અધ્યાય-૧૦૩-નવમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ मध्यं दिने महाराज संग्रामः समपद्यत I लोकक्षरकरो रौद्रो भीष्मस्य सहसोमकै:॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,બરાબર મધ્યાહ્ન કાળ થયો તે વખતે પિતામહ ભીષ્મ અને સોમક યોદ્ધાઓ વચ્ચે લોકોનો ક્ષય કરનારો રૌદ્ર સંગ્રામ થઇ રહ્યો હતો.ભીષ્મ હજારો બાણોથી પાંડવોની સેનાનો સંહાર કરી રહ્યા હતા.એ જોઈ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,
વિરાટરાજા અને દ્રુપદરાજા ભીષ્મ સામા આવી તેમના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ત્યારે ભીષ્મે પણ સામે તેમને વીંધ્યા.
શિખંડીએ આવીને જયારે ભીષ્મને વીંધી નાખ્યા-ત્યારે 'આ તો સ્ત્રી છે'એમ મનમાં વિચાર કરીને ભીષ્મે તેના પર પ્રહાર કર્યો નહિ.પછી,ભીષ્મે એક ભલ્લ બાણથી દ્રુપદરાજાના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજા બાણો મૂકી તેના સારથિને વીંધી નાખ્યો.




