અધ્યાય-૨૮-કાળના મુખમાં ભગદત્ત
II संजय उवाच II यियासतस्तत: कृष्णः पार्थस्याश्वान्मनोजवान I संप्रेपिद्वेमसंछन्नान् द्रोणानिकाय सत्वरन् II १ II
સંજય બોલ્યો-એ પ્રમાણે અર્જુને જયારે ભગદત્ત તરફ જવાની ઈચ્છા કરી ત્યારે શ્રીકૃષ્ણે,અર્જુનના મન સમાન વેગવાળા તથા સુવર્ણના સાજથી ઢંકાયેલા ઘોડાઓને ઘણી ઝડપથી દ્રોણના સૈન્ય તરફ હાંક્યા.દ્રોણાચાર્યે દુઃખી કરેલા પોતાના ભાઈઓને સહાય કરવા માટે જયારે અર્જુને પ્રયાણ કર્યું ત્યારે સુશર્મા પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેની પાછળ પડ્યો.તે જોઈ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે અચ્યુત,એક તરફ ભાઈઓ સહીત આ સુશર્મા મને યુદ્ધ કરવા બોલાવે છે અને બીજી તરફ યુધિષ્ઠિરના સૈન્યનો સંહાર થઇ રહ્યો છે,આજે મારુ મન આ સંશપ્તકોને લીધે બે સ્થળે વહેંચાઈ ગયું છે,આ સંબંધમાં તમારો શું મત છે?કયા કાર્યમાં મારુ કલ્યાણ રહેલું છે?તે તમે જાણો છો માટે તમે જ કહો'





