અધ્યાય-૧૦૭-ક્ષેમધૂર્તિ,વીરધન્વા,નિરમિત્ર અને વ્યાઘ્રદત્તનું પતન
II संजय उवाच II बृहत्क्षत्रमथायांतं कैकयं द्रढविक्रमं I क्षेमधुर्तिर्महाराज विव्याधोरसि मार्गणैः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,દૃઢ પરાક્રમવાળા કેક્યવંશના બૃહત્ક્ષત્ર(ધૃષ્ટકેતુ)ને રણમાં ધસી આવતો જોઈને ક્ષેમધૂર્તિએ તેને બાણોથી છાતીમાં વીંધી નાખ્યો.તે સામે બૃહત્ક્ષત્રે દ્રોણાચાર્યના સૈન્યને તોડી નાખવાની ઈચ્છાથી તેને નેવું બાણોથી પ્રહાર કર્યો. ક્ષેમધૂર્તિએ એક ભલ્લ બાણથી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.એટલે બૃહત્ક્ષત્રે નવું ધનુષ્ય લઈને એક ક્ષણવારમાં જ ક્ષેમધૂર્તિને ઘોડા,સારથિ ને રથ વગરનો કરીને બીજું એક તીક્ષ્ણ બાણ મૂકીને ક્ષેમધૂર્તિના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું.ને હર્ષમાં આવી તે એકદમ કૌરવોના સૈન્ય તરફ ધસી ગયો.





