Feb 19, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1051

અધ્યાય-૪૫-રણમાંથી દુર્યોધન નાઠો 


II संजय उवाच II आददानस्तु शुराणामायुंष्यभवदार्जुनिः I अंतकः सर्वभूतानां प्राणान काल इवागते II १ II

સંજય બોલ્યો-શૂરાઓનાં આયુષ્યને લઇ લેતો એ અર્જુનપુત્ર,પ્રાણોનું હરણ કરતા સાક્ષાત યમરાજ હોય તેમ,સર્વ ભૂતોનો કાળ જ થઇ પડ્યો હતો.પરશુરામ સરખા તે અભિમન્યુએ વ્યૂહમાં પ્રવેશ કરીને સત્યશ્રવાને ઝપટી લીધો.તેને પકડાયેલો જોઈને તેને છોડાવવા અનેક મહારથીઓ અભિમન્યુ પર ચડી ગયા.રુક્મરથ નામનો મદ્રરાજનો પુત્ર ભયભીત થયેલી સેનાને આશ્વાસન  આપતો ત્યાં આવી પહોંચ્યો ને અભિમન્યુ સામે ધસ્યો.ત્યારે અભિમન્યુએ ત્રણ ત્રણ બાણો મારીને તેનું ધનુષ્ય,તેની ભુજાઓ ને છેવટે તેનું મસ્તક ધડથી જુદું કર્યું.તેને મરણ પામેલો જોઈને તેના મિત્ર રાજપુત્રો અભિમન્યુને ઘેરી વળ્યાં.ને અનેક બાણોથી તેમણે અભિમન્યુને ઢાંકી દીધો,તે જોઈને દુર્યોધન એકદમ હર્ષમાં આવી ગયો ને તેણે તો અભિમન્યુને મરેલો જ માની લીધો.

Feb 18, 2026

ભાગવત રહસ્ય-૬૮-Bhgavat Rahasya-68

નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજીએ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકોને ઘર ના બારણા પર તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકાથી આવ્યો નથી.તે આવી જાય પછી-આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1050

 

અધ્યાય-૪૪-રાજા વસાતીય રણમાં પડ્યો 


II संजय उवाच II सैन्धवेन निरुद्वेषु जयगृद्विपु पांडुपु I सुघोरमभवद् युद्धं त्वदीयानां परैः सह II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે સિંધુરાજ જયદ્રથે,જયની ઈચ્છાવાળા પાંડવોને અટકાવી રાખ્યા હતા.જયારે,તમારા યોદ્ધાઓ અને પાંડવો વચ્ચે અતિઘોર યુદ્ધ થઇ રહ્યું હતું,ત્યારે બીજી બાજુ,જેમ,મગરમચ્છ સાગરને ખળભળાવી દે તેમ સત્ય પ્રતિજ્ઞાવાળો ને ગાંજ્યો ન જાય તેવો તેજસ્વી અભિમન્યુ સેનામાં પ્રવેશ કરીને તેને ખળભળાવી દેતો હતો.અભિમન્યુ અને કૌરવ સેનાના મહારથીઓ વચ્ચે દારુણ રસાકસી થઇ રહી હતી.શત્રુ પક્ષે અભિમન્યુને ઘેરી લીધો હતો છતાં,તેણે વૃષસેનના સારથિને મારી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.ત્યારે તેના ઘોડાઓ તેને રણમાંથી દૂર લઇ ગયા.

Feb 17, 2026

ભાગવત રહસ્ય-૬૭-Bhgavat Rahasya-67

વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રાનું વર્ણન ૩૨ શબ્દોમાં કર્યું છે.
આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1049

 

અધ્યાય-૪૩-જયદ્રથની અદભુત શક્તિ 


II संजय उवाच II यन्मां प्रुच्छसि राजेन्द्र सिन्धुराजस्य विक्रमम् I शृणु तत्सर्वमाख्यस्ये यथा पांडुनयोधयत II १ II

સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તમે મને સિંધુરાજના પરાક્રમ વિષે પૂછ્યું તો હવે તે વિષે સાંભળો.સિંધુદેશના ઘોડાઓ જોડેલા રથ પર વરાહના ચિહ્નનવાળો મહાન રૂપેરી ધ્વજ શોભતો હતો.તે રથમાં બેસીને જયદ્રથે મોટું ધનુષ્ય પહોળું કરીને અનેક બાણો ફેંકવા માંડ્યા હતા ને અભિમન્યુએ વ્યુહના જે જે ભાગો તોડી નાખ્યા હતા તેને પાછા પુરી દીધા હતા.તેણે સાત્યકિ,ભીમ,ધૃષ્ટદ્યુમ્ન,

વિરાટરાજ,દ્રુપદરાજ,શિખંડી,કેકયકુમારોને,દ્રૌપદીના પુત્રોને અને યુધિષ્ઠિરને અનેક બાણો છોડીને વીંધી નાખ્યા અને બીજા યોદ્ધાઓને મોટા બાણોના જથ્થાથી પાછા હટાવ્યા,એ અદભુત હતું.

Feb 16, 2026

ભાગવત રહસ્ય-૬૬-Bhgavat Rahasya-66

ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે.
ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુપ્રેમમાં તન્મય થઈને ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે.તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.
કબીર કહે છે--'જબ તુમ આયે જગતમેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય'