Feb 26, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-92


પોતાના જ્ઞાનથી -"દૃશ્ય-પદાર્થો" નો અસ્ત થતાં પણ એ ચૈતન્ય -"પ્રકાશિત-રૂપે" રહે છે,
અને અજ્ઞાન-કાળમાં સ્થાવર-વગેરે જડ-પદાર્થો માં જડતા ને લીધે એ "અપ્રકાશિત-રૂપે" રહે છે.

અવિચાર-કાળ માં (અજ્ઞાનથી) "પ્રાણ-વગેરે" ની "કલ્પના" ને લીધે-એ ચૈતન્ય "સંસારી" થાય છે.અને
વિચાર-કાળમાં (જ્ઞાનથી) એ પોતાના "સ્વ-ભાવ" માં જ રહે છે.

જે ચૈતન્ય ની સત્તા છે -તે જ જગતની સત્તા છે,અને જે જગતની સત્તા છે તે જ ચૈતન્ય નું શરીર છે,
જેમ આકાશમાં નીલતા પ્રતીત થવા છતાં પણ વાસ્તવિક રીતે તે હોતી નથી,
તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ પ્રતીત થતું હોવાં છતાં પણ  તે વાસ્તવિક રીતે નથી.
આ પ્રમાણે જગત એ પોતાની સત્તાથી  અસત્ છે,પણ અધિષ્ઠાન ની સત્તા થી સત્ છે.
કલ્પિત પદાર્થ ની સત્તા અને અસત્તા -એ અધિષ્ઠાન થી જુદી હોય જ નહિ,
માટે જગત ની સત્તા અને અસત્તા એ બ્રહ્મ થી જુદી નથી.

વિદ્વાનો ના અનુભવ નું ખંડન કરવા માટે-જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના
પરમાત્મા ની એકતા કેવી રીતે હોઈ શકે?" એવી કલ્પનાઓ કરે છે-તેમણે ધિક્કાર છે.
જે ચૈતન્યમાં -અખંડિતતા પણા ને લીધે પર્વતો,સમુદ્રો,પૃથ્વી,નદીઓ,અને દેવતાઓ સહિત-
આ સઘળું જગત જ નથી,તો તેમાં સસલા ના શિંગડા જેવા (જગત માટે)
અવયવ અને અવયવની કલ્પનાઓ-ને અવકાશ જ ક્યાંથી મળી શકે?

જેમ સ્ફટિક-મણિ-એ પોતાની અંદર બીજા કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં,
પોતાનામાં આખા નગરના પ્રતિબિંબ ને ધારણ કરે છે,
તેમ,નિર્મળ બ્રહ્મ અત્યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્  બ્રહ્માંડને ધરે છે.

જયારે કાર્ય-રૂપે ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ આકાશને પણ વાયુ-વગેરેનો સંગ નથી,
ત્યારે,સર્વ પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ,  ચિદાકાશને-
જગતની સત્તા-અસત્તા-તુંપણું-હુંપણું -વગેરે સાથે સંબંધ કેમ જ હોઈ શકે?

જેમ,પાંદડા ની -પોતાની અંદરની નસોનો સમૂહ પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે,
તેમ છતાં તે પાંદડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે,
તેમ,જગત પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે,
છતાં બ્રહ્મ તેને પોતાની અંદર  સ્વાભાવિક જ ધારણ કરીને રહેલ છે.

જેમ,જગતનું ઉપાદાન-કારણ (બ્રહ્મ) નિર્વિકાર હોવાથી,જગત-રૂપ વિકાર મિથ્યા છે,
તેમ,ચિત્તો ની સમષ્ટિ-રૂપ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જગત-રૂપ વિકાર મિથ્યા છે.
જો કોઈ એમ કહે કે-"જગત મિથ્યા હોય તો-ચૈતન્ય પણ મિથ્યા હોવું જોઈએ."
તો આવી વાત કરવાથી ચૈતન્ય નું મિથ્યા-પણું સિદ્ધ થઇ શકે નહિ.
કારણ કે ચૈતન્ય-એ અનુભવ થી સિદ્ધ થઇ શકે છે.અને જે વિષય-અનુભવ થી વિરુદ્ધ હોય -
તેમાં વચન ની પ્રમાણતા મનાય જ નહિ.

હે,રામ,આકાશ જેવા મહા-ચૈતન્યની અંદર આ જે સઘળું દૃશ્ય-રૂપ બ્રહ્માંડ છે-તે મહા-ચૈતન્યમય જ છે,
એવો,અનુભવ પૂર્વક નિશ્ચય રાખો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-91



"ચૈતન્ય" એ સર્વદા દ્રશ્યો થી રહિત છે."નામ"થી રહિત છે.અને-
તેનું જે વિસ્તીર્ણ સ્વ-રૂપવાળું "રૂપ" છે તે જ "સ્ફુરણ-પામેલા-જગત" નું રૂપ છે.

મન,બુદ્ધિ,અહંકાર,પ્રાણીઓ,પર્વતો અને દિશાઓ-વગેરે,જે જે રચનાઓ છે તે ચૈતન્ય ની જ રચનાઓ છે.
કારણ કે  જગતની સ્થિતિ ચૈતન્ય-રૂપ છે.
માટે જગત ને ચૈતન્ય ના ધર્મ-રૂપ સમજો,જગત વિના ચૈતન્ય-પણું છે જ  નહિ,
જો જગત ના હોય--તો--ચૈતન્ય પોતાના ચમત્કાર વિનાનું જ થઇ જાય.
માટે જગતમાં અને ચૈતન્ય માં માત્ર કહેવા-માત્ર થી જ ભેદ છે,વાસ્તવિક ભેદ નથી.
એટલે પછી જગત ની જુદી સત્તા ક્યાંથી રહી?

સ્ફૂરણના બીજ-રૂપ-ચૈતન્ય માં તેનો પોતાનો જે ચમત્કાર છે-તે "જીવ અને તન્માત્રા-રૂપ" છે,
અને જે "અહંકાર" છે તે ચૈતન્યની "શક્તિ" નો જ વિલાસ છે.
એ (અહંકારના) "વિલાસ"માં -"ચૈતન્યના જ વિલાસ-રૂપ" -"ચલન-ક્રિયા" પ્રાપ્ત થાય છે-
એટલે તેનું ભવિષ્ય-કાળમાં "જીવ" એવું નામ કહેવાય છે.

જો કે-છતાંય ચૈતન્ય અને ચૈતન્ય-રૂપે પ્રકાશ કરનાર "અહંકાર" -વગેરે-પોતાના વિકારો થી વિભક્ત (જુદા)
થઇ "જીવ" વગેરે નામો ધારણ કરે છે,તો પણ વિકારો મિથ્યા-હોવાને કારણે-જુદા છે જ નહિ.
એટલે જીવ અને બ્રહ્મ માં કશો ભેદ (જુદાઈ) નથી.
ચૈતન્ય  "શક્તિ-રૂપ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈતન્યનો) જે વિલાસ છે-તે જ "જીવ"કહેવાય છે.
આમ,જીવ અને જીવો નું મન એ એ બંને ચૈતન્ય ના વિલાસ-રૂપ જ છે.
અને જે "મન" છે તે જ "ઇન્દ્રિયો-રૂપ" થયેલું છે.માટે એક જ "બ્રહ્મ" એ અનેક-રૂપે સત્તા પામેલું છે.

ચૈતન્ય ના પ્રકાશ ની સત્તા-રૂપ આ જગત સઘળા ભેદોથી રહિત એવું ચૈતન્ય-રૂપ જ છે.
કાર્યો અને કારણો -વગેરે કંઈ પણ બ્રહ્મ થી ભિન્ન નથી.

આ ઉપરથી-હંમેશા એવો નિશ્ચય રાખવો કે-
"હું (આત્મા-પરમાત્મા) છેદન પામવાને અશક્ય,બળવાને માટે અશક્ય,પલાળવાને અશક્ય,
શોષાવાને માટે અશક્ય- એવો-નિત્ય છું,વ્યાપક છું,અવિનાશી છું અને અચળ છું"

પોતપોતાના ભ્રમો થી બીજાઓને ભમાવતા-અને વાંધાઓ લેતા "વાદીઓ" (ખંડન-મંડન કરીને)
આ વિષયમાં વિવાદ કરે છે-પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયમાં પાકો નિશ્ચય થયો છે.

અજ્ઞાનીઓ એ દૃઢ કરીને માનેલા આ સાકાર જગતમાં વિકાર-વગેરે જુદા દેખાય છે,પણ,
જ્ઞાનીઓએ જગત નો  નિષેધ કરીને-નિરાકાર અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ નું જ અનુસંધાન કર્યું છે.
તે બ્રહ્મમાં,જગતમાં, અને વિકાર-વગેરેને  જુદા દેખતા નથી.
જયારે-ચૈતન્ય-રૂપ-વૃક્ષમાં; દૃશ્ય ના અનુસંધાન-રૂપ જળ સિંચાય છે-ત્યારે-
ચૈતન્ય-રૂપ-વસંત ની સ્વાભાવિક શોભા-રૂપ "માયા" -એ-
"આકાશ" માં પ્રફુલ્લિત થનારી,"કાળ-આદિ" નામ વાળી પોતાની મંજરી ને વિસ્તારે છે.

એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે છતાં,છિદ્ર-વાળા આકાશમાં સ્ફૂરે છે,
ચલન વગરનું છે છતાં,ચલન-વાળા વાયુ-રૂપે સ્ફૂરે છે,
આકાર વગરનું છે,છતાં પૃથ્વી ના વિચિત્ર રસો ને ઉલ્લાસ આપનાર સૂર્ય (અગ્નિ)-વગેરે રૂપે સ્ફૂરે છે,
દ્રવ્યતા વગરનું છે,છતાં,પૃથ્વી ની સૃષ્ટિ નહિ બની હોવાથી જળ રૂપે સ્ફૂરે છે.
કઠિન-પણા વગરનું છે,છતાં ધાતુઓ-શરીરો વગેરે ના ઉપાદાન-રૂપ પૃથ્વી-રૂપે સ્ફૂરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-90


આ સૂક્ષ્મ ચિદાકાશ-રૂપ "બ્રહ્મ" માં સમષ્ટિઓ કે વ્યષ્ટિઓ -એ કંઈ પણ નથી,તો પણ,
ચમત્કાર ને લીધે,તે જાણે "હોય" (છે) એવું પ્રતીત થાય છે.
તેમની એ પ્રતીતિ -અધિષ્ઠાનની સત્તા ને લીધે જ થાય છે.

બ્રહ્મ માં પોતાની મેળે જ જે ચમત્કાર ઉઠે છે તે "અહંભાવ" કહેવાય છે,અને,
તેનાં ભવિષ્યકાળમાં નામો તથા રૂપો કલ્પી લેવામાં આવે છે.
બ્રહ્મ ને પોતાનાથી અભિન્ન (પોતાનાથી જુદું નથી તેવું) અહંકાર નું જે અનુસંધાન થાય છે-તે-જ-
આ મહાવિસ્તીર્ણ (ફેલાયેલા) સંસાર-રૂપે બ્રહ્મ માં સ્ફૂરે છે.અને તે બ્રહ્મ-મય હોવાને લીધે અનંત છે.
આમ,બ્રહ્મ માં પ્રતીત થયેલા "બ્રહ્મ-રૂપ-દૃશ્ય" ને બ્રહ્મ થી જુદું પાડવું અશક્ય છે.-તો પણ,
પોતાની "શક્તિ"ને લીધે જ તે "પરિણામ-અને વિકાર" એવા શબ્દોના વ્યવહારમાં આવીને -
તે (બ્રહ્મ) જુદા જેવું જણાય છે.

ચૈતન્ય-અને ચૈતન્ય ને અધીન -"પ્રકાશ-વાળો-દૃશ્ય-વર્ગ" સ્વાભાવિક રીતે જુદો કરી શકાય નહિ-
એવા સ્વભાવને પામે છે,ત્યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-"ભ્રાંતિ" થી "જગત" કહેવાય છે.

આકાશ કરતાં પણ સૂક્ષ્મતા-વાળી અને અત્યંત વિસ્તાર-વાળી,એવી જે ચૈતન્ય ની "શક્તિ" છે-
તે પ્રથમ સ્વાભાવિક રીતે જ "અહંકાર" નું અનુસંધાન  કરે છે.
જયારે પોતાનામાં પોતાની મેળે જ -પોતા-રૂપ જ એવા અહંકાર નું ઝાંઝવાના જળ ની પેઠે સ્ફુરણ થાય છે-
ત્યારે તે ચૈતન્ય-વધી વધી ને બ્રહ્માંડ-રૂપે પરિણામ પામેલા,"સૂક્ષ્મ-અહંકાર" ને દેખે છે.
"ચમત્કાર" કરનારું એ ચૈતન્ય-પોતે જ પોતામાં એક અપૂર્વ ચમત્કાર કરે છે-
અને તેને "જગત" એવું નામ આપવામાં આવે છે.

હે,રાઘવ,અહંકાર ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે,અને જગત ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે.
માટે "અહંકાર અને જગત" -એ "ચૈતન્ય-રૂપ" છે.
તો પછી એવા અખંડ ચૈતન્ય માં "દ્વૈત અને અદ્વૈત" ક્યાંથી રહ્યા?

વાસના અને કર્મ આદિ ને "જીવ-ભાવ" નાં કારણ-રૂપ માનવામાં આવે છે,તો તેમનો ત્યાગ કરીને તમે-
"તું" અને "હું" એ ભાવ નો પણ ત્યાગ કરો,એટલે-
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) ના માધ્યમથી કેવળ "સત્તા" જ અવશેષ (બાકી) રહેશે.

પ્રથમ થી જ સિદ્ધ એવી અધિષ્ઠાન ની સત્તા-એ જુદી દેખાતી દૃશ્ય ની સત્તા ને ગળી જાય છે એટલે-કે-
જેમ,વાદળાં ટળી જતાં -એક આકાશની જ સત્તા ઉદય પામે છે-તેમ,અધિષ્ઠાન ની સત્તા ઉદય પામે છે.
અને એ સત્તામાં જગતની સત્તા કે અસત્તા -કશું જાણવામાં આવતું નથી.

મન ની ચેષ્ટા-રૂપ "સુક્ષ્મ જગત" પણ "શૂન્ય" છે અને

ઇન્દ્રિય -વગેરે ના વિષય-રૂપ આ "સાકાર-સ્થૂળ-જગત" પણ "શૂન્ય" છે.
એ બંને ચૈતન્ય ના ચમત્કાર-રૂપ છે,માટે ચૈતન્યથી ભિન્ન કઈ છે જ નહિ.

"અવયવ-વાળા-પદાર્થો" માં પણ-જે જેના વિલાસ-રૂપ હોય-તે તેથી કદી જુદો પડતો નથી,
તો પછી-"અવયવ-વગરના-ચૈતન્ય" ના વિલાસોમાં તો ચૈતન્ય થી ભિન્નપણાની વાત જ શી  કરવી?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-89


શ્રીરામ પૂછે છે કે-જીવ એક છે કે અનંત છે? અથવા જીવનો કોઈ પર્વત જેવો સમષ્ટિ પિંડ છે -કે-
તેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે,સમુદ્રમાંની જળકણો ની પેઠે,અથવા તો
તપેલા લોઢામાંથી નીકળતા અગ્નિ ના તણખાઓ ની પેઠે-"જીવો" નીકળ્યા કરે છે?
હે,ભગવન,મને તમે જીવના સમુહો કેમ બને છે તેનો તમે નિર્ણય કહો.
જો કે તમારા કહેવાનો અભિપ્રાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે,તો પણ ,
નિશ્ચય ને માટે,તમે એ વિષય નું સ્પષ્ટ-પણે વિવેચન કરો.

વશિષ્ઠ કહે છે કે- જીવ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ક્યાંથી હોઈ શકે?
આ તો "સસલાનું શિંગડું ઉડીને ચાલ્યું"  એવી તમે  વાત કરો છો.
હે,રાઘવ,જીવ-એક- નથી,જીવોના  સમુહો પણ નથી,અને જીવનો પર્વત જેવો કોઈ સમષ્ટિ-પિંડ પણ નથી.

સઘળાં પ્રતિભાસોવાળા જે કોઈ જીવો દેખાય છે,તેઓ કોઈ છે જ નહિ,
એવો આ વિષયમાં તમે પાકો નિશ્ચય રાખો."શુદ્ધ,નિર્મળ,ચૈતન-માત્ર અને વ્યાપક એક "બ્રહ્મ" જ છે,
એ બ્રહ્મ સઘળી "શક્તિ"ઓ વાળું હોવાથી -તે દ્રશ્યો-રૂપે ભાસે છે.

પરબ્રહ્મ-એ-પોતાની સત્તાનું -જ-જીવ,બુદ્ધિ,ક્રિયા,ચલન,મન,દ્વિત્વ (બે) એકત્વ (એક) -વગેરે વડે જે-
અનુસંધાન  કરતું દેખાય છે તે -અજ્ઞાન- થી જ થાય છે,
અને જો -જ્ઞાન- થાય તો-સઘળી સત્તા બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે.
"આત્મ-બોધ" થી એ -અજ્ઞાન- ટળી જાય છે,પણ તે આત્મ-બોધ થવો બહુ દુર્લભ છે.
જેમ,દીવો થતાં અંધકારનો ક્યાંય પત્તો મળતો નથી,તેમ,બોધ થતાં અજ્ઞાન પણ દૂર થઇ જાય છે.

આ પ્રમાણે જે જીવ છે તે જ -વિભાગરહિત,અખંડિત,સઘળી શક્તિવાળું,અને આદિ -અંત-રહિત,
એવું "બ્રહ્મ" જ છે.જે કંઈ જીવ અને જડ આદિ ભેદ દેખાય છે તે વાસ્તવિક રીતે બ્રહ્મ જ છે.

રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,જેમ તમે કહો છો તેમ જ હોય તો,સઘળાં જીવો સમષ્ટિ-રૂપે એક જ છે,
તો પછી,"એક"  જીવ ની ઇચ્છાથી "સઘળાં" જીવો ને કેમ સુખ-દુઃખાદિ થતાં નથી?

વશિષ્ઠ કહે છે કે-"વ્યષ્ટિ-રૂપ" વિભાગો થયા પહેલાં જ -
સઘળી શક્તિ-વાળા-એવા એ "સમષ્ટિ-વિરાટ" ની એવી ઈચ્છા હોય છે કે-
"સઘળાઓમાં હું એક જ સાચા સંકલ્પ-વાળો રહું,મારા વિના બીજા કોઈના સંકલ્પો સાચા થાય નહિ"
અને આથી તે -સમષ્ટિ-વિરાટ-નિરંતર - જેવી ઈચ્છા કરે છે કે- તરત-તે પ્રમાણે જ થાય છે.
પણ વ્યષ્ટિ જીવો ની ઈચ્છા પ્રમાણે થતું નથી.

એ "સમષ્ટિ-વિરાટે" પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ-રૂપ "વ્યષ્ટિ-જીવો" ની ક્રિયાના "ક્રમ' ને
માટે આવો નિયમ કર્યો કે-"તેઓની ક્રિયાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ
સંકલ્પ-માત્ર થી થાય નહિ"
આમ છતાં,કોઈ સમયે-રીત અને સાધનો વિના-પણ કોઈ મહર્ષિ વગેરે (વ્યષ્ટિ-જીવ) ની ઓ
સંકલ્પ-માત્ર થી સિદ્ધ થતી હોય કે થતી દેખાય તો ત્યાં-
સંકલ્પ સિદ્ધ કરવાની સમષ્ટિ-વિરાટ ની જ ઈચ્છા છે-એમ માનવું.
કોઈ પણ "જીવ" ની "ક્રિયા" (કર્મ) તેની "શક્તિ" પ્રમાણે જ ફલિત થાય છે.
અને તે "સમષ્ટિ-વિરાટે" સ્થાપેલા નિયમો મુજબ જ થાય છે.

"વ્યષ્ટિ-જીવો" જો
---"ઉપાસના"-ના માર્ગે ચાલે-તો-જેમ,તાંબુ-એ ઔષધો થી પાકી ને અનુક્રમે "સોનું" થાય છે -
તેમ,તે "સમષ્ટિ-વિરાટ" (ઔષધ) ને પામીને-પાકીને- અનુક્રમે "બ્રહ્મ-રૂપે" થાય છે.
---"જ્ઞાન" ના માર્ગે ચાલે તો-જેમ તાંબુ પારસમણિનો સંયોગ થતાં તરત જ સોનું થાય છે-
તેમ તરત જ -એટલે કે અનુક્રમ -વિના જ "બ્રહ્મ-રૂપ" થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 22, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-88



આ જગત "અધિષ્ઠાન-રૂપે સત્ય" છે,બાધરહિત છે,અખંડિત છે,આદિ-અંત થી રહિત છે,જ્ઞાન-માત્ર છે,
અને આકાશ ની પેઠે સ્વચ્છ છે.
તે "પર-બ્રહ્મ" માં "બ્રહ્મા" એ "શૂન્ય-રૂપ" જ છે.
પણ જે "પર-બ્રહ્મ" છે તે જ -સર્વદા "શૂન્ય" એવા "બ્રહ્મા-રૂપે" પ્રકાશે છે.
એ "બ્રહ્મા" એ "બ્રહ્મ" (પર-બ્રહ્મ)ના મનોમય શરીર-વાળા છે.પણ "પાંચ-મહાભૂત-શરીર" વાળા નથી.
પૃથ્વી-વગેરે પદાર્થો, એ "બ્રહ્મા" ના "સંકલ્પ" થી થયેલા છે-માટે તે સત્ય નથી.
પણ સસલા ના શિંગડા -જેવા અજાત પદાર્થો જેવા છે.

(૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-એ રીતે જગત અને અહંકાર -વગેરે કંઈ પણ દૃશ્ય ઉત્પન્ન થયું નથી.અને
ઉત્પન્ન થયેલું નહિ હોવાને લીધે-તે મુદ્દલ છે જ નહિ. જે કંઈ છે તે "બ્રહ્મ" જ છે.

જેમ,સમુદ્ર નું જળ તરંગ-પણા ને પ્રાપ્ત થાય છે,તેમ "બ્રહ્મ"  એ પોતે જ પ્રથમ "જીવ-પણા" ને પ્રાપ્ત
થાય છે,પણ, એ રીતે "જીવ-પણું" ધારણ કરવાથી,તેનું "બ્રહ્મ-પણું" મટી જતું નથી.
જેમ,સંકલ્પ-રૂપ-ચૈતન્ય ની વૃત્તિ,"સ્વપ્ન ના પર્વત" વગેરે ને પ્રિય માને છે,
તેમ,ભ્રાંતિ થી આ "વિરાટ-દેહ" ને પણ પ્રિય માને છે.

આ જે મોટો "વિરાટ-દેહ" છે તે પૃથ્વી-આદિ થી રહિત છે,મનોમય જ છે અને ચૈતન્યમાત્ર બ્રહ્મમય જ છે.
આ વિરાટ દેહ એ કોઈ પણ જગ્યાએ નિશ્ચિત હોય તેમ નથી અને સ્વપ્ન ના પર્વત જેવો છે.
સ્વપ્નમાં દેખાયેલું નગર જો સ્થિર રહે,તો આ વિરાટ-દેહ સ્થિર રહે,એમ છે.
ચિત્રકાર ના મનમાં રહેલું ચીતરવાનું સૈન્ય જો સ્થિર રહે તો-આ વિરાટ-દેહ સ્થિર રહે તેમ છે.
તે "બ્રહ્મ-રૂપ" વિરાટ-દેહ -તે ઉત્તમ સ્તંભ માં વણ-કોતરાયેલી પૂતળી-રૂપ છે.

પહેલા પ્રજાપતિ-એ -"બ્રહ્મા" કહેવાય છે.
તે પણ પૂર્વ-કાળ નાં કર્મ આદિ -કોઈ કારણો નહિ હોવાને લીધે-કારણો વિનાના જ છે.
પૂર્વ-કાળ ના સઘળા બ્રહ્માઓ (દરેક "કલ્પ" ના બ્રહ્માઓ) મહા-કલ્પો ના અંતમાં મુક્ત જ થઇ જાય છે.
માટે આ "કલ્પ" ના બ્રહ્માનાં પૂર્વ-કર્મો ક્યાંથી હોય?
જેમ,દર્પણ માં પ્રતિબિમ્બિત પદાર્થ એ મિથ્યા છે,તેમ બ્રહ્મમાં પ્રતીત થયેલા "બ્રહ્મા" પણ મિથ્યા જ છે.
તે-દૃશ્ય નથી,દ્રષ્ટા નથી,સ્ત્રષ્ટા(સર્જન કરનાર) નથી કે સૃજ્ય (સર્જન કરેલી વસ્તુ) પણ નથી.

જેમાં સઘળાં નામ-રૂપો ની કલ્પના થાય છે એવું "બ્રહ્મ" એક જ છે.
જેમ એક દીવામાંથી અનેક દીવાઓ ઉદય પામે છે,તેમ એક બ્રહ્મ માંથી અનેક જીવો ઉદય પામે છે.
જે,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નાઓનો ઉદય થાય છે,
તેમ હિરણ્યગર્ભમાંથી "વિરાટ"નો ઉદય થાય છે.(હિરણ્યગર્ભ-Ref=Chapter-82)
અને એ "સંકલ્પ-માત્ર વિરાટ"માંથી વ્યષ્ટિ-દેહ નો ઉદય થાય છે.
આથી વિરાટ અને વ્યષ્ટિ-દેહ -પૃથ્વી આદિથી રહિત જ છે.

પ્રથમ "સંકલ્પ-રૂપ -એ એક વિરાટ" માંથી,જે "બીજા સંકલ્પો-રૂપ જીવો" ઉદય પામે છે,
તેમની ઉત્પત્તિ માં બીજાં કોઈ "સહાયકારી કારણો" હોતાં નથી.તેથી તે "જીવો" એ વિરાટ-રૂપ જ છે.
સહાયકારક કારણો ન હોય તો,"કાર્ય" અને "કારણ" એક જ હોય છે.
આથી,બ્રહ્મમાંથી,આ જે ભ્રાંતિ-રૂપ સૃષ્ટિ ઉદય પામી છે,તે બ્રહ્મ થી ભિન્ન નથી.

"સૃષ્ટિ" વિરાટ થી અભિન્ન છે,અને વિરાટ-એ-બ્રહ્મ થી અભિન્ન છે.માટે "જીવ" એ "બ્રહ્મ" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE