અધ્યાય-૮-દ્રોણવધનું સંક્ષિપ્ત કથન
II संजय उवाच II तथा द्रोणमभिघ्नन्तं साश्वसूतरथद्विपान I व्यथिताः पांडवा द्रष्ट्वा न चैनं पर्यवारयन II १ II
સંજય બોલ્યો-આ પ્રમાણે દ્રોણાચાર્ય ઘોડાઓ,હાથીઓ,રથો સાથે પોતાના સૈન્યને લઈને આગળ વધતા હતા તે જોઈને પાંડવો ગભરાઈ ગયા અને તેમને અટકાવી શક્યા નહિ.પછી,યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુનને આજ્ઞા કરી કે 'તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યને ચોતરફથી આગળ વધતા અટકાવો.' ને આ રીતે આજ્ઞા થતાં અર્જુને અને ધૃષ્ટદ્યુમ્ને પોતાના અનુયાયીઓ સાથે દ્રોણાચાર્ય સામે ધસારો કર્યો.ત્યારે તેમને સાથ આપવા બીજા મહારથીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.અને સર્વ પોતપોતાના પરાક્રમો દેખાડવા માંડ્યા.ત્યારે તે સર્વને જોઈને રણમાં અતિ દુર્જય એવા ગુરુ દ્રોણાચાર્ય કોપાયમાન થઇ ને બાણોની વર્ષા કરીને પાંડવોના સૈન્યને વિખેરી નાખીને ચારે બાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા.




