અધ્યાય-૧૫૩-દુર્યોધનના સૈન્યની તૈયારી
II जनमेजय उवाच II युधिष्ठिरं सहानिकमुपयांतं युयुत्सया I सन्निविष्टं कुरुक्षेत्रे वासुदेवेन पालितम् II १ II
જન્મેજયે કહ્યું-'હે વૈશંપાયન મુનિ,યુદ્ધ કરવાની ઈચ્છાથી યુધિષ્ઠિર સૈન્ય સહિત,કુરુક્ષેત્રમાં આવ્યા,કે જેમનું શ્રીકૃષ્ણ રક્ષણ કરે છે,ને કેકયો,યાદવો ને બીજા સેંકડો રાજાઓ તેમનું રક્ષણ કરે છે,તે સાંભળી દુર્યોધને કયા કાર્યનો આરંભ કર્યો?'
વૈશંપાયને કહ્યું-'શ્રીકૃષ્ણ પાછા ગયા પછી,દુર્યોધને,કર્ણ-દુઃશાસન ને શકુનિને કહ્યું કે-'કૃષ્ણ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના જ પાંડવો પાસે ગયા છે,તેથી ક્રોધે ભરાયેલા તે અવશ્ય પાંડવોના ક્રોધાગ્નિને જાગ્રત કરશે એમાં સંશય નથી.પૂર્વે મેં પાંડવોને ઠગ્યા છે અને વિરાટ તથા દ્રુપદે પણ મારી સામે વેર બાંધેલું છે,એટલે વાસુદેવને અનુસરનારા તે બંને સેનાના નાયકો થશે.એટલે તમે યુદ્ધ સંબંધી સર્વ તૈયારીઓ કરાવો.અને આજે ઢંઢેરો પિટાવો કે 'કાલે યુદ્ધ માટે નીકળવાનું છે' આ કામમાં વિલંબ કરો નહિ.