અધ્યાય-૬૪-રાજા અંબરીષનું ચરિત્ર
II नारद उवाच II नाभागमंबरिषं च मृतं सृंजय शुश्रुम I यः सहस्त्रं सहस्त्राणां राज्ञां चैकस्त्वयोधयत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,નાભાગનો પુત્ર અંબરીષરાજા પણ મરણ પામ્યો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા પોતે એકલો જ એકલાખ રાજાઓ જોડે યુદ્ધ કરતો હતો.પોતાને શરણે આવેલા શત્રુઓને વશ કરીને તથા આખી પૃથ્વી જીતી લઈને તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો યજ્ઞો કર્યા હતા.તેના યજ્ઞોમાં બ્રાહ્મણોને સારું સન્માન ને ભોજન આપવામાં આવતું હતું.બીજા હજારો મનુષ્યો યજ્ઞમાં પોતાને સુખ થાય એવા હેતુથી ઇચ્છાનુસાર માદક પદાર્થો પીતા હતા ને મદોન્મત્ત થઇ હર્ષપૂર્વક નૃત્યો કરીને અંબરીશ રાજાની સ્તુતિ કરતા હતા.





