અધ્યાય-૧૧૪-દશમો દિવસ (ચાલુ)ભીમ અને અર્જુનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे शल्यं यतमानं महारथम् I छादयामस समरे शरैः सन्नतप र्वभि: ॥१॥
સંજયે કહ્યું-એ સંગ્રામમાં પોતાને આગળ વધતો અટકાવવાને પ્રયત્ન કરતા શલ્યને,અર્જુને બાણો મૂકીને છાઈ દીધો.વળી,તેણે સુશર્મા,કૃપાચાર્ય,ભગદત્ત,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ,કૃતવર્મા,દુર્મુર્ષણ અને અવંતીકુમારોને પણ બાણોથી વીંધી નાખ્યા.ત્યારે ચિત્રસેનના રથમાં બેઠેલા જયદ્રથે,સામે અર્જુન અને ભીમને વીંધ્યા.તે જ રીતે બીજા કૌરવ મહારથીઓએ પણ અર્જુન અને ભીમ સામે પ્રહાર કર્યો.એ ભયંકર યુદ્ધમાં થયેલો માનવ સંહાર અકલ્પનીય હતો.ને એ સંગ્રામમાં અર્જુન અને ભીમનું પરાક્રમ અદભુત હતું.અર્જુન એકલો જ બાણોનો વરસાદ વરસાવી ને તે સર્વ યોદ્ધાઓને અટકાવી રાખીને સંહાર કરતો હતો.





