અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ
॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥
સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.