અધ્યાય-૪૮-છ જણાએ મળીને અભિમન્યુ ને રથ વિનાનો કર્યો
II संजय उवाच II स कर्ण कर्णिना कर्णे पुनर्विव्याध फ़ाल्गुनि:I शरै: पंचाशता चैनमविध्यत कोपयन भ्रुशम् II १ II
સંજય બોલ્યો-ફરીથી,અર્જુનના પુત્રે કર્ણી નામના એક બાણથી કર્ણના કાનને વીંધી નાખ્યો,ને તેને કોપાયમાન કરવા બીજાં પચાસ બાણોથી તેના પર પ્રહાર કર્યો.ત્યારે કર્ણે સામે તેને પચાસ બાણો માર્યા.પરસ્પર બાણોથી ભરાઈ ગયેલા તે બંને શરીરે લોહીથી ખરડાયેલા હતા.પછી,અભિમન્યુએ કર્ણના છ શૂરા પ્રધાનોને,સારથિ સહીત હણી નાખ્યા ને લગારે ગભરાયા વિના બીજા મોટા મોટા ધનુર્ધરોને દશ દશ બાણોથી વીંધી નાખ્યા તે ઘણું જ આશ્ચર્યજનક દેખાતું હતું.





