Sep 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1217

 

અધ્યાય-૧૩-કેકયકુમાર વિન્દ અને અનુવિન્દ પડ્યા 


II संजय उवाच II ततः कर्णो महेष्वासः पांडवानामनीकिनिम् I जघान समरे शूरः शरैः सन्नतपर्वभिः II १ II

સંજય બોલ્યો-તે પછી,મહાધનુર્ધર રણશૂરો કર્ણ બાણોનો મારો કરીને પાંડવોની સેનાનો સંહાર કરવા લાગ્યો ત્યારે સામે પાંડવ પક્ષના મહારથીઓ પણ તે કર્ણના મુખ આગળ જ તમારી સેનાને સંહારી રહ્યા હતા.તે વેળા નારાચ બાણોના પ્રહારથી કર્ણે હાથીઓને એટલો બધો માર મારવા મંડ્યો કે તેઓ મોટી ચીસો પાડીને દશેય દિશામાં ભમવા લાગ્યા હતા.ત્યારે નકુલ કર્ણ સામે યુદ્ધ કરવા સત્વર ધસી આવ્યો.અશ્વત્થામા સામે ભીમસેન ચડી ગયો ને સાત્યકિએ વિન્દ-અનુવિન્દને અટકાવી રાખ્યા.

Sep 9, 2026

ભાગવત રહસ્ય-૨૫૧-Bhgavat Rahasya-251

રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, 
ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી 
નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન 
કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.
પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. 
તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1216

 

અધ્યાય-૧૨-કુલૂતરાજ ક્ષેમધૂર્તિનો વધ 


II संजय उवाच II ते सेनेन्योन्यमासाद्य प्रहृष्टाश्वनरद्विपे I बृहत्यो संप्रजहाते देवासुरसमप्रभे II १ II

સંજય બોલ્યો-જેમના ઘોડાઓ,હાથીઓ અને મનુષ્યો ખુશખુશાલ જણાતા હતા તેવી એ બંને પક્ષની દેવાસુર સમાન કાંતિવાળી સેનાઓ સામસામે ભેટીને મારો ચલાવવા લાગી.અનેક પુરુષસિંહોના મસ્તકો ટપોટપ જમીન પર પડીને રણભૂમિને પાથરી દેવા લાગ્યા.વળી,ત્યાં હાથીઓ,ઘોડાઓ ને રથોનો કચ્ચરઘાણ થઈને પૃથ્વી પર પથરાયો.બંને પક્ષના શૂરાઓ અન્યોન્યનો સંહાર કરી રહ્યા હતા તેવામાં ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો,સાત્યકિ,ચેકિતાન આદિ યોદ્ધાઓ કૌરવ સૈન્ય સામે ધસી આવ્યા.તે ઉપરાંત પાંચાલો,કેકયો,કારુષો,કોસલો,માગધો આદિ યોદ્ધાઓ પણ ભીમ સાથે જોડાયા હતા.

Sep 8, 2026

ભાગવત રહસ્ય-૨૫૦-Bhgavat Rahasya-250

રામજીએ પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી –પછી પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે.
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.
શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ,શરીર છોડે છે.જે વિકાર-વાસના સાથે 
મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે 
તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.
દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા.
પણ જગતને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1215

અધ્યાય-૧૧-મકરવ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


 II धृतराष्ट्र उवाच II सेनापत्यं तु संप्राप्य कर्णो वैकर्तनस्तदा I तथोक्तमु स्वयं राज्ञा स्निग्धं भ्रातृसमं वचः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ત્યારે દુર્યોધને પોતે એક ભાઈની જેમ સ્નેહાળ વચન કર્ણને કહ્યું ને તે સેનાપતિ બન્યો,

સૂર્યના ઉદયની બાદ કે કર્ણે સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપ્યા પછી શું થયું હતું તે મને કહે.

સંજય બોલ્યો-ત્યારે તૈયાર કરાતા હાથી,ઘોડા,રથો,અને પાળાઓનો મહાન કોલાહલ થયો ને તેનો તુમુલ શબ્દ આકાશમાં અથડાવા લાગો.કર્ણના રથ પર શ્વેત પતાકા ફરકતી હતી,શ્વેત ઘોડાઓ જોડાયેલા હતા ને તેની ધજામાં નાગકક્ષ (હાથીની કેડે બાંધવાના સુવર્ણના પટ્ટાનું) ચિહન જણાતું હતું.તે રથમાં સેંકડો ભાથાઓ,ગદાઓ અને અનેક જાતનાં વિવિધ હથિયારો ભરેલા હતા ને તે રથની આસપાસ લોખંડી ઓઢણ જડેલો હતો.

Sep 7, 2026

ભાગવત રહસ્ય-૨૪૯-Bhgavat Rahasya-249

બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.
“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?
રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! 
મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? 
ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.