અધ્યાય-૯૭-દુર્યોધનની ચિંતા-અને ભીષ્મ પ્રત્યે પ્રાર્થના
॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा शकुनिश्चापि सौबलः I दुःशासनश्वाचत्रस्ते सुत्पुत्र्श्चदुर्जयः ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,તે રાત્રિમાં દુર્યોધન,શકુનિ,દુઃશાસન અને કર્ણ એકઠા મળીને વિચાર કરવા લાગ્યા કે-'આ યુદ્ધમાં પાંડવોને તેમના અનુયાયીઓ સહીત કેવી રીતે જીતવા?' દુર્યોધન,કર્ણ અને શકુનિને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે-'ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય ને ભૂરિશ્રવા-એ મહાન યોદ્ધાઓ આ યુદ્ધમાં કયા કારણથી પાંડવોનો વધ કરી શકતા નથી,તેનું કારણ મને જાણવામાં આવતું નથી.પાંડવોનો નાશ થતો નથી અને મારા સૈન્યનો નાશ થતો જાય છે.દેવોથી પણ ન મારી શકાય તેવા પાંડવોએ મને હરાવી દીધો છે,તો મને સંશય છે કે હું તેઓની સાથે કેવી રીતે યુદ્ધ કરી શકીશ?
કર્ણે કહ્યું-હે દુર્યોધન,તમે શોક ન કરો.હું તમારું પ્રિય કરીશ.ભીષ્મને આ સંગ્રામમાંથી ખસવા દ્યો.તેઓ જયારે શસ્ત્રોનો ત્યાગ કરશે ત્યારે એ ભીષ્મના દેખતાં પાંડવોનો ને સર્વ સોમકોનો હું નાશ કરીશ,એ હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું.ભીષ્મ હંમેશાં પાંડવો પર દયા રાખે છે ને એ પાંડવોને જીતવા,તે ભીષ્મ અશક્ત પણ છે.વળી,એ રણમાં અભિમાન ધરાવનાર છે,તેમને હંમેશા યુદ્ધ કરવું ઘણું પ્રિય લાગે છે.હે ભારત,તમે ભીષ્મના તંબુમાં જાઓ અને તેમને સમજાવીને તેમની પાસેથી શસ્ત્રો છોડાવી દ્યો.પછી,હું એકલો જ તે પાંડવોનો,મિત્રો,અનુનાયીઓ અને બાંધવો સહીત નાશ કરીશ-તે તમે જો જો'
કર્ણના વચનથી,દુર્યોધન,ઘોડા પર બેસીને ભીષ્મના તંબુમાં જવા નીકળ્યો ને ત્યાં પહોંચતા વેંત જ તે ઘોડા પરથી ઉતારી ભીષ્મ પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને આંખમાં આંસુ લાવી તેમને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,આ યુદ્ધમાં અમે તમારો આશરો કર્યો છે,કે જેથી ઇન્દ્રસહીત દેવો અથવા અસુરોને જીતવા માટે ઉત્સાહ ધરાવીએ છીએ તો પાંડવોને અને તેમના મિત્રોને જીતીએ તેમાં શું નવાઈ છે? તમે મારા પર કૃપા કરવા યોગ્ય છે અને જેમ ઇન્દ્રે દાનવોનો સંહાર કર્યો હતો તેમ તમે પાંડવોનો નાશ કરો.
હે મહારાજ 'હું સર્વ સોમકોને,કેકય સહીત,પાંચાલોને તથા કરુષોને મારી નાખીશ' એ પૂર્વે કહેલાં વચનોને હવે સત્ય કરો.ને તેમને હણીને સત્યવચની થાઓ.હે પ્રભો,પાંડવો પર દયાથી ને મારા પ્રત્યે દ્વેષભાવથી કે મારા મંદ ભાગ્યથી તમે જાણે પાંડવોની રક્ષા કરતા હો તેમ મને લાગે છે.(જો આમ જ હોય) તો પછી,તમે રણસંગ્રામને શોભાવનાર કર્ણને યુદ્ધની આજ્ઞા આપો,કે જેથી તે કર્ણ જ આ યુદ્ધમાં પાંડવોને મારીને તેમને જીતશે.' આમ કહી તે મૌન ધારણ કરીને બેસી રહ્યો (43)
અધ્યાય-97-સમાપ્ત