથ્યા" જ છે-
એમ નિશ્ચય કર્યા વિના કોઈ પણ મનુષ્ય "પરમ-તત્વ" (પરમાત્મા-દ્રષ્ટા) ને સમજી શકે નહિ.

રામ બોલ્યા-હે,મુનિ.આટલું બધું મોટું બ્રહ્માંડ-રૂપ જે "દૃશ્ય" છે -તેમાં પોતાની સત્તા નથી પણ બ્રહ્મ ની જ
સત્તા છે -એમ આપે કહ્યું,પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મેરુ-પર્વત નો સમાવેશ -એ-
અસંભવિત છે,તેમ અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મમાં આવડા મોટા બ્રહ્માંડ નો સમાવેશ થાય એ અસંભવિત લાગે છે.

વશિષ્ઠ બોલ્યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા વિના,મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર
રહીને થોડાક દિવસ સાંભળ્યા કરશો તો જેમ ખરું જ્ઞાન થતા,ઝાંઝવાનું પાણી દેખાતું બંધ પડે છે, તેમ
તમારી બુદ્ધિમાંથી -હું ક્ષણ-માત્ર માં દૃશ્ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ)

દૃશ્ય-રૂપ આ જગત,દૃષ્ટિમાંથી નાશ પામે છે -ત્યારે દ્રષ્ટા-પણું પણ શાંત પડે છે.અને કેવળ જ્ઞાન બાકી રહે છે.
જો દૃશ્ય (જગત) છે તો જ દ્રષ્ટા (પરમાત્મા) છે,અને જો દ્રષ્ટા (પરમાત્મા) છે તો જ દૃશ્ય (જગત) છે.
તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે.

આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની સિદ્ધિ થતી નથી (બંને અસિદ્ધ થાય છે)



   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-70



વશિષ્ઠ બોલ્યા-હે,રામ,તમે "જીવ" ને ચૈતન્ય-રૂપ સમજી ને "જગત" ને તે -ચૈતન્ય-રૂપ સમજ્યા છો.
આથી હજી સંસારનો નાશ થાય એવી સાચી વાત કંઈ સમજ્યા જ નથી.
આ સંસાર-રૂપ "જીવ" તો પશુ (પ્રાણી) કહેવાય છે -તો શું તે -જીવ ચૈતન્ય-માત્ર "દેવ" હોઈ શકે ખરો?

એ "જીવ" તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ -આદિ અનેક ભયને ભોગવે છે. એ જીવ નિરાકાર હોવા
છતાં,અજ્ઞાન ને લીધે દુઃખ ના પાત્ર-રૂપ જ છે.તો તેને ચૈતન્ય-માત્ર દેવ કેમ કહેવાય?

"જીવ" પોતે ચેતન-શક્તિવાળો હોવાથી અનર્થ-રૂપ મન ને જાગ્રત કરે છે,અને મન-રૂપ થઈને રહે છે,
આથી તે દુઃખના પાત્ર-રૂપ જ છે.
વિષયો થી રહિત-પણું  એટલે કે વિષયો થી દૂર રહેવા-પણું એ એ "જીવ" ની સંપૂર્ણ "સ્થિતિ" છે.
અને તેને જાણવાથી મનુષ્ય ને શોક કરવો પડતો નથી,પણ તે "કૃતાર્થ-પણું" પ્રાપ્ત કરે છે.

જયારે સઘળાં "કારણો" ના "કારણ" એવા પરમ-સ્વ-રૂપ નો અનુભવ થાય છે-
ત્યારે જડતા તથા ચૈતન્ય ના અધ્યાસ રૂપ ગાંઠ છૂટી જાય છે.સઘળા સંશયો છેડાઈ જાય છે, અને
સઘળાં કર્મો નો ક્ષય થઇ જાય છે.

જીવ જે "વિષયો" તરફ ખેંચાય છે-તે "વિષયો" નો અભાવ કર્યા વિના તેને રોકી શકાય તેમ નથી. અને-
પ્રત્યક્ષ દેખાતા વિષયોનો અભાવ "જ્ઞાન" વિના થઇ શકે એમ નથી જ.
તો પછી જ્ઞાન થયા વિના મોક્ષ પણ ક્યાંથી થાય?

સમાધિ પણ "દૃશ્ય" (જગત) એવા વિષયો નો બાધ કરવાથી થાય છે તો-\
મોક્ષમાં "દૃશ્ય" વિષયો નો બાધ કરવાની આવશ્યકતા હોય તેમાં તો કહેવું જ શું?

રામ બોલ્યા-હે,બ્રહ્મન,નિરાકાર છતાં,પશુ જેવા અજ્ઞાની,જે જીવ ને જાણવાથી સંસાર ટળતો નથી -
તે જીવ ક્યાં રહે છે અને કેવો છે? વળી,સંસાર-રૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા -કે જે-
મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગ થી જાણવામાં આવે છે-તે ક્યાં છે અને કેવા છે તે તમે મને કહો.

વશિષ્ઠ બોલ્યા-ચેતન રૂપ-વાળા અને જન્મ-મરણ વગેરે જંગલમાં ભટકતા આ જીવ ને (શરીરને)
જે "આત્મા" માને છે,તેઓ પંડિત છતાં મૂર્ખ છે.
જીવ (શરીર) ચેતન છતાં પણ સંસાર-રૂપ છે.અને દુઃખ ના સમૂહ-રૂપ જ છે. માટે એ (શરીર) ને જાણવાથી,
કોઈ પણ "તત્વ" જાણવામાં આવ્યું હોય તેમ સમજવું જ નહિ.
પણ,હે,રામ,જો પરમાત્મા ને જાણવામાં આવે તો,સઘળાં દુઃખો નો સમૂહ શાંત થઇ જાય છે.

રામ બોલ્યા-મને પરમાત્મા નું ખરું સ્વરૂપ કહો કે જે જાણવાથી મારું મન સર્વ મોહ ને તરી જાય.

વશિષ્ઠ બોલ્યા-આપણું જ્ઞાન જગતના એક પ્રદેશમાંથી પલકવારમાં (જગતના) બીજા પ્રદેશમાં પહોંચે છે.
તે વખતે -તે (જગતના) બંને પ્રદેશના સંબધ થી રહિત એવું જે નિર્વિષય સ્વ-રૂપ પ્રતીત થાય છે તે -
પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જે "જ્ઞાન-રૂપી" મહાસાગરમાં સંસાર (દૃશ્ય) નાશ-વગેરે કોઈ "વિકારો" ને પ્રાપ્ત થયા વિના,
પણ અત્યંત "અભાવ" પામે છે તે પરમાત્માનું સ્વ-રૂપ છે.
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) નો ક્રમ -એમ ને એમ રહે છતાં (તે ક્રમ) અસ્ત પામી જાય,

અને ભરપૂર (ભરેલું) છતાં પણ કલ્પનાઓ ને અવકાશવાળું(ખાલી) લાગે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 3, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-69



રામ બોલ્યા-એ પરમાત્માના સ્વરૂપ ને કેવળ જાણવામાં આવે તો જીવને મરણ-આદિ દોષો કદી પણ બાધ કરતાં નથી,એમ આપ કહી ગયા,પણ એ દેવાધિદેવ તો દૂર છે તેમની પ્રાપ્તિ કેવી રીતે થાય?
કોઈ તપ કરવાથી અથવા કોઈ કષ્ટ ભોગવવાથી તેમની પ્રાપ્તિ થતી હોય તો તે મને કહો.

વશિષ્ઠ બોલ્યા- હે,રામ,પોતાના પુરુષ-પ્રયત્ન થી પ્રફુલ્લિત થયેલા "વિવેક" વડે જ એ દેવાધિદેવ જાણવામાં
આવે છે.તપથી કે તીર્થ સ્થાનથી-કે એવાકોઈ બીજા કર્મો થી તે જાણવામાં આવતા નથી.
રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-મદ અને મત્સર છોડ્યા વિના જે તપ કે દાન કરવામાં આવે છે,તે એક જાતનો કલેશ જ છે.એનાથી કંઈવળે તેમ નથી. કોઈને ઠગી લઈને મેળવવામાં  આવેલા ધન નું દાન કરવામાં આવે તો-
તે ધન જેનું હોય તેને એ દાન નું ફળ મળે છે.
ચિત્ત રાગ-દ્વેષ -વગેરે થી બગડેલું હોય અને ત્યારે જે વ્રત-તપ વગેરે કરવામાં આવે તે  એક જાતનો ઢોંગ  જ છે,એમાંથી લેશમાત્ર પણ ફળ મળતું નથી.

માટે ઉત્તમ શાસ્ત્રો નો અને મહાત્માઓનો -સંગ -એ બે જ મુખ્ય ઔષધ છે,તેમનું સંપાદન કરવું .
એ ઔષધો થી સંસાર-રૂપ રોગ નો નાશ થાય છે.
સઘળાં દુઃખો નો ક્ષય કરીને પરમપદ ની પ્રાપ્તિ મેળવવામાં એક-પુરુષાર્થ-સિવાય બીજો કોઈ ઉપાય નથી.

હવે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ ઉપયોગી થાય છે તે સાંભળો.
લોકથી અને શાસ્ત્ર થી વિરુદ્ધ હોય નહિ એવી શક્ય આજીવિકા થી મનમાં સંતોષ રાખવો, અને
ભોગો ભોગવવાની વૃત્તિ નો ત્યાગ કરવો.શક્તિ પ્રમાણે યોગ્ય રીતે આજીવિકા માટે ઉદ્યોગ કરવો.
"કેમ થશે?" એવી કંઈ પણ ચિંતા રાખવી નહી -અને મહાત્માઓ તથા ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર રહેવું.
આવો પુરુષ મુક્તિ ને પામે છે.

જેણે વિચારથી આત્મ-તત્વ ને જાણ્યું છે-તે મહા-બુદ્ધિ-વાળા પુરુષ ને -
આ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઇન્દ્ર-વગેરે સર્વ કંગાળ લાગે છે.

દેશમાં પણ ખરા સજ્જન જેને "સાધુ" કહેતા હોય તેને જ "સાધુ" સમજી ને એવા સાધુ નો આશ્રય કરવો.
"બ્રહ્મ-વિદ્યા" એ સઘળી વિદ્યામાં મુખ્ય છે અને તેનું વર્ણન જે શાસ્ત્ર માં આવતું હોય તે  ઉત્તમ શાસ્ત્ર  કહેવાય.
એવા,શાસ્ત્ર નો વિચાર કરવાથી મુક્તિ મળે છે.

જેમ "નિર્મળી" (એક જાત ની વનસ્પતિ) ના રજ ના સંબંધ થી જળ ની મલિનતા મટે છે, અને
જેમ,યોગ ના અભ્યાસ થી યોગીઓ ની બુદ્ધિ બહાર ભટકતી અટકે છે,
તેમ,શાસ્ત્રના અને સાધુઓના સંગથી વિવેક પ્રાપ્ત થાય છે અને એ વિવેકના બળથી અવિદ્યા નાશ પામે છે.

(૭) જગતના મૂળ-રૂપ પરમાત્મા નું નિરુપાધિક તત્વ

રામ બોલ્યા-હે,બ્રહ્મન,તમે કહી ગયા કે "એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે"
તો એ દેવ ક્યાં રહે છે? અને મને તે દેવ ની પ્રાપ્તિ કેવી રીતે થાય?  તે મને કહો.

વશિષ્ઠ બોલ્યા-મેં જે દેવ વિષે કહ્યું તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે.
"તે ચૈતન્ય -માત્ર છે." એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
સઘળું જગત એ દેવ-મય છે પણ એ દેવ સઘળા જગતમય નથી. એ દેવ  સર્વમાં વ્યાપક છે,અને એક જ છે.
એમનામાં જગતનો લેશ પણ નથી.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અને સૂર્ય[-એ સર્વ પણ ચૈતન્ય માત્ર છે.

રામ બોલ્યા-બાળકો પણ કહે છે કે-સર્વ ચૈતન્ય-માત્ર છે,અને તમે પણ તેમ જ કહો છો ,
ત્યારે આ વાતમાં ઉપદેશ-પણું શું આવ્યું?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-68



દીવાની પેઠે -એ પોતે જ પોતાને તથા પદાર્થ ને પ્રકાશિત કરે છે.સકળ બ્રહ્માંડમાં -સઘળે -અણુએઅણુમાં,
તે વ્યાપેલા છે,અને ઇન્દ્રિયો,પ્રાણ-વગેરેને એ જ પોતાના ચૈતન્ય થી  વ્યાપ્ત કરી દે છે.
ઝાંઝવાનાં જળ જેમ ક્ષણમાં ઉગે છે અને આથમે છે,તેમ અત્યંત વિસ્તરાયેલા  એ પરમાત્મા માં ,
બ્રહ્માંડ રૂપી મોજાંઓ ક્ષણ માં ઉઠે છે અને લય પામે છે.
એ પરમાત્મા પ્રપંચ-રૂપે નાશવાન છે,પણ વાસ્તવિક રૂપે અવિનાશી છે.

તે સર્વ પદાર્થ ની અંદર રહેલા છે,અને પોતાના  અત્યંત સૂક્ષ્મપણા ને લીધે "ગુપ્ત" છે,
પણ તે સર્વ  પદાર્થ ના નાશથી તે નાશ પામતા નથી.
શુદ્ધ "ચૈતન્ય" માં ઉત્પન્ન થયેલી "પ્રકૃતિ-રૂપ" લતા (વેલ) -એનાજ રૂપાંતર-રૂપ ઈશ્વર-રૂપી વાયુ થી
નાચ્યા કરે છે. (આ પ્રકૃતિ-રૂપ લતા ના બ્રહ્માંડ-રૂપી ફળ,ચિત્ત-રૂપી મૂળ અને ઇન્દ્રિયો-રૂપી પાંદડાં છે)
પ્રત્યેક દેહ-રૂપી દાબડાઓમાં "ચૈતન્યા-રૂપ મણિ" રૂપે તે જ પ્રકાશે છે.

જેમ ચંદ્રમાં કિરણો સ્ફૂરે છે-તેમ એ પરમાત્મા-રૂપ માં જ જગતના સમુહો સ્ફૂરે છે.
એ પરમાત્મા-રૂપી શાંત મેઘ-જયારે -ચૈતન્ય-રૂપી જળ ને વરસાવતો જયારે પ્રકાશે છે ત્યારે-
તેમાં "જડ-પદાર્થો" એ ધારાઓ ના "જળ-રૂપ" છે,અને "ચેતન-પદાર્થો" એ "વીજળી-રૂપ" છે.
સઘળી વસ્તુઓ તેમના (પરમાત્મા) ના પ્રકાશ થી જ પરસ્પર મળીને -વિચિત્ર "કાર્યો" ઉત્પન્ન કરે છે.

આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે,છતાં પણ એમની (પરમાત્માની) સત્તાથી જ તે સત્તાવાન જણાય છે.
શાંત રીતે સ્વ-રૂપ માં જ રહેલા એ પરમાત્મા "અસંગ" છે,એ કશું ઇચ્છતા નથી.
તો પણ  એમની  સમીપમાં આ અત્યંત જડ શરીર ચાલ્યા કરે છે.
વાસ્તવિક સત્તા-વાળા -એ પરમાત્મા થીજ -નિયમ,દેશ,કાળ,ચલન,સ્પંદન અને ક્રિયા -
એ સર્વ ને સત્તા મળેલી છે.

એ પરમાત્મા શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ અને અધિષ્ઠાન-સ્વરૂપ છે,તેથી,આપણે તેમને આકાશ-રૂપ ધારીએ તો તે
આકાશ-રૂપ થાય છે,અને જો બીજા પદાર્થો-રૂપ ધારીએ તો એ બીજા પદાર્થો રૂપ થાય છે.
એ પરમાત્મા મોટા મોટા બ્રહ્માંડો ના અનંત સમૂહ ને ઉત્પન્ન કરે છે -તો  પણ તે કોઈ ક્રિયાઓ કરતા નથી.
તે તો અખંડ-જ્ઞાન-મય અને નિર્વિકાર છે.અને ઉત્પત્તિ,સ્થિતિ -વગેરે થી રહિત -એવા-
પોતાના સ્વ-રૂપમાં તે એકલા જ રહેલા છે.

(૬) જ્ઞાન થી આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ તથા જ્ઞાન નાં સાધનો નો ક્રમ

વશિષ્ઠ બોલ્યા-સર્વોત્તમ અને ઇન્દ્રિયો ને પણ પ્રકાશ આપનારા -એ પરમાત્મા નો લાભ તેમના સ્વ-રૂપ ને જાણવાથી જ થાય છે.ક્રિયાઓ કરવાથી કે અનેક દુઃખ વેઠવા થી તેમની પ્રાપ્તિ થતી નથી.

જેમ, ઝાંઝવાં નાં પાણી-રૂપ ભ્રાંતિ ને ટાળવા માં કોઈ ક્રિયાઓ નો ઉપયોગ થતો નથી-
માત્ર તેના "અધિષ્ઠાન ને જાણવાનો" જ ઉપયોગ છે,
તેમ, આ જગત-રૂપી ભ્રાંતિ ને ટાળવામાં પણ કોઈ ક્રિયાઓ નો ઉપયોગ નથી.
માત્ર તેના અધિષ્ઠાન-રૂપી પરમાત્મા ને જ જાણવાનો ઉપયોગ છે.

સ્વ-રૂપ-આનંદ ના "પ્રકાશ-રૂપ" એ પરમાત્મા દૂર નથી,તેમ પાસે પણ નથી,
તે અલભ્ય સ્થળમાં નથી કે વિષમ સ્થળમાં પણ નથી. તેમની પ્રાપ્તિ આપણા દેહમાંથી જ થાય છે.
પરમાત્મા ને જાણવામાં તપ,દાન,વ્રત-વગેરે કોઈ પણ કામ આવે તેમ નથી.
કારણકે સ્વ-રૂપ-માત્ર માં વિશ્રાંતિ વિના તેને જાણવાનું બીજું કોઈ સાધન નથી.

એ સ્વ-રૂપ-માત્રમાં વિશ્રાંતિ ઉત્તમ શાસ્ત્રો માં તત્પર રહેવાથી અને સત્પુરુષોના સમાગમ માં રહેવાથી મળે છે.
મોહ-જાળ-રૂપ અજ્ઞાન ને દૂર કરવામાં કોઈ જ બીજી ક્રિયા નહિ પણ માત્ર જ્ઞાન જ કામ આવે છે,
માટે આ જ્ઞાનનું સંપાદન કરવું જોઈએ.
"એ પરમાત્મા-આ છે" એમ સારી રીતે જાણવા માત્ર થી જીવ ને દુઃખ રહેતું નથી.અને જીવન-મુક્તિ મળે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 1, 2015

Sankhya-Darshan-Gujarati-સાંખ્ય-દર્શન-ગુજરાતી-PDF

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-67



રામ બોલ્યા-હે,પ્રભો,આ તો,વાંઝણી નો પુત્ર પર્વતો નો ભૂકો કરી  નાખે,સસલાનું શિંગડું નાદ કરવા લાગે,
શિલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે,પથ્થરની પૂતળી ભણવા લાગે,અને
ચિત્રમાં આલેખેલાં વાદળ ગર્જના કેવાં લાગે-તેવી  વાત છે. (આ બધું જેમ અશક્ય છે-તેમ તે અશક્ય છે)
જરા (વૃદ્ધાવસ્થા),મરણ તથા દુઃખો આદિ થી ભરપૂર અને પર્વતો-વગેરે આ જે પ્રત્યક્ષ જગત છે જ નહિ-
એવું આપ મારી આગળ કેવી રીતે કહો છો?
હે,બ્રહ્મન.આ જગત નથી(જગત મિથ્યા છે) જે રીતે તે ઉત્પન્ન થયું નથી,અને જે રીતે તે છે જ નહિ,
તે સઘળી રીતિઓ મને કહો એટલે મને એ વિષયો નો નિશ્ચય થાય.

વશિષ્ઠ બોલ્યા-હે, રાઘવ, મારું બોલવું કંઈ અસંબંધ (અયોગ્ય કે ખોટું) નથી,પણ યથાર્થ જ છે.
આ જગત ખરી રીતે સૃષ્ટિ ના આરંભ માં થયું નથી,અને વર્તમાન-કાળ માં પણ તેનો અભાવ જ છે.
જેમ મન ને લીધે,સ્વપ્ન-વગેરેમાં નગર જોવામાં આવે છે,તેમ મન ને લીધે જ આ જગત જોવામાં આવે છે.
જો,મિથ્યા-સ્વ-રૂપ-વાળું મન સૃષ્ટિ ના આરંભ માં ઉત્પન્ન થયું જ નથી,તો જગત કેવી રીતે ઉત્પન્ન થાય?
આ વાત તમારા અનુભવ માં આવે તે રીતે હું કહું છું તે તમે સાંભળો.

મન મિથ્યા છે,છતાં તે ખરા જેવું જણાય છે. જેમ એક સ્વપ્ન બીજા સ્વપ્ન ને ઉત્પન્ન કરે,તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મન પોતાની મેળે જ-સ્થૂળ દેહની કલ્પના કરે છે.
અને લાંબા કાળની ભાવના થી વૃદ્ધિ પામેલા એ "સંકલ્પ" થી જ-આ ઇન્દ્રજાળ ઉભી થઇ છે.
એકલું મન પોતે ચંચળ શક્તિ-વાળું છે,તેથી તે ચાલે છે,ફરક્યા કરે છે,માગે છે,ભમે છે,કૂદકા માર્યા કરે છે,
ચાલ્યા કરે છે.ડૂબે છે,સંહારે છે,સંસારી-પણું ભોગવે છે અને મોક્ષ-રૂપી ઉત્કર્ષ પણ પામે છે.

(૫) જગત તથા મન નું મૂળ તત્વ-

રામ બોલ્યા-હે,ભગવન,આ મન-રૂપી ભ્રાંતિમાં મૂળ કારણ શું છે? અને આ મન કેવી રીતે અને શાથી ઉત્પન્ન થયું છે? પ્રથમ તો મને મન ની ઉત્પતિના કારણ  વિશે સંક્ષેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો.

વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મ-રૂપ  થઇ જવાથી -અશક્ત થઇ ગયું હતું.અને
સઘળાં દ્રશ્યો (સૃષ્ટિ) નો આરંભ થયો નહોતો,ત્યારે-
વિક્ષેપ-રહિત,અસ્ત-રહિત,પ્રકાશમાન,અજન્મા,ઉપદ્રવ-રહિત,અને સર્વદા સઘળું કરવાની શક્તિવાળા,
સર્વ-રૂપ અને મહેશ્વર -એવા એક શાંત "પરમાત્મા" જ અવશેષ (બાકી) રહ્યા હતા.

તેમના સ્વ-રૂપ ને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી.અને ત્યાંથી પાછી વળે છે.મુક્ત-લોકો તેમનો પ્રત્યક્ષ  અનુભવ
કરે છે.તેમનાં "આત્મા" -વગેરે નામો એ સ્વાભાવિક નથી પણ "આરોપિત-ધર્મો" થી કલ્પી કાઢેલાં છે.

સાંખ્ય-શાસ્ત્રીઓ તેમને "પુરુષ" કહે છે,વેદાંત-શાસ્ત્રીઓ તેમને અત્યંત નિર્મળ "બ્રહ્મ" કહે છે,
વિજ્ઞાન-વાદીઓ તેમને ક્ષણિક "વિજ્ઞાન-રૂપ" કહે છે,તો શૂન્ય વાદીઓ  તેમને "શૂન્ય" કહે છે.

અને આવા તે સૂર્ય ના તેજ ને પણ પ્રકાશ આપનારા છે.વળી તે સર્વના "પ્રત્યગાત્મા-રૂપે" સર્વદા બોલનાર,
વિચાર કરનાર,કર્મ ના ફળોને ભોગવનાર,કર્મો ના જોનાર -કર્મોના કરનાર છે.
એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકો ની દૃષ્ટિ થી અવિદ્યમાન છે.
દેહમાં રહેલા હોવા છતાં તે દેહથી દૂર છે.
જેમ સૂર્યથી પ્રકાશ થાય છે,તેમ એમનાથી આ પ્રપંચ થાય છે.
જેમ,સૂર્ય થી કિરણો થાય છે તેમ, વિષ્ણુ -વગેરે દેવતાઓ એમના (પરમાત્મા) થી થાય છે.
જેમ,સમુદ્રમાંથી પરપોટા થાય છે તેમ એમનામાંથી અનંત બ્રહ્માંડો થાય છે.
જેમ,સઘળાં પાણી સમુદ્રમાં લય પામે છે,તેમ સઘળા દૃશ્ય પદાર્થો એમનામાં લય પામે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE